અસલના જમાનાના લાડવાની સાઈઝ જેમ જેમ નાની થતી જાય છે એ જ રીતે આ ધરતી પરથી કેરી ઘોળીને ચૂસી જનારી પ્રજાતિ પણ લુપ્ત થઈ રહી છે. શહેરીકરણ અને ટેબલ મેનર્સે ભારતીય-ગુજરાતી ભોજનશૈલીની જે બે ભવ્ય પરંપરાનો ભોગ લીધો એ પૈકીની પ્રથમ દાળનો સબળકો બોલાવવાની કળા અને બીજી કેરી ઘોળીને ચૂસી જવાની આવડત.
એકતા કપૂરે ભલે કહેવાતી પારિવારિક સિરિયલ્સ બનાવી પણ એમાં ક્યારેય ઘરમાં કેરીની પેટી આવે ત્યારે એની ચીરી કરવી, રસ કાઢવો કે ઘોળીને ચુસી જવી? એવા મુદ્દે થતા ડખ્ખા બતાવ્યા નથી. જરા કલ્પના તો કરો કે વાળની લટ ઝટકાવીને કેરી ઘોળતી `કોમાલિકાઆઆઆ` કેટલી કમનિય લાગેત! અરે, ક્યારેક તો તુલસી વિરાણીને ગોટલી સૂકવીને મુખવાસ બનાવતી બતાવાય ને…!
કેરી ઘોળવી એ એક કળા છે પણ કેટલાક ઠોબારાઓ કેરી ઘોળે છે કે રિક્ષાનો પાવો વગાડે છે એ જ સમજાય નહીં. એ લોકોના પાપે હિજરાઈને તો આજ-કાલ રિક્ષાવાળાઓએ પણ રિક્ષામાં પાવા ફિટ કરાવવાના બંધ કરી દીધા છે. કેરી ઘોળવામાં માત્ર અંગુઠા અને આંગળીઓના ટેરવાનો જ ઉપયોગ થાય કે એની સાથોસાથ હથેળીનું દબાણ પણ જરૂરી છે એ વાતે ‘રસઘોયા’ઓમાં સદીઓથી મતમતાંતર પ્રવર્તે છે. જોકે, કેટલાક જાણકારો તો ઘોળતી વેળા વચ્ચે વચ્ચે ટાઈટ કરી અંગુઠો પણ ખોસતા રહેવાના મતના છે. અહીં જાણકારો ઉમેરે છે કે અંગુઠો ખોસતી વેળા જો પ્રમાણભાન ન જળવાય અને દબાણનું ઘટનાસ્થળ થોડું વધુ નીચે જાય ગોટલો કિમ જોંગ ઉનના મિસાઈલની જેમ ઉછળીને સામેવાળાના ટાલકામાં ટકરાવાની પૂરેપૂરી શક્યતા છે.
કહે છે કે, ગોટલો ચિત્ત જેવો ચંચળ હોય છે. ચુસતી વખતે એને જ્યાંથી જે રીતે પકડ્યો હોય એ જ રીતે ચસક્યા વિના પકડી રાખે એવા મહાપુરૂષોને હું કોઈ હઠયોગીથી કમ નથી માનતો. ગોટલો ચૂસવાની ઘટનામાં સંસ્થા ઘોદે એ વાતે ચડી છે કે એ ક્રિયા વખતે દાંતનો ઉપયોગ કરવો કે નહીં? આઈ મિન ગોટલાની ઉપરનો માલમલીદો દાંતેથી કરડી ખાવામાં વધારે મજા આવે કે ગોટલાને ઉપરના અને નીચેના હોઠની વચ્ચે બરાબર સેટ કરી અંદર જ જીભ વડે લપલપ કરીને ચુસવામાં વધારે મજા આવે? રાજ્યાશ્રય પામેલા ‘ચાટુકારો’ આ બીજી પદ્ધતીને અનુમોદન આપે છે. એ લોકો કહે એટલે પાક્કુ. ‘ચાટવામાં’ એમની માસ્ટરી યુ નો…!
‘આમસૂત્ર’ની કેટરિનાના સમ પણ કેરી ચૂસતી માત્ર છોકરીઓ જ સારી લાગે, લડધાઓ નહીં. સગી ગર્લફ્રેન્ડના સમ ખાઈને કહેજો કે `આમસૂત્ર`ની કેટરિના જોવી સારી લાગે કે ‘બોર્ડર’માં કેરી ઘોળતો અક્ષય ખન્ના? પુજા ભટ્ટ સુધી ઠીક છે પણ અક્ષય ખન્ના? હાઉ મિડલ ક્લાસ મોનિશા? તમે નહીં માનો પણ અક્ષયને કેરી ઘોળતો બતાવ્યો એ દ્રશ્ય સાથે જ મારું તો જે.પી. દત્તા પરથી માન ઉતરી ગયેલુ. પ્રિયા પ્રકાશ વોરિયરના સમ ખાઈને કહેજો કે ડેરીમિલ્ક સિલ્કની એડમાં પેલી ક્યુટડી છોકરીના બદલે કમાલ ખાન કે ઇવન ફવાદ ખાનને પણ સિલ્ક ચાટતો બતાવ્યો હોત તો તમને સારું લાગેત? આપણને ખાટો ઘચરકો ના આવી જાય? (મને તો આવી જ જાય. ફવાદ ખાનની ફેન છોકરીઓના સમ.) કેરી ચૂસવાના દ્રશ્યનું પણ ડિટ્ટો સિલ્ક જેવું જ છે. છોકરીઓ જ સારી લાગે. ગોટલીની કડવાશ જેવું એક સત્ય એ પણ છે કે ફ્રૂટીવાળાઓના પાપે આજ-કાલ છોકરીઓ કેરી ઘોળીને ચુસતી જોવા મળતી નથી. આ ઘોર કળિયુગમાં જો તમને ક્યાંક કાચી કેરી જેવી છોકરી પાકી કેરી ચુસતી જોવા મળી જાય તો માનજો કે ગયા ભવે તમે કેરીના ટોપલેટોપલા દાન કરીને પૂણ્ય ભેગુ કર્યુ હશે.
કેરી ચુસતી ક્યુટડી(આ વાક્યમાં આ શબ્દ પર સૌથી વધુ ભાર ગણવો) છોકરીઓ ઓછી જોવા મળવા પાછળ એ વ્યક્તિ જવાબદાર છે જેને સૌ પ્રથમ કેરીનો રસ કાઢવાનો વિચાર આવેલો. જવાહરલાલ નહેરુએ તો ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’માં એ વયક્તિને તદ્દન અરસિક ગણાવીને તેની આકરી ઝાટકણી કાઢી છે. અહીં હું નહેરુની જગ્યાએ એમ લખુ કે આવું ‘હિન્દ સ્વરાજ’માં ગાંધીજીએ લખ્યું છે તો પણ શું કંકોડા ફરક પડે? આજ-કાલ ગાંધી-નહેરુના નામે કે તેમના વિશે કંઈ પણ ‘ભક્તિ ચાલે છે’. BC કોણ ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ કે ‘હિન્દ સ્વરાજ’ ચેક કરવા જવાનુ છે? દે દામોદર દાળમાં પાણી…હઓ હમ્બો હમ્બો…!
ફ્રિ હિટ :
ફળોનો રાજા ભલે કેરી હોય પણ રાણી તો BC દ્રાક્ષ જ છે. ચિયર્સ…!