હું એમ નહીં લખું કે ફૂલ ગયું ને ફોરમ રહી,પણ ઝાડ પડ્યું ને જગ્યા થઈ એમ લખવામાં એ ગુજરી ગયા હોવા છતાં એમનો ડર લાગે. આમ છતાં જો લખું તો ઘણા મનોમન મારી સાથે સહમત થાય એમ છે! હોવ…હમ્બો… હમ્બો…!
‘કૃષ્ણાયન’ના રચયિતા આજે કૃષ્ણમય થઈ ગયા એમ લખું તો એ સ્વર્ગમાંથી (અથવા એમના કરમ જોતા હોય ત્યાંથી) મેસેજ કરીને ઘઘલાવી નાંખે કે, ‘તુષાઆઆર,આવું ચાપલું ચાપલું લખાણ તને શોભતું નથી. તું મારા મોત પર મજા આવી જાય એવા બે-ચાર વનલાઈનર્સ ફટકારી દે. કાજલ ઓઝા વૈદ્ય કા જનાજા હૈ જરા ધૂમ સે નિકલે… યુ નો…!’ હોવ… #હમ્બો_હમ્બો !
આપણે ત્યાં જ્યારે ગુજરી જનારનો ફોટો અવેલેબલ ન હોય ત્યારે શ્રદ્ધાંજલિમાં એવું લખાય છે કે – ‘અહીં મુકવાની તસવીર અમારા હદયમાં છે.’ જોકે, સદગત (મર્યા પછી સદગત જ કહેવાય, કહેવું પડે અથવા ઘણાંને તો જખ મારીને કહેવું પડશે.) તો પોતાની બુક્સમાં ખુદના એટએટલા ફોટા છપાવી ગયા છે કે તમે લખાવી શકો કે – ‘અહીં મુકવાની તસવીર એમની બુકના કવર પર જોઈ શકાશે!’ હોવ…
દિગ-દિગંત સુધી ફેલાયેલી ખ્યાતિ મેળવનારા દિગંત ઓઝાના એ દિવંગત પુત્રીને મોદી સાહેબની જેમ જ પોતાના ફોટાઓનું એવું વળગણ કે મરતા પહેલા એક બ્રાન્ડ માટે મોડેલિંગ કરીને ગુજરાતના રસ્તાઓના હોર્ડિંગ્સ પર પણ ચમકતા ગયા. એમની ફોટો સેન્સ પણ બહુ સારી. કદાચ, એ જ કારણ હશે કે તેઓ ફોટોગ્રાફર સંજય વૈદ્યને પરણેલા! હોવ…હમ્બો…હમ્બો…!
કુદરતે એમને જીવનમાં ઘણી અણધારી મુસીબતો આપી હોવા છતાં તેઓ પોતાનું ધાર્યું કરતા રહેતા અને અણધાર્યું મેળવતા રહેતા. પોતાના જીવનની એક સાંજ તેમણે પોતાના ફેવરિટ સ્ટાર રાજેશ ખન્ના સાથે ગાળેલી. જોકે, એ સાંજની વધુ વિગતે વાત તેઓ ખાસ કોઈને કરતા નહીં. એ સાંજે શું થયું હશે? વો રાઝ ભી અબ ઉનકે સાથ હી ચલા ગયા. એ જ રીતે ટાગોર એમના ફેવરિટ, તો છેલ્લે એક નાટકમાં એમને પણ સ્ટેજ પર સજીવન કરીને મળતા ગયા. ટાગોરની આત્માને સ્વર્ગમાં પણ હખ ન આપવાના તેમના એ ષડયંત્રના મુખ્ય સૂત્રધારો ડિરેક્ટર કમલ જોશી અને રાઈટર દેવાંગી ભટ્ટ છે. સૂત્રોના જણાવ્યા મુજબ એ નાટકના રિહર્સલના ફૂટેજ રંગભૂમિના ક્લાસિક સંગ્રહમાં સ્થાન પામી શકે એટલા મજેદાર છે.
સદગતના નિધનથી ગુજરાતી સાહિત્યનું તો પરિષદ જાણે, પણ પ્રકાશકોને ભાગ્યે જ કદી પુરાય તેવી (નાણાંકીય) ખોટ પડી છે! તેમના મૃત્યુ સાથેના ‘યોગ’ અને વાચકો સાથેના ‘વિયોગ’ સાથે અનેક કોલમો નોંધારી થઈ ગઈ છે. તેઓ ‘એક-બીજાને ગમતાં રહીએ’ લખતાં, પણ અંદરખાને તેઓ અનેકને નહોતા ગમતાં. અમુક તેમને મોઢામોઢ ગમાડતાં અને અંદરખાને નહોતા ગમાડતાં. મોટેભાગે આ ‘અંદરની વાત’ની બન્ને પાર્ટીઓને ‘અંદર અંદરથી’ ખબર રહેતી, પણ પેલું અસીમ રાંદેરી કહી ગયા છે ને કે – ‘…ત્યારે સમય જોઈ માત્ર સદાચાર થાય છે’ એવું જ કંઈક…હોવ…
હું એમને મળ્યો નહોતો ત્યાં સુધી એમને ખાસ વાંચ્યા નહોતા. આજે પણ બહુ વાંચીને ઊંધો નથી વળી ગયો, પણ મને જ્યારે ખબર પડી કે તેઓ દિગંત ઓઝાના પુત્રી છે ત્યારે એમના પ્રત્યે માન વધી ગયેલું. કારણ કે, દિગંત ઓઝા મને ગમતા લેખક-પત્રકાર હતા. રાજસ્થાનથી પાકિસ્તાનની સરહદ રેઢી પડી છે એવી સ્ટોરી કરવા અને એ વાત સાબિત કરવા ઊંટ પર બેસીને પાકિસ્તાનમાં આંટો મારી આવવાનું કલેજું દરેક પત્રકારમાં નથી હોતું. આવી જ દિલેરી કાજલ ઓઝા વૈધના લખાણો અને વક્તવ્યોમાં જોવા (આઈ મીન વાંચવા-સાંભળવા) મળતી. તેઓ પોતાના પ્રવચનોમાં કહેતા કે, ‘હું મારી કોલમમાં કદી સ્ત્રીઓને કદી લિપસ્ટિક કેવી રીતે લગાવવી એ નથી શીખવતી.’ અને આ જ વાતનો તો એ માનસિકતા ધરાવનારાઓને વાંધો હતો કે સ્ત્રી લેખકોએ તો માત્ર રસોડા કે મેકઅપ ટેબલની આસપાસના વિષયો પર જ લખવું જોઈએ. ગુજરાતીમાં જે સ્ત્રી લેખકોએ ‘લાલી, લિપસ્ટિક અને લસણ જેવા’ વિષયોની વાડાબંધી તોડી અને પ્રચુર લોકપ્રિય સાહિત્ય સર્જ્યું એમાં કાજલ ઓઝા વૈદ્ય એક અગ્રેસર નામ હતું. ઈશ્વર એમની આત્માને રોયલ્ટી આપે! થોડું લખ્યું છે ઝાઝું સમજજો.
આ શ્રદ્ધાંજલિ એટલે આપવી પડી કારણ કે તેઓ વર્ષો બાદ સ્ટેજ પર ફરી એકવાર પોતાની અભિનય કલાના કામણ પાથરવા જઈ રહ્યાં છે. કલાના કામણ? હાઉ ઓલ્ડ તુષાર દવે…?! લખો કે વર્ષો બાદ પોતાની એક્ટિંગની વાઈનની બોટલ ઓપન કરવા જઈ રહ્યાં છે. તેઓ કમલ જોષી અભિનીત-દિગ્દર્શિત અને દેવાંગી જોષી લિખિત નાટક ‘એકલા ચાલો રે…’માં પોતાનું જ એટલે કે સ્વ.કાજલ ઓઝા વૈધનું પાત્ર ભજવવા જઈ રહ્યા છે. પેલું કહે છે ને કે જીવતું ડાયનોસોર લાખનું અને મરેલું સવા લાખનું…! એવું જ કંઈક.
આ નાટક બધી રીતે ઈર્ષા આવે તેવું છે. એમાં કાજલબેન રવીન્દ્રનાથ ટાગોરને મળીને આપણને ઈર્ષા કરાવી રહ્યાં છે. કમલભાઈ ખુદ ટાગોરનું પાત્ર ભજવીને આપણને ઈર્ષા કરાવી રહ્યાં છે. વિશાલ વૈશ્ય ઉર્ફે લાંબો, સાલો (અકોર્ડિંગ ટુ રિહર્સલ વીડિયોઝ) કાજલબેન સાથે રોમાન્સ કરીને…હોવ…
એ ઇર્ષાના કારણે જ આજે એનો પહેલો શો જોવા નથી જઈ શક્યો, પણ બીજા શોમાં ચોક્કસ પહોંચવાના પ્રોમિસ સાથે ‘એકલા ચાલો રે…’ની આખી ટીમને અભિનંદન અને ઓલ ધ બેસ્ટ.
જે કોઈ પણ એક સારું અને અર્થસભર નાટક જોવા ઈચ્છતા હોય એ તમામને આ નાટક જોવાની અપીલ છે. કાજલ ઓઝા વૈધના ચાહકોને તેમને એક્ટિંગ કરતા જોવા માટે આ નાટક જોવાની ખાસ ભલામણ છે અને તેમને ન ચાહનારાઓને આ પણ આ નાટક જોવાની ખાસ ભલામણ છે. કારણ કે, અહીં કાજલ ઓઝા વૈદ્ય મૃત એટલે કે સ્વર્ગસ્થ જોવા મળશે. હોવ…હમ્બો…હમ્બો!
ફ્રી હિટ :
ઈશ્વરને આ રીતે કોઈ શોધ્યા કરે નહીં,
લાગે છે એણે કોઈના પૈસા લીધા હશે!
– કુલદીપ કારિયા
નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો આવા જ બીજા 35થી વધુ લેખો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરીને અમારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
Related Articles :
કબીરઘેલો : એક અર્નબ ઉપ્સ અર્બન ગુજરાતી ફિલ્મ!
Faking News : કર્ણાટકના ફ્લોર ટેસ્ટમાં ટાઈ પડે તો વિજેતા નક્કી કરવા મદદ માટે ICCની તૈયારી
ડોક્ટર્સથી પણ સવાયા મેડિકલ એક્સપર્ટ્સ : દોઢ ડહાપણ પણ ઉમેરો જરા સારવારમાં…!
કોંગ્રેસનો કોઈ વાંક નથી, વાડ્રાનો ચહેરો જ એવો છે…!
માનસ ગર્લફ્રેન્ડ અને ‘ચક્ષુપ્રેમ’ : ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર…!
એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે…!
EVMનો એક અડબમ ઈન્ટર્વ્યૂ : હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને ઈલેક્શન્સ કી આબરૂ રખ્ખી!
આમસૂત્ર : પાકી કેરી ચુસતી કાચી કેરી જેવી છોકરી…!
શ્રાવણ સ્પેશિયલ ધાર્મિક હાસ્યલેખ: ‘બાવન પાનાની ગીતા’ના ઉપદેશો!
‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અને નોટબંધી : એકચ્યુલી, ડિરેક્ટર વિક્ટર પાસે આમિરની કોઈ ગુપ્ત CD હશે!
‘અંધાધૂન’નું સસલું અગાઉ જાદુગરની પેટીમાં રહેતું હતું!
જો ગરોળી દસ્તા જેવડી હોત તો શું થાત?: ભય બિન પ્રીત નાહી…!
આઇસ્ક્રીમ, દિવાળી અને મફતિયા ડબલાં-ડૂબલી : યે બંધન તો…!