જે પોષતુ તે મારતુ એ કુદરતી ક્રમ દેખાઈ રહ્યો છે પટેલ અનામતના મામલે. રાજકારણીઓએ પોતે જ પાળી પોષીને મોટો કરેલો અનામત નામનો ભસ્માસુર આજે રાજકારણીઓને જ ભસ્મ કરી દેવા ભુરાયો થયો છે. રાજ્ય સરકાર પટેલ અનામતના આંદોલનને ડામી દેવા સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી મરણીયા પ્રયાસો કરી રહી છે તો કોંગ્રેસ પણ આ આંદોલનથી સલામત અંતર જાળવી રહી છે. પટેલ અનામતના આંદોલનકારીઓ આજે ‘ગુર્જરવાળી’ કરવાની ધમકીઓ આપે છે કારણ કે, આપણા દેશના રાજકારણીઓ એ જ લાગના છે. એમણે રાજસ્થાનમાં ‘ગુર્જરવાળી’ થવા દીધી ત્યારે આજે એવું કરવાની ધમકીઓ મળી રહી છે ને?
રાજસ્થાનમાં ભાજપની જ વસુંધરા સરકારે ગુર્જરો સામે ઢીલ મુકી ત્યારે જ મેં લખેલું કે, આ ખોટો દાખલો બેસી રહ્યો છે. જેના પર રાજદ્રોહ અને અટેમ્પ્ટ ટુ મર્ડર સુધીના મામલા નોંધાયા છે તેવા ગુર્જર આતંકવાદના (સોરી, આંદોલન બહુ પવિત્ર શબ્દ છે.)ના મુખ્ય સુત્રધાર કર્નલ કિરોડીસિંહ બૈંસલાને જેલભેગો કરવાને બદલે રાજસ્થાનની વસુંધરા સરકાર ઘુંટણીયે પડી ગઈ છે. રાજસ્થાન સરકાર બ્રિટિશરાજે ખાનગી સૂચિમાં જેમને ગુનેગાર કોમ તરીકે મુક્યા હતા તે ગુર્જરોને 5 ટકા અનામત આપવા તૈયાર થઈ ગઈ છે ત્યારે નાગાની પાંચશેરી ભારે એ કહેવત વધુ એક વાર સાચી સાબિત થઈ રહી છે.
ગુર્જરો સામે નમી જવાથી વધુ અનામત ઈચ્છતી દેશની અન્ય જાતિઓમાં એક ખોટો મેસેજ જશે કે, જો તમે દિવસો સુધી હાઈવેઝ અને રેલવે ટ્રેક્સ જામ કરી સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન અને રેલવેને કરોડોનું નુકસાન પહોંચાડી શકો, કેટલાક વિસ્તારોમાં ખુલ્લેઆમ પિસ્તોલ સહિતના હથિયારો લહેરાવી શકો, ક્યાંક ક્યાંક તોડફોડ અને આગજની કરી સમગ્ર રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નાર્થ સર્જી શકો તો રિઝર્વેશન તમારું જ છે. તમે સરકાર પાસે ધારો એ મુજબ લટુડા પટુડા કરાવી શકો છો. આવો, હુલ્લડો કરો અને અનામત લઈ જાવ. તમારી વધુ આરક્ષણ મેળવવાની લાયકાત આર્થિક-સામાજિક પછાતપણુ નહીં બલ્કે તમારી હુડદંગ મચાવવાની ક્ષમતા છે. બોલો ભારત માતા કી જય…
આઝાદીના સમયે કદાચ તત્કાલિન પરિસ્થિતિ જોતા કદાચ સાચા હેતુ સાથે થોડા સમય માટે શરૂ થયેલી અનામત પ્રથાને નેતાઓએ જ ઝેર-કોચલું બનાવી છે. તમે જ ગુર્જર જેવી અનેક જ્ઞાતિઓને પ્રોત્સાહિત કરી છે તો અબ ભુગતો.
વાસ્તવમાં જાતિ આધારિત અનામત પ્રથા રાજકારણીઓએ પોતે જ પેટ ચોળીને વકરાવેલુ શૂળ છે. જે આજે તેમને જ ભયંકર રીતે ભોંકાઈ રહ્યું છે. આ દેશનો તો દસ્તુર રહ્યો છે કે પોતાની જ્ઞાતિ-જાતિને અન્યાયના રોદણા રડો, પોતાની જ્ઞાતિ માટે વિવિધ માગણીઓના રણશીંગાં ફૂંકો, સરકારી ચોપડે પોતાની જ્ઞાતિને પછાત ચીતરાવી બતાવો અને બની જાવ નેતા. સરકારી લાભો અને મફતનું મેળવીને હરામનું ખાઈ લેવાની કુત્સિત વૃત્તિ ધરાવતી પ્રજાની કોણીએ અનામતનો ગોળ ચોંટાડી, ચટાડો અને ઉભી કરો તમારી વોટબેંક ને મેળવી લો ચૂંટણીની ટિકિટ. જો તમે કોઈ ચોક્કસ જ્ઞાતિ-જાતિમાંથી આ ધરતી પર અવતાર ધર્યો હોય તો ચોક્કસ મતક્ષેત્રોમાં તમને ટિકિટ મળવની શક્યતા વધુ ઉજળી બની જાય. આપણે ત્યાં લોકપ્રશ્ને આંદોલનો ચલાવીને જેટલા નેતાઓ નીકળ્યાં છે એટલા જ કદાચ જ્ઞાતિ-જાતિનું રાજકારણ રમીને નીકળ્યાં છે. અને કદાચ એટલે જ મોટાભાગના નેતાઓની વિચારધારા પોતાની મતબેંક પૂરતી સંકુચીત જ હોય છે. કમનસિબે જે.પી.ના આંદોલનમાંથી નીકળેલા લાલુ-નીતિશ જેવા નેતાઓ પણ આગળ વધીને જાતિનું રાજકારણ જ રમતા થઈ ગયા. એ લોકો તો વળી ‘મહાદલિત’ લાવ્યા છે. ભવિષ્યમાં કદાચ ‘મહાપછાત’ કે ‘પછાત નારાયણ’ લાવે તો પણ નવાઈ નહીં!
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી રહી ચૂકેલી મહિલા તેના કોઈ ચોક્કસ જ્ઞાતિમાં જન્મના કારણે કાયદાકીય રીતે પછાત ગણાય એ તે વળી કેવું? આવું કદાચ ભારતમાં જ થાય. માયાવતીઓ, મુલાયમો, લલ્લુ પ્રસાદ યાદવો અને પાસવાનો જેવાઓની તો પાર્ટીઓ જ મહદઅંશે નાત-જાત-ધર્મના ભેદભાવોની બુનિયાદ પર ઉભી છે. આ દેશમાંથી નાત-જાતના ભેદભાવો મટી જાય તો કદાચ આવા લોકોનું રાજકીય અસ્તિત્વ જ મટી જાય. એટલે જ આવા ખલનાયકો છાસવારે પાણીમાંથી પોરા કાઢીને હાસ્યાસ્પદ ને મહદઅંશે તો દયાજનક મુદ્દાઓ ઉભા કરીને જનતાને ભરમાવતા રહે છે. માયાવતી ભુતકાળમાં ‘દલિત કી બેટી પ્રધાનમંત્રી હોની ચાહીયે’ના ઢોલ પણ પીટી ચૂક્યા છે. તો લલ્લુ પ્રસાદ યાદવે નાત-જાતના રંગે રંગવામાં ભગાવાનોને બક્ષ્યા નથી. લાલુએ એક વાર એ મતલબનું નિવેદન કર્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ માત્ર રામ ભગવાનની યાત્રાઓ કાઢે છે કારણ કે, રામ રાજા હતા, ઉચ્ચકુળના હતા. કૃષ્ણ (યાદવ) પછાત વર્ગના હોવાથી તેમની યાત્રાઓ કાઢતા નથી. વિહીપે વળતા જવાબરૂપે તેમને કૃષ્ણના કાર્યક્રમોમાં હાજર રહેવાનું નિમંત્રણ આપેલુ અને ખાસ્સો વિવાદ ચગેલો. વી.પી. સિંહ આ દેશના માથા પર મંડલ કમિશન થોપી ગયા એ વખતના ખલનાયકોમાં પાસવાનનું નામ અગ્રશ્રેણીમાં મુકવું પડે. મંડલ કમિશન લાગુ કરવામાં એમણે દાખવેલી ખલનાયકી(એમની દ્રષ્ટિએ નાયકી)નો જશ તેઓશ્રી આજે પણ ખાટતા ફરે છે. પછાતપણાના પાપી પોલિટીક્સમાં હવે તો ભાજપ પણ કંઈ પાછળ નથી. મહારાષ્ટ્રના ભાજપી મુખ્યમંત્રી દેશની એક વિકસિત અને પાવરફૂલ મરાઠા પ્રજાને પછાત ઠેરવી અનામત અપાવવાની હાકલો કરે છે. તો પછી પટેલો શા માટે પાછળ રહે?
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે જાહેર કરેલી ઓબીસી જાતિઓમાં મહારાષ્ટ્રમાં ૭૦મા ક્રમે ‘કુણબી(કણબી), લેવા કુણબી, લેવા પાટીલ, લેવા પાટીદાર અને કુર્મી’નો સમાવેશ છે. મધ્યપ્રદેશમાં કેન્દ્રીય લાભ અપાવતી ઓબીસીની સૂચિમાં ૬૦મા ક્રમે ‘પાટીદાર, કુણબી અને કુર્મી’નો સમાવેશ છે. રાજસ્થાનમાં રાજ્યની જે ૮૧ જાતિઓને ઓબીસીમાં સમાવાઈ છે તેની યાદીમાં ર૮મા ક્રમે ‘કણબી, કલબી, પટેલ, પાટીદાર આંજણા, ડાંગી પટેલ, કુલમી’નો સમાવેશ છે.ચરોતરના મહેળાવથી રાજસ્થાન જઈ વસેલા લેઉવા પટેલનેય રાજસ્થાનમાં અનામતનો લાભ મળે છે. પટેલો પાસે અનામત માંગવાના ઘણા કારણો છે. તેઓ આર્થિક કે સામાજિક પછાત નથી એવો દાવો તો કરતા જ નહીં. ગુર્જરો તો એક સમયે રાજસ્થાનના કેટલાક પ્રાંતોના શાસકો રહી ચૂક્યા હોવા છતાં શા માટે અનામત આપી?
આપણે કદી કોઈ જ્ઞાતિ-જાતિના આગેવાનને તેની જ્ઞાતિ પછાતમાં ઉમેરાયાનો ઠુઠવો મુકતો-અફસોસ કરતો કે જ્ઞાતિને પછાતપણામાંથી બહાર લાવવાનો રણટંકાર કરતા નથી જોયો! હા, અહીં પછાતપણાની ઉજવણી જરૂર થાય છે. જ્ઞાતિને પછાત સાબિત કરી બતાવનારા કે બેકવર્ડમાં ઉમેરાવનારા નેતાઓનું હાર-તોરાથી સન્માન થાય છે. કદી કોઈ જાતિએ એવી માંગ કર્યાનું ધ્યાનમાં નથી કે વર્ષો સુધી અનામત સહિતના વિશેષાધિકારો મેળવ્યા બાદ હવે અમે સમૃદ્ધ થઈ ગયા છીએ માટે અમને પછાતની યાદીમાંથી કાઢી નાખો. જો વર્ષો સુધી અનામતો આપ્યા બાદ કોઈ જ્ઞાતિ-જાતિનું પછાતપણુ ભાંગતુ ન હોય તો પછી એનો ફાયદો જ શું? જો અનામતો કોઈ વર્ગને ગરીબીમાંથી બહાર કાઢવામાં અસમર્થ હોય, નિષ્ફળ રહી હોય તો શું હવે આખી જ્ઞાતિઆધારીત અનામત પ્રથા વિશે જ નવેસરથી વિચારવાનો સમય નથી પાકી ગયો?
અનામત પ્રથા સેચ્યુરેશન પોઈન્ટ વટી ગઈ છે. પટેલ અનામતની માંગમાં પોતાના માટે અનામતની માંગ કરતા અનામત પ્રથાના કારણે છીનવાતા હકની હૈયાવરાળ વધુ દેખાય છે. આજે પટેલોએ માંગી છે કાલે અન્ય જ્ઞાતિઓ માંગશે. અન્ય પછાતોના ક્વોટામાં ભાગ પડવાના ભયે રાજકોટમાં નરેન્દ્ર સોલંકી ધોકો પછાડી જ ચુક્યા છે. જો લગભગ દોઢેક કરોડની વસ્તી ધરાવતા પટેલોને ઓબીસીમાં સમાવે તો ઓબીસીમાં આવતી દોઢસો જેટલી જ્ઞાતિઓ વિરોધ નોંધાવે એ નક્કી. માટે પટેલ અનામત મુદ્દે પટેલ મુખ્યમંત્રી અને અનેક પટેલ મંત્રીઓ ધરાવતી સરકારની હાલત ના પાડે તો નાક કપાય અને હા પાડે તો હાથ કપાય જેવી છે.
જાતિ આધારિત અનામત પ્રથા આ દેશની વ્યવસ્થાને થયેલુ એક ભયંકર કેન્સર છે અને તેનો એક જ ઈલાજ છે એ બંધ કરો. અથવા તમામ જ્ઞાતિ-જાતિઓ તરફથી ઉઠતી અનામતની માંગ અને આંદોલનો માટે તૈયાર રહો. અત્યાર સુધી દેશમાં સતત અનામતમાં કઈ જ્ઞાતિ-જાતિઓને ઉમેરવી એ નક્કી કરવા માટે જ પંચો રચાયા. એક પંચ એવું રચો જે અનામતના લાભો મેળવનારી તમામ જ્ઞાતિઓનું રિએસેસમેન્ટ કરે અને પ્રમાણમાં સુખી સંપન્ન થયેલી અને ખાઈબદેલી જ્ઞાતિઓને પછાતના લેબલમાંથી બહાર કાઢે. ને જો એવી એક પણ જ્ઞાતિ-જાતિ ન મળે કે જે અનામતના લાભો મળવાથી આગળ આવી ગઈ હોય તો પછી બંધ કરો દેશની યુવા પેઢીના હાથમાંથી સમાન અધિકાર અને એક સરખી તકો છીનવતુ આ ડિંડક.
ફ્રી હિટ:
અનામત ખંજવાળ જેવી છે, જેટલી વલુરો એટલી વધે ને જેટલી પંપાળો એટલી પેંધી પડે!