સિકંદર : વોટ ડુ યુ વિશ ધેટ આઈ શૂડ ડુ વિથ યુ?પોરસ : ટ્રીટ મી એઝ એ કિંગ વુડ ટ્રીટ અનધર કિંગ.
સિકંદર-પોરસનું યુદ્ધ આજે 2300 વર્ષ બાદ પણ સિકંદર-પોરસ વચ્ચેના આ ફિલ્મી સંવાદના કારણે યાદ કરાય છે. આ યુદ્ધ બીજા અનેક કારણોસર ઐતિહાસિક હતું. એ સિંધુ નદીને પાર ભારત પર થયેલુ પહેલુ વિદેશી આક્રમણ હતું. એ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ- મહાન સિંકદરનું આક્રમણ હતું. એની ઉંમર માત્ર ત્રીસેક વર્ષની હતી. તરુણાવસ્થામાં જ દુનિયા જીતવાનું ખ્વાબ જોનારો એ યોદ્ધો ગ્રીસથી માંડી આજના અફઘાનીસ્તાન સુધી પૃથ્વીના ગોળાર્ધના એ તમામ પ્રદેશોને પોતાની તેગની તાકાત સામે નમાવી ચુક્યો હતો જેના વિશે ગ્રીકો જાણતા હતા. 11થી વધુ વર્ષોમાં 20,000 માઈલથી વધુની લડાયક સફરમાં એ કોઈ પણ યુદ્ધ હાર્યો નહોતો. હવે તેનો ડોળો હિન્દુસ્તાન પર હતો. હિન્દુકુશની પર્વતમાળા અને સિંધુ નદી ઓળંગી એ છેક જેલમ સુધી પહોંચી ગયેલો.
પોતાની પોલિટિકલ નિતિ મુજબ તેણે પોરસને મુલાકાત માટે આમંત્રણ પણ મોકલેલુ. ગ્રાન્ટવેલી સ્ટેટ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ આથ્રોપોલોજીના અભ્યાસુ પ્રોફેસર માર્ક સચ્વાર્ડ કહે છે, પોરસે સિકંદરના આમંત્રણનો જવાબ વાળ્યો કે, `હા, આપણે ચોક્કસ મળીશુ પણ યુદ્ધના મેદાનમાં.` એક દંતકથા એવી પણ છે કે દૂતના સ્વરૂપમાં ખુદ સિકંદર પોરસ સમક્ષ ગયેલો. પોરસનો જવાબ સાંભળી તેણે કહેલું કે, `આવો જવાબ અમારા રાજા સમક્ષ આપી જોજો.’ પોરસે તરત જ જવાબ આપ્યો કે, ‘તમારા રાજા સમક્ષ જ જવાબ આપી રહ્યો છું.’ એ દૂતના વેશમાં રહેલા સિકંદરને ઓળખી ગયેલો. 1940માં સોહરાબ મોદીએ પૃથ્વીરાજ કપુરને સિકંદરનું પાત્ર આપી બનાવેલી `સિકંદર` ફિલ્મમાં આ ઘટના(આમ તો કિવદંતિ) વર્ણવતુ દ્રશ્ય છે. દૂતના સ્વરૂપમાં ખુદ સિકંદર હોવાનું જાણી દરબારમાં ખેંચાયેલી તલવારો પોરસે (આ પાત્ર ખુદ સોહરાબ મોદીએ ભજવેલુ.) મ્યાન કરાવેલી.
હાયડાસપીસ એટલે કે આજની જેલમ નદીના સામસામા કાંઠે સિકંદર અને પોરસના સૈન્ય ખડકાયેલા હતા. પોરસની સેના રથગજતુરગપદાતિ એટલે કે રથ, હાથી, ઘોડા અને પાયદળથી સજ્જ હતી.
પોરસના પાયદળમાં સિકંદર અને ગ્રીક ઈતિહાસ પર અનેક દળદાર ગ્રંથો લખનારા પહેલી-બીજી સદીના ગ્રીક ઈતિહાસકાર-બાયોગ્રાફર પ્લુટાર્કના મતે 20,000, સિકંદર વિશેનો સૌથી ઓથેન્ટિક સ્ત્રોત ગણાતા `અનાબસિસ ઓફ એલેક્ઝાન્ડર` (અનાબસિસ =આક્રમણો) ગ્રંથમાં મિલિટ્રી કમાન્ડર રહેલા બીજી સદીના ફિલોસોફર-ઈતિહાસકાર એરિયન ઓફ નિકોમેડિયા (Arrian of Nicomedia)ની નોંધ મુજબ 30,000 અને ઈ.સ. પૂર્વે જુલિયસ સિઝર અને ઓગસ્ટ્સના સમયમાં થઈ ગયેલા ગ્રીક ઈતિહાસકાર ડિઓડોરસ (Diodorus) સિક્યુલસની નોંધ મુજબ 50,000 સૈનિકો હતા. પ્લુટાર્ક પોરસની સેનામાં 2000 ઘોડેસવારો હોવાનું નોંધે છે જ્યારે એરિયનનો દાવો 7000 ઘોડેસવારોનો છે. જોકે, યુદ્ધમેદાનની વ્યૂહરચના અને અન્ય કેટલાક સોર્સ મુજબ ઘોડેસવારોની સંખ્યા બાબતે પ્લુટાર્કનો દાવો સાચો(એટલે કે સાચી સંખ્યાથી વધુ નજીક) લાગે છે. જો પોરસની સેનામાં બે નહીં પણ સાત હજાર ઘોડા હોત તો કદાચ યુદ્ધનું પરિણામ અલગ આવી શકતું હતું. આગળ યુદ્ધનું વર્ણન વાંચીને સમજાશે કે યુદ્ધમાં મૂળ ફર્ક તો `હાથી-ઘોડા`નો જ રહી ગયેલો! આ જ રીતે ઈતિહાસકારોમાં પોરસની સેનાના હાથીની સંખ્યા અંગે પણ મતમતાંતરો છે. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનની રોયલ એરફોર્સમાં બર્મામાં ફરજ બજાવી ચુકેલા સ્કૉલર પીટર મોરીસ ગ્રીન પોતાના `એલેક્ઝાન્ડર ઓફ મેસેડોન, 356-323 BC – અ હિસ્ટોરિકલ બાયોગ્રાફી` નામના રિસર્ચ પેપર (જે પછીથી ગ્રંથ સ્વરૂપે પ્રગટ થયુ)માં પોરસની સેનામાં 130 હાથી હોવાનું નોંધે છે. ડિઓડોરસના ઈતિહાસમાં આ આંકડાને સમર્થન મળે છે. આ સિવાય હાથીઓની સંખ્યા 85 કે 200 હોવાના પણ દાવા મળી આવે છે. પ્લુટાર્ક પોરસની સેનામાં રથ હોવાનુ નોંધે છે પણ બેટલ ગ્રાઉન્ડના વિવરણો સાથે 300નો આંકડો વધુ બંધબેસતો જણાય છે. સિકંદરના સૈન્યમાં ત્રીસથી ચાલીસ હજારનું પાયદળ અને પાંચથી સાત હજાર ઘોડેસવારો હતા.
પરંતુ લગભગ તમામ ઈતિહાસકારો એ વાતે સહમત છે કે પોરસનું સૈન્ય સિકંદર કરતા બેથી ચાર ગણુ વધુ (સંખ્યામાં) અને વધુ શક્તિશાળી હતું. કારણ કે, સિકંદરના સૈન્યમાં હાથી અને રથ તો હતા જ નહીં. ઈનફેક્ટ ગ્રીકોએ આટઆટલી લડાઈઓમાં ક્યાંક વોર એલિફન્ટ્સ ભાળ્યાં જ નહોતા. પરંતુ યુદ્ધના મેદાનમાં સિકંદરના સૈન્યની આ નબળાઈ જ તેની સબળાઈ સાબિત થયેલી. અથવા તો એમ કહી શકાય કે એક સક્ષમ યુદ્ધ રણનિતિકાર સિકંદરે પોતાની નબળાઈને જ પોતાની તાકાત બનાવી દીધેલી.
સિકંદર નદી પાર કરવાની યોગ્ય જગ્યા અને તકની તલાશમાં દક્ષિણ કાંઠે પોતાની સેનાને ડાબેથી જમણે કુચ કરાવતો રહ્યો અને ઉત્તર કાંઠે પોરસની સેના પણ તેને અનુસરતી રહી. બંન્ને સેના વચ્ચે નદીના સામસામા કાંઠે લગભગ બે મહિના સુધી આવુ ચલકચલાણુ ચાલ્યું. સિકંદરનો કાફલો આસ-પાસના ગામોમાંથી ભોજન માટેનું સીધુ-સામાન ઉસેટી લાવેલો.
ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં ચીની વોર સ્ટ્રેટેજીસ્ટ સન ઝુ તેમની વિશ્વ પ્રસિદ્ધ વોરબુક `ધ આર્ટ ઓફ વોર`માં લખે છે, `તેમના પર ત્યારે હુમલો કરો જ્યારે તેઓ તૈયાર ન હોય અને ત્યારે (એકાએક જ) પ્રગટ થાઓ જ્યારે તેમની અપેક્ષા ન હોય.` યુદ્ધમાં `પહેલો ઘા શૂરાનો` અને સરપ્રાઈઝના તત્વનું મહત્વ બરાબર સમજતા મહાન સેનાપતિ સિકંદરે પોરસના સૈન્યને ચોંકાવી દેવાની નિતિ ઘડી કાઢેલી. સરપ્રાઈઝના તત્વ વિના પોરસના સૈન્યને પરાજીત કરવું લગભગ અશક્ય હતું. તેણે પોતાના સૈન્યનો જ્યાં પડાવ હતો ત્યાંથી પશ્વિમે લગભગ 27 કિ.મી. દૂરથી નદી ઓળંગવાનું નક્કી કર્યુ. એણે પોતાની સેનાને ત્રણ ભાગમાં વહેંચી નાખી. જે પૈકીની એક પાંખ(લગભગ દસેક હજાર સૈનિકો અને છ હજાર ઘોડેસવાર તીરંદાજો) લઈ તે પોતાના પ્લાન મુજબ આગળ વધ્યો. બીજી તરફ પાછળની સેનાને એણે સ્પષ્ટ સૂચના આપેલી કે સામા કાંઠે પોરસની સેનાને તેની સેનાનો એક હિસ્સો રવાના થયો હોવાનો રત્તિભાર પણ અંદેશો ન આવવા દેવો. પોરસ જેના પર નજર માંડીને બેઠો હતો એ સેના રાત્રિના અંધકારમાં પણ રસોઈના અને તાપણાના એટલા જ(પેલી સેનાની હાજરી વેળા થતા હતા એટલા જ) અજવાળા કરી પોરસની સેનાને અંધારામાં રાખતી રહી. એક વરસાદી-તોફાની મધરાત્રે સિંકદરે નદી ઓળંગવાનું શરૂ કર્યુ. જેથી નદી ઓળંગતી સેનાનો અવાજ પોરસની સેનાને કોઈ અંદેશો ન આપે. કમર સમાણા પાણીમાં આગળ વધતી સેના સામા કાંઠે પહોંચી તો તેમના આશ્વર્યનો પાર ન રહ્યો. કારણ કે, તેમણે જેવી સામા છેડે પહોંચી કુચ કરી કે તરત જ બીજી નદી આવી. બે ઘડી સિકંદર મુંઝાયો પણ ખરો. પછી તેમને અંદાજ આવ્યો કે વાસ્તવમાં એ સામો કાંઠો નહોતો પણ તેઓ નદીની વચ્ચેના એક નાનકડા ટાપુ પર હતા. આગળ એવો જ બીજો પણ એક નાનકડો ટાપુ વટાવી તેઓ સામા કાંઠે પહોંચ્યા.
જમણા કાને ઘોડાઓની હણહણાટી પડતા જ પોરસની ડાબી આંખ ફરકી. તેને પશ્વિમમાં કંઈક ચહલપહલ હોવાનો અંદેશો આવી ગયો. સ્થિતિ પામી ગયેલા પોરસે સેનાને યુદ્ધ માટે સાબદી કરી અને પોતાના એક પુત્રને રથો સાથે એ દિશામાં રવાના કર્યો. પરંતુ ત્યાં સુધીમાં ઘણુ મોડું થઈ ચુક્યુ હતું. સિકંદરના ઘોડેસવારો તેની સેના પર ઘોડાવેગે ફરી વળવાના હતા. યુદ્ધ નિષ્ણાંતો નોંધે છે કે, સિકંદર એકાએક જ નદી ઓળંગી ધસી આવતા પોરસની સેના પાસે યુદ્ધની તૈયારીઓ કરવાનો પૂરતો સમય ન રહેવાથી જ તેનો પરાજય થયો. પુરુપુત્ર અને સિકંદર વચ્ચેનું યુદ્ધ લગભગ એકતરફી રહ્યું. રથો વરસાદના કારણે ચીકણી થયેલી જમીન પર લપસી રહ્યા હતા અને ક્યાંક ક્યાંક જમીનમાં ખુંપી પણ રહ્યાં હતાં. બીજી તરફ ઈરાનના સ્ફૂર્તિલા ધનુર્ધારી ઘોડેસવારોએ વારંવાર સ્થાન બદલી તીરવર્ષા કરી રહ્યાં હતાં. સિકંદરની સેનાનો શસ્ત્ર સરંજામ પ્રમાણમાં હળવો હોવાથી એ વાતનો પણ તેને ફાયદો મળતો રહ્યો. જોતજોતામાં જ પોરસનો પુત્ર મોતને ભેટ્યો. (તેનું નામ પણ પોરસ જ હતું. એના પિતા પોરસનું નામ પણ ગ્રીક ઈતિહાસકારોએ જ નોંધેલુ છે. પુરુ કે પૌરવ જાતિના રાજાને તેમણે એ નામે ઓળખાવ્યો હોય અથવા જે રીતે પાંડવો કે કૌરવોના નામ અલગ અલગ હતા પણ એ ઓળખાતા પાંડવ કે કૌરવ તરીકે એવી જ કોઈ પ્રથા પુરુઓમાં હોય તેવી શક્યતા છે.)
જેલમના ઉત્તર કાંઠે પોરસપુત્ર અને તેની સાથે આવેલી નાનકડી સેનાનો સફાયો કરીને પોરસ પૂર્વમાં આગળ વધ્યો. દરમિયાન તેની સેનાની બીજી પાંખ પણ નદી ઓળંગી ચુકેલી. પોરસે પણ પોતાની સેનાનું મુખ પશ્વિમ તરફ વાળી એને ગરુડ વ્યૂહમાં ગોઠવી દીધેલી. આગળ અર્ધગોળાકાર ગોઠવાયેલા હાથીઓની લગભગ અભેદ્ય દિવાલ. એમની પાછળ પાયદળ અને ડાબે-જમણે પાંખો જેવી ઘોડેસવારોની ઉભી પંક્તિ ટોપ એંગલથી ઉડતા ગરુડની આકૃતિ રચતી હતી. સિકંદર પૂરજોશથી આગળ તો વધ્યો પણ હાથીઓને જોઈ ગ્રીકો-મેસેડોનિયન લડવૈયાઓએ થડકાટ અનુભવ્યો. મજબૂત ધાતુના બખ્તરબંધ હાથી પર મહાવત ઉપરાંત ત્રણ ત્રણ યોદ્ધાઓ સવાર હતા. જે પૈકીના બે આગળની દિશામાં અને એક પાછળ પ્રહારો કરતો. ખાસ યુદ્ધ માટે કેળવાયેલા હાથીઓના પ્રચંડ અવાજોથી સિકંદરની સેનાના ઘોડાઓ ભડકી રહ્યાં હતા. બે ઘડી તેને પોરસને હરાવી બાકીના હિન્દુસ્તાન પર ચડાઈ કરવાનું સપનું રોળાતુ લાગ્યું. પણ હાર માને તો સિકંદર શાનો? પોરસની સેના પોતાનાથી લગભગ બમણી હોવા છતાં તેને પોતાના આક્રમક અશ્વદળ અને સ્ફૂર્તિલા ઘોડેસવાર ધનુર્ધારીઓની તાકાત બરાબર ખબર હતી. તે એમની તાકાત પર મુસ્તાક હતો.
યુદ્ધના મેદાનમાં ત્વરિત વ્યૂહરચના ઘડી કાઢતા તેના શાતિર દિમાગના કારણે જ તે અપરાજિત યોદ્ધો હતો. તેણે પોતાના ચાર હજાર ઘોડેસવારોને પોરસની ડાબી પાંખ જ્યાં લગભગ હજારેક ઘોડેસવારો હતા ત્યાં હુમલો કરવા ધકેલ્યા. દક્ષિણ દિશામાં રહેલી પોતાની ડાબી પાંખ તૂટી પડવાના ભયે પોરસે પોતાની જમણી પાંખના ઘોડેસવારોને ડાબી પાંખ તરફ રવાના કર્યા. જમણી પાંખના પશ્વિમમુખી ઘોડેસવારો પૂર્વમાં યુ-ટર્ન મારી પાછળની તરફ પાયદળને ઓળંગી દક્ષિણમાં વળી ફરી પાછા પશ્વિમ તરફ એમ અડધો રાઉન્ડ મારી ડાબી પાંખમાં જોડાયા. અહીં જ પોરસ વોરસ્ટ્રેટેજીમાં થાપ ખાઈ ગયો. આ એક એવી ભૂલ હતી જેની કિંમત તેણે હારથી ચુકવવી પડવાની હતી. સિકંદર આ જ ભૂલની તાકમાં હતો. જમણી પાંખના ઘોડેસવારો ડાબી પાંખમાં જોડાતા જ પોરસનો ગરુડ વ્યૂહ તૂટી ગયેલો. સેનાનું મુખ હાથીઓથી રક્ષાયેલુ હતું પણ જમણુ પડખુ ઘોડેસવારો વિનાનુ ઉઘાડપટ પડ્યુ હતું. સિકંદરે તરત જ કમાન્ડર કોએનસને (Coenus) પોતાના બે હજાર ઘોડેસવારો સાથે ખાલી પડેલી જમણી પાંખ તરફ રવાના કર્યો. કોએનસ થોડો ઉત્તરે ખસકીને હાથીઓને બાયપાસ કરીને એ જ રસ્તે આગળ વધ્યો જ્યાંથી પોરસની જમણી પાંખ પસાર થઈ હતી. બીજી તરફ સિકંદરે બીજી ઘોડેસવાર પાંખને સ્હેજ દક્ષિણે ખસકાવીને પોરસની ડાબી પાંખ પર દક્ષિણ દિશાએથી હુમલો કર્યો. કોએનસે પાછળથી હુમલો કરી દીધો. પોરસના ઘોડેસવારો આગળ-પાછળથી ઘેરાઈ ગયેલા. તેમને બંન્ને દિશામાં લડવાનું થયું. ઈરાની ઘોડેસવાર તીરંદાજોએ પોરસની ઘોડેસવાર સેનામાં હાહાકાર મચાવી દીધો. આ દરમિયાન સિકંદરનું પાયદળ નદી ઓળંગી ચુકેલુ. સિકંદરે એને પાછળ જ રાખેલુ. સિકંદરના પાયદળમાં ધનુર્ધરો ઉપરાંત ગોફણ ચલાવનારા સૈનિકો પણ હતા. ભાલાધારીઓ દસેક ફૂટીયા ભાલા આગળની તરફ રાખીને ચાલતા. એની પાછળની પંક્તિના સૈનિકો ભાલાઓ સ્હેજ ત્રાંસા રાખતા. જેનાથી ભેદવી મુશ્કેલ એવી ભાલાની દિવાલ રચાતી.
પોરસ પણ એક કાબેલ સેનાપતિ હતો. તેણે એક તરફ પોતાના ધનુર્ધારીઓને આગળની દિશામાં ધકેલી હલ્લો કર્યો. પણ નસિબ અને સંજોગો પહેલેથી જ તેના પક્ષે નહોતા. તેના ધનુર્ધારીઓ છ ફૂટીયાં કામઠાં વાપરતા. જેને ચલાવવા તેનો એક છેડો જમીન પર ટેકવવો પડતો. વરસાદના કારણે થયેલા કિચડના કારણે એમના કામઠાં બરાબર ગોઠવાતા નહોતા અને તીરો નિશાન ચુકી જતા હતા. રથ બાદ તેની વધુ એક સેનાની હાલત ખસ્તેહાલ થઈ ગઈ. પોરસની સેનામાં જ્યાં ખાંચ મળતી ત્યાં ઘુસીને સિકંદરના ઘોડેસવારો આતંક મચાવી દેતા. સિકંદર સામે હવે માત્ર હાથીઓ જ પડકાર હતા. એક એક વોર એલિફન્ટને તૈયાર કરવામાં દસ દસ વર્ષ જેટલો સમય લાગતો. હાથીઓ તેમના નામ અને ચોક્કસ પ્રકારની સિટીઓથી અપાતા આદેશોનું પાલન કરતા. સામી સેનામાં ઘુસી ગયેલો હાથી ડઝનબંધ સૈનિકોનો ખાત્મો બોલાવી દેતો. ખાસ પ્રકારે તાલિમ પામેલા હાથીઓ દુશ્મન સૈનિકોને પગ નીચે કચડતા અને જે સુંઢમાં આવી જાય તેને ઉપરની તરફ ધરી દેતા, જ્યાં તેનું માથુ ધડથી અલગ કરી દેવામાં આવતું. મેસેડોનિયન સેનાપતિએ તેનો પણ હલ શોધી કાઢ્યો. ભાલાધારીઓને આગળ ધકેલી તેમને હાથીઓની આંખોમાં ભાલા ઘોંપવાનો આદેશ કર્યો. વરસાદી કિચડ અને ચારે બાજુની કાપાકાપીથી ઉડેલા માંસના ફૂરચાની દુર્ગંધથી હાથીઓ આમ પણ ઘાંઘા થયેલા. એમાં પણ આંખોમાં પ્રહારો શરૂ થતા સ્થિતિ વધુ કપરી બની. માનવમાંસના કુચા, કરપીણ ચીસો અને આંખોમાં પ્રહારોથી ગાંડા થયેલા ગજરાજો પોતાની સેનાને જ કચડી નાખવા લાગ્યા. પોરસની સેનાને તેના પોતાના હાથીઓ જ ભારે પડવા લાગ્યા. (જોકે, ગ્રીકો વોર એલિફન્ટ્સથી એટલા પ્રભાવિત થયા હતા કે પછીથી તેમણે પણ પોતાની સેનામાં હાથીઓનો ઉપયોગ શરૂ કરેલો.)
પોરસની સેના સિકંદરની જાળમાં ફસાઈ ગઈ હતી. સિકંદરની સેનાએ પોરસના લશ્કર ફરતે બરાબરનો ભરડો લઈ લીધેલો. ગ્રીકો કિલિંગ મશીન બની ગયેલા. ભયંકર હત્યાકાંડ સર્જાયો. ભયાનક રક્તપાતના કારણે જેલમકાંઠાની જમીનનો રંગ રક્તિમ કરી નાખનારા સાતેક કલાકના સંઘર્ષ બાદ પોરસની સેના લગભગ સાફ થઈ જવા પર હતી. તેની સેનાની ત્રણ કોર લગભગ પતી ગયેલી. પણ પોરસ હજૂ જીવતો હતો. તેણે વિશ્વાસ ગુમાવ્યા બાદ ખુમારી સાથે લડાઈ ચાલુ રાખેલી. સિકંદર તેની બહાદુરીથી પ્રભાવિત હતો. તે પોરસને મારવા નહોતો ઈચ્છતો. તેણે દૂત મોકલી પોરસને મળવા બોલાવ્યો. જેલમ કાંઠે બંન્ને વચ્ચે મુલાકાત થઈ. એ બંન્ને વચ્ચેનો માત્ર ચંદ પંક્તિનો સંવાદ આજે ઈતિહાસ છે.
ફ્રિ હિટ :
ગલ્ફવોરમાં અમેરિકન આર્મિના જનરલ નોર્માન Schwarzkopfના પ્લાન મુજબ 24, ફેબ્રુઆરી 1991ના રોજ સવારે 4 વાગ્યે સાઉદી અરેબિયાની આગેવાનીમાં આરબ ફોર્સે ઈરાકના કબ્જામાં રહેલા કુવૈતને છોડાવવા દક્ષિણ દિશામાંથી હુમલો કર્યો. દરમિયાન બે અમેરિકન મરિન ડિવિઝન ઓઈલ ફિલ્ડને વળગી રહી. મોડર્ન ભારેખમ હેવી કેલિબર ટેન્ક્સ સહિતની બે અમિરકન ફોર્સે સેંકડો માઈલ પશ્વિમેથી ઈરાકની જમણી પાંખ પર હુમલો કરી દીધો અને `ઓપરેશન ડેઝર્ટ સ્ટ્રોમ` તરીકે ઓળખાયેલા આ મિશનમાં બહુ ઓછા સમયમાં ઈરાકીઓને રેગિસ્તાનની રેતી ફાકતા કરી દીધા. જનરલ નોર્માનની આ સ્ટ્રેટેજી પછીથી `લેફ્ટ હુક` સ્ટ્રેટેજી તરીકે જાણીતી થઈ. આ `લેફ્ટ હુક` સ્ટ્રેટેજીનું પારણુ સિકંદરે જેલમકાંઠે પોરસ સામેના યુદ્ધમાં જ જુલાવેલુ.