ચોંકાવનારી શરૂઆત અને હોલિવૂડની ફિલ્મને ટક્કર મારે તેવો રોચક અંત ધરાવતી નોવેલના લેખકનો ઈન્ટરવ્યૂ
સ્ટોરી :
1960ના દાયકાનો સમય છે. દેશમાં લાલ બહાદુર શાસ્ત્રીની સરકાર છે. આઝાદીના લડવૈયા સુભાષચંદ્ર બોઝ જીવતા હોવાની ચર્ચા ચરમસીમાએ છે. સુભાષ બાબુ અંગે જાત જાતની કિવદંતીઓ પ્રચલિત થઈ રહી છે. એક મઠના બાબા સુભાષ બાબુ હોવાની વાતો સાંભળી ઉત્સુકતાથી પ્રેરાઈને ઈન્ડિયન નેશનલ આર્મીના એક કર્નલ અને એક કમાન્ડર સુભાષ બાબુની શોધમાં નીકળે છે. જ્યાં સુભાષ બાબુ હોવાની વાતો ચર્ચાતી હોય છે ત્યાં જાય છે પણ સુભાષ બાબુ મળતા નથી. પરિણામ શૂન્ય આવે છે. અંતે હારી થાકીને ઘરે જવા રવાના થાય છે. ત્યારે તેમને અંદાજ નથી હોતો કે આઝાદ ભારતનું સૌથી મોટું અને ગુઢ રહસ્ય તેમના ઘરે જ તેમનો ઈંતજાર કરી રહ્યું હશે. ઘરે પહોંચતા વેંત જ તેમની આંખો અચરજથી પહોળી થઈ જાય છે. ગુલામ હિન્દુસ્તાનની ‘આઝાદ’ ફોજનો સેનાપતિ, દેશવાસીઓને ‘તુમ મુઝે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા’નું સુત્ર આપનારો નરબંકો, આઝાદીની લડાઈમાં સુપરહિરો જેવી કહાનીઓનો સર્જક ‘તુમ મુઝે બાહર ઢુંઢ રહે થે ઓર મેં તુમ્હારા યહાં ઈંતજાર કર રહા થા’ની સ્ટાઈલમાં તેમના ઘરે જ મોજૂદ હોય છે.
નેતાજી સુભાષચંદ્ર બોઝ જીવતા, સાક્ષાત, સદેહે પાછા આવ્યા છે. બોઝ બાબુના ચાહકોની આશા સાચી નીવડે છે. દેશભરમાં સનસનાટી મચી જાય છે.
બીજે દિવસે સવારે દેશના તમામ અખબારોને લગભગ એકસરખી જ હેડલાઈન હોય છે કે- SUBHASH IS ALIVE. નેતાજી પ્રેસમાં પ્રથમ નિવેદન આપે છે કે, તેઓ રશિયાની જેલમાં હતા અને ભારત પરત ફરવા માટે ત્યાંથી ભાગી છૂટ્યા. આ સનસનીખેજ સમાચાર દેશભરમાં આગની જેમ ફેલાઈ જાય છે. હિન્દુસ્તાનના રાજકારણમાં એક બહુ મોટો ભૂકંપ આવે છે. અનેક નેતાઓ ખળભળી ઉઠે છે. સરકારને સમજાતુ નથી કે કેવી રીતે અને શું પ્રતિક્રિયા આપવી? રશિયા પરના આક્ષેપને પગલે KGB(રશિયન સિક્રેટ સર્વિસ) એકશનમાં આવી જાય છે. બીજી તરફ ભારતમાં સીબીઆઈ પણ હરકતમાં આવે છે. યંગ, ડેશિંગ અને ડેડિકેટેડ સીબીઆઈ અધિકારી આલોક ગુપ્તા પોતાની જર્નાલિસ્ટ ગર્લફ્રેન્ડની મદદથી સુભાષ બાબુની પાછળ લાગે છે. એ સાથે જ શરૂ થાય છે આઝાદ હિન્દુસ્તાનનો સૌથી મોટો એકશન-થ્રીલર-સસ્પેન્સથી ભરપૂર પોલિટિકલ ડ્રામા.
આ સુપર્બ સ્ટોરીલાઈન છે Aabid Surtiએ 70ના દાયકામાં લખેલી અદ્દભૂત ગુજરાતની નવલકથા ‘રડતાં ગુલમહોર’ની. ચોંકાવનારી શરૂઆત અને હોલિવૂડ ફિલ્મને ટક્કર મારે તેવો રોચક અંત.
2015માં પશ્વિમ બંગાળ સરકારે સુભાષચંદ્ર બોઝ અંગેની 64 ગુપ્ત ફાઈલ્સ જાહેર કરતા કેન્દ્ર સરકાર પાસે રહેલી બોઝ બાબુ અંગેની સવાસોથી વધુ ગુપ્ત ફાઈલ્સ જાહેર કરવાની માંગ પ્રબળ બનેલી. જેમાં સુભાષચંદ્ર બોઝના મોતનું રહસ્ય છુપાયેલુ હોવાનું માનવામાં આવે છે. આ સમગ્ર ઘટનાક્રમના પગલે કોઈ સુપરહિરો જેવી આભા ધરાવતા સુભાષચંદ્ર બોઝના 60ના દાયકા સુધી જીવતા હોવાની થિયરીઝ ફરી એક વાર ચર્ચાતી થયેલી. ત્યારે એ જ થિયરીઝને ધ્યાનમાં રાખીને સુભાષ બાબુ પાછા આવે છે એ થિમ પર ‘રડતાં ગુલમહોર’ નોવેલ લખનારા અને સુભાષ બાબુનું મૃત્યુ 1945માં તો નહોતુ જ થયુ એવું મક્કમપણે માનતા લેખક આબિદ સુરતીનો divyabhaskar.com માટે ઈન્ટરવ્યૂ કરવાનું બનેલુ. આજે સુભાષચંદ્ર બોઝના જન્મદિવસે એના કેટલાક અંશો શેર કરી રહ્યો છું.
મેં એમને કોલ કર્યો ત્યારે તેઓ દહેરાદૂનના ટ્રાઈબલ વિસ્તારમાં હતા. નેટવર્કનો પણ પ્રોબ્લેમ હતો. પરંતુ સુભાષ બાબુનું નામ પડતા જ એમના અવાજમાં એક તરવરાટ અનુભવાયો. તેઓ તરત જ તૈયાર થઈ ગયા. પણ એ દિવસે ઈન્ટરવ્યૂ શક્ય ન બન્યો. તેમણે મને બીજા દિવસે સામેથી કોલ કરવાનું વચન આપ્યુ. એમના કહ્યાં મુજબ જ બીજા દિવસે સાંજના સમયે એમનો ફોન આવે છે. ફ્રેન્કલી કહું તો એ ઈન્ટરવ્યૂ માટે મેં ધારી હતી એ મુજબની કોઈ તૈયારી કરી શક્યો નહોતો. એ દિવસે થયેલી હાર્દિકની ધરપકડ અને પછી નેટબેનની ધમાધમ વચ્ચે ઈન્ટરવ્યૂ માટે મેં નક્કી કરેલા કેટલાક રેફન્સ હું જોઈ શક્યો નહોતો અને કેટલાક રેફરન્સ તો શોધવાના પણ બાકી હતા.
વાત-ચીત શરૂ થાય છે. હું બહુ ટિપિકલ સવાલ સાથે શરુ કરું છું કે, ‘સુભાષ બાબુ વિશે નવલકથા લખવાનો વિચાર ક્યાંથી અને કેવી રીતે આવ્યો?’ તેઓ કહે છે, ‘મને સુભાષ બાબુ પ્રત્યે બાળપણથી આકર્ષણ હતું. સ્કૂલલાઈફમાં તેઓ મારા હીરો હતા. આજ-કાલ લોકો જે રીતે અમિતાભ બચ્ચનના ફોટા રાખે છે એ રીતે અમે લોકો સુભાષ બાબુના ફોટા રાખતા હતા.’ તેમની આ વાતથી મને મારી સ્કૂલલાઈફ યાદ આવી જાય છે. હું મારા પાકિટમાં કાયમ સરદાર ભગતસિંહનો ફોટો રાખતો. ‘સફારી’ના અંકોમાંથી મેં સુખદેવ, ભગતસિંહ, રાજ્યગુરૂ અને ચંદ્રશેખર આઝાદ સહિતનાના આઝાદીના લડવૈયાઓના ફોટોઝ કાપેલા. બધા હું મારા પાકિટમાં રાખતો. મિત્રોને બહુ ગર્વભેર બતાવતો. મેં ક્યારેય કોઈ ફિલ્મસ્ટારની તસવીરને મારા પાકિટમાં સ્થાન નથી આપ્યુ. આઝાદીના લડવૈયાઓની વાતોથી માથાથી માંડી પગના અંગુઠા સુધી આખા શરીરમાં એક ઝીણી ઝણઝણાટી પસાર થઈ જતી. રોમેરોમમાં શૂરાતન પ્રગટી જતું. આજે પણ કોઈપણ શૌર્યકથા સાંભળી-વાંચીને એવો જ અનુભવ થાય છે. આજે જોકે એ તસવીરો મારા પાકિટમાં નથી. સમયાંતરે પાકિટ બદલવાથી જૂના અને ઝીર્ણ કટિંગ્સને નુકસાન પહોંચતુ હતું. એ સાવ જ ફાટી જવાની બીકે પછી મેં એક સુટકેસમાં મેં ‘સફારી’ના કેટલાક જૂના અંકો અને કેટલીક દુર્લભ તસવીરોના કટિંગ કાપીને પ્લાસ્ટિક બેગ્સમાં સાચવી રાખ્યા છે. આજે પણ જ્યારે એ સૂટકેસ ખોલુ છું ત્યારે નજર સામે મારા પિંડ ઘડતરના એ વિચારબીજો તાદ્રશ્ય થઈ ઉઠે છે.
આબિદજી આગળ કહે છે, ‘જે માણસે મને આટલી સાહસવૃત્તિ આપી એનું ઋણ ચુકવવાનો મને વિચાર આવ્યો. મારે લોકોને, નવી પેઢીને સુભાષ બાબુનો પરિચય કરાવવો હતો. આમ તો કોંગ્રેસ સરકારે ક્યાંક ક્યાંક એમના ફોટા મુકી દીધેલા અને ક્યાંક રસ્તાના નામ પણ રાખી દીધા હતા. પણ સુભાષ બાબુ કોણ હતા એ બાળકો જાણતા નહોતા. એટલે મને એમની બાયોગ્રાફી લખવાનો વિચાર આવ્યો. મેં બાયોગ્રાફી લખવાનું નક્કી કર્યુ તો પહેલો સવાલ એ આવ્યો કે સુભાષ બાબુની પચાસ બાયોગ્રાફી મણિભવનમાં ઉપલબ્ધ છે અને એ કોઈ વાંચતુ નથી. યંગ જનરેશનને એમાં કોઈ રસ પડતો નથી. એટલે મેં પછી એને ફિકશનનું સ્વરૂપ આપ્યુ. ફિકશનના સ્વરૂપમાં મેં સુભાષ બાબુની કંપલિટ લાઈફ એમા વણી દીધી. એમનું જીવન મેં યુવાનો માટે સ્યુગર કોટેડ પિલની જેમ ફિકશનમાં મુકી દીધુ. ફિકશનના સ્વરૂપે મારે જે કહેવું હતું એ બધુ મેં કહી દીધુ.’
‘મેં જે સમયે આ નવલકથા લખી એ સમયગાળામાં વિશ્વમાં વર્લ્ડવોરના પોલિટિકલ લિવિંગ પાત્રોને લઈને એની આસ-પાસ ફિકશન વણીને નવલકથા લખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. એ અરસામાં જ એક ફ્રેન્ચ લેખકે ‘ધ ડે ઓફ જેકલ’ લખેલી. લંડનમાંથી પણ કોઈએ આવા જ કોઈ પાત્રને લઈને નોવેલ લખેલી. રશિયામાંથી પણ કોઈએ લખેલી. અને ભારતમાં સુભાષ બાબુ પર મેં લખી.’
‘આબિદ સુરતી પોતે શું માને છે? સુભાષ બાબુ જીવતા હતા? હું સવાલ કરું છું.’તેઓ કહે છે કે, ‘મેં મારી નવલકથાની ભૂમિકામાં લખેલુ છે કે એ પ્લેન અકસ્માતમાં તો નથી જ મર્યા. એ ડેફિનેટ છે. ત્યારબાદ શું બન્યું એ અંગે વિવાદ છે. મારું માનવું છે કે તેઓ પછીથી રશિયાની કોઈ જેલમાં હતા. મેં જ્યારે નવલકથા લખી ત્યારે આ બે પોઈન્ટ સ્પષ્ટ લખ્યા છે અને એના પૂરાવાઓ પણ આપેલા છે.’
‘તમે આ નવલકથા લખવા માટે કેવી તૈયારી કરેલી? કેટલુ રિસર્ચ કરેલુ? શું શું વાંચેલુ?’ આવા સવાલના જવાબમાં તેઓ કહે છે કે, ‘વાંચવામાં તો બધુ જ વાંચી નાખેલુ. મણિભવનમાં હતા એ તમામ પુસ્તકો વાંચેલા. એ ઉપરાંત બહારથી મંગાવીને પણ પુસ્તકો વાંચ્યા હતા. એમાં ‘ધ સ્પ્રિગિંગ ટાઈગર’ નામનુ એક પુસ્તક હતું. એ અદ્દભૂત હતું. કારણ કે, એ કોઈ અંગ્રેજે લખેલુ હતું. ( અહીં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના અધિકારી રહી ચુકેલા હ્યુ ટોયેએ લખેલા ‘સુભાષચંદ્ર બોઝ – ધ સ્પ્રિગિંગ ટાઈગર’નો ઉલ્લેખ છે. એમને એ અધિકારીનું નામ નહોતુ યાદ આવતું અને મને પણ ખબર નહોતી. પાછળથી મેં સર્ચ કરીને જાણ્યું.) એ માણસ કોઈ સુભાષ ભક્ત નહોતો. આપણે ભારતમાં કોઈ શ્રીરામ પર કોઈ હિન્દુ કેવું લખે? પણ જો કોઈ મુસ્લિમ કે ખ્રિસ્તી લખશે તો એની દ્રષ્ટિ અલગ હશે. ‘સ્પ્રિંગિંગ ટાઈગર’ના લેખકની દ્રષ્ટિ એકદમ સ્પષ્ટ હતી એટલે એ પુસ્તક યાદ રહી ગયું. બાકી મેં જેટલા પુસ્તકોનો રેફરન્સ લીધો છે એ તમામની સુચિ મેં પુસ્તકના અંતે આપી છે.’
‘64 જેટલી ફાઈલ્સ બંગાળ સરકાર જાહેર કરી રહી છે અને સવાસોથી વધુ ફાઈલ્સ કેન્દ્ર પાસે છે. તમને શું લાગે છે કે એમાંથી શું બહાર આવશે?’ મારો સવાલ.
‘સચ્ચાઈ બહાર આવશે. કહેવાય છે કે, અત્યાર સુધી જે કમિશનો નિમાયા એ તમામ કમિશનને કહેવામાં આવ્યું કે તમારે એવો જ અહેવાલ આપવાનો કે પ્લેન અકસ્માતમાં તેમનો સ્વર્ગવાસ થયો. એવા જ રિપોટર્સ સામે આવ્યા છે. પરંતુ માત્ર ફાઈલ્સ જ નહીં પણ જર્મની, રશિયા અને બ્રિટન સહિત વિશ્વના બીજા પણ કેટલાક દેશોમાં પડેલા પૂરાવાઓ સામે આવવા જોઈએ.’
કેન્દ્ર સરકારની દલિલ એવી છે કે જો ફાઈલ્સ જાહેર થાય તો વિદેશો સાથેના આપણા સંબંધો પર અસર પડી શકે છે. આ સવાલના જવાબમાં તેઓ કહે છે કે, ‘અરે કંઈ નહીં. બધી જુઠ્ઠી વાતો છે. દુનિયાભરની સરકારો અમુક સમય પછી દસ્તાવેજો જાહેર કરે જ છે ને? તો અત્યાર સુધી શું ફરક પડ્યો? અત્યાર સુધી કોંગ્રેસની સરકાર જાહેર નહોતી કરી રહી એ તો સમજી શકાય એવી વાત છે. કારણ કે, જે જુઠ્ઠાણાઓ ફેલાવ્યા છે એ એમણે ફેલાવ્યા છે.’
‘કોંગ્રેસ તો ઠીક પણ હવે ભાજપ સરકાર પણ એ ફાઈલ્સ જાહેર નથી કરી રહી એનું શું કારણ તમને લાગે છે?’
‘મારું એવું માનવું છે કે ભાજપ સરકાર તકની રાહ જોઈ રહી છે. કે યોગ્ય સમય આવે ત્યારે કોંગ્રેસ સામે હથિયાર તરીકે કે બાર્ગેનિંગ પાવર તરીકે એનો ઉપયોગ કરી શકાય. તમે જુઓ કે ભાજપ સરકાર સત્તા પર આવી ત્યારબાદ રોબર્ટ વાડ્રા સામેના કૌભાંડો બહુ ચગતા નથી. જ્યારે કોંગ્રેસ બહુ ઉપાડો લેશે ત્યારે એ લોકો વાડ્રાનું પત્તુ ઉતરશે. એ જ રીતે જ્યારે સોનિયા ગાંધી બહુ ઉંચા નીચા થશે કે કેન્દ્રમાં ભાજપ સરકાર માટે બહુ કફોડી સ્થિતિ સર્જાશે ત્યારે તેઓ નેતાજી અંગેની ફાઈલ્સનો ઉપયોગ કરશે.’
‘કોંગ્રેસનું એવું કયુ રહસ્ય એ ફાઈલ્સમાં છે જે તેઓ બહાર ન આવે તેમ ઈચ્છે છે?’
‘સૌથી મોટી વાત તો એ છે કે એમણે સુભાષ બાબુને ભારત આવતા રોક્યા છે. જવાહરલાલ નહેરુ નહોતા ઈચ્છતા કે તેઓ પાછા ભારત આવે. નહેરુએ સુભાષ બાબુને ભારત આવતા અટકાવવા બધા પ્રયાસો કરેલા. એ પૈકી નહેરુએ ઈંગ્લેન્ડમાં લખેલા એક-બે પત્રો તો જાહેર પણ થઈ ચુક્યા છે. એનો એ ક્લિયર મતલબ નીકળે છે કે સુભાષ બાબુનું મૃત્યુ પ્લેન અકસ્માતમાં નહોતુ થયુ.’
‘મને એક વાત નથી સમજાતી કે ચલો સરકારોનો સૌનો પોતપોતાનો સ્વાર્થ હતો કે એ રહસ્ય સામે ન આવે પણ હિન્દુસ્તાનના ઈતિહાસકારો કેમ કોઈ દિવસ ખોંખારીને આ રહસ્ય બહાર ન લાવ્યા અથવા તો લાવી ન શક્યા?’
‘લાવી ન શકે ને. સવાલો બધા જ કરી રહ્યા છે પણ પૂરાવા ક્યાંથી લાવે? તમારા કે મારામાં તો એ શક્તિ નથી કે કમિશન બેસાડીએ કે કોઈ પ્રાઈવેટ એજન્સીને ઈન્વેસ્ટિગેટ કરવા મોકલીએ. બહુ ખર્ચાળ કાર્ય થઈ જાય. જાપાન, જર્મની અને રશિયા જેવા દેશોનો પ્રવાસ ખેડવો પડે. એ કામ કોઈ એક ઈન્ડિવિઝ્યુઅલ વ્યક્તિ ન કરી શકે.’
‘એ ભારતીય મીડિયાની નિષ્ફળતા કહી શકાય કે કોઈ પત્રકાર કે મીડિયા એ સ્તર સુધી ન પહોંચી શક્યા?’
‘એમાં કોઈને એટલો રસ નથી. કમાવાનું શું છે એમાં? એ તો તમારા અને મારા માટે મોટી વાત છે પણ જનતાને કંઈ એટલો રસ નથી. હવે એમના અવાજમાં એક નિરાશા ટપકી રહી હતી. તેઓ ઉમેરે છે કે થોડાક બંગાળીઓ છે અને કેટલાક ઈન્ટેલેક્યચ્યુઅલ્સ છે મારા જેવા, જેમને આ વાતમાં રસ છે પણ સામાન્ય જનતાને કોઈ રસ નથી. કટાક્ષસભર હાસ્ય સાથે તેઓ કહે છે કે, સામાન્ય જનતાને એ વાતમાં રસ છે કે માતાએ દિકરીને શા માટે મારી નાખી? એનું શું થયુ? એ કયો મેકઅપ યુઝ કરતી હતી? એની અંડરવિયર ક્યાંથી ખરીદાતી હતી? લોકોનું અટેન્શન બધુ એમાં હોય. સુભાષ બાબુ જીવે કે મરે એમાં કોઈને કંઈ ફરક પડવાનો નથી.’
આબિદજી બોલતા જતા હતા અને હું સાંભળતો જતો હતો. એમના હીરો એવા આઝાદીના લડવૈયા સાથે થયેલા અન્યાયની વ્યથા એમના સ્વરમાં પડઘાતી હતી. ક્યાંક થોડી અતિશયોક્તિ લાગી. પણ એમની વાતમાં વેધક કટાક્ષ હતો. એના વેદનાસભર સ્પંદનો હું અનુભવી શકતો હતો.
‘સુભાષ બાબુના તમામ રહસ્યો બહાર આવે તો તમારી દ્રષ્ટિએ હિન્દુસ્તાનના ઈતિહાસ પર એની શું અસર પડશે?’ મેં પૂછ્યું.
‘જો સચ્ચાઈ સામે આવશે તો ઈતિહાસ બદલાશે. જે લખાયો છે એ બધો ઈતિહાસ ભુંસાશે. નહેરુએ જે જુઠ્ઠાણાઓ ફેલાવ્યા છે અને સુભાષ બાબુ સાથે જે અન્યાય થયો છે એ એકદમ સ્પષ્ટ થઈને સામે આવશે.’
‘એનાથી હિન્દુસ્તાનના જનમાનસ પર શું અસર પડશે? માની લો કે આ એક વાત સામે આવી ગઈ કે સુભાષ બાબુનો સાચો ઈતિહાસ તો આ છે અને કોંગ્રેસે તેની સાથે આ ચેડા કર્યા છે. તો શું લોકો બીજા ક્રાંતિકારીઓના અને દેશના અન્ય ઈતિહાસને પણ શંકાની દ્રષ્ટિએ નહીં જોતા થઈ જાય?’
‘આજની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આનાથી એક સનસનાટી ફેલાશે. પણ એ એટલી લાંબી નહીં ચાલે જેટલી ઈન્દ્રાણી અને તેની દિકરીના કેસની ચાલી છે. એ ક્યાંથી સાડી ખરીદતી હતી અને ક્યાંથી લિપસ્ટિક ખરીદતી હતી એ જ ચાલે છે. મેજોરિટીને એમાં કંઈ રસ નહીં પડે. જો કોંગ્રેસ સત્તા પર હોત અને રહસ્યો સામે આવેત તો મોટા રાજકીય પડઘા પડેત. વિપક્ષો એનો ફાયદો ઉઠાવેત અને કદાચ સરકાર ઉથલી જાત. પણ હવે તો ફરક કંઈ પડવાનો નથી. લોકોને એનાથી કંઈ ફરક નથી પડવાનો. સુભાષ બાબુ નથી તો નથી. ને પ્લેનમાં નથી મર્યા તો નથી મર્યા.’ એ પીઢ લેખકની વાતમાં નવી પેઢીના રાષ્ટ્રવાદ અંગે શંકા પડઘાતી હતી. અને કદાચ એ કંઈક અંશે સાચી પણ હતી.
‘તમે સુભાષ બાબુ પર આટલુ બધુ રિસર્ચ કર્યુ છે એટલે મને એક સવાલ કરવાનુ મન થાય છે કે માની લો કે સુભાષ બાબુ પાછા આવ્યા હોત અને ભારતને આઝાદી આ રીતે નહીં પણ આઝાદ હિન્દ ફોજના રસ્તે મળી હોત તો આ દેશનો ઈતિહાસ શું હોત અને એ ઈતિહાસના કારણે વર્તમાન શું હોત?’
‘સુભાષચંદ્ર બોઝનું એક સ્પષ્ટ સ્ટેટમેન્ટ છે કે, ભારતને આઝાદી પછી ડેમોક્રસીની જરૂર નથી ડિકટેટરશીપની જરૂર છે. એટલે તમે વિચારી લો કે ઈતિહાસ અને વર્તમાન શું હોત. તેઓ 25 કે 35 વર્ષ સુધી ભારતીયોને ડેમોક્રસી માટે તૈયાર કરવાના મતના હતા. જે રીતે તેમણે ઈન્ડિયન નેશનલ આર્મી(આઝાદ હિન્દ ફોજ) તૈયાર કરી. એનું ઈન્ટિગ્રેશન અદ્દભૂત હતુ અદ્દભૂત. કે હિન્દુ-મુસ્લિમ, શીખ તમામ સાથે બેસીને જમે. પંડિત કે મુલ્લા કોઈ કંઈ જ નહીં. એમણે જે રીતે જર્મની, જાપાનથી માંડી સિંગાપોર સુધી ઓલ ઓવર ધ વર્લ્ડ આ ઈન્ટિગ્રેશન ઉભુ કર્યુ એ કાબિલ-એ-દાદ હતું. એ માણસમાં કોઈ જાદુ હતો.’