મમતા બેનર્જી મોદીને કુર્તા અને મીઠાઈ મોકલે છે, ગુલામ નબી આઝાદને મોદીએ સારા મિત્ર ગણાવ્યા છે. મોદીને બરાક ઓબામા સાથે ‘તું-તારી’ના અને પાકિસ્તાન સાથે શાલ-સાડીના વહેવારો છે! બે મિનિટનું મૌન, સોશિયલ મીડિયા અને સડકો પરના એ અલગ અલગ પાર્ટી-નેતાના અર્ધદગ્ધ-પૂર્ણમુગ્ધ ભાડૂતી-બિનભાડૂતી વહેંતિયા સમર્થકો અને ભક્તો-અભક્તો માટે, જેઓ પોતાના પ્રિય નેતાના સમર્થનમાં એક-બીજા સામે સતત દાંતિયા કરતા રહે છે!
તેઓ સમજતા નથી કે પડદા પર અક્ષય કુમાર રજનિકાંત સામે લડતો હોય એનો મતલબ એવો બિલકુલ નથી કે રજનિકાંત અને અક્ષય કુમાર ખરેખર દુશ્મનો છે. અક્ષય કુમાર અને નરેન્દ્ર મોદીને એક ફ્રેમમાં જોઈને અંધ સમર્થકોએ સમજવું જોઈએ કે પડદા પર અક્ષય કુમાર અને રજનિકાંત એ જ કરે છે જેનાથી દર્શકોમાં એમની છબિ ઉજળી થાય અને બન્નેને ફાયદો થાય. કોઈ બીજી સ્ક્રિપ્ટ આવશે ત્યારે એ બન્ને એક-બીજાની ભૂમિકાની અદલ-બદલ કરતા પણ નહીં ખચકાય. અદ્દલ એવું જ નેતાઓનું પણ હોય છે. ચૂંટણી પહેલા રાજકીય પક્ષો એક-બીજાના નેતાઓને જે ગાળો ભાંડતા હોય છે એ લગ્નમાં ગવાતા ફટાણા જેવી હોય છે. ફટાણા પ્રસંગને અનુરૂપ રિવાજ હોવાથી એમ જ મોજ ખાતર ગવાતા હોય છે. લગ્નમાં ઝંપલાવનાર બન્ને પક્ષોને એ સુપેરે ખબર હોય છે કે આ અમસ્તી જ બે ઘડી ગમ્મત ચાલી રહી છે. આનું ખોટું લગાડવાનું ન હોય. આપણે તો કાયમ સાથે જ રહેવાનું છે. આ વાત નેતાઓ તો સમજતા જ હોય છે. માત્ર ભોટ ભક્તો અને અભક્તો જ એને સાચું માની અમથેઅમથા લોહીઉકાળા કરતા હોય છે! હોવ…હમ્બો…હમ્બો…!
દેશમાં ઈલેક્શનની શતરંજ ચાલી રહી છે. જે પ્રજાએ સમજવી જરૂરી છે. પેલી શતરંજમાં રાજાને ચેક આવે અને ચૂંટણીની શતરંજમાં પાદળિયાઓને પણ ઓકાત મુજબ ‘કેશ’ આવે છે. દેશમાં કોઈ મોટો સરકસનો ખેલ ભજવાવા જઈ રહ્યો હોય તેવો તાસિરો સર્જાયો છે. જોકરોએ ઉછળકુદ શરૂ કરી દીધી છે. ગીધડાઓ ટાંપીને બેઠા છે. શિયાળવાની લારી સંભળાઈ રહી છે. કૂતરાંઓ ઓકાત પર આવી ગયા છે. કોઈએ ભસાભસ માંડી છે તો કોઈ તળિયા ચાટવામા વ્યસ્ત છે. પોંખવા અને ‘જોખવા’માં મહારથ ધરાવતા શિખંડીઓની બોલી લાગી રહી છે. કિડીને કણ, હાથીને મણ અને આમને પણ, મળી રહેશે.
આ ચૂંટણી ઐતિહાસિક છે. ઉમેદવારોનું ભાવિ જનતાના હાથમાં છે. જનતા માલિક છે. પાંચ વર્ષે એક વાર જનતાનો વારો આવે છે. જનતા જ્યારે કંઈક ધારી લે ત્યારે ભલભલા ચૂંટણી ચાણક્યો ભોમાં ભંડારાઈ જતા હોય છે. તુર્રમખાન ગણાતા સેફોલોજીસ્ટોને એકડે એકથી ગણતરી માંડવાની ફરજ પડે છે. ચૂંટણી એક એવું પર્વ છે જેમાં પાંચ વર્ષ સુધી સત્તાના મદમાં અંધ બનેલા રાજકારણીઓ અને બની બેઠેલા નેતાઓને અચાનક જ ભાન થાય છે કે જનસમર્થન વિના તેઓ કંઈ જ નથી. ત્રસ્ત પ્રજા એક બટન દબાવીને ઘડીના છઠ્ઠા ભાગમાં તેમનો ઘડોલાડવો કરી નાખવા સક્ષમ છે. આ વાસ્તવિકતા સમજાય એ સાથે જ તેઓ જમીન પર પટકાય છે. જમીન સરસા થઈને જનતાને દંડવત કરવા લાગી જાય છે. મત મેળવવા નીચતાની ઉચ્ચત્તમ કક્ષાએ પહોંચી જાય છે.
જનતાના નિર્ણયને પ્રભાવિત કરવા અદોદળાઓ ઉછાંછળા બની રહ્યા છે. જંબુરાઓ પોતાનો ખેલ બતાવવા તલપાપડ થઈ રહ્યા છે. ચૌદશીયાઓની દિવાળી આવી છે. દલાલોને દિવાળી બેઠી છે. ખોળે બેસનારાઓ અને બેસાડનારાઓ હુપાહુપ કરી રહ્યા છે. સામસામા કતરાઈને દાંતિયા કરી રહ્યા છે. તળિયા વિનાના લોટાઓ ઢબી રહ્યા છે, હજૂ એ બેફામ બનશે. જીહજુરીના, ખરીદ-વેંચાણના, ખેંચાખેંચી-ખેંચમતાણીના દિવસો આવી રહ્યા છે. ખાણી-પીણી ઉજાણીથી માંડીને કતલની રાતો આવી રહી છે. આચાર સંહિતાને લાચાર બનાવવાના ખેલ નંખાઈ રહ્યા છે. ખાંડા ખખડી રહ્યા છે. રાજકારણમાં ખખડાવવાના અને ખોસી દેવાના ખાંડા અલગ અલગ હોય છે. રિસાવા અને મનાવવાની ઋતુ આવી રહી છે અને રાજનિતિમાં રિસાવા કરતા માની જવાના ટાઈમિંગ મહત્વના હોય છે.
બેશક, ચૂંટણી લડવી એ ખાવાના ખેલ નથી, એ ખવડાવવાના ખેલ છે!
ફ્રી હિટ :
તમારે બે શેતાનમાંથી એકને ફરજિયાત ચૂંટવો જ પડે તેમ હોય તો એને ચૂંટજો જેને તમે અગાઉ ક્યારેય નથી ચૂંટ્યો.
Related Articles :
ગુજરાતના ઉમેદવારો : ‘જમીન સાથે જોડાયેલા’, પ્રજાના લમણે ખોડાયેલા!
EVMનો એક અડબમ ઈન્ટર્વ્યૂ : હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને ઈલેક્શન્સ કી આબરૂ રખ્ખી!
કોંગ્રેસનો કોઈ વાંક નથી, વાડ્રાનો ચહેરો જ એવો છે…!
આવા નબળા ‘સાહેબ’ ના ચાલે…!
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
વિધાનસભા અને સરકસ : ફોરપ્લે અને સ્ખલન!
ખાલિસ્તાન મુવમેન્ટ : હિન્દુસ્તાનના ઇતિહાસનું એક લોહિયાળ પ્રકરણ