skip to Main Content

Tushar Dave - Journalist, Author

Current Affairs

‘કલકલિયા’ની કળા ને ઘોડા છૂટ્યાં પછી તબેલે તાળાં!

March 15, 20169 second read

 

TUSHAR DAVE·TUESDAY, 15 MARCH 2016

અંતે કલકલિયો(kingfisher) કળા કરી ગયો! આઈ મિન ઉડી ગયો. આપણે ત્યાં કહેવત છે કે ‘દેવું કરીને પણ ઘી પીવું’. વિજય માલ્યાએ દેવું કરી કરીને દારૂ પીધો, પીવડાવ્યો પણ ખરો ને બેંકોને નશામાં પણ રાખી. કિંગફિશરના કર્મચારીઓનો પગાર અટકાવી પોતે વૈભવી જીવન જીવતા ભાજપના સમર્થનથી રાજ્યસભાના સાંસદ બનેલા વિજય માલ્યા દેશની 17 બેંકોને 9 હજાર કરોડમાં ટાઢા પાણીને નવડાવીને દેશ છોડીને ‘ઉડન છૂ’ થઈ ગયાં. (અફકોર્સ, સત્તાનશિન પાર્ટીના સમર્થન અને એજન્સીઓના છૂપા આશિર્વાદ સાથે જ તો વળી.) હવે એમને પાછા પકડી આવવાની કાનૂની કાર્યવાહી ચાલશે. જેવી લલિત મોદીમાં ચાલી રહી છે. જેવી ક્વોટ્રોચીમાં ચાલી હતી. જેવી દાઉદ-મેમણમાં ચાલી રહી છે. ઉપ્સ, ચાલી રહી છે? સર્વવિદિત છે કે આ કવાયતો હવે ઘોડા છૂટ્યાં પછી તબેલે તાળાં મારવા જેવી છે. વિજય માલ્યાની ગોબાચારીમાં જે બેંકોના નાણા ફસાયા છે એમને ખરેખર તો હાથના કર્યા હૈયે જ વાગ્યાં છે. સીબીઆઈનું કહેવું છે કે, વારંવારના આગ્રહ છતાં બેંકોએ માલ્યાને ફ્રોડ જાહેર કરીને તેમની સામે ફરિયાદ દાખલ નહોતી કરાવી. અંતે તપાસ એજન્સીએ પોતાની પહેલ પર કેસ દાખલ કર્યો હતો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મકાન કે ધંધા માટે લોન આપતી વખતે રીતસર આંતરડા ગળે આવી જાય એટલા ટટળાવતી અને લોનના અરજીકર્તાને વાસ્તવમાં લોનની કોઈ જરૂર જ ન હોય તેવું સાબિત થાય એટએટલા કાગળિયાં કરાવતી બેંકોના ‘મેનેજર્સ’ વિજય માલ્યા કે સુબ્રતો રોય જેવા આર્થિક કૌભાંડીઓની આગળ પાછળ લટુડાં પટુડાં કરતા ફરતાં હોય છે. મનીમાફીયાઓને લોન અપાવવા બેંક મેનેજર્સ બધુ ‘મેનેજ’ કરી આપતા હોય છે. ‘હર કોઈ બિકતા હૈ, બસ કિંમત સહી લગની ચાહિયે’ એ ફિલ્મી ડાયલોગને પચાવીને દરેક લાંચિયાની ફિતરત જાણીને જ આગળ આવેલા, સામેવાળાને આંજી દેવાની પ્રચારવિદ્યામાં માહેર ખેલાડીઓ બેંકોના લાલચુ, ખંધા, ચાટુકપ્રકૃત્તિના મેનેજર્સને લાંચના ટૂકડા ચટાડવાની યુનિવર્સલ ટેકનિકથી ‘મેનેજ’ કરી અબજોની લોન મેળવીને તેનાથી તાગડધિન્ના કરતા ફરે છે. બેંકોની મિલિભગત વિના આ થઈ જ ન શકે. એટર્ની જરનલ મુકુલ રોહિતગીએ દાવો કર્યો છે કે માલ્યાને લોન આપવાના બદલામાં જે સંપત્તિ ગીરવે રાખવામાં આવી છે તે લોનના 15મા ભાગ જેટલી પણ નથી. સોમવારે ઈડીએ મનીલોન્ડરિંગના કાયદા હેઠળ માલ્યા સામે જે કેસ નોંધ્યો તેમાં કિંગફિશરના સીએફઓ એ.રઘુનાથન ઉપરાંત આઈડીબીઆઈ બેંકના ઘણા અધિકારીઓને પણ આરોપી બનાવાયા છે. તાજેતરમાં જ એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એ વાતે નારાજગી દર્શાવી હતી કે બેંકોએ માત્ર 2013-14 પછીના સમયગાળામાં જ 1.14 લાખ કરોડ રૂપિયાની આવી લોન માફ કરીને એ રૂપિયાના નામનું નાહી નાખ્યું હતું. વિજય માલ્યા જે નાણા ચાઉં કરી ગયા એ ગેરરિતીથી લોન અપાવવામાં સંકળાયેલા એક પણ બેંક કર્મચારીના ખિસ્સાના કે એમના પૂજ્ય પિતાશ્રીઓના નહોતા. એ નાણા બેંકો તેનું યોગ્ય જગ્યાએ રોકાણ કરશે, જરૂરિયાતમંદોને લોન અને તેમને વ્યાજ આપશે કે દેશના વિકાસકાર્યોમાં એ વપરાશે એવું ધારી-વિચારીને પોતાની થાપણો રાષ્ટ્રીયકૃત બેંકોને સોંપનારા દેશના સામાન્ય નાગરિકોના હતા. એક અંદાજ મુજબ માલ્યાની કિંગફિશર જેવી કંપનીઓ બેંકકર્મીઓના મેળાપીપણાના પાપે સરકારી બેંકોના 4 લાખ 2 હજાર કરોડ રૂપિયા લોન સ્વરૂપે મેળવીને હજમ કરી ગઈ છે. એક અંદાજ મુજબ આટલી રકમમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે એક નહીં પણ ચાર ચાર બુલેટટ્રેન દોડાવી શકાય.

ફ્રી હિટ:

શ્રી શ્રી રવિશંકર : Art Of Living

વિજય માલ્યા : Art Of Leaving

ભારતીય બેંકો : Art Of Giving

 

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top