‘યંગિસ્તાન’ને એ જાણવામાં કે વાગોળવામાં બિલકુલ રસ નથી કે આ દેશનો ઈતિહાસ શું હતો કે વર્ણ વ્યવસ્થાના કારણે ભારતના દલિતો-પછાતો સાથે કેટલા ભેદભાવ, કેટલા જુલ્મ-ઓ-સિતમ થયા. એમને એ પણ નથી સમજવું કે આ અનામત પ્રથા કયા સંજોગોમાં અને શા માટે લાગુ કરાઈ હતી. એમનો માત્ર એક જ સવાલ છે કે ભૂતકાળમાં જે કંઈ પણ ભૂલો થઈ એના કારણે અમારા ભવિષ્ય સાથે ચેડા શું કામ? એમને અનામતીયાઓના ભાણામાં ફેંકાતો ટૂકડો પોતાના ભાણામાંથી તોડેલો લાગી રહ્યો છે. અને એ ક્રૂર, નગ્ન, સુગાળવું યુવા પેઢીને ફ્રસ્ટ્રેટ કરી મુકનારું સત્ય છે.
અનામત પ્રથાના કારણે હાડોહાડ અન્યાય થયો હોવાની લાગણી અનુભવતી ગાંધીનગરની વિદ્યાર્થિની રુચિકા પટેલે નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમની સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી છે. રુચિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખ્યું છે –
વડાપ્રધાન શ્રી,
જય ભારત સાથે જણાવવાનું કે, હું આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં 81 ટકા સાથે પાસ થઈ. રિઝલ્ટ જોઈને ઘરના સભ્યોને ઘણો આનંદ થયો. પણ જ્યારે એડમિશનની વાત આવી ત્યારે?
ગાંધીનગર ગવર્મેન્ટ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન ન મળતા શંકરસિંહ વાઘેલા બાપુની કોલેજમાં 72 હજારની ફી ભરીને એડમિશન લીધુ. જેની સામે મારી બહેનપણી માત્ર 41 ટકા સાથે પાસ થઈ હતી. જેને અનામતના નિયમના કારણે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી ગયું. મારા પપ્પાની મહિનાની આવક 25 હજાર રૂપિયા છે. જ્યારે તેના પપ્પા સરકારી નોકરિયાત છે અને તેમનો પગાર આશરે 60 હજાર રુપિયા છે.
મેં તો અત્યાર સુધી ઈલેક્શનમાં વોટ આપ્યો નથી. પણ જો ભારત દેશની સિસ્ટમ આ જ રહેવાની હોય તો મને વોટિંગ કરવામાં કોઈ રસ પડે તેવું લાગતું નથી.
જો ખરેખર ભારતની પ્રગતિ કરવા માંગતા હોય તો બે મિનિટ આંખો બંધ કરીને વિચારો. (ભારત સિવાય બીજા કોઈ જ દેશમાં અનામત સિસ્ટમ નથી.)
* * *
આ શ્રેણીનો મારો પહેલો લેખ(‘હેલ વિથ ધીસ સિસ્ટમ’: અનામત પ્રથા સામે ‘યંગિસ્તાન’નો આક્રોશ!) જે સોશ્યલ મીડિયામાં અનેક જગ્યાએ બેનામી ફરી રહ્યો છે એ મારા પર આવેલા જેના મેસેજ પર આધારિત હતો એ મિત્ર Zalak Shah પણ આવું જ ફ્રસ્ટ્રેશન અનુભવે છે. મેસેજમાં ઝલકે લખેલુ કે, ’એઝ એ જનરલ કેટેગરી સ્ટુડન્ટ, ઈન્ડિવિઝ્યુઅલ…ઈટ્સ રિકવેસ્ટ ફ્રોમ મી કે આ અનામતનું કંઈક કરો. બેંકની ભરતીમાં પણ અનામતના નામે અન્યાય થાય છે. જનરલ કેટેગરીવાળા માટે અને અનામતવાળા માટે કટઓફ અલગ અને ઓછા હોય છે. આવું કેમ? વધુ માર્કસ હોવા છતાં જનરલવાળાને તક શા માટે નહીં? જસ્ટ બિકોઝ એ જનરલમાં છે એટલે તે ઓછા હોશીંયાર થઈ ગયા?
મેરિટ, કટઓફ બધુ જ અલગ અને ભેદભાવવાળુ. એમના માટે સિટ્સ પણ રિઝર્વ અને ફી પણ ઓછી. પ્રમોશન ક્રાઈટેરિયા પણ એમના માટે અલગ. જનરલ લોયર નોટરીનું લાયસન્સ 10 વર્ષના અનુભવ પછી લઈ શકે એ રિઝર્વેશનવાળાને 7 વર્ષમાં? આ બધુ શું દર્શાવે છે? જનરલ કેટેગરીવાળા માટે આજે ક્યાંય પણ પહોંચવું એ કોઈ હર્ડલ રેસ સમાન છે. બધા પડકારો એમના માટે જ છે. અનામતવાળાઓને તો ઓછી મહેનતે અથવા મફતના ભાવે બધુ થાળીમાં સજાવીને ધરી દેવાય છે. મેડિકલથી માંડીને એન્જિનિયરિંગ સુધી બધે આવું જ ચાલે છે. હેલ વિથ ધીસ સિસ્ટમ. આઈ નેવર વોન્ટ માય ચાઈલ્ડ ઈન ઈન્ડિયા, ધીસ ઈઝ વોટ મેજર રિઝન ફોર ઈટ.’
ગાંધીનગરની રૂચિકાને આ દેશની અન્યાયી પ્રથાના કારણે મત નાખવાની ઈચ્છા નથી થતી તો અમદાવાદની ઝલકને આ તમામને એક સમાન તક ન આપતા આ દેશમાં પોતાના બાળકનો ઉછેર નથી કરવો.
મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર, ધીસ ઈઝ વોટ યંગ ઈન્ડિયા ફિલિંગ ટુડે.’યંગિસ્તાન’ની આ ’મન કી બાત’ તમારા સુધી પહોંચે છે ખરી? આ દેશમાં આવી હજારો-લાખો રૂચિકા અને ઝલક છે. જેમને આ ગંધાતી-ગોબરી જાતિ આધારિત અનામત પ્રથાના કારણે રીતસરની ગુંગળામણ થાય છે. પોતાનાથી અડધા ટકા લાવીને પણ પોતાનાથી આગળ નીકળી જતા અનામતીયાઓના કારણે પોતાનો વિકાસ રૂંધાતો હોવાની લાગણી થાય છે. અનામત પ્રથાના કારણે દેશના યુવાનોને સમાન તક નથી મળી રહી. એનાથી પણ ભયંકર વાત એ છે કે લાયક લોકોને તક નથી મળી રહી. લાયકોના ભાગની તક ના-લાયકો છીનવી રહ્યા છે. એક આખી પેઢી અન્યાયની લાગણીથી પીડાઈ રહી છે.
આ દેશમાં અનામત પ્રથા પછાત રહી ગયેલાઓને પછાતપણામાંથી બહાર કાઢવા માટે લાગુ થઈ, રાઈટ? પછાત રહી ગયેલા કોઈ ધુળજીભાઈનો પરિવાર અનામતનો લાભ મેળવી શિક્ષણ અને રોજગાર પ્રાપ્ત કરે ત્યાં સુધી ઠીક છે. પછી ધુળજીના દિકરા કચરાના અને કચરાના દિકરા ગાભાને અનામતનો લાભ શા માટે? એક જ કુટુંબને કેટકેટલી વાર લાભો આપવાના હોય? શું એક વાર લાભ આપવાથી કોઈ પરિવાર આગળ ન આવી શકે? આમ કેટકેટલી પેઢીઓ સુધી વિશેષાધિકારો આપ્યે જવાના વારું? કોઈ ધુળજી, કચરા કે ગાભાભાઈ અનામતનો લાભ મેળવીને નોકરી મેળવે ત્યાં સુધી ઠીક છે પછી નોકરી મેળવ્યા બાદ પ્રમોશનમાં પણ તેમના માટે અનામત રાખવાનો કોઈ તર્ક ખરો?
કદી કોઈ જાતિએ એવી માંગ કર્યાનું ધ્યાનમાં નથી કે વર્ષો સુધી અનામત સહિતના વિશેષાધિકારો મેળવ્યા બાદ હવે અમે સમૃદ્ધ થઈ ગયા છીએ માટે અમને પછાતની યાદીમાંથી કાઢી નાખો. જો વર્ષો સુધી અનામતો આપ્યા બાદ કોઈ જ્ઞાતિ-જાતિનું પછાતપણુ ભાંગતુ ન હોય તો પછી એનો ફાયદો જ શું? જો અડધી સદી સુધી અનામતો ભોગવ્યા બાદ પણ કોઈ ઉંચા ન આવે તો કરમ એમના. જો અનામતો કોઈ વર્ગને ગરીબીમાંથી બહાર કાઢવામાં અસમર્થ હોય, નિષ્ફળ રહી હોય તો શું હવે આખી જ્ઞાતિઆધારીત અનામત પ્રથા વિશે જ નવેસરથી વિચારવાનો સમય નથી પાકી ગયો?
ઈનફ ઈઝ ઈનફ ઈઝ ઈનફ. સ્ટોપ ઓલ ધીસ નોનસેન્સ. ઈટ્સ ટાઈમ ફોર ચેન્જ. જાતિ આધારિત અનામત પ્રથા હિન્દુસ્તાનની ઐતિહાસિક ભૂલ છે અને એ ભૂલને ન સુધારવી વધુ એક ઐતિહાસિક ભૂલ સાબિત થશે. એક લિટીનો ઠરાવ પસાર કરો કે, આજ પછી આ દેશમાં કોઈને પણ જ્ઞાતિ-જાતિ-કબિલાના આધારે સહાય નહીં કરવામાં આવે.
ડો. પાર્થ ગોલ અનામત પ્રથાની તરફેણ કરનારા તમામ નેતાઓની તમામ દલિલો બૂમરેંગ થાય એવું ઉદાહરણ આપતા લખે છે, લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જૂદી રીતની અનામત લાગુ કરો. ઓપન કેટેગરીવાળો નેતા 2,00,000 વોટ લઇ આવે ને ઓ.બી.સી., દલીત કે આદિવાસી નેતા 1,60,001 વોટ લઇ આવે તો પણ તે જ વિજેતા ગણાશે. આવી સિસ્ટમ લાગુ કરી જુઓ પછી તમને માત્ર એક માર્ક કે બે માર્કથી સરકારી મેડિકલ કોલેજમાં એડમિશનથી વંચીત રહી જતા ઓપન કેટેગરીના વિદ્યાર્થી અને તેના પરિવારની લાચારી સમજાશે.
આ બિનસાંપ્રદાયીક રાષ્ટ્રમાં ધર્મના નામે અપાતી છૂટછાટો પણ ગેરવ્યાજબી છે. જો રાષ્ટ્ર ધર્મનિરપેક્ષ હોય તો અહીં ‘ધાર્મિક લઘુમતિ’ જેવા શબ્દનો પણ સ્વીકાર કેવી રીતે થઈ શકે? એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં ‘ધાર્મિક લઘુમતિ’ નામની કોઈ વસ્તુનું અસ્તિત્વ જ અસંગત, વિચિત્ર અને વિરોધાભાષી નથી લાગતું? જો દેશ બિનસાંપ્રદાયીક એટલે કે ધર્મનિરપેક્ષ હોય મતલબ કે કોઈ ધર્મનું વર્ચસ્વ સ્વીકારતો ન હોય, ધાર્મિક ભેદભાવમાં માનતો ન હોય તો આ દેશમાં ધર્મો(લઘુમતિઓ)ને વિશેષાધિકારો-વિશેષ છૂટછાટો શા માટે? અને જો એક સેક્યુલર રાષ્ટ્ર હોવાના નાતે ધર્મોને સંવર્ધન-સરક્ષણ માટે ધર્મોને વિશેષાધિકારો મળે તો તમામ ધર્મોને સમાનપણે શા માટે ન મળે? બહુમતિ-લઘુમતિના અને બહુમતિ-લઘુમતિમાં ભાગલા અને ભેદભાવ શા માટે? આ દેશમાં કોઈ સંપ્રદાયને ‘ધાર્મિક લઘુમતિ’નો દરજ્જો આપવો એ જ આપણી ધર્મનિરપેક્ષતાની મુળ ભાવનાના પાયામાં પ્રહાર નથી? બાય ધ વે ‘બિનસાંપ્રદાયીકતા’ શબ્દ અને સેક્યુલારિઝમનો મુદ્દો પોતે જ સાંપ્રદાયીકતાના પાયા પર ઉભેલો છે. સાંપ્રદાયીકતા જ ન હોય તો બિનસાંપ્રદાયીકતા ક્યાંથી આવે?
ફ્રી હિટ:
“મરીઝ-એ-આરક્ષણ પે રહમત ખુદા કી,
મર્ઝ બઢતા હી ગયા જ્યોં જ્યોં દવા કી,”