હું નાનો હતો ત્યારની વાત છે. અલબત્ત, શારીરિક રીતે નાનો. માનસિક મોટો થયો હોવા અંગે તો આજે પણ ઘણાને શંકા છે! વિરમગામના બસસ્ટેન્ડના બુક સ્ટોલ પર મુખપૃષ્ઠ પર રંગબેરંગી ચિત્રોવાળી કોઈ જોક્સની ચોપડી મને આકર્ષી ગઈ. મેં અમારા ગેરેજ પર જઈને એ ખરીદવાના દસ રૂપિયાની માગણી કરી. અમારા કુટુંબના સભ્ય સમાન પારિવારિક મિત્ર એવા જીવાકાકા મારી માગ સાંભળીને વિફર્યા. એમણે કહ્યું કે, ‘એવા જોક્સના ચોપડામાં તે કંઈ દસ રૂપિયા નંખાતા હશે? હજુ કંઈક ખાવાનું લે તો કોકના પેટમાંય જાય.’ એમણે મારી માગ મુજબ ખાનામાંથી દસ રૂપિયા તો ન કાઢી આપ્યા, પણ એ આખો દિવસ ગેરેજ આવનારા તમામને મારી ફરિયાદ કરી કે મારે ‘જોક્સનું ચોપડું’ ખરીદવું હતું અને એના માટે મેં દસ રૂપિયાની માગ કરેલી.
એ પછી પણ જીવાકાકા જ્યારે પણ મને ગેરેજમાં કોઈને કોઈ બુક વાંચતો ભાળી જાય ત્યારે કહેતા કે, ‘શું હાળા આખો દા’ડો વાંચ વાંચ કરે છે! તારે ફિલોસોફર થવાનું છે? હાળા, ચશ્મા આઈ જશે ને બાડો થઈ જઈશ!’ એમની જીભ જે ચલાવવામાં એ માસ્ટર હતા અને કાયમ ફાંટમાં જ રાખતા એવી છરીની માફક જ ચાલતી. એ પપ્પાને પણ કહેતા કે, ‘રાજુ ભૈ, આ પિન્ટુળો આખો દા’ડો વાંચ વાંચ જ કરે છે. ફિલોસોફર થઈ જવાનો.‘ આજે પણ હું જ્યારે ‘ગેંગ્સ ઓફ વાસ્સેપુર’માં રામાધિરસિંહને પોતાના પુત્રને પેલો યાદગાર ડાયલોગ કહેતો જોઉં છું કે, ‘બેટા, તુમસે ના હો પાએગા. હમે તુમ્હારે લચ્છન બિલકુલ ઠીક નહીં લગ રહે’ ત્યારે જીવાકાકાનો પેલો ટોન યાદ આવી જાય છે. જેમાં એ મારા પપ્પાને કહેતા કે, ‘આ ફિલોસોફર થવાનો.’ (ઈસકે લચ્છન મુજે બિલકુલ ઠીક નહીં લગ રહે. યુ… નો!) મારું વાંચનના રવાડે ચડવું એ એમના માટે આઘાતજનક ઘટના હતી. જેના બાપ-દાદાઓએ આજીવન ‘બીજું જ કંઈક’ ચલાવ્યું હોય એ કુટુંબનો નબીરો કલમ ચલાવવાની દિશામાં આગળ વધે એ તો કેવી રીતે ચલાવી શકાય? એક વાત અત્યારે છાતી ઠોકીને લખી શકું એમ છું કે એ જ જીવાકાકા અને એ જેમના ખાસ દોસ્ત હતા એવા મારા નાનાકાકા એટલે કે રજનીકાંત બાલાશંકર દવે જો હયાત હોત તો ચોક્કસ આજે મારી આ ‘હસાહસીની ચોપડી’ પ્રગટ થવાની અને કદાચ વિરમગામના બસસ્ટેન્ડના એ બુકસ્ટોલ સુધી પણ પહોંચવાની ખુશીમાં ગામના બસસ્ટેન્ડથી વાલિયાચોક સુધી મારો વરઘોડો કાઢ્યો હોત. હોવ…હમ્બો…હમ્બો!
બાય ધ વે, મને તો ત્યારે જ સમજાઈ ગયુ હતું કે ગુજરાતમાં કોઈ કાકો’ય (શબ્દશઃ કોઈ કાકો’ય) ચોપડીમાં પૈસા નાંખતો નથી અને નાંખવા પણ દેતો નથી!
હું તમને એક વાત એવી કહું કે આ બુક લખાતા લગભગ આઠ-નવ વર્ષનો સમય લાગ્યો છે અને બીજી વાત એવી કહું કે આ લખી રહ્યો છું એના બે મહિના પહેલા મારા મનમાં બુક પ્રગટ કરવાનો કોઈ વિચાર સુદ્ધાં નહોતો તો? બન્ને વાત વિરોધાભાષી છે અને તેમ છતાં બન્ને સાચી છે. આઠેક વર્ષ પહેલા જ્યારે જીવનના પહેલા પાંચ હાસ્યલેખો લખ્યાં ત્યારે આ પુસ્તકની પ્રસ્તાવના જેમણે હેતથી લખી આપી છે અને અધિકારપૂર્વક મેં લખાવી છે એવા અશોક દવે એટલે કે દાદુને વાંચવા મોકલેલા. એ લેખોના ટાઈટલ મને હજુ યાદ છે. એ હતા – ‘મારો પ્રથમ હાસ્યલેખ’, ‘મારા લગ્નના પ્રયોગો’, ‘ધંધો જમીન-મકાનનો’, ‘પ્રપોઝ કરવા અંગે સલાહો’ અને ‘આ તે કંઈ હાસ્યલેખ છે કે હજામત?’ દાદુએ એ સમયે જ મને વધાવેલો. એમણે મારામાં હાસ્યલેખનનો સ્પાર્ક હોવાનું કહી લખવાનું ચાલુ રાખવાનુ કહેલું. દાદુને જ્યારે મેં લેખો મોકલ્યા ત્યારે હું તેમને ઓળખતો પણ નહોતો. રાજકોટના એક અજાણ્યા વાચક તરીકે મોકલેલા. જોકે, એ પછી મેં હાસ્યલેખનને ખાસ ગંભીરતાથી લીધું નહોતું. ત્યારબાદ વર્ષો વીત્યા. હું અમદાવાદમાં સેટ થયો. દાદુ, હકીબા, ‘સમ્રાટ એન્ડ કુ.’ સાથે પારિવારિક સંબંધો બંધાયા. એક દિવસ હું અને ખુશાલી એમના ઘરે બેસવા ગયા હતા ત્યારે તેમણે મને ફરીથી હાસ્યમાં ગંભીર થવાની ટકોર કરી. હાસ્યલેખનની કેટલીક ટીપ્સ પણ આપી. મને કિક વાગી. મેં મનમાં પુસ્તક લખવાની ગાંઠ વાળી લીધી. નવભારત સાહિત્ય મંદિરના મિત્ર રોનકભાઈ શાહ સાથે મુલાકાત કરી. એમણે ઈજન આપ્યું. એ સમયે હાથ પર રોકડા 17 લેખો હતા અને આ પુસ્તક માટે મેં લગભગ ત્રણેક અઠવાડિયામાં જ બીજા 18 લેખો લખી નાંખ્યા. દાદુએ આપેલી પેલી ટીપ્સ બરાબર કામ કરી ગઈ અને હાસ્યલેખનમાં હું કોહલી કરતાં પણ વધારે એવરેજ આપવા લાગ્યો! અગાઉ ક્યાંક આડાહાથે મુકાઈ ગયેલા જીવનના પ્રથમ પાંચ હાસ્યલેખો બાદ કરું તો આખી જિંદગીમાં મેં લખેલા હાસ્યલેખો માત્ર સત્તર અને છેલ્લા ત્રણ સપ્તાહના 18! આ પુસ્તક લખવાની પ્રેરણા આપવા બદલ અને પ્રસ્તાવના બદલ હું દાદુનો આભાર માનું એટલા ઔપચારિક સંબંધો અમારા નથી, પણ અહીં મારે સૌ પ્રથમ અશોક દવે પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જ રહી. થેંક્યુ દાદુ.
હિન્દીના મારા પ્રિય વ્યંગકાર શરદ જોશીએ એક સરસ વાત કહેલી કે, ‘લિખના મેરે લિએ જિંદગી જી લેને કી એક તરકીબ હૈ.’ મને એ તરકીબ સમજાતા લગભગ આખો એક દાયકો લાગ્યો છે. લેખક તરીકે મારે આ પુસ્તકના સર્જન વિશે જો કંઈક કહેવાનું હોય તો હું માત્ર એ જ કહીશ કે આ પુસ્તક એ બીજુ કંઈ નહીં, પણ શરદ જોશીની મને સમજાઈ ગયેલી અને મારામાં ઉતરી ગયેલી એ તરકીબ છે. જીવનના પહેલા પાંચ હાસ્યલેખો લખેલા ત્યારે હું માનસિક રીતે ખૂબ ખરાબ હાલતમાંથી પસાર થઈ રહ્યો હતો. મને પાક્કુ યાદ નથી, પણ મારા તાજેતરના અનુભવો મુજબ લાગે છે કે એ સમયગાળામાં કદાચ હું ટકી ગયો કારણ કે મેં ખૂબ વાંચ્યુ અને થોડું લખ્યું. લગભગ બે-એક મહિના પહેલા વધુ એકવાર માનસિક રીતે જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થયો. એ હદે કે ડો.પ્રશાંત ભીમાણીની ટ્રીટમેન્ટ પણ લેવી પડી. એનાથી ખૂબ ફાયદો પણ થયો. એ તબક્કામાંથી બાઉન્સબેક થઈને મેં છેલ્લા દોઢ જ મહિનામાં હાસ્યલેખો સહિત 30થી વધુ લેખો લખ્યા છે અને એવું લાગી પણ નથી રહ્યું કે હું આટલા ખરાબ તબક્કામાંથી પસાર થયો હોઈશ. વાંચન-લેખને મને તણાવમુક્ત કર્યો અને મને પેલી શરદ જોશી કથિત ‘જિંદગી જી લેને કી તરકીબ’ આવડી ગઈ. મારા કરુણ સમયમાં મારા હાસ્યએ મને ન છોડ્યો અને મેં નક્કી કરી લીધું કે હવે હું હાસ્યને નહીં છોડું. (જો કંઈક બફાઈ ગયું તો વાચકો મને નહીં છોડે. હોવ…હમ્બો…હમ્બો!)
મને મારા લખવા વિશે કે કાયમ બે મૂળભૂત પ્રશ્નો થતા રહ્યાં છે. એક તો એ કે મારે લખવું જ શા માટે જોઈએ? આઈ મિન, આ દુનિયામાં આટઆટલા લોકો આટઆટલું સારું લખે છે અને લખી ગયા છે એ જ આપણે પૂરું વાંચી રહ્યા નથી ત્યારે મારે એ વાંચી જવાના બદલે જાતે શા માટે લખવું જોઈએ? બીજો સવાલ એ થાય કે જો હું લખું તો કોઈએ પણ વાંચવું શા માટે જોઈએ? મારા આ બન્ને સવાલ સાથે ઘણા બધાં લોકો એગ્રી થશે. (જે લોકો મને ઓળખે છે તેઓ આ પુસ્તક વાંચ્યા પહેલા અને નથી ઓળખતા તેઓ આ પુસ્તક વાંચ્યા પછી.) મને તો એવો પણ ફાંકો નથી કે વાચકોને શેમાં મજા આવે અને શેમાં રસ પડે એની મને ખબર છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર મારું મેં ધાર્યુ ન હોય એ વનલાઈનર વાઈરલ થઈ જાય છે. ફેસબુક-ટ્વિટર પર મારા વનલાઈનર્સની બાપુ-જીવલો સિરિઝ ચાલતી હતી એ સમયની વાત છે. એ સમયે દુનિયાભરમાં સાઈબર એટેક થયો અને હેકર્સ બિટકોઈનમાં રેનસમવેર માગતા હતા. ત્યારે મેં ફેસબુક-ટ્વિટર પર એક જોક લખ્યો કે –
બાપુ : જીવલા, આ રેનસમવેર એટલે?
જીવલો : એટલે ક્યાંક વરસાદ થ્યો એમ.
મને લાગ્યું કે આ જોકમાં વર્ડપ્લે સિવાય ખાસ કંઈ નથી. મેં તરત જ ડિલિટ માર્યો. સાગર સાવલિયા ‘બેફામ’નો ઈનબોક્સમાં મેસેજ આવ્યો કે, ‘પેલી પોસ્ટ કેમ ડિલિટ કરી?’ મેં કહ્યું, ‘એમાં મને ખાસ મજા ન આવી એટલે.’ સાગરે કહ્યું કે, ‘સારો જોક છે. ફરીથી પોસ્ટ કરો. મેં તો સ્ક્રિનશોટ પાડીને ફરતો પણ કરી દીધો છે.’ મેં એ જોક ફરીથી પોસ્ટ કર્યો અને પછી તો એ ખૂબ વાઈરલ થયો. કોઈએ આ જ જોક ‘ખિચડી’ના કેરેક્ટર્સ ‘પ્રફુલ-હંસા’ના નામે પણ ફરતો કરેલો. એ જ રીતે નામ વિના ફરતું એક મારું વનલાઈનર ફરતું ફરતું દાદુ પાસે પહોંચ્યું. દાદુને એમાં મજા આવી. એ ‘બુધવારની બપોરે’માં સ્થાન પામ્યું અને મને જાણે મોક્ષ મળ્યાની લાગણી થઈ!
મારું આ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે હું મારા પરિવાર, મમ્મી-પપ્પા, પત્ની ખુશાલી, ભાઈ નીરવ અને બહેન વૈભવીનો આભાર માનવા ઈચ્છીશ. એ લોકોએ મને સાચવ્યો છે. સંભાળ્યો છે. સહન કર્યો છે. હું લખવામાં કદાચ કોઈને થોડું ઘણું હસાવતો હોઈશ, પણ ક્યારેક હું સહન પણ ન થાઉં એવો હોઉં છું. અરે, હું ખુદ જ મારી જાતને સહન ન કરી શકું! હું મને ઓળખું ને. પેલું કહે છે ને કે, ‘બેકરીમાં બ્રેડ અને બસ સ્ટેન્ડમાં ભજિયાં, બનતાં કદી જોવા નહીં અને ગમતા લેખકને કદી મળવું નહીં.’ એ જ રીતે હું ખરાબ મૂડમાં હોઉં ત્યારે મળવા જેવો તો દૂર સહન થાઉં એવો પણ નથી હોતો. એ તો મારા પરિવારજનો, સિટી ભાસ્કરની મારી ટીમ અને ઓફિસવાળા એટલા સહિષ્ણુ છે કે મને ચલાવી લે છે. નિભાવી લે છે.
ગુજરાત લિટરેચર ફેસ્ટની બે વર્ષ પહેલાની સિઝનમાં જ્યારે મેં વનલાઈનર્સની ‘હિ એન્ડ શી’ સિરિઝ લખી ત્યારે સૌ પ્રથમ મને કાજલ ઓઝા વૈદ્યે મને એની પુસ્તિકા કરવાનું સૂચન કરેલું પણ એ કોઈ કારણોસર થયું નહીં. જોકે, એ સમયે મને મનમાં પહેલીવાર એવું થયેલું કે મારું લખેલું પણ કંઈક પ્રકાશિત થઈ શકે ખરું! એ આત્મવિશ્વાસ આપવા બદલ કાજલબેનનો આભાર.
2012-13માં હું divyabhaskar.comમાં હતો ત્યારે વડીલ સાથી જયદીપ વસંત, જેમને અમે ગારુ (તમીલ માનવાચક શબ્દ) કહેતા અને જેઓ અત્યારે બીબીસી ગુજરાતીમાં છે તેમણે મને એક રિડિંગ લાઈટ ગિફ્ટ કરેલી. એ વચન સાથે કે મારે ભવિષ્યમાં કોઈ પુસ્તક લખવું. એ સમયે પણ મારા મનમાં દૂર દૂર સુધી પુસ્તક કરવાની કોઈ વાત નહોતી. કદાચ, ગારુ આગોતરું કંઈક ભાળી ગયા હશે. આ પુસ્તક સાથે હું એમનું એ ઋણ ઉતારું છું. મારું પુસ્તક થઈ રહ્યું છે એ વાત સાંભળીને સામેથી ઉમળકાભેર કવર ડિઝાઈનિંગની જવાબદારી ઉઠાવીને સુંદર મુખપૃષ્ઠ તૈયાર કરી આપનારા દિવ્ય ભાસ્કરના ક્રિએટિવ હેડ નરેશ ખીંચીનો પણ હું અહીં આભાર માનુ છું. આ પુસ્તક માટે સુંદર મજાનુ ટીઝર તૈયાર કરી આપનારા ‘પ્રેમજી’ ફેમ ફિલ્મ ડિરેક્ટર વિજયગીરી બાવા અને વિજયગીરી ફિલ્મોસની ટીમ પ્રત્યે પણ અહીં કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આ પુસ્તકનાં ટાઈટલ અને સોશિયલ મીડિયા પર ચાલેલા હેશટેગ #હમ્બો_હમ્બોએ ઘણાંનું ધ્યાન ખેંચ્યું. આ હમ્બો હમ્બો શબ્દો વાપરવાનું હું શીખ્યો કઝિન જીગરભાઈ ત્રિવેદી પાસેથી. હું નાનપણમાં મોટા ફઈબાના ઘરે દેલવાડા રહેતો ત્યારે એ વારંવાર આ શબ્દોનો પ્રયોગ કરતા. આ શબ્દો જે રીતે જે સંદર્ભમાં ‘દે ઠોકમઠોક’ના અર્થમાં વપરાતા એ મને ગમતું. ત્યાંથી જ આ શબ્દો મારી ભાષામાં વણાયા. પછી મારા લેખોમાં આવ્યા અને હવે બુકના ટાઈટલ તરીકે સ્થાન પામ્યા. હોવ…હમ્બો…હમ્બો!
મારે આભાર માનવો છે મારા સોશિયલ મીડિયા પરના મિત્રો, વડીલો અને શુભેચ્છકોનો. જેમણે મને સતત વધાવ્યો છે. મારો ઉત્સાહ વધાર્યો છે. પોત્સાહન આપ્યું છે. જરૂર લાગી ત્યાં મને ટોક્યો છે, ટપાર્યો છે કે વખોડ્યો છે. આ પુસ્તકમાં સમાવિષ્ટ પચાસ ટકાથી વધુ લેખો મેં એક પણ ઓપન પ્લેટફોર્મ પર નથી મુક્યા. જેમણે મને ઓનલાઈન વાંચ્યો છે તેઓ મને ઓફલાઈન પણ વાંચવાનુ પસંદ કરશે અને વધાવશે તેવી આશા છે અને જરૂર પડે ત્યાં વખોડી કાઢતા પણ નહીં ખચકાય તેવો વિશ્વાસ છે. આ ઉપરાંત પુસ્તકના સર્જનમાં જેમનો પણ સહયોગ મળ્યો છે, જેમના ઓબ્ઝર્વેશન્સ મેં ઉપયોગમાં લીધા છે એ તમામનો આભાર. નવભારત સાહિત્ય મંદિરના રોનકભાઈ શાહનો વધુ એકવાર આભાર. તેમજ આ પુસ્તકના સોશિયલ મીડિયા પર પ્રચારમાં સહયોગ આપનારા તમામ મિત્રો અને વડીલોનો આભાર.
– તુષાર દવે
‘હમ્બો હમ્બો’પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.