skip to Main Content

Tushar Dave - Journalist, Author

Bollywood

ઈન્દુ સરકાર : હકલાતે હુએ હક માંગને નીકલી લોકશાહી!

August 3, 20175 second read
ઈમરજન્સી કાળના એક દ્રશ્યમાં જેને પત્રકારત્વ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી તેવો ઓરંગઝેબછાપ પોલીસ અધિકારી અખબારના તંત્રીને ઘઘલાવતા કહે છે કે, ‘યે ચાર લાઈન હટા દો ઓર બાકી સબ છાપ દો. કિતની બાર બતાયા કી સરકાર કે ખિલાફ એક શબ્દ ભી નહીં છપના ચાહીયે.’ પછી બીજા એક પત્રકારનો આર્ટિકલ જોઈને કહે છે કે, ‘એસે ભડકાઉ ક્વોટ નહીં ચલેગે.’ પત્રકાર કહે છે કે, ‘લેકિન યે તો ગાંધીજી કા ક્વોટ હૈ.’ ત્યારે પેલો પોલીસ અધિકારી જવાબ આપે છે કે, ‘અબ ઈસ દેશ મેં ગાંધી કે માયને બદલ ચુકે હૈ.’ આ એક જ દ્રશ્યમાં આખી ફિલ્મનો મિજાજ ઝીલાઈ જાય છે. આવા એકથી એક ચડિયાતા દ્રશ્યો અને સંવાદો આઝાદી બાદના દેશના સૌથી કમનસિબ કાળની પ્રજાના કરમની કઠણાઈઓ પર તેજાબી ચાબખા કરે રાખે છે. આખી ફિલ્મ આવા ચોટદાર સંવાદોના પાયા પર જ ઊભી છે.
ફિલ્મની વાર્તા ઈમરજન્સીના બેકડ્રોપ પર છે, પણ આ ઈમરજન્સી પરની ડોક્યુડ્રામા નથી. આ એક સ્ત્રી ઈન્દુ(કિર્તી કુલ્હારી)ની વાર્તા છે. બોલવામાં અચકાતી ઈન્દુના લગ્ન નવીન સરકાર નામના સરકારી અધિકારી (તોતા રોય ચૌધરી) સાથે થાય છે. એટલે તે ‘ઈન્દુ સરકાર’ બને છે. ઈન્દુ એક ‘સારી પત્ની’ બનવા માંગતી હોય છે પણ ઈમરજન્સીના કારણે તેના જીવનમાં એક પછી એક દુ:ખદ ઘટનાઓની વણઝાર સર્જાય છે જેના કારણે તે સરકાર સામે લડનારી ક્રાંતિકારી બની જાય છે. જીવનમાં માત્ર સારી પત્ની બનવા માંગતી એક સાધારણ સ્ત્રીની સારી પત્નીના બદલે ક્રાંતિકારી બની જવા સુધીની વાર્તા એટલે ‘ઈન્દુ સરકાર’.
ઈમરજન્સીમાં સરકારની રાક્ષસી મશીનરીના અત્યાચારોથી ત્રાહિમામ જનતા, તમામ વિરોધી અવાજોને કચડીને દેશ અને દુનિયામાં ફૂલગુલાબી વિકાસના ‘અચ્છેદિન’ બતાવવા મથતા સત્તાધીશો, સરકાર સામે મરણીયા થઈને ભુગર્ભ લડત ચલાવતા આંદોલનકારીઓ, લગ્ન કંકોત્રી, ટિફિનના બોક્સ, કેદી અને કેટરર્સના માધ્યમથી ફેલાવવામાં આવતા ચોપાનિયાઓ, અખબારોનું ખસીકરણ કર્યા બાદ જેમની કલમને કોન્ડોમ નહોતા ચડાવી શકાયા તેવા ચોપાનિયાઓથી પણ ફફડતી સરકાર એ બધુ જ મધુર ભંડારકરે બહુ સારી રીતે ઝીલ્યુ છે. નસબંધીનો ટારગેટ પૂરો કરવા એક જાનના તમામ અબાલવૃદ્ધ પુરુષોને મારતા મારતા પકડીને પાંજરે નાખતી પોલીસને એક વૃદ્ધ કહે છે કે, ‘મેરી ક્યું નસબંધી કરવા રહે હો, મે તો સત્તરા સાલ કા હું?’ તો એક તરુણ પણ હાથ જોડીને કહે છે કે, ‘મે તો સિર્ફ તેરા સાલ કા હું’. વીસ મુદ્દા કાર્યક્રમથી માંડીને પક્ષના કાર્યક્રમમાં ગીત ગાવાનો ઈનકાર કરનારા કિશોર કુમાર પર પ્રતિબંધ ઝીંકાયા સુધીની એ કાળની ઘટનાઓનું પ્રેઝન્ટેશન એવું છે કે જાણે હવામાં પણ ગુલામી ગંધાતી હોય એવું લાગે. બોલવામાં અચકાતી હોવા છતાં સરકાર સામેની લડતમાં જોડાયેલી કવિયત્રી ઈમરજન્સીના કારણે ખોડંગાયેલી લોકશાહીનું પ્રતિક છે. ફિલ્માં એક સંવાદ પણ છે કે, ‘હકલાતે હકલાતે હક માંગને ચલી.’ એ સરકારી અત્યાચારો અને સેન્સરશીપના કારણે અવાજ ગુમાવી બેસેલી જનતાનું જ પ્રતિક છે. બાય ધ વે ફિલ્મમાં ઈન્દુ પણ અનાથ છે અને જનતા પણ…
Sanjay Chhelએ લખેલા સંવાદો જ આ ફિલ્મનો પ્રાણ છે. જો આ કક્ષાના સંવાદો ન હોત તો ફિલ્મ ખાસ્સી નબળી રહી જાત. ‘ઈમરજન્સી મેં ઈમોશન નહીં મેરે ઓર્ડર્સ ચલતે હૈ.’, ‘ઈસ દેશ મેં લોગ સરકાર કો ગાલી દેને કે લિયે પેદા હોતે હૈ ઓર ગાલી દેતે દેતે મર જાતે હૈ, 60 કરોડ કી જનતા હૈ, કુછ તો ભોંકેગી હી ના…’,‘જનતા કા દિમાગ કોરે પન્ને કી તરાહ હોતા હૈ, જો ચાહે લિખ દો’ જેવા સંવાદો સત્તાના મદમાં અંધ થયેલા નેતા-અધિકારીઓનો અહંકાર અને ઓવર કોન્ફિડેન્સ ચોટદાર રીતે રજૂ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ દેશ કરતા મહાન થઈ જાય અથવા થવાનો પ્રયાસ કરે અથવા મહાન હોવાનુ સ્થાપિત કરવાનો પ્રયાસ કરાય ત્યારે જ કોઈ નેતાના મુખે ‘આપકી વજહ સે દેશ કા તો છોડો પીએમ કા ભી અપમાન હુઆ હૈ…’ જેવો સંવાદ આવે છે. એક દ્રશ્યમાં ઈન્દુ નવીનને પૂછે છે કે, ‘યે આંખો કે નીચે ગઢ્ઢે ક્યોં આ ગયે હૈ?’ ત્યારે નવીન કહે છે, ‘યે ગઢ્ઢે નહીં સપને દેખને કી કિંમત હૈ.’ આ સંવાદ જીવનની ફિલોસોફી કહી જાય છે. ‘અગર સબ ચુપ હૈ તો કિસીના કિસી કો તો ચીખના પડેગા, ઓર અગર મેરી ચીખ ગુનાહ હૈ તો મેને ગુનાહ કિયા હૈ’ અને ‘ઈરાદે અર્જુન કે હિલ સકતે હૈ ઘાયલ દ્રૌપદી કે નહીં’ જેવા સંવાદો ઈન્દુના પાત્રને મજબુતી બક્ષે છે.
માઈનસ પોઈન્ટ્સની વાત કરીએ તો ફિલ્મ થોડી સ્લો અને અંત થોડો નબળો લાગે છે. વાર્તાના અનેક છેડા ખુલ્લા રહી જાય છે. જે કંઈક અંશે આર્ટ ફિલ્મ જેવું લાગે છે. ‘ખાધુ-પીધુને રાજ કર્યુ’ ટાઈપનો સંપૂર્ણ અંત જોવા ટેવાયેલા સામાન્ય દર્શકોને અંત થોડો અપૂર્ણ લાગી શકે છે. ડ્રામાનો અભાવ છે. જોકે, વાર્તા જોતા એ વધુ શક્ય નહોતો. ફિલ્મને કાપવા માટેના સેન્સર બોર્ડના મુર્ખતાપૂર્ણ કહી શકાય તેવા ધમપછાડા સામે લડીને ઓછા બજેટમાં એક સારા મુદ્દા પર મિનિંગફૂલ ફિલ્મ રજૂ કરવા માટે ટીમ મધુર ભંડારકરના વખાણ કરીએ એટલા ઓછા છે.
અગાઉ ‘પિંક’માં મજબૂત ભૂમિકા ભજવી ચુકેલી કિર્તી કુલ્હારી મુખ્ય પાત્રમાં ઈમ્પ્રેસ કરી જાય છે. નિલ નિતિન મુકેશનો આ અત્યાર સુધીનો સૌથી સારો અભિનય લાગે એ હદે એ પોતાના પાત્રમાં ફિટ બેસે છે. અનુપમ ખેર સહજ લાગે છે, પણ એમનો રોલ બહુ ટૂંકો લાગ્યો. એમનો વધુ ઉપયોગ કરાયો હોત તો મજા આવેત. આંખોમાંથી ઈમરજન્સી સમયના સરકારી અધિકારીનો કડપ વરસાવતા તોતા રોય ચૌધરીનો અભિનય ખરેખર કાબિલ-એ-દાદ છે. ટેલેન્ટેડ એક્ટર ઝાકીર હુસેનનું પર્ફોર્મન્સ બહુ એવરેજ લાગ્યુ. ફિલ્મનું મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર વાર્તાને અનુરૂપ છે. એક દ્રશ્યમાં સત્તાનશિનોને ચાબખા મારતી ‘ચડતા સુરજ’ કવ્વાલી સાંભળવી ગમે છે. અઝીઝ નઝાનની આ કવ્વાલીના રિક્રિએશનમાં પણ અનુ મલિક તેની વેધકતા બરકરાર રાખવામાં સફળ રહ્યા છે. મધુર ભંડારકરની અને રિયલિસ્ટિક ફિલ્મો પસંદ હોય, ઈમરજન્સી વિશે જાણવા માંગતા હોવ તો આ ફિલ્મ ચુકવા જેવી નથી. ફ્રિ હિટ :
કોઈ અખબાર બંધ કરાવવાની હાકલો કરે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ મૂકે, વોટ્સએપ મેસેજીસ ફરતા કરે અને એવું ધારી લે કે એનાથી એ બંધ થઇ જશે તો એને આલા દરજ્જાની મૂર્ખામી કહેવાય. એકચ્યુલી એ મુરાદ મનો(મન)મૈથુનથી કોઈનું કૌમાર્યભંગ કરવા જેવી છે.
કટોકટી ભાળી ચૂકેલા આ દેશની લોકશાહી વ્હાલી હોય તો કોઈ અખબાર બંધ થાય એવી દુઆ કદી ન કરવી. ખાસ કરીને સરકાર વિરોધી અખબાર. સરકાર વિરોધી અખબાર તો લોકશાહીની બ્યુટી કહેવાય. હા, મુદ્દા, લેખ, લખાણ કે સમાચારનો ટેક્નિકલ વિરોધ કરવાની છૂટ. એ વિરોધ પણ લોકશાહીની (અને સોશિયલ મીડિયાની પણ) બ્યુટી કહેવાય. લગે રહો… (મારી એક જૂની પોસ્ટ)

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top