યુવાનોના ટોળે ટોળા ચુસ્ત ધાર્મિક બને એના કરતા પ્રેમમાં પડે એ વધારે સારું. ધર્માંધ યુવાનોના ધણ વિશ્વશાંતિ માટે જોખમી છે. ધર્માંધો કરતા પ્રેમાંધો સારા. ધર્મો ભેગા મળીને(ખરેખર તો ભેગા ન મળીને) આ પૃથ્વીનો સર્વનાશ કરાવશે. એ પ્રલયને માત્ર સ્ત્રીઓ જ શક્ય એટલો પાછો ઠેલી શકશે.
ઓશો કહે છે, ‘પુરુષ કુદરતની ડિફેકટિવ પ્રોડક્ટ છે ને સ્ત્રી સંપૂર્ણ. સ્ત્રી પ્રકૃતિ છે. જો સ્ત્રીઓ ન હોત તો આ પૃથ્વી પુરુષે(યુદ્ધો કરી કરીને) રહેવા જેવી જ ન રહેવા દીધી હોત. (એવી લાગતી હોત જેવો આમિર ખાનની પત્નીને ક્યારેક આ દેશ લાગેલો…!Lol)’ જોકે, આ સમિકરણ આપતી વેળા ઓશો પણ સ્ત્રીઓએ કરેલા, કરાવેલા કે સ્ત્રીઓના કારણે થયેલા યુદ્ધોની ત્રિરાશિ માંડવાનું ભૂલી ગયા હોય એમ લાગે.
જો સ્ત્રી પ્રકૃતિ હોય તો યુદ્ધ કરવું એ પુરુષની પ્રકૃતિ છે. સ્ત્રીઓ માટે (પછી ભલે એ એની રક્ષા કાજે હોય કે એને પામવા માટે હોય) યુદ્ધો કરવા એ જ પુરુષ માટે સંસ્કૃતિ છે. પ્રાણીજગતમાં પણ સ્ત્રીને પામવા થતા યુદ્ધો તો પ્રકૃતિનો નિયમ છે. પ્રાણીઓમાં જર હોતા નથી પણ જમીન અને જોરું તો કજીયાના છોરું(કે જનની?) બનતા જ રહે છે.
કાપુરુષો જ યુદ્ધોથી ભાગતા ફરે છે ને મહાપુરુષો જાણે છે કે યુદ્ધ ક્યારે અને કોની સાથે કરવું. આતંકવાદનો ધર્મ પોથીમાંનો ધર્મ છે જ્યારે માથે રહીને મહાભારત કરાવતા કૃષ્ણનો ધર્મ પોથીમાંનો ધર્મ નહોતો. જો સ્ત્રી પ્રકૃતિ હોય તો યુદ્ધ એ પુરુષની નિયતિ છે. નિયતિને ટાળી શકાતી નથી કારણ કે નિયતિ સ્ત્રીલિંગ છે.
ફ્રિ હિટ :
ગીતામાં સોમરસપાનને પ્રોત્સાહન?
ત્રણ વેદ જાણનારા તથા સોમ(રસ) પીનારા નિષ્પાપ મનુષ્યો યજ્ઞો વડે મને પૂજી સ્વર્ગપ્રાપ્તિ ઈચ્છે છે. તેઓ પુણ્યના ફળરૂપ ઇન્દ્રલોકને પામી દેવતાઓના દિવ્ય ભોગ ભોગવે છે. (શ્લોક 20મો, અધ્યાય 9)