TUSHAR DAVE·SATURDAY, 24 JUNE 2017
પેટા : ટોસ જીતીને પણ ફિલ્ડિંગ ભરવી એ પાશ્વાત્ય સંસ્કૃતિ છે, ભારતીય નહીઁ. વૈદિક સંસ્કૃતિમાં ક્યાંય કોઈએ ટોસ જીતીને ફિલ્ડિંગો ભર્યાના ઉલ્લેખો મળતાં નથી. (લખ્યા તા. 21 જૂન 2017)
વિરેન્દ્ર સહેવાગે જેને માત્ર ઔપચારીકતા ગણાવેલી અને ભારતીય ન્યૂઝ ચેનલ્સે તો ‘લંડન મેં લહેરાયેગા ત્રિરંગા, લાહોર મેં ટુટેંગે ટીવી’ જેવી હેડલાઈન્સ સાથે જેને ઓલમોસ્ટ જીતાડી દીધેલી એવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ ભારત હારી ગયું. જેના કારણે દેશના લાખો પરિવારોનો રવિવારે રાત્રે પિઝા મંગાવવાનો પ્રોગ્રામ કેન્સલ થયો અને બપોરના ભાત વઘારી નાખવા પડ્યા એ મેચ આપણે હારી ગયા કારણ કે, વિરાટકોહલી ભારતના ગલી ક્રિકેટની ભવ્ય પરંપરા વિસરી ગયો. હમારે યહાં ગલી ક્રિકેટ કા બચ્ચા બચ્ચા જાનતા હૈ કી ટોસ જીતીને માત્ર બેટિંગ જ લેવાય. આપણે ત્યાં તો ટોસ જ એ નક્કી કરવા ઉછાળવામાં આવે છે કે પહેલો દાવ કોણ લેશે? ઓસ્ટ્રેલિયાવાળા ભારતમાં યુગો યુગોથી ચાલી આવતી આ પરંપરા જાણી જાય તો એલન બોર્ડરની આવનારી સાત પેઢી પણ એના આઘાતમાંથી ઉગરી ના શકે.
જે ટાઈમે બચ્ચાલોગ પાસે ટોસ કરવા માટે સિક્કો નહોતો રહેતો ને ઠીકરાંની એક તરફ થૂંકીને ‘લીલ કે સુખ’ કરતા એ યુગથી ભારતમાં ટોસ જીતીને બેટિંગ લેવાની પરંપરા ચાલી આવે છે. (ઠીકરાં પછીની પેઢીની જાણ ખાતર કે, લીલ એટલે થૂંકવાળો ભાગ અને સુખ એટલે કોરો થૂંક વિનાનો સૂકો ભાગ. એના આધારે ‘લીલ’ કે ‘સુખ’ બોલનારો કેપ્ટન વિજેતા થાય) ઘણીવાર તો માત્ર બેટની માલિકીના જોરે બેટધરો પહેલો દાવ લઈ લેતા.
ટોસ જીતીને પણ ફિલ્ડિંગ ભરવી એ પાશ્વાત્ય સંસ્કૃતિ છે, ભારતીય નહીઁ. વૈદિક સંસ્કૃતિમાં ક્યાંય કોઈએ ટોસ જીતીને ફિલ્ડિંગો ભર્યાના ઉલ્લેખો મળતાં નથી. ઈવન કૃષ્ણ પણ ગીતામાં ‘ટોસજીત્વમ બેટિંગ કુરુ…’થી શરુ થતા શ્લોકમાં કહે છે કે, ‘સાધુપુરુષો ટોસ જીતીને બેટિંગ જ કરે છે. હે બેટધર, ક્રિકેટમાં હું બેટ છું. મારા વડે ફટકારાયેલો દરેક પૂણ્યશાળી બોલ જો માયારૂપી ફિલ્ડર્સથી પોતાની જાતને બચાવતો રહે તો અચુક બ્રાઉન્ડ્રીરૂપી ભવસાગરને તરીને મોક્ષને પ્રાપ્ત થાય છે’
ફ્રિ હિટ્સ :
> She એ વિચારમાં છે કે રાત્રે સેવ-ટામેટાનું શાક બનાવું કે વઘારેલી ખીચડી? જ્યારે Heને ફરી ફરીને એક જ વિચાર આવે છે કે, ભારતે પહેલા બેટિંગ લીધી હોત તો સારું હતું.
> કુંબલે બાદ નવો કોચ કોઈ ટ્રાફિક હવાલદારને બનાવો હવે તો એ જ ક્રિઝની બહાર જતો બૂમરાહનો પગ અટકાવી શકશે.