નાગાની પાંચશેરી ભારે. આ કહેવત વધુ એક વાર સાચી સાબિત થઈ રહી છે. જેના પર રાજદ્રોહ અને અટેમ્પ્ટ ટુ મર્ડર સુધીના મામલા નોંધાયા છે તેવા ગુર્જર આતંકવાદના (સોરી, આંદોલન બહુ પવિત્ર શબ્દ છે.)ના મુખ્ય સુત્રધાર કર્નલ કિરોડીસિંહ બૈંસલાને જેલભેગો કરવાને બદલે રાજસ્થાનની વસુંધરા સરકાર ઘુંટણીયે પડી ગઈ છે. રાજસ્થાન સરકાર બ્રિટિશરાજે ખાનગી સૂચિમાં જેમને ગુનેગાર કોમ તરીકે મુક્યા હતા તે ગુર્જરોને 5 ટકા અનામત આપવા તૈયાર થઈ ગઈ છે. આ ખોટો દાખલો બેસી રહ્યો છે.
ગુર્જરો સામે નમી જવાથી વધુ અનામત ઈચ્છતી દેશની અન્ય જાતિઓમાં એક ખોટો મેસેજ જશે કે, જો તમે દિવસો સુધી હાઈવેઝ અને રેલવે ટ્રેક્સ જામ કરી સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન અને રેલવેને કરોડોનું નુકસાન પહોંચાડી શકો, કેટલાક વિસ્તારોમાં ખુલ્લેઆમ પિસ્તોલ સહિતના હથિયારો લહેરાવી શકો, ક્યાંક ક્યાંક તોડફોડ અને આગ લગાવી સમગ્ર રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નાર્થ સર્જી શકો તો રિઝર્વેશન તમારું જ છે. તમે સરકાર પાસે ધારો એ મુજબ લટુડા પટુડા કરાવી શકો છો. આવો, હુલ્લડો કરો અને અનામત લઈ જાવ. તમારી વધુ આરક્ષણ મેળવવાની લાયકાત આર્થિક-સામાજિક પછાતપણુ નહીં બલ્કે તમારી હુડદંગ મચાવવાની ક્ષમતા છે. બોલો ભારત માતા કી જય…
ભારત એક એવો વિચિત્ર પછાતાભીમાની દેશ છે કે જે સતત પ્રગતિ કરી રહ્યો હોવા છતાં તેના લોકો દિવસેને દિવસે પછાત થઈ રહ્યાં છે. અહીં આખીને આખી જાતિઓ રાતો રાત પછાત જાહેર થાય છે. ઓબીસીમાં મુકાય છે. લોકોને પછાત સાબિત થવાના અભરખા જાગે છે. નેતાઓને પછાત રાજકારણના શૂરાતનો ઉપડે છે. અહીં દલિત છે. મહાદલિત છે. ભવિષ્યમાં મહાપછાત પણ આવી શકે. પ્રતિજ્ઞાપત્રમાં લખો કે – ‘ભારત મારો દેશ છે. બધા ભારતીયો અહીં બ્રાહ્મણ, પટેલ, વાણીયા, જૈન, દલિત, ઓબીસી, એસ.સી., એસ.ટી., હિન્દુ, મુસ્લિમ, ભાજપી, કોંગ્રેસી, સામ્યવાદી, બંગાળી, પંજાબી, ગુજરાતી, મરાઠી વગેરે છે. આમાંથી કોઈ એકને પણ ચાહવા જતા બીજાઓ તમારા પોસ્ટર બાળે કે તમને પથરા મારે તે શક્ય છે.’
વાસ્તવમાં આ દેશમાં પછાતપણુ એ હિણપતભરી વાત રહી નથી. આગામી સમયમાં દેશમાં દરીદ્રનારાયણની જેમ ‘પછાતનારાયણ’ જેવો કોઈ શબ્દ કોઈન થાય તો પણ નવાઈ નહીં! કદી કોઈ જ્ઞાતિ-જાતિના આગેવાનને કદી તેની જ્ઞાતિ પછાતમાં ઉમેરાયાનો ઠુઠવો મુકતો-અફસોસ કરતો કે જ્ઞાતિને પછાતપણામાંથી બહાર લાવવાનો રણટંકાર કરતા નથી જોયો! હા, અહીં પછાતપણાની ઉજવણી જરૂર થાય છે. જ્ઞાતિને પછાત સાબિત કરી બતાવનારા કે બેકવર્ડમાં ઉમેરાવનારા નેતાઓનું હાર-તોરાથી સન્માન થાય છે. (જે હવે કર્નલ બૈંસલાનું થશે.) કદી કોઈ જાતિએ એવી માંગ કર્યાનું ધ્યાનમાં નથી કે વર્ષો સુધી અનામત સહિતના વિશેષાધિકારો મેળવ્યા બાદ હવે અમે સમૃદ્ધ થઈ ગયા છીએ માટે અમને પછાતની યાદીમાંથી કાઢી નાખો. જો વર્ષો સુધી અનામતો આપ્યા બાદ કોઈ જ્ઞાતિ-જાતિનું પછાતપણુ ભાંગતુ ન હોય તો પછી એનો ફાયદો જ શું? જો અનામતો કોઈ વર્ગને ગરીબીમાંથી બહાર કાઢવામાં અસમર્થ હોય, નિષ્ફળ રહી હોય તો શું હવે આખી જ્ઞાતિઆધારીત અનામત પ્રથા વિશે જ નવેસરથી વિચારવાનો સમય નથી પાકી ગયો?
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી રહી ચૂકેલી મહિલા તેના કોઈ ચોક્કસ જ્ઞાતિમાં જન્મના કારણે કાયદાકીય રીતે પછાત ગણાય એ તે વળી કેવું? આવું કદાચ ભારતમાં જ થાય. માયાવતીઓ, મુલાયમો, લલ્લુ પ્રસાદ યાદવો અને પાસવાનો જેવાઓની તો પાર્ટીઓ જ મહદઅંશે નાત-જાત-ધર્મના ભેદભાવોની બુનિયાદ પર ઉભી છે. આ દેશમાંથી નાત-જાતના ભેદભાવો મટી જાય તો કદાચ આવા લોકોનું રાજકીય અસ્તિત્વ જ મટી જાય. એટલે જ આવા ખલનાયકો છાસવારે પાણીમાંથી પોરા કાઢીને હાસ્યાસ્પદ ને મહદઅંશે તો દયાજનક મુદ્દાઓ ઉભા કરીને જનતાને ભરમાવતા રહે છે. માયાવતી ભુતકાળમાં ‘દલિત કી બેટી પ્રધાનમંત્રી હોની ચાહીયે’ના ઢોલ પણ પીટી ચૂક્યા છે. તો લલ્લુ પ્રસાદ યાદવે નાત-જાતના રંગે રંગવામાં ભગાવાનોને બક્ષ્યા નથી. લાલુએ એક વાર એ મતલબનું નિવેદન કર્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ માત્ર રામ ભગવાનની યાત્રાઓ કાઢે છે કારણ કે, રામ રાજા હતા, ઉચ્ચકુળના હતા. (પોઈન્ટ ટુ બી નોટેડ કે કેટલાકના મતે ગુર્જરો પણ ભગવાન રામના વંશજ એવા સૂર્યવંશી ક્ષત્રિય છે.) કૃષ્ણ (યાદવ) પછાત વર્ગના હોવાથી તેમની યાત્રાઓ કાઢતા નથી. વિહીપે વળતા જવાબરૂપે તેમને કૃષ્ણના કાર્યક્રમોમાં હાજર રહેવાનું નિમંત્રણ આપેલુ અને ખાસ્સો વિવાદ ચગેલો. વી.પી. સિંહ આ દેશના માથા પર મંડલ કમિશન થોપી ગયા એ વખતના ખલનાયકોમાં પાસવાનનું નામ અગ્રશ્રેણીમાં મુકવું પડે. મંડલ કમિશન લાગુ કરવામાં એમણે દાખવેલી ખલનાયકી(એમની દ્રષ્ટિએ નાયકી)નો જશ તેઓશ્રી આજે પણ ખાટતા ફરે છે. પછાતપણાના પાપી પોલિટીક્સમાં હવે તો ભાજપ પણ કંઈ પાછળ નથી. મહારાષ્ટ્રના ભાજપી મુખ્યમંત્રી દેશની એક વિકસિત અને પાવરફૂલ મરાઠા પ્રજાને પછાત ઠેરવી અનામત અપાવવાની હાકલો કરે છે.
પાઠ્યપુસ્તકોમાં ભણાવાય છે તેમ ભારતમાં વિવિધતામાં એકતા કેટલી છે એ તો રાજા રામ જાણે પણ દેશના રાજકારણની બજારમાં એકતાઓ વિશાળ રેન્જમાં મળે છે. ચૂંટણીઓ નજીક આવતા જ લોકોની એકતામાં વિવિધતા ફાટી નીકળે છે. બ્રહ્મ એકતા…કોળી એકતા…ક્ષત્રિય એકતા…વગેરે વગેરે વગેરે…! દેશમાં (જાતિ આધારીત) આરક્ષણ પર રમાતા ગંદા રાજકારણ પર ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે કે, ‘જે દેશમાં પ્રતિભાવાનને મુખ્યધારામાંથી ફેંકીને સામાન્યથી પણ બદતર કક્ષાવાળાને વ્યાસપીઠ પર બેસાડવામાં આવે છે, એ સમાજ વંચિતને આદર આપવાની આત્મવંચનામાં ડેથ-વિશ અથવા આત્મઘાતની દિશામાં આગળ વધી રહ્યો છે.’
અપન કા ઈન્ડિયામાં કોઈ જાતિના લોકો પછાત સાબિત થવા માટે આંદોલનો છેડી શકે છે. રેલ વ્યવહાર ખોરવી શકે છે. રાજગોર(જે રાજાઓના ગોર હતા તે) બ્રાહ્મણો પણ પછાતની યાદીમાં હોઈ શકે છે. જૈનો લઘુમતિમાં મુકાયા બાદ એક જૈન નેતાને એવું કહેતા સાંભળ્યો કે, ‘લઘુમતિમાં મુકાવાથી અમને શું ફાયદો થયો એ જ નથી સમજાતું. આના કરતા અમને બેકવર્ડમાં મુક્યા હોત તો કંઈક લાભો તો મળેત.’ વોટ નોનસેન્સ? આ તે કેવી પછાતપદુડી, સંકુચીત, ભીખમંગી, વેવલી, માનસિકતા? માત્ર જૈન જ નહીં પણ અનેકાનેક જ્ઞાતિ-જાતિ-ધર્મના લોકોને આર્થિક સહાયથી તારનારા, શિક્ષિત કરનારા, પગભર કરનારા દિપચંદ ગારડી જેવા શ્રેષ્ઠી પેદા કરનારો સમાજ પછાત કેવી રીતે હોઈ શકે? વેલ એ તો કોઈનો વ્યક્તિગત રાજકીય મત હોઈ શકે છે પણ જૈનો કદી પછાત હતા નહીં, રહેશે પણ નહીં. બલ્કે અનેક ક્ષેત્રોમાં જૈનશ્રેષ્ઠીઓ અગ્રેસર રહ્યા છે અને રહેશે. પારસીઓ અને શીખો માટે પણ આ જ વાત કોન્ફિડેન્શથી કહી શકાય.
ભારતમાં ધાર્મિક લઘુમતિની વાત કરીએ તો જો રાષ્ટ્ર ધર્મનિરપેક્ષ હોય તો અહીં ‘ધાર્મિક લઘુમતિ’ જેવા શબ્દનો પણ સ્વીકાર કેવી રીતે થઈ શકે? એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં ‘ધાર્મિક લઘુમતિ’ નામની કોઈ વસ્તુનું અસ્તિત્વ જ અસંગત, વિચિત્ર અને વિરોધાભાષી નથી લાગતું? જો દેશ બિનસાંપ્રદાયીક એટલે કે ધર્મનિરપેક્ષ હોય મતલબ કે કોઈ ધર્મનું વર્ચસ્વ સ્વીકારતો ન હોય, ધાર્મિક ભેદભાવમાં માનતો ન હોય તો આ દેશમાં ધર્મો(લઘુમતિઓ)ને વિશેષાધિકારો-વિશેષ છૂટછાટો શા માટે? અને જો એક સેક્યુલર રાષ્ટ્ર હોવાના નાતે ધર્મોને સંવર્ધન-સરક્ષણ માટે ધર્મોને વિશેષાધિકારો મળે તો તમામ ધર્મોને સમાનપણે શા માટે ન મળે? બહુમતિ-લઘુમતિના અને બહુમતિ-લઘુમતિમાં ભાગલા અને ભેદભાવ શા માટે? આ દેશમાં કોઈ સંપ્રદાયને ‘ધાર્મિક લઘુમતિ’નો દરજ્જો આપવો એ જ આપણી ધર્મનિરપેક્ષતાની મુળ ભાવનાના પાયામાં પ્રહાર નથી? બાય ધ વે ‘બિનસાંપ્રદાયીકતા’ શબ્દ અને સેક્યુલારિઝમનો મુદ્દો પોતે જ સાંપ્રદાયીકતાના પાયા પર ઉભેલો છે. સાંપ્રદાયીકતા જ ન હોય તો બિનસાંપ્રદાયીકતા ક્યાંથી આવે?
*અનામત શોટ!*
ત્રણ-ચાર વર્ષ પહેલા મેં લખેલી એક કવિતાની પંક્તિ-
‘કોમવાદ ને પ્રાંતવાદ, વળી પાછો આ ત્રાસવાદ
એમા ભળ્યો પક્ષવાદ, ના ઘટતો કદી આ લાંચવાદ.
વાતે વાતે દુભાઈ જતી આ લોક લાગણી,
ને વારે વારે થાતી અઘટીત અનામત માગણી.’