skip to Main Content

Tushar Dave - Journalist, Author

Current Affairs

ઈન્ડિયન મીડિયા: વધતા વ્યાપ વચ્ચે ઘટતી વિશ્વસનિયતા

August 12, 201521 second read

12 August 2015 at 21:18

કેન્દ્ર સરકારે એબીપી ન્યુઝ, એનડીટીવી 24×7 અને આજતકને યાકુબની ફાંસીના દિવસે કેટલીક ‘સ્પેશ્યલ સ્ટોરીઝ’ દર્શાવીને ન્યાયતંત્ર અને રાષ્ટ્રપતિનો અનાદર કરવાના આરોપસર શો કોઝ નોટિસ ફટકારી છે. માહિતી-પ્રસારણ મંત્રાલયે આ ચેનલ્સ પાસેથી 15 દિવસમાં જવાબ માંગ્યો છે કે, આ સ્પેશ્યલ કવરેજ માટે તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ? ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ સરકારને એબીપી અને આજતક પર પ્રસારીત થયેલા છોટા શકીલના ઈન્ટરવ્યૂ સામે વાંધો છે. જેમાં શકીલે યાકુબને નિર્દોષ ગણાવીને કહ્યું હતું કે, આ મામલે ન્યાય તોળાયો નથી. તેને કોર્ટમાં વિશ્વાસ જ નહોતો. આ ઉપરાંત એનડીટીવીએ પણ યાકુબ મેમણના વકીલનો ઈન્ટરવ્યૂ પ્રસારિત કર્યો હતો. જેમાં વકીલે દુનિયાના તમામ દેશોમાં મૃત્યુદંડની જોગવાઈ હટાવી દેવાયો હોવા સહિતની ભારતીય ન્યાયતંત્રમાં અવિશ્વાસ દર્શાવતી કોમેન્ટ્સ કરી હતી.

 

માહિતી-પ્રસારણ મંત્રાલયે ન્યુઝ ચેનલ્સને આ નોટિસ કેબલ કેબલ ટેલિવિઝન નેટવર્ક રૂલ્સના પ્રોગ્રામ કોડની કલમ 1(G), 1(E) અને 1(D) હેઠળ ફટકારી છે. કેબલ ટેલિવિઝન નેટવર્ક રૂલ્સના પ્રોગ્રામ કોડમાં કેવા કેવા પ્રકારનું કન્ટેન્ટ ન બતાવી શકાય તેની માર્ગદર્શિકા આપવામાં આવી છે. એબીસીડીના Aથી N સુધી અલગ અલગ કલમમાં વિભાજીત કરાયેલી કેટેગરીમાં આવતુ કન્ટેન્ટ ટી.વી. પર દર્શાવવું ગેરકાયદેસર છે. ચેનલ્સને જેના હેઠળ નોટિસ ફટકારાઈ છે તે કલમ 1(e) કહે છે કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે તેવું કે એન્ટી નેશનલ એટીટ્યુડને પ્રમોટ કરતું કન્ટેન્ટ ન દર્શાવી શકાય. કલમ 1(d)માં અશ્લીલ, બીભત્સ; ગંદા, નીતિભ્રષ્ટ કરનારા, ઘૃણાસ્પદ, બદનક્ષીભર્યા, જુઠ્ઠા, અર્ધસત્ય કે ઈરાદાપૂર્વક ભ્રમણા પેદા કરનારા કન્ટેન્ટનો સમાવેશ થાય છે. જ્યારે કલમ 1(g)ની જોગવાઈ મુજબ રાષ્ટ્રપતિ કે ન્યાયતંત્રની નિંદા કરતું કન્ટેન્ટ ન દર્શાવી શકાય.

 

શું આ ચેનલ્સનું કન્ટેન્ટ ઉપરોક્ત કલમો હેઠળ દોષિત ઠરે તેવુ હતુ? તમે છોટા શકીલનો ટેલિફોનિક ઈન્ટરવ્યૂ સાંભળેલો? શકીલના ઈન્ટરવ્યૂ અંગે સહારા સમયના ડેપ્યુટી એડિટર અને એન્કર નીરજ બધવારે બહુ સરસ લખ્યું કે, શકીલનો ઈન્ટરવ્યૂ સાંભળ્યા બાદ એ સમજવું મુશ્કેલ હતું કે, આખરે ચેનલને શું જરૂર પડી છોટા શકીલ સાથે વાત કરવાની? ચેનલને એવું કેમ લાગ્યું કે, દેશવાસીઓએ યાકુબની ફાંસી અંગે શકીલના વિચારો જાણવા જોઈએ. એક શખ્સ જે પોતે મુંબઈ બ્લાસ્ટનો આરોપી છે. જે દેશના મોસ્ટ વોન્ટેડ ગુનાગારો પૈકીનો એક છે. જે ડ્રગ્સનો કારોબાર ચલાવે છે. શું હવે એ આપણને જણાવશે કે યાકુબના કેસમાં કાયદાનું પાલન થયુ છે કે નહીં? ચેનલની વરિષ્ઠ પત્રકારિણી તેની સાથે લગભગ મીંયાવની મીંદડી જેવા અવાજમાં વાત કરતી રહી અને શકીલ તેને લગભગ વઢતો હોય એ રીતે જવાબો આપતો રહ્યો. આનાથી બેશરમ જર્નાલિઝમ હોઈ જ ન શકે. પરંતુ તમે જાણતા હતા કે છોટા શકીલ પોતે એક ‘સનસનાટી’ છે, બ્રેકિંગ ન્યુઝ છે એટલે તમે એની સાથે લાઈવ ફોનો કરીને તેને ‘રાષ્ટ્રને નામ સંદેશ’ આપવાનો મોકો આપી દીધો. જો દિલ્હી ગેંગરેપ મામલે બ્રિટીશ પત્રકારની રેપના આરોપી સાથેની વાત-ચીત અયોગ્ય હોય તો શકીલ જેવા દેશદ્રોહીને તક આપવી કેવી રીતે યોગ્ય હોઈ શકે?

 

બધવાર લખે છે કે, આ જ ચેનલ પર આ જ વરિષ્ઠ પત્રકારિણી થોડા દિવસ પહેલા શકીલનો ફોનો લઈ રહી હતી ત્યારે તેણે એ જ મીંયાવની મીંદડી જેવા સ્વરે શકીલને પૂછ્યું હતું કે, ભારત સરકાર દાવો કરી રહી છે કે તે દાઉદને પકડીને ભારત લાવશે. આ અંગે તમારે શું કહેવું છે? ત્યારે પણ એ આપણી સમજણ શક્તિની બહારની વાત હતી કે આ સવાલ શકીલને પૂછવાનો શું મતલબ છે? શું એ એમ કહેશે કે અમે ભારત સરકારના દાવાથી ડરી ગયા. હું અને દાઉદ એટલા ગભરાઈ ગયા છીએ કે હવે સરેન્ડર કરી દઈશું. પત્રકારિણીના આ ઉશ્કેરણીજનક સવાલના જવાબમાં પણ તે ભારત સરકાર વિશે એલ ફેલ બોલતો રહ્યો અને એ ચુપચાપ સાંભળતી રહી. માત્ર પોતાનો વાંસો થાબડવા કે જૂઓ અમે છોટા શકીલનો એક્સલુઝીવ ફોનો કર્યો. શું એના જેવા ગુનેગારને નેશનલ ચેનલનું મંચ આપવું યોગ્ય છે? એ પણ ત્યારે જ્યારે તમારામાં કોઈ કાઉન્ટર ક્વેશ્ચન પૂછવાની કે એને મોઢામોઢ ખરેખરી સંભળાવી દેવાની ત્રેવડ ના હોય. તમે ગળગળા થઈને સવાલ પૂછો અને એ એના મનમાં જે આવે એ બોલીને ફોન મુકી દે. આ રીતે તો તમે એને એવા લોકો સુધી પોતાનો ‘પૈગામ’ પહોંચાડવાની તક આપો છો, જેઓ યાકુબ કે શકીલ જેવા લોકો પ્રત્યે હમદર્દી ધરાવે છે.

 

મીડિયાને કાયમ નેતાઓના બેજવાબદાર નિવેદનો સામે વાંધો પડતો હોય છે પણ પોતાની આવી બેજવાબદારી સમજવાનો કદાચ તેમની પાસે સમય નથી કાં તો સમજવાની જ સમજણ નથી. યાકુબ મામલે બુદ્ધીજીવીઓ અને પત્રકારોની એક જમાતે ખરેખર ભુખ દીધી. એમની દલિલો સાંભળી બે ઘડી તો આપણને પણ એમ થઈ ગયુ કે, આ યાકુબને ખોટો ફાંસીએ ચડાવાય છે. ખરેખર તો આ લોકોને જ શૂળીએ ચડાવી દેવાની જરૂર છે.

 

મુંબઈ મિરરે ફ્રન્ટપેજ હેડલાઈન કરી કે- વિલ ધીસ મેન હેંગ ફોર હિસ બ્રધર્સ સિન્સ? એ અંડરવર્લ્ડ પરની બુક્સ માટે જાણીતા પત્રકાર હુસૈન ઝૈદીનો અહેવાલ હતો. જેમાં તેમણે ‘યાકુબ ઝડપાયો કે શરણે આવ્યો?’ની અતિ ચર્ચાયેલી અને ચુંથાયેલી વાત ફરી કરી હતી. આ ઉપરાંત તેમની વ્યક્તિગત મુલાકાતોના આધારે યાકુબનો પોતે નિર્દોષ હોવાનો દાવો વધુ એકવાર દોહરાવ્યો હતો. ‘તું ગાંધી બનકે જા રહા હૈ પર વો તુજે ગોંડસે કી તરાહ લટકા દેંગે’ એ ટાઈગરે યાકુબ સમક્ષ મારેલા ડાયલોગની વાત પણ લખી હતી. આ ઉપરાંત યાકુબનો વકીલ ફાંસીને બીજુ કંઈ નહીં પણ પોલિટિકલ સ્ટન્ટ માને છે એ વાત પણ જણાવી હતી. 1992માં ટાઈગર મેમણે જ્યાં બેસીને સિરિયલ બોમ્બ બ્લાસ્ટનું ષડયંત્ર ઘડ્યું એ ઘરની યાકુબને ફાંસીની સજાની જાહેરાત બાદની સ્થિતિનો પણ ચિતાર આપ્યો હતો. પરંતુ યાકુબે પૂરાવા આપીને ભારતીય તપાસ એજન્સીઓને કરેલી મદદ અને પોતાની નિર્દોષતાના વારંવારના યાકુબના રટણોના ઉલ્લેખ સિવાય એવી કોઈ જ વાત નથી જે યાકુબને નિર્દોષ પૂરવાર કરતી હોય. તો પછી યાકુબ તો નિર્દોષ છે પરંતુ તેના ભાઈના કર્મોની સજા ભોગવવા જઈ રહ્યો છે એવા મતલબનું હેડિંગ કરવાનો શું અર્થ? આવું હેડિંગ વાંચીને ખબર નૈ કેટકેટલા લોકોને યાકુબ નિર્દોષ હોવાની ગેરસમજ થઈ હશે. ખાસ કરીને આ દેશના મોટાભાગના ન્યુઝ પેપર રિડર્સ હેડલાઈન રિડર્સ છે ત્યારે. દરેક ઘટનામાં ‘કોમવાદી’ એંગલ શોધતા અનેક લોકો એવું ધારી બેઠા હશે કે યાકુબ તો દૂધે ધોયેલો છે પણ તેના ભાઈની સજા ભોગવી રહ્યો છે. આવા અનેક અહેવાલો અંગ્રેજી અખબારો અને નેશનલ ન્યુઝ ચેનલ્સ પર પ્રસારીત થયા જે લોકોમાં યાકુબ પ્રત્યે સહાનુભૂતિ જન્માવી શકે. અથવા તો સહાનુભૂતિથી સહાનુભૂતિ જન્માવવા માટે જ કરાયા હોય.

 

માધ્યમો જાણ્યે અજાણ્યે જનમત ઘડે છે. જોકે, ઘણા પત્રકારોમાં આ અંગેની સમજણ કે જવાબદારીનો અભાવ જોવા મળે છે. લાલુ પ્રસાદ યાદવ કે ડો. અબ્દુલ કલામને જીવનમાં ક્યારેય ન મળનારો વ્યક્તિ પણ જાણે છે કે લાલુ પ્રસાદ યાદવ ભ્રષ્ટાચારી છે અને કલામ સજ્જન હતા. લાલુ પ્રસાદ યાદવે ક્યારેય તેની પાસે લાંચ ન માંગી હોવા છતાં કે કલામની સજ્જનતાનો એને કદી વ્યક્તિગત અનુભવ ન થયો હોવા છતાં તે એવું માને છે, એના દિમાગમાં એ ઠસી ગયુ છે એનું કારણ વિવિધ માધ્યમોએ એની વિચારધારાનું કરેલુ ઘડતર છે. જેને રૂબરૂ કદી ન મળ્યા હોય તેવા જાહેર કે ખાનગી જીવનના અનેક લોકો વિશે લોકોના દિમાગમાં એક છબી હોય છે. અને એ છબી મીડિયાએ ઘડી હોય છે. આ સંજોગોમાં મીડિયાએ એ અંગે સભાનતા રાખવી જ રહી કે ગેરલાયક લોકો હિરો ન બની જાય કે લોકોના દિલમાં જાણ્યે અજાણ્યે એમના પ્રત્યે સહાનુભૂતિ ન જન્મે. અથવા લોકો સમક્ષ ખોટા લોકો રોડમોડેલ તરીકે ચીતરાઈ ન જાય.

 

બીઈએ (બ્રોડકાસ્ટ એડિટર્સ એસોસિયેશન) સહિતના કેટલાક પત્રકાર સંગઠનોએ ન્યુઝ ચેનલ્સને સરકારની નોટિસ સામે ચિંતા વ્યક્ત કરી છે. કટોકટીકાળ જોઈ ચુકેલા આ દેશમાં મીડિયા પર સરકારની કોઈપણ લગામ કે લાલઆંખ સામે સાવધાની રહેવી જ જોઈએ. પરંતુ જ્યારે ડઝનબંધ ન્યુઝ ચેનલ્સ સવા અબજની વસ્તીનો જનમત ઘડતી હોય ત્યારે સરકારી સેન્સરશિપનો ગાળિયો કસાય અને લોકમત પણ તેની સાથે સૂરમાં સૂર પૂરાવે એ પહેલા મીડિયાએ પણ કવરેજમાં નીરક્ષીર વિવેક જાળવી લેવો જોઈએ. કોઈપણ ઘટનાના વધુમાં વધુ એંગલ કવર કરીને વધુને વધુ ટીઆરપી કે હિટ્સ મેળવવાની લ્હાયમાં લોકોની નજરમાં મીડિયા સન્માન અને વિશ્વસનિયતા ગુમાવતુ જાય છે અને તાજેતરમાં જ નેપાળમાંથી ભારતીય મીડિયાને રીતસર હડધૂત કરીને કાઢી મુક્યુ હતું એ ન વિસરાવું જોઈએ. નહીં તો ચોથી જાગીરની વિશ્વસનિયતાનું બારમું થવામાં વાર નહીં લાગે.

 

ફ્રી હિટ:

 

The media’s the most powerful entity on earth. They have the power to make the innocent guilty and to make the guilty innocent, and that’s power. Because they control the minds of the masses. -Malcolm X

 

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top