skip to Main Content

Tushar Dave - Journalist, Author

Uncategorized

પત્રકારત્વ V/S PR : ઘસાયેલા સ્લિપર સામે કવરમાં મુકાતી નોટો વચ્ચેનો સંઘર્ષ

June 24, 201712 second read

TUSHAR DAVE·SATURDAY, 24 JUNE 2017

પેટા : ગોળગોળવાતમાંથી ગોળ નીકળી જાય અને ડંખમાં થોડું ઝેર પણ ઉમેરાઈ જાય ત્યારે : Vipul Rathodની છેલ્લી બે પત્રકારત્વ પરની પોસ્ટ્સના સંદર્ભમાં (લખ્યા તા. 15 જૂન 2017)

બે-ત્રણ દિવસ પહેલા મારી પાસે એક ડાન્સ ટાઇપના કાર્યક્રમનું આમંત્રણ આવ્યું. મેં એ મારા એક રિપોર્ટરને આપીને એ પ્રોગ્રામ કવર કરવા કહ્યું. થોડી વારમાં એ મારી પાસે પાછો આવ્યો. આમંત્રણના એ કવરમાંથી પાંચસોની નોટ નીકળેલી. જે એણે મને બતાવી અને કહ્યું કે, ‘મેં આયોજકને ફોન કરીને પૂછ્યું તો આયોજકે કહ્યું કે અમે નવું સાહસ શરૂ કર્યું છે અને અમારો પ્રથમ કાર્યક્રમ છે એટલે શુકનના મુક્યા છે.’ મેં કહ્યું કે એમની એક લીટી પણ ન છાપતા અને પૂછે તો કહી દેજો કે તમે પૈસા મુક્યા એટલે કોઈકાળે કવર નહીઁ થાય. આ રીતે અમને બિકાઉસમજવાની ભૂલ ન કરી હોત તો કદાચ કંઇક છપાઈ જાત.

પોઇન્ટ અમારા આ વ્યક્તિગત કિસ્સાનો નથી કે નથી પોતાની પ્રમાણિકતાનું પ્રદર્શન કરવાનો પ્રયાસ. મુદ્દો એ છે કે પેલા માણસને પત્રકારને આપવાના આમંત્રણમાં પાંચસોની નોટ મુકવાનો વિચાર આવ્યો ક્યાંથી? આવા આઈડિયાઝ પી.આર. એજન્સીઝ આપતી હોય છે ને એમને પત્રકારોના ‘ભાવ'(જે વેશ્યાના પણ હોય) સહિતના આવા આઈડિયાઝ ખુદ પત્રકારો જ આપતા હોય છે. પત્રકારો અને પી.આર. એજન્સીઓની એક મેગા કાર્ટેલ ચાલી રહી છે. ઈવન એજન્સીઝમાં પી.આર. એક્ઝીક્યુટિવની ભરતીનો સૌથી મહત્વનો સવાલ કે લાયકાત જ એ હોય છે કે એ કયા અખબાર કે ચેનલમાં કેટલા પત્રકારોને ઓળખે છે. એટલે જ મોટેભાગે પી.આર. એજન્સીઝ પત્રકાર રહી ચુકેલા, પત્રકાર ન બની શકેલા કે પત્રકારત્વને લાગતો કોર્સ કર્યો હોવા છતાં પૈસા પ્રમાણમાં ઓછા મળતા હોવાથી પત્રકાર બનવા ન માંગતા લોકોથી જ ખદબદે છે. કેટલાક અનુભવી અને ‘પ્રેક્ટિકલ’ પત્રકારો તો જાતે જ સાઇડમાં એકાદી એડ કે પી.આર. એજન્સી ખોલી નાખે છે, જે પછીથી તેનો મુખ્ય વ્યવસાય બની જાય છે. આ આખી વ્યવસ્થા દિવસેને દિવસે પત્રકારોને વધુને વધુ કરપ્ટ બનાવી રહી છે. પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક, ગુજરાત હોય કે ભારત, એ જ ચુડેલના વાંસા જેવું કદરૂપું સત્ય છે કે કવરમાં મુકાતી પેલી નોટોની લીલાશ પત્રકારની શાહીમાં પીળાશ ઘોળી રહી છે. ખેર, મારો મુદ્દો તો આ પણ નથી. આ તો ઓલમોસ્ટ ઓપન સિક્રેટ છે.

મારો મુદ્દો તો એ છે જે અંગે કોઈ લેખમાં સિનિયર પત્રકાર Prashant Dayalએ લખેલું કે, ‘સાચા પત્રકારોને સાચવી લેવાની જવાબદારી સમાજની છે. એનું માન-સન્માન જળવાય અને એને એના કામનું યોગ્ય વળતર મળી રહે એ નિશ્ચિત કરવું જ પડશે. નહીઁ તો મીડિયા અને પી.આર. એજન્સીઝમાં જળોની જેમ વળગેલી પેલી અધકચરી પણ મીડિયોકર જમાત પત્રકારત્વ પર હાવી થઈ જશે. પત્રકારત્વમાં જે બચ્યુ કુચ્યુ સત્વ છે એનું પણ ધનોત પનોત કાઢી નાખશે. કારણ કે, ઇતિહાસ સાક્ષી છે કે જંગ જયારે ઘસાયેલા સ્લિપર અને કડકડતી નોટ વચ્ચે હોય ત્યારે લાંબા ગાળે જીત લીલા રંગની જ થતી હોય છે.

ફ્રિ હિટ :

Journalism is printing what someone else does not want printed: everything else is public relations.

– George Orwell

 

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top