પ્રેમ, દોસ્તી, સબંધ… આ બધું એની ચરમસીમા સુધી નિભાવવાનું માથાફરેલા લોકોનું જ કામ છે. એમાં ગણતરીબાજો ન ચાલે. મીડિયોકર્સ એનો દેખાડો કરી શકે, નિભાવી ન શકે. કહેવાતા પ્રેક્ટિકલ લોકો પ્રેમમાં નહીં, વ્હેમમાં હોય છે!
દોસ્તી અને દિલદારી બન્ને આંખ મીંચીને કોઈના પણ માટે ફના થઈ જવાની કળા છે. જે કોઈનામાં કાં તો હોય છે, કાં તો નથી હોતી. એ શીખવી નથી શકાતી. ફેસબુક-ઇન્સ્ટાની પાઉટભરી સ્ટોરીઝ કે લાઇક્સમાં માપી નથી શકાતી.
દોસ્તીમાં એક જનૂન હોય છે. એને નિભાવવા માટે મરી જવા કે મારી નાંખવા સુધીની હદનું જનૂન. શરતો લાગુ તો મ્યુચ્યુલ ફંડના રોકાણમાં હોય, પ્રેમ કે દોસ્તીમાં ન હોય.
કોઈપણ વ્યક્તિને એના તમામ પ્લસ-માઇનસ, ગમા-અણગમા, સંવેદનાઓના ઉતાર-ચડાવ, બેકગ્રાઉન્ડ અને ભૂલો સહિત સ્વીકારીને કોઈપણ સ્થિતિમાં એની પડખે ઊભાં રહેવું એટલે પ્રેમ અથવા દોસ્તી. સ્હેજ ભીડ પડે કે ભીડનો હિસ્સો બની ભાગી છૂટવાની તૈયારીઓ કરી લેનારા ચડાઉ ધનેરાઓ ન સાચો પ્રેમ કરી શકે, ન ખરી દોસ્તી.
સબંધો રાખવા અને નિભાવવા એ કોઈ કાચાપોચાનું કામ નથી. સંબંધોની કસોટી વખતે વોટ્સએપમાં એંઠવાડની જેમ ઠલવાતા ફાસફુસિયા ફિલોસોફીથી ફાટફાટ થતા ફાલતુ ક્વોટ્સ કામ આવતા નથી. એના માટે શુષ્ટુ શુષ્ટુ સંવેદનોના ગળચટ્ટા ચૂરણ ચાટવાની જ નહીં, પણ હદ બહારની બદનામીથી માંડી અકલ્પનિય બરબાદી વેઠવાની પણ તૈયારી રાખવી પડે.
આપણે કાયમ કૃષ્ણ-સુદામા અને કૃષ્ણ-અર્જુનની દોસ્તીનું જ મહિમામંડન કર્યું છે. પરંતુ દુનિયાની નજરે ખોટા દોસ્ત દુર્યોધન માટે મરી ફિટનારા કર્ણની દોસ્તી પણ એનાથી તસુભાર ઉતરતી નહોતી.
કટોકટીની ક્ષણે જ સંબંધમાંથી નાદારી નોંધાવી દેતા ફાટકણીયા, માટીપગા, કાપુરુષોની દોસ્તી કરતા જીવન-મરણનો પ્રશ્ન હોય ત્યારે સઘળા વેર-ઝેર ભૂલાવી મલાજો જાળવવા હોસ્પિટલ પહોંચી જનારાઓની દુશ્મની રાખવી વધુ સારી. અને અમારા કાઠીયાવાડમાં તો કહેવત પણ છે કે – ‘મરદની મૈયતમાં જવાય, હિજડાની જાનમાં નહીં.’ અસ્તુ.
ફ્રી હિટ :
ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર.
Related Articles :
સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
માનસ ગર્લફ્રેન્ડ અને ‘ચક્ષુપ્રેમ’ : ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર…!
સ્ત્રી અને પુરુષ : નદી અને દરિયો
ધર્મ અને પ્રેમ : પુરુષ અને પ્રકૃતિ ને પુરુષની પ્રકૃતિ
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે…!
રડતાં ગુલમહોર : 1960ના દાયકામાં સુભાષચંદ્ર બોઝ જીવતા પાછા આવે છે ત્યારે…
રાગ દેશ : દેશભરમાં ટેક્સ ફ્રી કરીને બચ્ચે બચ્ચાને બતાવવા જેવી ફિલ્મ
પત્રકારત્વ V/S PR : ઘસાયેલા સ્લિપર સામે કવરમાં મુકાતી નોટો વચ્ચેનો સંઘર્ષ