TUSHAR DAVE·SATURDAY, 24 JUNE 2017
પેટા : સુપ્રીમમાં ટ્રીપલ તલાકના મુદ્દે સુનાવણી ચાલી રહી છે. જેના કારણે ઇસ્લામની તો ખબર નહીં પણ આજ-કાલ દંભી સેક્યુલારિઝમ ખતરે મેં હૈ…! (લખ્યા તા.12 મે 2017)
પતિ મજાકમાં પણ ત્રણ તલાક બોલી ગયો હોય તો પણ એ તલાક જ ગણાય ને ફરજિયાત હલાલા કરીને જ લગ્નજીવનમાં પાછા ફરવું પડે એવી વાતો લખેલી કિતાબ દેશભરમાં વેંચીને મામલો કોર્ટે ચડતા પાછી ખેંચનારા તળિયા વગરના લોટા જેવા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના કૉંગ્રેસી વકિલ કપિલ સિબ્બલે સુપ્રીમમાં માથુ ફરી જાય એવી દલીલ કરી છે કે – ‘કોઈપણ સમજદાર કે વિવેકી મુસ્લિમ એક સવારે જાગીને પત્નીને ત્રણ તલાક કહી દેતો નથી.’
એમને પૂછવા જેવો સવાલ છે કે જેઓ પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં પણ પત્નીને ત્રણ તલાક કહીને ભાગી જાય છે તેવા અસમજદાર અને અવિવેકી મુસ્લિમોનું શું? એવા અસમજદારોએ વેપનની જેમ બેફામ વાપર્યો હોવાથી જ તો આ મામલો આજે આટલો ગાજી રહ્યો છે. તેમની દલીલ તો કંઈક એ પ્રકારની છે કે દેશના દરેક નાગરિકને ગન રાખવાની છૂટ હોવી જોઈએ કારણ કે કોઈપણ સમજદાર કે વિવેકી નાગરિક સવારે ઉઠીને ફાયરિંગ નહીં કરે. (ઉત્તર પ્રદેશના) ગધેડાને પણ તાવ આવે એવી વાત છે.
સુપ્રીમની એક બેચે સ્પષ્ટ કર્યું છે કે જો ત્રણ તલાક ધાર્મિક બાબત, અધિકાર કે ધર્મના મૂળ તત્વોમાં હોય તો કોર્ટ તેમાં દખલ નહીં કરે ત્યારે ખરેખર જરા ઊંડા ઉતરીને જાણવાની જરૂર છે કે આ દેશમાં કોર્ટે જ્યારે મટકીફોડની પ્રથાની માટલીની ઊંચાઈની મર્યાદા નક્કી કરી આપી ત્યારે એ જાણવાની તસ્દી લીધી હતી કે જન્માષ્ટમીની ઉજવણીમાં સામેલ આ પરંપરા હિન્દુ ધર્મનો મૂળ હિસ્સો છે કે નહીં? ત્યારે કોર્ટે એ ઉદારતા દાખવેલી કે જો આ ધાર્મિક મુદ્દો હોય તો કોર્ટ એમા માથુ નહીઁ મારે? બાય ધ વે જલિકટ્ટુ વખતે શું થયેલું? જો મટકીફોડના ખેલૈયાઓ કે આખલાઓના જીવન મરણનો સવાલ હોય તો આ શું ટ્રીપલ તલાક પીડિત મહિલાઓ માટે જીવન મરણ અને મૂળભૂત બંધારણીય હકનો સવાલ નથી?
નામદાર કાનૂનરક્ષકોએ સમજવું જોઈએ કે જો ટ્રીપલ તલાક ઇસ્લામના મૂળ તત્વોમાં જ હોય તો એ પાકિસ્તાન સહિતના ઇસ્લામિક દેશોમાં શા માટે અસ્તિત્વ ધરાવતો નથી? એન્ડ જો એ ઇસ્લામના મૂળ તત્વોમાં હોવા છતાં એટલો બધો અમાનવીય, ગેરબંધારણીય અને મહિલાઓ માટે અન્યાયી હોય કે ખુદ ઇસ્લામિક રાષ્ટ્રો તેને ફગાવી દેતા હોય તો આપણે ક્યાં સુધી ધાર્મિક સ્વતંત્રતાની બાંગો પોકારીને તેને પંપાળે રાખવાનો? અદાલતોનો ન્યાય સિવાય બીજો કોઈ ધર્મ હોતો નથી. ન્યાયની અંધ દેવીને કોઈ ધર્મ પણ દેખાતો નથી ત્યારે જો પ્રશ્ન મહિલાઓને થતા અન્યાયનો હોય તો ન્યાય કરવામાં ઇસ્લામ શા માટે આડો આવવો જોઈએ?
ચંદ્રકાન્ત બક્ષીએ એકવાર લખેલુ કે,`જો રાષ્ટ્ર ધર્મનિરપેક્ષ હોય તો અહીં ‘ધાર્મિક લઘુમતિ’ જેવા શબ્દનો પણ સ્વીકાર કેવી રીતે થઈ શકે? એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં ‘ધાર્મિક લઘુમતિ’ નામની કોઈ વસ્તુનું અસ્તિત્વ જ અસંગત, વિચિત્ર અને વિરોધાભાષી નથી લાગતું?` જો દેશ બિનસાંપ્રદાયીક એટલે કે ધર્મનિરપેક્ષ હોય મતલબ કે કોઈ ધર્મનું વર્ચસ્વ સ્વીકારતો ન હોય, ધાર્મિક ભેદભાવમાં માનતો ન હોય તો આ દેશમાં ધર્મો(લઘુમતિઓ)ને વિશેષાધિકારો-વિશેષ છૂટછાટો શા માટે? અને જો એક સેક્યુલર રાષ્ટ્ર હોવાના નાતે ધર્મોને સંવર્ધન-સરક્ષણ માટે ધર્મોને વિશેષાધિકારો મળે તો તમામ ધર્મોને સમાનપણે શા માટે ન મળે? બહુમતિ-લઘુમતિના અને બહુમતિ-લઘુમતિમાં ભાગલા અને ભેદભાવ શા માટે? આ દેશમાં કોઈ સંપ્રદાયને ‘ધાર્મિક લઘુમતિ’નો દરજ્જો આપવો એ જ આપણી ધર્મનિરપેક્ષતાની મુળ ભાવનાના પાયામાં પ્રહાર નથી? બાય ધ વે ‘બિનસાંપ્રદાયીકતા’ શબ્દ અને સેક્યુલારિઝમનો મુદ્દો પોતે જ સાંપ્રદાયીકતાના પાયા પર ઉભેલો છે. સાંપ્રદાયીકતા જ ન હોય તો બિનસાંપ્રદાયીકતા ક્યાંથી આવે?
મેલડીને ચડે ત્યારે અંધશ્રદ્ધાથી થતી જીવહિંસા ગણાતો બકરો ઈદમાં ધાર્મિક સ્વતંત્રતા બની જાય છે. નવરાત્રિનું લાઉડ સ્પીકર ધ્વનિ પ્રદુષણ ફેલાવે છે અને અઝાનનું સ્પીકર ધાર્મિક સ્વતંત્રતા રેલાવે છે. એકચ્યુલી આ બધી બાબતો જ એક ઉદારમતવાદી હિન્દુને કટ્ટર અને એક કટ્ટર હિન્દુને ‘ભક્ત’ બનાવતી હોય છે. આ જ તો ટાઈમ છે દાખલો બેસાડવાનો. ન્યાયતંત્રની ખરી કસોટી છે. આ એ નક્કી કરવાનો સમય છે કે આ બિનસંપ્રદાયિક રાષ્ટ્રમાં મૂળભૂત હકો, ન્યાય અને કાયદો મોટા છે કે કોઈ ધર્મની જડ અને અન્યાયી પરંપરા? આ દેશના તમામ નાગરિકો મૂળભૂત હકો આપતા બંધારણને આધિન છે કે ધાર્મિક સ્વતંત્રતાના નામે ચાલતા અન્યાયી રિવાજને પાળવા મજબુર છે?
એન્ડ બાય ધ વે, કહાં હૈ…કહાં હૈ વો લોગ, જો કોમન સિવિલ કોડ કે ઝંડે લહેરાતે ફિરતે થે ઓર કલમ 370 પર ચર્ચા કરને કે જૂમલે લડાયે ચલતે થે? જો સુપ્રીમ કોર્ટને લો બોર્ડની વિરૂદ્ધમાં જતા કોઈ કાનૂની અંતરાય નડી જાય તો નરેન્દ્ર મોદીએ મામલાને સંસદમાં લઈ જઈને કાયદો ઘડીને પોતાની સરકાર 56 ઈંચ, ફૂટ, મીટર કે કિલોમીટરની છાતી ધરાવતી હોવાનુ સાબિત કરી બતાવવું જોઈએ. અશક્ય નથી. થઈ જ શકે. જો રાજીવ ગાંધી શાહબાનો વખતે આ દેશના મુસલમાનોની લાગણીની કદર કરીને સુપ્રીમના નિર્ણયને ઉલટાવી શકતા હોય તો નરેન્દ્ર મોદી આ દેશના હિન્દુઓને આ બિનસાંપ્રદાયીક રાષ્ટ્રમાં કાયદો બધા માટે સમાન જ છે અને આ દેશના કાયદા કરતા કોઈ ધર્મ મહાન નથી એ બતાવવા એટલુ તો કરી જ શકે ને? એક સર્જિકલ સ્ટ્રાઈક મુસ્લિમ ધાર્મિક જડતા વિરૂદ્ધ પણ થઈ જાય.
ફ્રિ હિટ :
ટ્રીપલ તલાકના હક માટે શરિયતની દુહાઈઓ દેનારાઓ એવું કેમ નથી કહેતા કે ભારતીય મુસ્લિમો માટે પણ ચોરીના ગુનામાં હાથ કાપી નાખવા જેવી સાઉદીમાં ચાલતી શરિયત આધારિત સજાની જોગવાઈ કરો?