છેલ્લા ચોવીસ કલાકમાં જેટની ગતિએ ઘટેલી ઘટનાઓ બાદ ગુજરાતમાં ભડકેલી હિંસાના રાઉન્ડ ધ ક્લોક રિપોર્ટિંગ બાદ મને હિંસા માટે ત્રણ કારણો જવાબદાર લાગી રહ્યા છે. કારણ નંબર એક પોલીસ. બીજુ કારણ પોલીસ અને ત્રીજુ કારણ પણ પોલીસ. રેલીના બે ચાર છમકલાને બાદ કરતા માત્ર વાડજની ઘટના ગંભીર હતી. બાકી આખા ગુજરાતમાં શાંતિ હતી. અરે અમદાવાદ પણ શાંત જ હતું. તો પછી રાત્રે જીએમડીસી ગ્રાઉન્ડમાં લાઈટો બંધ કરીને આડેધડ લાઠીચાર્જ કરવાની ક્યાં જરૂર હતી? એ લાઠીચાર્જ કરીને પોલીસે હિંસા માટેનું કારણ પેદા કર્યુ છે. ગુજરાતની હિંસા પોલીસે પેટ ચોળીને ઉભું કરેલુ શૂળ છે. ગુજરાતની હિંસા પોલીસનું પાપ છે. જેના પરિણામો આજે ગુજરાતભરની જનતા ભોગવી રહી છે.
હાર્દિકની અટકાયત કરવી એટલી જ જરૂરી હતી તો એની અટકાયત શાંતિથી કરી લેવી હતી. પરંતુ લાઠીચાર્જ કરતા પહેલા ત્યાં ઉપસ્થિત જનમેદનીને ચેતવણી તો આપવી હતી કે અહીંથી ચાલ્યા જાઓ નહીં તો લાઠીચાર્જ કરીશું. અને હાર્દિકની અટકાયત માટે તમે આટલો બધો બળપ્રયોગ કર્યો તો જવાબ આપો કે તમે હાર્દિક સામે કયો ગુનો નોંધ્યો? જીએમડીસી ગ્રાઉન્ડ પર લાઠીચાર્જ વખતે લાઈટ બંધ કરવા પાછળનું કારણ શું હતું? કયા પોલીસ મેન્યુઅલમાં એવું લખ્યું છે કે લાઠીચાર્જ કરતી વખતે અંધારપટ કરી નાખવો? લાઠીચાર્જ વેળાની નાસભાગમાં કોઈ બાળકો કે મહિલાઓના મોત નિપજ્યા હોત તો? એન્ડ લાઠીચાર્જમાં ઓલરેડી એક મોત નોંધાઈ ચુક્યુ છે. એ મોત નિપજાવવું જરૂરી હતુ?
લાઠીચાર્જ તો ઠીક પણ જીએમડીસી ગ્રાઉન્ડ પરના વાહનોમાં તોડફોડ પોલીસની કઈ ડ્યુટીનો ભાગ હતી? જેણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની હોય એ પોલીસ ખુદ જ વાહનોમાં તોડફોડ કરીને ગુજરાતની પ્રજા સામે કયુ ઉદાહરણ પ્રસ્તુત કરી રહી હતી?
અલ્કાનગરમાં રહેતી જીતુભાઈ શાહે જણાવ્યું હતું કે, રાતે પોલીસે દરવાજો ખખડાવ્યો અને પછી પાટુ મારીને દરવાજો ખોલી નાંખ્યો. જેનો અવાજ આવતા હું જાગી ગયો. આ અવાજ આવ્યો ત્યારે લગભગ દોઢ વાગ્યો હશે. મેં જોયું તો પોલીસવાળા ઘરમાં ઘૂસી આવ્યા હતા. તેમણે મારા ઘરની બારીના કાચ તોડી નાંખ્યા, મને ખૂબ માર માર્યો, ગંદી ગાળો બોલી અને મને પકડીને બહાર લઈ ગયા. બહાર લઈ જઇને મારું નામ પૂછ્યું એટલે મેં કહ્યું મારું નામ જીતુ શાહ છે. એટલે તેમણે કહ્યું, શાહ છે એટલે બચી ગયો. એમ કહીને મને છોડી મૂક્યો.
અહીં સુધી જે થયુ એ તો હજૂ ક્ષમ્ય હતુ પરંતુ જીએમડીસીની ઘટના બાદ ગુજરાતની પોલીસે જે પાપાચાર આદર્યો એ કોઈ કાળે ક્ષમ્ય નથી. પોલીસે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લોકોના ઘરોમાં ઘુસી ઘુસીને તેમને ફટકારવાના શરૂ કર્યા. પોલીસે લોકોને તેમની જાતિ પૂછી પૂછીને ફટકારી રહી હતી. જો તમારી જાતિ પટેલ હોય તો તમે મરાણા. ઈન્દ્રપ્રસ્થમાં રહેતા જીતુભાઈ શાહ પોતાના ઘરે સુઈ રહ્યા હતા ત્યારે અચાનક થયેલા અવાજથી ઝબકીને જાગી ગયા. તેમણે જોયું તો ઘરમાં પોલીસ ઘુસી આવી હતી. તેમના ઘરના બારીના કાચ તૂટી ગયા હતા. પોલીસ તેમને મારતા મારતા ઘરની બહાર રસ્તા પર લઈ ગઈ. જ્યાં તેમનું નામ પૂછ્યું. તેમણે પોતાનું નામ જીતુ શાહ જણાવતા પોલીસે કહ્યું કે, શાહ છે એટલે બચી ગયો. એમ કહીને જીતુભાઈને છોડી મુક્યા. કલ્પના કરો કે જીતુભાઈ શાહની જગ્યાએ જીતુભાઈ પટેલ હોત તો?
પુલીસવાલા ગુંડાઓની મોડસ ઓપરેન્ડી કંઈક એવી હતી કે કોઈ એક સોસાયટીમાં પોલીસની ડઝનબંધ ગાડીઓ આવીને ઉભી રહી જાય. તેમના ડરે ઘરોમાં ઘુસી ગયેલા લોકોના દરવાજાઓ પર જોર જોરથી દંડા(અને ક્યાંક ક્યાંક તો બેઝબોલના ધોકા) પછાડવામાં આવે. પાટીદારોના નામ સાથે ગંદી ગંદી ગાળો ભાંડવામાં આવે. પોલીસ સોસાયટીઓમાં જઈ જઈને પડકાર ફેંકે કે ક્યાં ગયા પાટીદારો બહાર આવો તમને અનામત આપીએ. અનામત જોઈતી હોય તો તમારી મા-દિકરીઓને અમારી પાસે મોકલો. આપીએ તમને અનામત. (આ વાતો પોલીસદમનનો ભોગ બનેલા લોકોએ ઓન કેમેરા કહેલી છે. ઈન્દ્રપ્રસ્થ-અલકાનગરમાં તો પોલીસ જેનાથી પ્રહારો કરતી હતી એ બેઝબોલના તૂટેલા દંડાઓ પણ મળી આવ્યા છે.) ગુજરાત પોલીસ પોલીસના ઈતિહાસના તળિયાનું દર્શન કરાવી રહી છે. હાટકેશ્વર સર્કલ પછી આવતા ઈન્દ્રપ્રસ્થમાં સોસાયટીનું એક પણ વાહન એવું નથી જેમા પોલીસે તોડફોડ નહીં કરી હોય. એક પણ મકાન એવું નથી જેની બારીના કાચ પોલીસે ન તોડ્યા હોય. પોલીસ કોના કહેવાથી અને કયા મનસુબાથી આવું બધુ કરી રહી છે? જાતિવાદના નામે ભડકેલી હિંસાને અટકાવવા ઉતરેલી પોલીસફોર્સ જાતિને ગાળો ભાંડવા મેદાનમાં ઉતરી આવે તો શું તંબુરો લોકોનો રોષ ઠરે? અનામત આંદોલન કે હાર્દિક પટેલનો પ્રશ્ન જ નથી. એને સાઈડમાં મુકો. પોલીસનું આવું વર્તન શું લોકોને ન ભડકાવે? શું લોકોના મનમાં રોષ ન પેદા કરે? એ કયા પોલીસ અધિકારીઓ છે જેઓ છેલ્લી પાટલી પર ઉતરી આવ્યા છે? જ્યારે રાજ્યમાં સ્થિતિ સ્ફોટક હોય ત્યારે પોલીસની આટલી ગંદી, ગોબરી અને નીચ માનસિકતા હોય ત્યાં શું કંકોડા તોફાન કાબુમાં આવે?