તક્ષશીલાથી તજજ્ઞ થઈને પરત ફરેલો ચાણક્ય જ્યારે નંદને મળવા જતો હોય છે ત્યારે એને રસ્તામાં નંદની ચાંપલૂસી કરી ખાતા કેટલાક બ્રાહ્મણો મળે છે. તેઓ નંદના ગુણગાન ગાતા કહે છે કે, સૂર્યના ઉપાસક મહારાજ નંદ તો બહુ દાની છે. કોઈ બ્રાહ્મણને ખાલી હાથે પાછો નથી મોકલતા.
રાજ્યના હિતમાં રાજાને મોઢામોઢ સંભળાવવાનું કર્તવ્ય બજાવવાને બદલે દાન મળવાથી ખુશ થઈને જી હજુરી કરતા ચાટુક પ્રકૃતિના બ્રાહ્મણોને જોઈ ચાણક્યની કમાન છટકે છે. તે કહે છે કે, બહુ દુ:ખની વાત છે કે, તમે બ્રાહ્મણ છો. એક કાયર રાજાની પ્રશંસામાં મિથ્યાવાચન કરતા તમને શરમ નથી આવતી? મહારાજ કેટલા દાની છે એનો અંદાજ હું કુસુમપુર અને પાટલિપુત્ર વચ્ચેના ગામોની સુકાયેલી જમીન અને જ્યાં દીવા નથી બળતા એવા ખાલી ઘરો જોઈને લગાવી શકું છું. આ પ્રદેશોમાં જે ભૂલો-ભટક્યો જનસમૂહ ટકેલો છે, એમને ત્યાંથી એમની બહુ-બેટીઓ ગાયબ છે. તમે મહારાજને દાની ગણાવો છો, તેઓ સૂર્યના ઉપાસક છે એ પણ જણાવી રહ્યા છો પરંતુ શું તમે એ જણાવી શકો છો કે તમારે ત્યાં તમારા ઘરની સ્ત્રીઓની મર્યાદા અને આબરૂ સુરક્ષીત છે?
રાજાએ ફેંકેલા ટૂકડાઓ ચરી ખાતા ને નંદની ભાટાઈ કરતા બ્રાહ્મણોને ખરેખરી સંભળાવી એ ચણકપુત્ર વિષ્ણુગુપ્ત રાજા નંદના દરબારમાં પહોંચે છે. એ ત્યાં ચપ્પણીયુ લઈને નહોતો ગયો. એણે ત્યાં જઈને પોતાના કે પોતાના કુટુંબીજનો માટે સરકારી નોકરીની માંગ નહોતી કરી. એણે ત્યાં જઈને અનામત નહોતી માંગી. એ બ્રહ્મપુત્ર તો પોતે જ આખા ભારતવર્ષનો નવો ઈતિહાસ લખવાની ખુમારી અને ખુદ્દારી ધરાવતો હતો. તે એક એવું પ્રેકટિકલ જ્ઞાન મુકીને જવાનો હતો જે કદી આઉટ ઓફ ડેઈટ નહોતુ થવાનું.
એ સત્તાના મદમાં અંધ થઈને રાજ્યનું અહિત આચરનારા નંદને મોઢા મોઢ સંભળાવે છે કે, બસ કર મુરખ રાજા! તું સમજે છે કે તું ભાગ્યનો નિર્માતા છે. નશાના કારણે જે પોતાના ખુદના પગ નથી સંભાળી શકતો એ કોઈ રાષ્ટ્રને કેવી રીતે ચલાવી શકે છે?
ચાણક્યના બ્રહ્મવચનો સાંભળી તમતમી ગયેલો નંદ સૈનિકોને ચાણક્યને પકડીને બહાર મુકી આવવાનો આદેશ કરે છે. સૈનિકોની બળજબરીમાં ચાણક્ય સંતુલન ગુમાવે છે અને તેની શિખા ખુલી જાય છે. એ ચાણક્યની શિખા નહોતી ખુલી પણ આખા મગધ સામ્રાજ્યનું નસિબ ખુલી ગયુ હતું. શિખા ખુલતા જ વિષ્ણુગુપ્ત ગુસ્સાથી થરથરી ઉઠે છે અને એક પ્રતિજ્ઞા કરે છે. એક એવી પ્રતિજ્ઞા જે આખા સામ્રાજ્યનો તખ્તો પલ્ટી નાખવાની હતી.
એ પ્રતિજ્ઞા કરે છે કે, તમે આ ભર્યા રાજ દરબારમાં મારી શિખા ખોલી છે. હું પ્રતિજ્ઞા લઈને કહું છું દુષ્ટ નંદ, આ શિખા ત્યાં સુધી ખુલ્લી રહેશે જ્યાં સુધી તારા વંશનો સંપૂર્ણ નાશ નહીં થઈ જાય. તું જોજે કે સર્પિણી સમાન ખુલેલી મારી આ શિખા તારા વંશને કેવી ડંખે છે. હું તારા વંશનો નાશ કરીને જ મારી શિખા બાંધીશ. ચાણક્ય નક્કી કરે છે કે, નંદને સિંહાસન પરથી હટાવીને ત્યાં કોઈ ક્ષત્રિયને બેસાડવાનો સમય પાકી ગયો છે. પરશુરામનો વંશજ ચણકપુત્ર વિષ્ણુગુપ્ત એ કરી પણ બતાવે છે અને પછી જ પોતાની શિખા બાંધે છે.
***
બ્રાહ્મણો બે પ્રકારના હોય. એક ચાણક્ય જેવા. જે સત્તા-સિંહાસન પાસે પોતાના માટે ભિક્ષા ન માંગતા હોય પણ પોતે જ નક્કી કરતા હોય કે એ સિંહાસન પણ કોણ બિરાજશે. અને બીજા એવા જે ચાણક્યને રસ્તામાં મળ્યા હતા. આજે અન્ય જ્ઞાતિઓના વાદે ચડીને અનામતની માંગ કરનારા બ્રાહ્મણો એ જ છે જે દાનની લાલચે અગાઉ નંદ જેવાઓની ભાટાઈ કરતા હતા.
પટેલ આંદોલનને પગલે ઠેર ઠેર ધીમા અવાજે બ્રાહ્મણોને અનામતની પણ માંગ શરૂ થઈ છે. અમરેલીમાં બ્રહ્મસમાજની એક રેલી નીકળેલી. એ રેલીના બેનરમાં લખ્યું હતું કે અન્યાય, અવગણના અને અવમુલ્યનના વિરોધમાં અનામતની માગણી. થોડા દિવસો પહેલા મેં એક વનલાઈનર લખેલુ કે, કેટલાકનો માત્ર ક્લાસ જ નહીં પણ માનસિકતા પણ બેકવર્ડ હોય છે. અમરેલીમાં નીકળેલી રેલી એટલે આ બેકવર્ડ માનસિકતાનું પ્રદર્શન.
બ્રાહ્મણોને અન્યાય, અવગણના અને અવમુલ્યન? જો અનામતમાં નથી મળતી એને અન્યાય ગણો તો ભલે. પણ એ માત્ર બ્રાહ્મણોને નહીં તમામ સવર્ણોને અન્યાય છે. પરંતુ આ અવગણના અને અવમુલ્યન ક્યાં આવ્યું? પહેલા એ જણાવો કે કયા આધાર પર બ્રાહ્મણો માટે અનામત માંગો છો? આ દેશમાં અનામતો પછાતો માટે છે અને પછાત એટલે માત્ર આર્થિક રીતે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પણ પછાત. બ્રાહ્મણો સમાજિક અને શૈક્ષણિક રીતે આજે તો ઠીક કોઈ યુગમાં પછાત ન હતા. વાંચન-લેખનના તમામ ક્ષેત્રે બ્રાહ્મણોનો દબદબો રહ્યો છે. લેખકો-પત્રકારોની યાદી બનાવશો તો સિત્તેર ટકાથી વધુ બ્રાહ્મણો નીકળશે એની ગેરંટી. એ જ રીતે તમે જે સરકારી શાળામાં ભણ્યા હોય એના શિક્ષકો અને તેમની અટકો યાદ કરી જુઓ. મોટાભાગના શિક્ષકો અને મોટાભાગના શ્રેષ્ઠ શિક્ષકો બ્રાહ્મણો જ હોવાના.
બ્રહ્મસમાજ માટે અનામત માંગનારાઓ તમે પોતે જ એક અમાપ બુદ્ધિશક્તિ, આવડત, જ્ઞાન ધરાવતી પ્રજાનું અવમુલ્યન કરી રહ્યા છો. જેનામા ટેલેન્ટ હોય એને આગળ વધતા દુનિયાની કોઈ તાકાત નથી રોકી શકતી. બ્રાહ્મણનો દિકરો જ્યારે કોઈ ક્ષેત્રમાં પૂરા જનૂન અને સમર્પણ સાથે ઝંપલાવે ત્યારે એ ક્ષેત્રમાં ટોચ પર પહોંચે છે. જ્યારે સચિન રમેશ તેન્ડુલકર નામનો એક બ્રાહ્મણ કવિનો પુત્ર ક્રિકેટમાં ટોચ પર પહોંચવાની નેમ સાથે ચોટલી બાંધે ત્યારે એ ક્રિકેટનો ભગવાન બને છે. અમિતાભ હરીવંશરાય શ્રીવાસ્તવ નામનો એક બ્રાહ્મણ જ્યારે એક્ટિંગ ક્ષેત્રે જવાનું નક્કી કરે ત્યારે બોલિવુડ અને ભારતને સદીનો મહાનાયક મળે છે. બ્રાહ્મણ કુટુંબમાંથી આવતી બે કન્યાઓ ગાયનક્ષેત્રે જવાનું નક્કી કરે ત્યારે આ દેશને લતા મંગેશકર અને આશા ભોંસલે નામની બે સ્વરસામ્રાજ્ઞી પ્રાપ્ત થાય છે. વિશ્વનાથન આનંદ નામનો એક વિપ્ર યુવાન પોતાની બુદ્ધીના બળે રશિયા સહિત આખી દુનિયાને હિન્દુસ્તાનના કદમોમાં ઝુકાવે છે. આ દેશના સર્વોચ્ચ પદે રાષ્ટ્રપતિ તરીકે બ્રહ્મપુત્ર પ્રણવ મુખર્જી બિરાજમાન છે. ત્યારે હાળા અક્કલના ઈસ્કોતરાઓ, બુદ્ધિના બારદાનો તમે કયા મોંઢે બ્રાહ્મણોના અવમુલ્યનની વાત કરો છો?
બ્રાહ્મણોને વળી અન્યાય શેનો? 1950થી 2000ની સાલ સુધી ભારતની અદાલતોમાં રહી ચૂકેલા કુલ ચીફ જસ્ટિસમાંથી 47 ટકા બ્રાહ્મણો હતા. આ દેશમાં અડધી સદી સુધી ન્યાયતંત્રમાં સર્વોચ્ચ પદે બિરાજી ન્યાય તોળનારાઓ પૈકી અડધોઅડધ તો બ્રાહ્મણો હતા.
કલ્કિ પુરાણ મુજબ કલ્કિ અવતાર બ્રાહ્મણ કુળમાં લખાયેલો છે. ભીષ્મ, દ્રોણ અને કર્ણ જેવા મહાન યોદ્ધાઓને શસ્ત્રવિદ્યા શીખવનારા અને કલ્કિ અવતારના પણ ગુરુપદે જેમનું નામ લખાયેલુ છે તેવા પરશુરામ અને ક્ષત્રિયને સિંહાસને બેસાડનારા ચાણક્યના વંશજો આજે ‘બેકવર્ડ ક્લાસ’માં જવાની વાતો કરે ત્યારે લોહી ધગધગી ઉઠે છે. દક્ષિણા અને ભીખમાં ફરક છે. ભિક્ષા માંગવી એ બ્રાહ્મણનો હક હશે પણ કોઈનો હક છીનવી અણહકનું ચરવાનો કોઈને હક નથી. કમંડળ છોડીને લોટો ઉપાડવાની આ ચેષ્ઠા બ્રહ્મગૌરવની ગરિમાનું ચીરહરણ કરી રહી છે.
ફ્રી હિટ:
शत्रुर्मित्रवत् प्रतिभाति। मृगतृष्णा जबवत् भाति।
બુદ્ધિ ભ્રષ્ટ થાય ત્યારે શત્રુ મિત્ર જેવો લાગે છે. બુદ્ધિ લાલચુ થઈ જાય ત્યારે રણ પણ જળ જેવું દેખાવા લાગે છે.
-ચાણક્ય