દિવાળીના દિવસોમાં અખબારોમાં આઇસ્ક્રીમની એટલી બધી અને એવી એવી જાહેરાતો આવે કે આપણને ડાઉટ જાય કે ધનતેરસે આઇસ્ક્રીમ મંગાવવાની પરંપરા ક્યાંક પૌરાણિક સમયથી તો નથી ચાલી આવતી ને? ક્યાંક એવું તો નથી ને કે રામ આવતા હોવાનું સાંભળીને અયોધ્યાવાસીઓએ આઇસ્ક્રીમ પાર્ટી કરી હોય?!
જોકે, પછી થાય કે, ‘ના…ના… જો એવું હોય તો ન્યૂઝ ચેનલ્સવાળા દર વર્ષે આપણને ચોક્કસ બતાવે જ કે એ સમયે અયોધ્યામાં કેટલા ટન આઇસ્ક્રીમ ખવાઈ ગયેલો અને લોકોએ આઇસ્ક્રીમના કેટલા પીપ ખાલી કરી નાંખેલા! પછી એક વિચાર એવો પણ આવી જાય કે યે વો બાત તો નહીં જો વોટ્સએપ મેં કહેતે હૈ કી યે દોગલા મીડિયા હમે કભી નહીં બતાયેગા? એટલે પછી આપણે વોટ્સએપ યુનિવર્સિટી પણ ફંફોળી મારીએ પછી નિરાંત થાય!
ધનતેરસે અખબારોમાં આઇસ્ક્રીમની જાહેરાતો જોઈને આપણને બીજો પણ એક ડાઉટ જાય કે આ વાડીલાલ, અમૂલ, હેવમોર એ બધી કંપનીઓ આઇસ્ક્રીમ બનાવે છે કે પ્લાસ્ટિકના ડબલાં-ડૂબલી? એમની જાહેરાતોમાં એમનો આઇસ્ક્રીમ કેટલો સારો છે એના બદલે – એમના આઇસ્ક્રીમની સાથે કેટલા ડબલાં-ડૂબલી મફત આવે છે – નો પ્રચાર વધુ જોવા મળે. એમની અમુક જાહેરખબરો તો એટલી ક્રિએટિવ હોય કે જોઈને એવું લાગે કે ધનતેરસે લક્ષ્મી માતા સોના ભરેલો કળશ નહીં, પણ આમનો આઇસ્ક્રીમ ભરેલી મટકી લઈને જ પધારતા હશે. એ જ રીતે જન્માષ્ટમીની જાહેરાતો જોઈને થાય કે નક્કી ગોકુલવાસીઓ જથ્થાબંધ આઇસ્ક્રીમ બનાવતા હશે અને કાનૂડો ગોપીઓની મટકી ફોડીને માખણ નહીં, પણ આઇસ્ક્રીમ જ ચોરીને ઝાપટી જતો હશે! હોવ…હમ્બો…હમ્બો!
આપણી પ્રજા અને ખાસ કરીને મહિલાઓને આ ડબલાં-ડૂબલીઓ પ્રત્યે કેમ આટલો પ્રેમ છે એ જ મને તો સમજાતું નથી. કહે છે કે મહિલાઓ જેના પર મોહી પડતી હોય એવી ચીજોમાં આ ડબલાં-ડૂબલીઓ ઘરેણાં પછી બીજા નંબરે આવે છે. જોકે, સમાજશાસ્ત્રીઓ અહીં મારી ભૂલ સુધારતા જણાવે છે કે એ મોહનું કારણ એ ડબલાં-ડૂબલીઓનો આકર્ષક દેખાવ નહીં, પણ તેનું મફતિયાપણું છે. જોકે, આવો મફતિયાપણું જેવો કોઈ શબ્દ ગુજરાતી ભાષામાં છે કે નહીં એ અંગે જોડણીખોરો હાલ ઘોદે ચડેલા છે, પણ એનાથી આ લખનારને કંઈ ટંકોરો ય ફર્ક નથી પડતો. યસ, કંઈ ટંકોરો ય ફર્ક નથી પડતો. હોવ…હમ્બો…હમ્બો!
અસ્સલ ગુજરાતી ગૃહિણી બહારથી શાક મંગાવવાનું હોય તો પણ એ જ હોટલને પ્રાધાન્ય આપશે, જે શાક કોથળીમાં નહીં પણ પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરીને આપતી હોય. જે દિવસે આ અમૂલ-વાડીલાલ-હેવમોરવાળાઓની જાહેરાતો જોઈ જોઈને કોઈ હોટેલવાળાઓનું ધ્યાન આપણી ગૃહિણીઓના ઉપ્સ ગુજરાતી ગૃહિણીઓના ડબ્બાપ્રેમ પર પડશે ત્યારથી હોમ ડિલેવરી આપતી હોટલોની જાહેરાતોમાં પણ અમૂલ સોરી આમૂલ ક્રાંતિ આવી જવાની. એ લોકોની અખબારી જાહેરાતોમાં પણ આકર્ષક ડબ્બામાં પેક થયેલું શાક જોવા મળશે. એટલું જ નહીં, પણ ડબ્બામાં પેક એ શાકનું પાર્સલ મંગાવવાથી સાથે કયા બે પ્લાસ્ટિકના ડબ્બા મફત આવશે એની પણ આકર્ષક તસવીરો જોવા મળશે. શું ખબર કે પછીથી લક્ષ્મી માતા પણ સોના ભરેલો કળશ નહીં, પણ ઉંધા માટલામાં પકાવેલુ ઉંધિયુ લઈને પધારતા થઈ જાય અને કાનૂડો ગોપીઓએ બનાવેલી ટામેટા-ડુંગળીની ગ્રેવી ચોરતો થઈ જાય! (આ આખો પેરેગ્રાફ લખ્યા બાદ અમને એવું લાગે છે કે અહીં જ્યાં જ્યાં અમે શાક શબ્દનો ઉપયોગ કર્યો છે ત્યાં ત્યાં ‘સબ્જી’ લખવાની જરૂર હતી. આજે પણ ગુજરાતમાં અનેક મધ્યમવર્ગીય પરિવારો એવા છે જ્યાં ઘરમાં બને તો શાક અને બહારથી આવે ‘સબ્જી’ કહેવાય છે. હોવ…હમ્બો…હમ્બો!)
એની વે, એવી કોઈપણ ચીજ-વસ્તુ કે જે પ્લાસ્ટિકના ડબ્બામાં પેક આવતી હોય એ ખરીદતી વેળા જ મહિલા મનોમન નક્કી કરી લે છે કે આ શ્રીખંડનો ડબ્બો ખાલી થશે તો શું ભરવામાં કામ આવશે? દર ઉનાળે શ્રીખંડના ડબ્બેડબ્બા ખાલી થતા રહે છે, પણ એ ખાલી થયેલા ડબ્બા જે ભરવામાં કામ આવે છે એ ચીજોની યાદી કદી પૂરી થતી નથી. ભલે અંગ્રેજીમાં બુકને તેના કવર પરથી જજ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હોય, પણ મેં એવી અનેક મહિલાઓ જોઈ છે જે આઇસ્ક્રીમની પસંદગી તેના સ્વાદ કરતાં વધુ તેના ડબલા પરથી કરે છે.
બાય ધ વે, જે પ્રજા આઇસ્ક્રીમની ખરીદી તેની ક્વોલિટી નહીં, પણ તેની સાથે ફ્રીમાં મળતા પ્લાસ્ટિકના ડબલા-ડૂબલી પરથી ખરીદતી હોય અને અખબાર પણ મફતિયા કૂપન અને ડબલાં-ડૂબલી જેવી ગિફ્ટ્સના આધારે બંધાવતી હોય એને આઇસ્ક્રીમ કે સરકારની ક્વોલિટી વિશે ફરિયાદ કરવાનો કોઈ અધિકાર રહેતો નથી. જે પ્રજા મરચાં-હળદરના પડીકા કે પ્લાસ્ટિકના ડબલાં સહેજ સારા મળવાની લાલચે અખબાર બદલતી હોય અથવા મફતિયા ગિફ્ટ્સની કૂપનની લાલચે જ અખબાર મંગાવતી હોય, એ એવી જ કોઈ કૂપનિયા લાલચે મતદાન નહીં કરે એની શું ખાતરી? જે અખબારો કોઈ ઘરમાં સમગ્ર પરિવારની વિચારધારાનું ઘડતર કરીને દેશનું ભવિષ્ય નક્કી કરવાના હોય એનું એ ઘરમાં ભવિષ્ય પેલી પાવલીની કૂપન નક્કી કરતી હોય એનાથી મોટી કરુણતા બીજી કઈ હોઈ શકે ભલા?! LOL
જોકે, આ વિચારધારાવાળી વાત ટિપિકલ બિઝનેસ માઈન્ડસેટવાળા ગુજરાતી પરિવારમાં કોઈને કહેવા જઈએ તો એ સામે સંભળાવી પણ દઈ શકે કે, ‘આ વિચારધારાનું ઘડતર-ફડતર તમારી પાસે રાખો અને મને તો પેલી કૂપન આપો!’ જોકે, આમ પણ હવે અખબારો વિચારધારાનું ઘડતર-ફડતર કરતા હોવાનો વહેમ લોકોમાંથી ઓછો થતો જાય છે. કેટલાક કલમનવિશોને બાદ કરતા હવે એ ફાંકો ખાસ કોઈને રહ્યો પણ નથી.
કલમવાલી બાઈ, વો જમાના ગયા જબ અખબાર કો લોગ તોપ સમજતે થે…! આમ પણ હવે પહેલા જેવી ‘કલમવાલી બાઈઓ’ પણ ક્યાં રહી છે? અને કેટલાક કલમવાલા ભાઈઓ એવા છે કે જેમને જોઈને, આઈ મિન કે વાંચીને થાય કે આના કરતા તો કોઈ બાઈ સારી! હોવ…હમ્બો…હમ્બો!
ફ્રી હિટ :
She : દશેરાએ જ ન દોડી શકતા ઘોડાંનું શ્રેષ્ઠ ઉદાહરણ શું?
He : સરકારી સાઇટ્સના સર્વર્સ.
નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો આવા જ બીજા 35થી વધુ લેખો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરીને અમારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 15 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. હમ્બો હમ્બો મંગાવવા અહીં ક્લિક કરો.