skip to Main Content

Tushar Dave - Journalist, Author

Humour

એકચ્યુલી, સરકારે બાઈક સાથે હેલ્મેટ નહીં પણ ગાભો ફરજિયાત કરવો જોઈએ!-1

September 12, 20185 second read

 

હું દાવા સાથે કહી શકું એમ છું કે મારા જીવનમાં મારી સૌથી વધારે ચોરાયેલી ચીજ જો કોઈ હોય તો એ છે મારો બાઈક સાફ કરવાનો ગાભો.

 

જોકે, મુજ ગરીબ બ્રાહ્મણને નજીકથી જાણનારાઓ પણ દાવા સાથે કહી શકે કે એ સિવાય તારી પાસેથી ચોરી જવા જેવું બીજુ છે પણ શું? એ મુદ્દે હું ફાંકો રાખવા સામે એવું કહી શકુ એમ છું કે, એમ તો મારું દિલ પણ બહુ બધી વાર ચોરાયુ છે. જોકે, એ વાત પર સેટેલાઈટ બાજુ (એટલે કે મારા ઘરે) વિરોધ પ્રદર્શનો થાય એમ છે એટલે એ મુદ્દો આપણે પડતો મુકીએ.

 

લોકો બાઈક સાફ કરવાનો ગાભો ચોરી જાય છે બોલો! આઈ મિન, કૌન હે યે લોગ? કહાં સે આતે હૈ?

 

વરસાદ હાઉકલી રમી ગયો હોય અને બાઈકની સિટ ‘આપણી સિટ’ ભીની કરે તેવી હોય ત્યારે જ ગાભો ગાયબ દેખાય ત્યારે આપણને કેવી ફાળ પડે? મોટી ફાળ પડે. આપણી પાસે હાથરૂમાલ હોય પણ એનાથી સિટ સાફ કરવામાં પછી એ એટલો ભીનો થાય કે ‘પાણીપોતા’ જેવો થઈ જાય અને ખિસ્સામાં રાખવો ન ગમે. સિટ પરની ભીનાશ આપણા ખિસ્સામાં અનુભવાય ત્યારે ‘પેડમેન’ના અક્ષય કુમાર જેવી ફિલિંગ ના આવે? આ તો ખાલી એક વાત થાય છે.

 

ક્યારેક તો એવો પણ વિચાર આવે કે બાઈકવાળાઓએ પેલી સાઈડની ડિકીની જેમ એક નાની ડબ્બી પણ આપવી જોઈએ. નાનપણમાં બાલમંદિરમાં આપણે સ્લેટ સાફ કરવા ‘પાણીપોતુ’ લઈ જતા એવી. જેના લોકમાં આપણો ગાભો સલામત રહે.

 

હવે તો હું પણ નવું શીખ્યો છું. બાઈકની સિટ ભીની હોય અને આપણો ગાભો ચોરાયેલો જણાય ત્યારે બાજુમાં જેનુ બાઈક પડ્યું હોય એનો ગાભો વાપરી લેવાનો. આખિર પાડોશી નહીં તો ઓર કૌન કામ આયેગા? હવે તમારું બાઈક મારા બાઈકની બાજુમાં પડ્યું હોય અને તમારો ગાભો ભીનો જણાય ત્યારે તમે એવી શંકા જરૂર કરી શકો કે નક્કી આ તુષાર દવેનું કારસ્તાન હોઈ શકે.

 

ખરેખર પણ ગાભો ચોરાય ત્યારે જબરી જફા થાય છે. હું તો કહું છું કે સરકારે બાઈકની સાથે હેલ્મેટ નહીં પણ ગાભો ફરજિયાત કરવો જોઈએ. ટ્રાફિક પોલીસ રોકે એટલે લાયસન્સ પછી માંગે પણ પહેલા એમ કહે કે, ‘ગાભો બતાવો.’ જો એ ન હોય તો પાવતી ફાટે. આ રીતે પાવતી ફાટતી થશે તો જ સાલા ગાભાચોરોની ‘ફાટતી થશે’! ગાભો ફરજિયાત થઈ જાય પછી સરકાર એ ગાભો આધાર સાથે લિંક કરાવવો પણ ફરજિયાત કરી શકે! આઈ મિન, અચ્છે દિનનું ‘ભીનુ સંકેલવા’ ગાભો તો જોઈશે જ ને?

 

કહે છે કે, મહાભારતના યુદ્ધમાં કર્ણ રથનું ટાયર આઈ મિન પૈડું ફિટ કરતો હતો ત્યારે એ હાલતમાં અર્જુન તેને હણવા બિલકુલ તૈયાર નહોતો પણ જ્યારે કૃષ્ણએ એવું કહ્યું કે, ‘તારો રથ સાફ કરવાનો ગાભો આ જ ચોરી જતો હતો.’ ત્યારે અર્જુનને ખાર ચડ્યો અને તેણે કર્ણને વિંધી નાખ્યો.

 

ફ્રિ હિટ :

 

ગાભા પરથી યાદ આવ્યું કે અમારા ગામમાં એક જણનું તો નામ જ ગાભો હતું. અગાઉના મા-બાપો નામ પણ કેવા ક્રૂર રાખતા નૈ…?

 

(ગાભાપૂરાણ પાર્ટ 2 : લેખકનું સૂચન ધ્યાને લેતી સરકાર!  – https://wp.me/p5Ire3-83 )

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top