skip to Main Content

Tushar Dave - Journalist, Author

Humour

એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે…!

February 10, 201916 second read

45510997_2092383540817681_4612211688064679936_n

(નોંધ : લેખકે લેખમાં પોતાના ભૂતના અનુભવ વિશે સ્પષ્ટતા કરી દીધી છે અને તેમના પ્રેમના અનુભવો વિશે કોઈએ કંઈ પૂછવું નહીં. એમાં તો સાલું ભરાઈ પડાય એવું છે. હોવ…હમ્બો…હમ્બો!)

બાળપણમાં એક જોક સાંભળેલો કે બે ભૂત વાતો કરતા હતા. એક ભૂતે બીજાને કહ્યું કે, ‘જો માણસ જાય.’ બીજાએ કહ્યું કે, ‘માણસ જેવું કશું હોતું નથી. એ બધો આપણા મનનો વહેમ છે.’

મને ભૂતોનો કોઈ ખાસ અનુભવ નથી, પણ નાનપણમાં હું વાળ ઓળ્યા વિના લઘરવઘર ફરતો ત્યારે દાદી કહેતા કે, ‘આ શું ભૂતની જેમ ભટકે છે?’ એ રીતે મને ભૂતની જેમ ભટકવા સિવાય ભૂતનો કોઈ ખાસ અનુભવ નથી. ભૂત વિશે જેટલું સાંભળ્યું કે વાંચ્યુ છે એના પરથી લાગે છે કે ભૂત (જો હોય તો) પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે. ભૂત ‘થાય છે’ ને પ્રેમ પણ થઈ જ જાય છે. એ વળગે છે ને પ્રેમિકા પણ… કંઈ નહીં, આપણે એ મુદ્દો જ પડતો મૂકીએ! (એમાં પણ સાલું ભરાઈ પડાય એવું છે!) કહે છે કે ભૂત મનનો વહેમ હોય છે અને ઘણી વાર પ્રેમ પણ મનનો વહેમ જ નીકળે છે.

ભૂત વળગ્યું હોય તો ગમે ત્યારે ધૂણે અને એ જ રીતે જૂનો પ્રેમ પણ ગમે ત્યારે ધૂણે છે. લગ્ન બાદ (બેમાંથી કોઈપણના લગ્ન બાદ) જૂનો પ્રેમ ધૂણે ત્યારે વધુ ઉપાધિ થાય છે. ભૂત દેખાય નહીં, પણ જો એ હોય તો એનો અહેસાસ થયા વિના રહે નહીં એ જ રીતે પ્રેમ દેખાતો નથી કે છાતી ફાડીને બતાવી શકાતો નથી, પણ જો એ હોય તો એનો અહેસાસ થયા વિના રહેતો નથી. ભૂત પણ જેને દેખાયું હોય એના સિવાયના લોકો એમાં માની ન શકે અને પ્રેમ પણ જેને થયો હોય એ જ જાણે. ઘણી વાર તો પ્રેમ જેની સાથે થયો હોય એ પાર્ટી પણ માની શકતી નથી અને સંભળાવી દે છે કે, ‘મૈને તુજે કભી ઉસ નજર સે દેખા નહીં.’ (ઈટ્સ લાઈક આપણે એવા ભૂત-બૂતમાં માનતા નથી.) એ સમયે એકપક્ષીય આશિકના દિલમાં ટીસ ઉપડે છે કે ‘એ નજરે ના જોયું હોય તો હવે જોઈ લે બકુડીઈઈઈ… આવું શું કરે છે…?!’

જેને વળગાડ થયો હોય એને જે વળગ્યું હોય એ જ દેખાતું હોય અને જે પ્રેમમાં પડ્યો હોય એને પણ આખો દિવસ સતત એ એક જ ચુડેલ દેખાતી હોય! આમાં ફોર અ સેફ સાઈડ હું એમ પણ કહીશ કે જે પ્રેમમાં પડી હોય એને પણ સતત એ એક જ પલિત દેખાતો હોય છે, જેણે એના દિલમાં પ્રેમનો પલિતો ચાંપ્યો હોય છે!

કેટલાક ભૂત ભગાડવા બહુ મુશ્કેલ હોય છે. ભલભલા ભૂવા-ભારાડીઓને બોલાવો તો પણ જવાનું નામ લેતા નથી. એ જ રીતે કહે છે કે સાચો પ્રેમ પણ ભુલાવવો બહુ મુશ્કેલ હોય છે. વળી, એમાં તો કોઈ ભૂવા-ભારાડી પણ કામમાં આવતા નથી. જાતે જ દાઢી વધારીને ‘લાર્જ’ (અને આહ) ભરતાં ભરતાં ‘દિલ જબ સે ટૂટ ગયા કૈસે કહે કૈસે જીતે હૈ, કભી જ્યાદા કભી કમ પીતે હૈ…’ લલકારે જવાનુ હોય છે! જોકે, કેટલાક આધુનિક આશિકો સ્વેગ બતાવવા આજ-કાલ ‘ઈસમે તેરા હી ઘાટા, મેરા કુછ નહીં જાતા…’ ગાવાનું પ્રિફર કરે છે. હોવ…હમ્બો…હમ્બો!

કેટલાક ભૂત એવા હોય જે વળગે એટલે પછી જીવ લઈને જ જાય અને એ જ રીતે કેટલાક પ્રેમો પણ જીવલેણ સાબિત થાય છે. ક્યારેક ‘ઓનર કિલિંગ’માં વધેરાય તો ક્યારેક સાબરમતી કે આજી નદીમાંથી મળી આવે છે. પ્રેમ એક એવો રોગ છે જેમાં બીમાર આપણો સમાજ હોય અને જીવ પ્રેમીપંખીડા ગુમાવે છે!

ભૂત-પ્રેત-પલિત વિશે તાંત્રિકો અને ભૂવાઓએ સમાજમાં જાત જાતની અંધશ્રદ્ધા ફેલાવી છે અને કેટલાકના મતે પ્રેમના મામલામાં એ કામ હિન્દી ફિલ્મોએ અને ખાસ કરીને હિન્દી ગીતોએ કર્યું છે. એકચ્યુલી, હિન્દી ફિલ્મોમાં બતાવાતા પ્રેમ અને અખબારોના પાને ‘ચમકતા’ પ્રેમમાં ખાસ્સો ફર્ક હોય છે! એ જ રીતે હિન્દી ફિલ્મોના અને ‘સાવધાન ઈન્ડિયા’, ‘ક્રાઈમ પેટ્રોલ’ના પ્રેમોમાં પણ સારો એવો તફાવત હોય છે. કેટલાકની લવસ્ટોરીઝ ફિલ્મોમાં ચમકે એવી હોય છે તો કેટલાકની ‘સાવધાન ઈન્ડિયા’, ‘ક્રાઈમ પેટ્રોલ’માં ચમકાવવા લાયક હોય છે.

તાંત્રિક જગતમાં લોકો સાધના કરતાં કરતાં ભૂતો (આઈ મિન,ચુડેલો)ના પ્રેમમાં પડ્યા હોવાનું પણ કહેવાય છે અને વાસ્તવિક જગતમાં લોકો પ્રેમમાં પડીને ભૂત જેવા થઈ જાય છે. કહે છે કે જીવનમાં કોઈનો પ્રેમ અધુરો રહે તો એ અધૂરી વાસનાના કારણે મૃત્યુ બાદ ભૂત થઈને ભટકે છે અને કેટલાક જીવતેજીવ ભૂત જેવા થઈને ભટકે છે. જેમને લોકો દેવદાસ કહે છે…!

કોઈ કવિ તો ત્યાં સુધી કહી ગયા છે કે –

‘ચુડેલ પણ સુંદર લાગશે,
જો જોશો એને ભૂતડાંની નજરથી…’

આપણે ત્યાં ‘ભૂત ધૂણ્યું’ એવો રૂઢિપ્રયોગ પણ વપરાય છે. જેમ કે, ફરી ગોધરાકાંડનું ‘ભૂત ધૂણ્યું’, ફરી બોફોર્સ કેસનું ‘ભૂત ધૂણ્યું’, ફરી હરેન પંડ્યા કેસનું ‘ભૂત ધૂણ્યું’ (ભાજપ સમર્થકો માફ કરે, પણ ખરેખર જ ધૂણ્યું છે! ) વગેરે… જોકે, આજ-કાલ કેટલાક ચોક્કસ પ્રકારના જૂના કાંડના ભૂત ધૂણે તો એ #MeToo તરીકે ઓળખાય છે અને એમાં પણ કોઈ ભૂવા-ભારાડી કામમાં આવતા નથી. જોકે, ગામડાંઓ બાજુના જાણકારો જણાવે છે કે કેટલાક ભૂવા-ભારાડીઓ પણ એવા હોય છે કે જેમની સરખી તપાસ કરવામાં આવે તો એમની સામે #MeTooની લંગાર લાગે! હોવ…હમ્બો…હમ્બો!

ફ્રી હિટ :

મોબાઈલ કંપનીઓ જે રીતે ફોનની RAM અને એક્સ્ટર્નલ મેમરી વધારતી જઈ રહી છે એ જોતાં એક દિવસ આપણો ફોન ફિલ્મ LUCYની પેનડ્રાઇવ બની જવાનો! હોવ…હમ્બો…હમ્બો!

નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો આવા જ બીજા 35થી વધુ લેખો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરીને અમારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 15 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. હમ્બો હમ્બો મંગાવવા અહીં ક્લિક કરો.

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top