વોટ્સએપ પર અફવા ફેલાય છે.
વોટ્સએપ પર પ્રતિબંધ મુકો.
ફેસબુક પર અફવા ફેલાય છે.
ફેસબુક પર પણ પ્રતિબંધ મુકી દો.
ટ્વિટર પર અફવા ફેલાય છે.
અચ્છા? એક કામ કરો આખુ સોશ્યલ મીડિયા જ બંધ કરી દો.
એપ્લિકેશન્સ પર અફવા ફેલાય છે.
એમ? તો આખે આખુ ઈન્ટરનેટ જ બંધ કરી દો.
એસએમએસથી અફવા ફેલાશે.
એસએમએસનું પણ ગળુ ઘોંટી દો.
પછી ફોનથી અફવા ફેલાશે.
તો એ પણ પણ રૂંધી નાખજો.
લોકો ટીવી જોઈને સમાચારો મેળવશે તો?
એનું પણ ગળુ ટુંપી નાખજો.
લોકો અખબારોના માધ્યમથી સત્ય જાણી લેશે.
અખબારો પર પણ પ્રતિબંધ ઝીંકી દેજો.
અફવાને હાથ-પગ કે માથું નથી હોતા. એ માઉથ ટુ માઉથ ફેલાશે તો?
લોકોના બોલવા પર પણ પ્રતિબંધ મુકી દેજો.
માણસ આંખના ઈશારા અને હાવભાવથી વિરોધ નોંધાવશે તો?
હાવભાવ પર પણ પ્રતિબંધ મુકી દેજો.
લોકોના શ્વાસમાં નિસાસાઓ કળાઈ જશે.
માણસના જીવવા પર પ્રતિબંધ મુકી દેજો.
કટોકટી ઠોકી દેજો….
બોલો ‘મન કી બાત’ મહાન હૈ….બોલો ભાજપ સરકાર ઝીંદાબાદ….
પાટીદારોએ સુરતમાં એકતા યાત્રા કાઢવાનો પ્રયાસ કર્યો અને હાર્દિક પટેલની અટકાયત થઈ એ સાથે જ ગુજરાત સરકારે રાજ્યભરમાં મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ પર પ્રતિબંધ મુકી દીધો.
એક તરફ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ સરકાર ડિજિટલ ઈન્ડિયાના બણગા ફૂંકી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યોમાં ભાજપ શાસિત સરકારો વારંવાર ઈન્ટરનેટનું જ ગળુ રુંધીને લોકોની અભિવ્યક્તિ સ્વંત્રતતા પર તરાપ મારી રહી છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના પગલે ફાટી નીકળેલી હિંસાના પગલે રાજ્ય સરકારે રાજ્યભરમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લાદી દીધો હતો. અમદાવાદવાસીઓને તો એક સપ્તાહ સુધી મોબાઈલ ઈન્ટરનેટથી વંચિત રાખ્યા હતા. એ ઘટનાને હજૂ પૂરા પચ્ચીસ દિવસ પણ માંડ થયા છે ત્યાં જ ઘર ભાળી ગયેલા જમ ફરી ત્રાટક્યા છે. એની આઝાદી પર ગમે તેવી તરાપ મારો છતાં આ પ્રજા ચૂં કે ચાં નથી કરવાની એ જાણી ગયેલી સરકારે વધુ એક વાર ઈન્ટરનેટ પર પ્રતિબંધ ઝીંકી દીધો છે.
પહેલા યુપીએ સરકારે સોશ્યલ મીડિયાનું ગળુ ઘોંટવાનો પ્રયાસ કરેલો. હવે ભાજપ સરકાર લોકોનો અવાજ રૂંધી રહી છે. ગુજરાતમાં વારંવાર નેટ પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના જાબુઆમાં બ્લાસ્ટ અને આગની ઘટના બની તો ભાજપની સરકારે નેટ પર પ્રતિબંધ ઠોકી દીધો. શા માટે? તો કહે અફવા ન ફેલાય એ માટે. શું સોશ્યલ મીડિયા પર માત્ર અફવાના જ મેસેજીસ ફેલાવી શકાય? એના માધ્યમથી સરકારી તંત્ર પરિસ્થિતિનો સાચો ચિતાર આપતા તેમજ બ્લડ સહિતની અન્ય જરૂરિયાતોના સાચા મેસેજીસ ન ફેલાવી શકાય? ગુજરાત અને મધ્યપ્રદેશમાં ઈન્ટરનેટ પર સરકારી સંકજો કસાઈ રહ્યો છે તો મહારાષ્ટ્રમાં આ જ ભાજપની સરકાર જનપ્રતિનિધિઓ સામે સવાલ ઉઠાવવો એ ગુનો ગણાય એવો કાયદો લાવવાની ફિરાકમાં છે.
એવું ચિત્ર ઉપસી રહ્યું છે જાણે સરકાર કટોકટી લાદવાની નેટ પ્રેકટીસ કરીને લોકોની સહનશક્તિનું માપ કાઢી રહી હોય. અઘોષિત કટોકટીના અઘોષિત પ્રવક્તાઓ આનંદો. વ્યક્તિની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર મરાતી તરાપનો જશ્ન મનાવો. અફવા પર લગામ કસવાના બહાને સરકાર બેલગામ થઈ રહી છે. બોલો ભારત માતા કી જય…
ગુજરાતમાં પોલીસતંત્રને જાણે છૂટો દોર આપી દેવાયો હોય એ રીતે ક્યાંક ચોવીસ કલાક, ક્યાંક છત્રીસ કલાક, ક્યાંક સાત દિવસ તો ક્યાંક અનિશ્વિત કાળ સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ખોટા મેસેજીસ અટકાવવા માટે આખેઆખો માહિતીનો સ્ત્રોત જ બંધ કરી દેવામાં આવી રહ્યો છે. વારંવારના ઈન્ટરનેટ પર પ્રતિબંધથી ગુજરાતની છબી વિશ્વસ્તરે ખરડાઈ રહી છે. ડિજિટલ ઈન્ડિયાના બણગા ફૂંકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. ત્યાં કોઈ તેમની સામે ડિજિટલાઈઝેશનની વાતો વચ્ચે ગુજરાતમાં વારંવાર ઝીંકાતા નેટ બેન વિશે સવાલ પૂછશે તો એમને જવાબ આપવો ભારે પડી જશે.
લોકમુખે ફેલાતી અફવાના પરિણામે વર્ષો પહેલા જ્યારે ઠેર ઠેર ગણપતિજીની પ્રતિમાઓએ દૂધ પીધુ ત્યારે કયુ સોશ્યલ મીડિયા એ અફવા ફેલાવવા આવેલુ? ગોધરાકાંડ પછીના તોફાનો સમયે શેના કારણે અફવાના પડીકાઓ ફરતા હતા?
ઈન્ટરનેટ બંધ કરી દેવાથી તો શું રાજ્યમાં જેવી હોય એના કરતા અનેકગણી ગંભીર સ્થિતિ ન લાગે? લોકોના દિલ-ઓ-દિમાગમાં એવો ભય ન ઘુસી જાય કે રાજ્યમાં કેટલી ખરાબ પરિસ્થિતિ હશે કે સાત સાત દિવસ સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ ઝીંકી દેવાયો છે? જો ખોટા અને ઉશ્કેરણીજનક મેસેજીસ ફેલાતા હોય તો રાજ્ય સરકાર સાચા અને શાંતિની અપીલ કરતા મેસેજીસ ફરતા કરવાનું તંત્ર ન ગોઠવી શકે? સરકાર પોતાનો જ સોશ્યલ મીડિયા વિભાગ ઉભો કરીને સાચી માહિતી પ્રસારિત ન કરી શકે? શું એવું માને છે કે મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ માત્ર સોશ્યલ મીડિયા માટે જ થાય છે? શું સરકાર પ્રતિબંધ મુકતા પહેલા ઈ-બેકિંગ, ઈ-શોપિંગ તેમજ ન્યુઝ સહિતની વિવિધ એપ્લિકેશન્સ વિશે વિચારે છે ખરી? સરકાર જેમનો બિઝનેસ ઈન્ટરનેટ પર આધારિત હોય તેવા લોકો વિશે વિચારતી જ નથી?
ફ્રી હિટ:
યહાં #Netban હો જાતા હે બાત બાત મેં,
કુછ દીન તો ગુજારો ગુજરાત મેં…..!!! (લખ્યા તા. 19 સપ્ટેમ્બર 2015)