TUSHAR DAVE·FRIDAY, 11 MARCH 2016
કૃષ્ણનો જન્મ જેલમાં થયો હતો. પેલાને જામિન (જામિન પર છૂટવું અને નિર્દોષ સાબિત થવા વચ્ચે હાથી-ઘોડાનો ફર્ક) મળ્યાં એમાં કેટલાક કહેવાતા બૌદ્ધિકો-લેખકોએ જેલમાં આ કન્હૈયાનો પુનર્જન્મ થયો હોય એટલુ સેલિબ્રેશન કરી નાખ્યું. કેટલાક તો એવા ઘેલા થયા જાણે એમનો મામા-માસીનો દીકરો જેલમાંથી છૂટીને આવ્યો હોય. તો વળી કેટલાક કન્હૈયાના ભાષણ પર સમરકંદ-બુખારા ઓવારી ગયા. કોઈ રાજકીય પાર્ટીના વિરોધના કારણે ગમે તેવી માનસિકતા કે વિચારધારાનું સમર્થન કરી બેસનારાઓએ કન્હૈયાને જામિન આપનારા દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ પ્રતિભા રાણીની આ કોમેન્ટ્સ પણ ધ્યાને લેવી જોઈએ.
>રંગ હરા હરિસિંહ નલ્વે સે, રંગ લાલ હે લાલ બહાદુર સે, રંગ બના બસંતી ભગતસિંહ, રંગ અમન કા વીર જવાહર સે, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી…મેરે દેશ કી ધરતી…આ રાષ્ટ્રભક્તિથી ભરેલુ ગીત સંકેત આપે છે કે આપણી માતૃભૂમિ પ્રત્યે પ્રેમના અલગ અલગ રંગો છે. આ વાસંતી ઋતુમાં જ્યારે ચારેતરફ હરિયાળી છે અને ચારેતરફ ફૂલો ખીલ્યાં છે, આવામાં જેએનયુ કેમ્પસમાંથી શાંતિનો રંગ કેમ ગાયબ થઈ રહ્યો છે? જેએનયુના ફેકલ્ટી મેમ્બર્સ અને સ્ટુડન્ટ્સની જવાબદારી છે કે તેઓ આનો જવાબ આપે.
>જે આઝાદીના નારા લગાવે છે તે એ નથી વિચારી શકતો કે એ સુરક્ષિત છે કારણ કે આપણી સેના બોર્ડર પર એવા વિષમ પ્રદેશોમાં લડી રહ્યાં છે જ્યાં ઓક્સિઝન પણ નથી. અફઝલ અને મકબુલ જેવાઓ માટે અવાજ ઉઠાવનારાઓ એવી જગ્યાઓ પર એક કલાક પણ ન રહી શકે. આ પ્રકારના(અફઝલ-મકબુલના સમર્થનમાં) નારાઓ એવા પરિવારોને ડિમોરલાઈઝ્ડ કરી શકે જેમના લાડકવાયાઓ બોર્ડર પરથી ત્રિરંગામાં લપેટાઈને ઘરે આવે છે. (બાય ધ વે કોર્ટે નોંધેલી આ વાત અર્નબે ઉમર ખાલિદને હનુમંતઅપ્પાના રેફરન્સમાં મોઢામોઢ, સોયજાટકીને જે ભાષામાં જે ટોનમાં કહેવાની હોય એ જ ભાષામાં કહી દીધેલી. એ વીડિયોને જબ્બર લોકપ્રિયતા મળી. જેના કારણે જ રવીશ જેવાઓના પેટમાં ધગધગતું તેલ રેડાયું ને પેલો બ્લેકસ્ક્રિનવાળો તાયફો કર્યો. અફઝલ-મકબુલ જેવાઓ માટે સોફ્ટકોર્નર ધરાવતા દેશદ્રોહીઓ સાથે એ જ ભાષામાં વાત થાય. ભલે રવીશ કુમાર સ્ક્રિન કાળી કરે પોતાનું મોં કાળુ કરે કે ચેનલ જ બંધ કરી દે.)
>આપણે એ દિમાગમાં રાખવું પડશે કે લોકો જ્યારે પોતાની આઝાદીને એન્જોય કરતા હોય એ જ સમયે બોર્ડર પર આપણા જવાનો આપણું રક્ષણ કરતા હોય છે. સિયાચિન હોય કે કચ્છનું રણ, બેહદ વિષમ પરિસ્થિતિમાં આપણા જવાનો ત્યાં અડગ રહીને બોર્ડર સાચવે છે. રાષ્ટ્રવિરોધી નારા દેશની નિષ્ઠા માટે ખતરો પેદા કરે છે. જેએનયુ કેમ્પ્સમાં જે નારાઓ લાગ્યા તેને બોલવા અને અભિવ્યક્તિની આઝાદીના અધિકાર હેઠળ પ્રોટેક્ટ ન કરી શકાય. આ સ્તરે એ વિચારણીય મુદ્દો છે કે જે રીતે વિદ્યાર્થીઓમાં એક ઈન્ફેક્શન પ્રસર્યુ છે તેને કંટ્રોલ કરવું જરૂરી છે. આ મહામારીનું સ્વરૂપ લે એ પહેલા તેને ખતમ કરવું જરૂરી છે.
>જો કોઈના પગમાં ઈન્ફેક્શન થઈ જાય તો પહેલા તેનો ઈલાજ એન્ટીબાયોટીકથી કરવામાં આવે. જો એનાથી રાહત ન મળે તો નેક્સ્ટ સ્ટેપ ઉઠાવવામાં આવે છે. જો એનાથી પણ ઠીક ન થાય તો પછી સર્જરી કરીને જે ભાગમાં ચેપ લાગ્યો હોય તેને વાઢી નાખવામાં આવે છે.
>અરજીકર્તાએ અભિવ્યક્તિની આઝાદીની વાત કરી છે પરંતુ તેમણે એ પણ સમજવું પડશે કે મૂળ અધિકારની સથે સાથે ફરજ શું છે. અધિકારો અને ફરજ એક જ સિક્કાની બે બાજુ છે. અરજીકર્તા ઘણા ભણેલા છે. તે જેએનયુમાંથી પીએચ.ડી. કરી રહ્યાં છે. બૌદ્ધિક રીતે પણ તેઓ ઉચ્ચવર્ગ સાથે સંબંધ રાખે છે. જેએનયુ પ્રબુદ્ધોનું હબ મનાય છે. તેમના રાજકીય વિચારો હોઈ શકે છે. જેનો તેમને અધિકાર પણ છે. પરંતુ આ બધુ જ બંધારણની મર્યાદામાં હોવું જોઈએ. રાઈટ ટુ સ્પીચની સાથે સાથે અનુચ્છેદ 19(2)માં કેટલાક રિઝનેબલ રિસ્ટ્રીક્શનન્સ પણ છે. (જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે દેશના સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડે તેવું કંઈ પણ અભિવ્યક્તિની આઝાદીમાં ન આવે.)
>જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના પ્રેસિડેન્ટ હોવાના કારણે કન્હૈયા કુમાર પાસે એ આશા રાખવામાં આવે છે કે તેઓ જવાબદાર રહેશે. દરેક નાગરિકને બંધારણમાં અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર મળ્યો છે અને દરેક નાગરિકને રાજકીય રીતે પણ ગમે ત્યાં જોડાવાનો અધિકાર છે. પરંતુ આ બધુ બંધારણની મર્યાદામાં થવું જોઈએ.
>જેએનયુના ફેકલ્ટીઝે પણ સ્ટુડન્ટ્સને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. જેથી તેઓ યોગ્ય માર્ગ પર ચાલે અને દેશના વિકાસમાં ફાળો આપે. જેથી જે ઉદ્દેશ સાથે જેએનયુ બની છે તે પૂરો થઈ શકે.
>(કન્હૈયાએ ભલે અફઝલની ફાંસીના વિરોધના કાર્યક્રમમાં હાજરી આપીને આ દેશના કાયદાની હાંસી ઉડાવી હોય આમ છતાં આ દેશનો કાયદો જ તેની વહારે આવીને ઉભો રહ્યો.) કોર્ટે કહ્યું કે, જામિન આપવાની સ્થિતિમાં બેઇલ બોન્ડ માટે શું રકમ નક્કી કરવામા આવે તે પણ મહત્વનું છે. કન્હૈયાએ 11 ફેબ્રુઆરીની સ્પીચમાં કહ્યું હતું કે તેની માતા આંગણવાડીમાં કામ કરે છે અને તેના ત્રણ હજાર રૂપિયાના પગાર પર જ તેનું ઘર ચાલે છે. એવામાં તેના બેઇલ બોન્ડની એમાઉન્ટ વધારે ન હોવી જોઈએ. (ઘરમાં હાંડલા કુસ્તી કરતા હોય ને માતાના ત્રણ હજાર રૂપરડીના મામૂલી પગાર પર ઘરનું ગાડું ગબડતું હોય ત્યારે નેતાગીરી અને ફાંકા-ફોજદારીની સાથોસાથ સાઈડમાં થોડી મહેનત મજૂરી કરીને પૈસા ન કમાવા જોઈએ? ગરીબ અને સામાન્ય ઘરના છોકરાઓ નાની ઉંમરે જ કામે લાગી જતા હોય છે અને સાથોસાથ ભણતા પણ હોય છે.)
>અરજીકર્તા કન્હૈયા કુમાર જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના પ્રેસિડેન્ટ છે. તેઓ યુનિવર્સિટીમાં સક્રિય રહે છે. જ્યારે ઘટના બની ત્યારે તે ઘટનાસ્થળે જ હતા. ચર્ચા એ વાતે છે કે શું તેઓ એન્ટી નેશનલ એક્ટિવિટીમાં સક્રિય રીતે સામેલ હતા કે ઘટનાસ્થળે બે જૂથ વચ્ચેનો ઝઘડો અટકાવવા ગયા હતા. તેમણે ત્યાં શું ભૂમિકા ભજવી છે તે તપાસનો વિષય છે.
>કોર્ટે અંતમાં એ પણ નોંધ્યું કે, કસ્ટડીમાં રહીને કદાચ તેણે જેએનયુ કેમ્પસમાં જે બન્યું એ અંગે આત્મનિરીક્ષણ અને આત્મમંથન કર્યું હશે. (વાસ્તવમાં કન્હૈયા કરતા વધારે આત્મમંથનની જરૂર કન્હૈયાનું આંધળુ સમર્થન કરનારાઓને છે.)
ફ્રી હિટ:
મુંબઈ બ્લાસ્ટ કે આરોપી જીંદા હૈ, ભારત મા હમ શરમિંદા હૈ….
કશ્મીર મેં રિહા આતંકી, આર્મી કી હોતી નિંદા હૈ, ભારત મા હમ શરમિંદા હૈ….