દરેક વખતે ખાંડા ખોસી દેવાના ન હોય ઘણી વાર માત્ર ખખડાવવાના જ હોય
આમ આદમી પાર્ટી ડગલેને પગલે સતત ડફણા ખાય છે કારણ કે, પોતાની તલવાર પર મુસ્તાક એ લોકો મ્યાનનું(અને મૌનનું પણ) મહત્વ સમજતા જ નથી. જે રીતે તલવાર સતત વપરાયા વિના પડી રહે તો કટાઈ જાય એ જ રીતે તો એને સતત તાણતા રહેવામાં આવે તો એનું મહત્વ જ ઘટી જાય. એની ધાર જ ઓસરી જાય. દરેક વખતે ખાંડા ખોસી દેવાના ન હોય ઘણી વાર માત્ર ખખડાવવાના જ હોય. યુદ્ધો કદી સતત આક્રમણોથી નથી જીતી શકાતા. એ જીતાય છે વ્યુહરચનાથી. સતત આક્રમણો આક્રમણની ધાર ઓછી કરી નાખે અથવા કટાણાના વધેરાવી નાખે. જે આમ આદમી પાર્ટી સાથે થઈ રહ્યું છે. યુદ્ધની વ્યુહરચનામાં આક્રમણ જેટલી જ મહત્વની હોય છે પીછેહઠ. પીછેહઠ કરીને મોકે પે ચોકા મારવાની વ્યુહરચના આમ આદમી પાર્ટીને આવડતી જ નથી લાગતી. ઘણી વાર માત્ર ટકી રહેવું એ પણ એક ઘટના હોય છે.
જો સામેવાળાના સેનાપતિ(રાહુલ ગાંધી-મોદી)ને જ પતાવી દેવામાં આવે તો અડધુ યુદ્ધ વિના લડે જ જીતી જવાય એ પણ એક વ્યુહરચના છે. પણ એ આત્મઘાતી સાબિત થઈ શકે એટલી જોખમી પણ હોય છે. અને એ વ્યુહ આમ આદમી પાર્ટી માટે આત્મઘાતી સાબિત થયો. પોતાની શક્તિઓ પરના આત્મવિશ્વાસમાં સામેવાળાની શક્તિઓની અવગણના ઓવર કોન્ફિડેન્સ કહેવાય. ઓછી તાકાત ધરાવતા વ્યક્તિએ પ્રમાણમાં શક્તિશાળી હરિફનો સેકન્ડોમાં ઢાળીયો કરી દેવા ગળાની નીચે બે આંગળીથી પ્રહાર કરવા કે બે જાંઘની ઉપર વચ્ચે લાત મારવા જેવી સામેવાળાના શરીરના સૌથી નબળા ભાગ પર ઘા કરવાની માર્શલ આર્ટની યુક્તિઓ વાપરવી જોઈએ. પણ આ લોકોને એ ન આવડ્યું. ગાંધીજી ભલે સાધ્ય માટે સાધનશુદ્ધિ જરૂરી હોવાનું કહી ગયા હોય પણ આજના યુગમાં એ શક્ય નથી. આજના યુગમાં તો મહાભારતમાં કૃષ્ણએ જેટલી યુક્તિઓ અજમાવેલી એ તમામ યુક્તિઓ લાગુ પડે. ચૂંટણીઓ માત્ર લોકોની સમજદારી અને ઈમાનદારી પરના વિશ્વાસથી ન જીતી શકાય. તમારે લોકોની બેઈમાની અને નાસમજીમાં પણ થોડો વિશ્વાસ મુકવો પડે. યાદ રાખવું કે શ્રેષ્ઠ સેનાપતિઓ યુદ્ધ શરૂ થતા પહેલા જ જીતી લેતા હોય છે.