(ડાબેથી) પહેલી તસવીર સુરતમાં પોલીસે કરેલી આતંકવાદી હૂમલાની મોકડ્રિલની છે. જેમાં ડમી આતંકવાદીઓને મુસ્લિમ બતાવવાનો વિરોધ થયો. બીજી બંન્ને તસવીરોમાં નોઈડામાંથી પકડાયેલા બે ‘ટોપીધારી’ આતંકવાદીઓ જોઈ શકાય છે. હવે ‘આતંકનો કોઈ ધર્મ નથી હોતો’ની ધૂન પર તેમને બિનસાંપ્રદાયીક તો ન જ કહી શકાય ને?
કોઈ એક નાટક કે ફિલ્મમાં જોયેલુ કે, એક પાત્રને માથામાં દુખાવો થતો હોય છે. તેને બીજો સલાહ આપે છે કે, મારુ માથું નથી દુખતુ…મારું માથું નથી દુખતુ… એમ વિચારવાથી મટી જશે. પેલાએ પૂછ્યું કે એમ કરવા છતાં ન મટે તો? સલાહ આપનાર જવાબ આપે છે કે તો એમ વિચારવાનુ કે, જે દુખે છે તે મારું માથું નથી…જે દુખે છે તે મારું માથું નથી…મતલબ કે આડાતેડા ગતકડા કરવાના પણ દુખાવાની ગંભીરતા અને કારણ પારખીને દવા નહીં લેવાની. ઈસ્લામિક ટેરરિઝમનું પણ કંઈક આવું જ છે. ‘આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો’ની ફિલોસોફીઓ ડહોળનારાઓ પહેલા આતંકવાદ ઈસ્લામિક હોવાનું નિદાન સ્વીકારે તો કંઈક ઇલાજ થાય ને?
ગુજરાતમાં બે-ત્રણ મોકડ્રિલ દરમિયાન પોલીસે આતંકવાદીઓને ટોપી પહેરેલા મુસ્લિમ શું બતાવી દીધા, હોબાળો મચી ગયો. વિરોધ ફાટી નીકળ્યો. ‘આતંકનો કોઈ ધર્મ નથી હોતો’ના કોરસગાન શરૂ થઈ ગયા. પોલીસ પર બરાબરના માછલા ધોવાયા. અંતે પોલીસે પણ માફામાફી ને ખુલાસા કરવા પડ્યા. ઠીક છે. ભારતના બંધારણ મુજબ જે થયુ તે બરાબર છે લેકિન…કિન્તુ…પરંતુ…બંધુ… આવો વિરોધ કરવાથી અને મોકડ્રિલના નકલી આતંકવાદીઓની ટોપીઓ ઉતરાવવાથી વાઈબ્રન્ટ અને પ્રવાસી ભારતીય દિવસ પર હૂમલાની નવ્વાણુ પોઈન્ટ નવ્વાણુ ટકા શક્યતા ઈસ્લામિક આતંકવાદી સંગઠનો તરફથી છે એ નગ્ન હકિકત થોડી બદલાઈ જવાની છે? અને મોકડ્રિલના આતંકીઓ પર ક્યાં ‘ભારતીય મુસ્લિમ’ એવો થપ્પો મારેલો હતો વળી તે આવા બખેડા કરવા પડે!
વિશ્વનો નવ્વાણુ ટકા આતંકનો કારોબાર બોકોહરામ, અલ-શબાબ, તાલિબાન, અલ કાયદા, લશ્કર-એ-તોઈબા, હરકત ઉલ મુજાહિદ્દીન, તહરિક-એ-તાલિબાન, જૈશ-એ-મુહંમદ, ISIS(ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરિયા), ઈન્ડિયન મુજાહિદ્દીન, જમાત-ઉદ-દાવા સહિતના મુસ્લિમ આતંકવાદી સંગઠનો જ ચલાવે છે એ હકિકત નથી? આ પૈકીના કોઈ આતંકખોરને હિન્દુ બહુમતિ ધરાવતા ભારતને તબાહ કરવું છે, કોઈને શરિયા કાનૂન લાવવો છે તો કોઈને વળી ઈસ્લામનું શાસન સ્થાપવું છે. ગુજરાત પોલીસનો વિરોધ કરવા માત્રથી આ વરવી વાસ્તવિકતાઓ બદલાઈ નથી જવાની. આ વિરોધ થયો એ જ સમયગાળામાં નોઈડાથી બે આતંકવાદી ઝડપાયા. તેમજ વાઈબ્રન્ટ-પ્રવાસી ભારતીય દિવસ પર હૂમલો કરી શકે તેવી શક્યતા ધરાવતા મધ્યપ્રદેશના ખંડવાની જેલમાંથી ભાગેલા આતંકીઓના પોસ્ટર્સ ગાંધીનગરમાં લાગ્યા. આ બંન્ને ઘટનાઓમાં સંડોવાયેલા શખ્સોના માથે ઈસ્લામિક ટોપી હતી. આ ચિત્ર કેવી રીતે બદલાશે વારું?
ગુજરાત પોલીસે નકલી આતંકીઓને પહેરાવેલી મુસ્લિમ ટોપી, ઈસ્લામિક ટેરરનો ખોફનાક ચહેરો દર્શાવતી કમલ હાસનની ફિલ્મ ‘વિશ્વરૂપમ’, વિદેશમાં બનેલી પયગંબર પરની ફિલ્મ કે ગાઝા પટ્ટી પર થયેલા હૂમલાનો વિરોધ કરવા ઉમટી પડેલા ટોળાં ત્યારે ક્યાં હતા જ્યારે અલ કાયદાના આકા અલ ઝવાહિરીની ટેપ આવેલી. એ ટેપમાં ઝવાહિરી કહે છે કે, ‘અમે ભારતીય ઉપ મહાદ્વિપમાં ઈસ્લામનું શાસન સ્થાપવામાં માંગીએ છીએ. તે બર્મા, કાશ્મીર, ગુજરાત, બાંગ્લાદેશ, અમદાવાદ અને આસામમાં મુસ્લિમોની સેવા કરશે.’ ઝવાહિરીના આ મતલબના નિવેદનને ભારતના મુસ્લિમ સંગઠનો, મુસ્લિમ ધર્મગુરૂઓ, મુસ્લિમ યુવાનો, મુસ્લિમ પક્ષો(અને મુસ્લિમોના નામે મુસ્લિમો માટે રાજનિતી કરતા કહેવાતા સાંપ્રદાયીક પક્ષો) સહિત ભારતમાં વસતા તમામ મુસ્લિમોએ એકી શ્વાસે વખોડી કાઢવું નહોતુ જોઈતુ?
અલ કાયદાને સણસણાવીને ચોખ્ખુ સંભળાવી દેવાની જરૂર હતી કે, ભારતના મુસ્લિમોની તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે વિશ્વભરના મુસ્લિમોનો ઠેકો નથી લઈ રાખ્યો. કાશ્મીર કે અમદાવાદના મુસ્લિમોને તમારી ‘સેવા’ની જરૂર નથી. ભારતના મુસ્લિમો પાકિસ્તાન સહિતના વિશ્વના અનેક દેશો કરતા અનેકગણા વધુ સુખી છે. ભારત વિશ્વનું એકમાત્ર રાષ્ટ્ર છે જે મુસ્લિમોને હજ કરવા માટે સબસિડી આપે છે. જેની રાજધાનીનું નામ ‘ઈસ્લામાબાદ’ છે તેવું પાકિસ્તાન પણ હજ માટે સબસિડી આપતુ નથી. ખુદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ હજ માટેની સબસિડીને ગૈર ઈસ્લામિક ગણાવી ચૂકી છે. પરંતુ આવું સ્ટેન્ડ લેવા ભારતમાં કોઈ ઈસ્લામિક સંગઠન આગળ ન આવ્યું. મુસ્લિમોને સંડોવતા કે ઈસ્લામને લગતા વિશ્વભરના ઈસ્યુઝ પર ભારતમાં બહાર આવી દેખાવો કરતા મુસ્લિમોએ અલ કાયદાની ટેપ મામલે પણ આગળ આવી સ્ટેન્ડ લેવાની જરૂર નહોતી?
આવા ઈસ્યુઝ પર કોઈ સમાજ દ્વારા લેવાતા સિલેક્ટીવ સ્ટેન્ડના કેવા ગંભીર પરિણામો આવી શકે તેનો ચિતાર ગોધરાકાંડ બાદના તોફાનોના કારણોના મૂળમાં મળે છે. સિનિયર પત્રકાર પ્રશાંત દયાળે ગોધરાકાંડ અને તોફાનો પર ‘9166 UP – 2002 રમખાણોનું અધૂરું સત્ય’ નામની બુક લખી છે. આ કિતાબ કોઈ ક્રાઈમ જર્નાલિસ્ટની નજરે ને કલમે લખાયેલી કોઈ સાધારણ ક્રાઈમ ડાયરી નહીં પણ 2002ના અરસાના આખા ગુજરાતની માનસિકતાનો ડીએનએ ટેસ્ટ કરવાનો પ્રયાસ કરતો એક ઐતિહાસિક દસ્તાવેજ છે. ગોધરાકાંડ બાદ મોટાપાયે થયેલી મુસ્લિમોની(ખુવારી બંન્ને પક્ષે હતી પણ મુસ્લિમોએ વધુ ભોગવવું પડેલુ.) કત્લેઆમના કારણોના મૂળમાં જવાનો પ્રયાસ કરતા પત્રકાર અનેક લોકોને સવાલો પૂછીને રમખાણોના સામાજિક-મનોવૈજ્ઞાનિક કારણો તારવવાનો પ્રયાસ કરે છે. લેખક પ્રશાંત દયાળે ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ(સુરેન્દ્ર કાકા)ને પૂછ્યું, ‘આવું કેમ બન્યુ?’ જવાબનો એક અંશ જાણવા જેવો છે – ‘હિન્દુઓએ જે કર્યુ તેની પાછળ એક જ કારણ હતું કે 58 વ્યક્તિને જીવતી સળગાવી દેવામાં આવી ત્યારે એક પણ મુસ્લિમ કે તેમની તરફેણ કરનાર કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ ઘટનાને વખોડી નહોતી, નહિતર આટલી મોટી સંખ્યામાં તોફાનો થતાં નહીં. કોઈ હિન્દુ ગુંડો લોકો પર અત્યાચાર કરે તો ખુદ હિન્દુઓ જ તેનો વિરોધ કરે છે પણ મુસ્લિમોમાં તેવું બનતું નથી, કારણ કે મુસ્લિમોનું નેતૃત્વ મોટાભાગે અસામાજિક તત્વોના હાથમાં જ હોય છે.(લેટેસ્ટ ઉદાહરણ ઓવૈસી બ્રધર્સ) જેના કારણે બહુમતી મુસ્લિમો સારા હોવા છતાં થોડાક મુસ્લિમ ગુંડાઓને કારણે આખી કૌમને સહન કરવું પડે છે.’
રમખાણોના સત્યની શોધમાં નીકળેલા પત્રકારે ડબ્બો સળગ્યાના પડઘા શક્ય એટલા ઓછા પડે તે માટે પ્રયાસો પણ કરેલા. પ્રશાંત દયાળ લખે છે, ‘ગોધરાની ઘટના પછી જ્યારે હું ગોધરામાં જ હતો ત્યારે મેં મારા એક મુસ્લિમ પ્રોફેસર મિત્રને ફોન કરી જણાવ્યું હતું કે તે પરિચિત મૌલવીઓને મળી એક પ્રેસનોટ દ્વારા આ ઘટનાને વખોડતી જાહેરાત કરાવે, જેથી હિન્દુઓ ગોધરાકાંડ માટે તમામ મુસ્લિમોને જવાબદાર ગણે નહીં, પરંતુ તેમાં મને અને મારા મિત્રને નિરાશા મળી હતી. કારણ કે અનેક મૌલવીઓ એ વાતનો સ્વીકાર કરતા હતા કે ગોધરાની ઘટના શૈતાની કૃત્ય છે પણ તેને પ્રેસનોટ દ્વારા વખોડવા તૈયાર નહોતા. જો મુસ્લિમોએ ડહાપણનું પગલું ભર્યુ હોત તો નિર્દોષ મુસ્લિમોએ તેની કિંમત ચૂકવવી પડી ન હોત.’ કાશ…પેશાવરના હૂમલા બાદ જુહાપુરામાં જે રીતે ‘પેશાવર કે દર્દ મેં રો રહા હૈ જુહાપુરા’ના બેનર્સ સાથે રેલી નીકળી એવી એકાદી રેલી ગોધરામા સળગી ગયેલા ડબ્બા માટે પણ નીકળી હોત તો ગુજરાતનો ઈતિહાસ કદાચ ઓછો લોહિયાળ હોત.
ફ્રિ હિટ:
>બિનસાંપ્રદાયીક હૂમલો?: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં માર્ટિન પ્લેસ સ્થિત લિન્ટ ચોકલેટ કેફેમાં આતંકવાદી હૂમલો કરી 40થી વધુ લોકોને 17 કલાક સુધી બંધક બનાવનારો અને બે વ્યક્તિને મોતને ઘાટ ઉતારનારો વ્યક્તિ મુસ્લિમ મૌલવી હતો અને તેણે ફરકાવેલા ધ્વજ પર લખેલુ હતું કે- ‘ધેર ઈઝ નો ગોડ, બટ અલ્લાહ, મહંમદ ઈઝ હિઝ મેસેન્જર’
>4 જાન્યુઆરીના ‘દિવ્યભાસ્કર’માં ફ્રન્ટ પેઈજ પર છપાયેલા નનુ જોગિંદર સિંહના અહેવાલ મુજબ ભારતમાં આઈએસઆઈએસનું ટ્વિટર હેન્ડલ બેંગ્લોરથી ઓપરેટ કરનારા મહેંદી મસરૂર જેવા બે-ચાર માથાફરેલા મુસ્લિમ યુવાનો જ આઈએસઆઈએસથી પ્રભાવિત નથી પણ મેડિકલ, કેટની વિદ્યાર્થીનીઓ સહિત કુલ મળીને 40 લોકોનું ગૃપ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરિયામાં જોડાવા ઈરાક જવા આતુર હતું.