એક મોબાઈલ કંપનીવાળાએ બહુ સરસ મેસેજ કરીને ધમકીભરી ભાષામાં ન્યુ યરની શુભેચ્છાઓ આપી. તેમણે કહ્યું કે, થર્ટી ફર્સ્ટ અને ફર્સ્ટ જાન્યુઆરીએ તમારી એસ.એમ.એસ અને સસ્તા કોલ દરોની બધી સ્કિમ્સ બંધ રહેશે. રેગ્યુલર ચાર્જ લાગશે. મતલબ કે મેસેજ દિઠ એક એક રૂપિયા જેટલી રકમ કટકટાવવામાં આવશે. વાહ…ક્યા બાત હૈ… ન્યુ યર વિશ હો તો એસી. આ વિશ સારી છે કારણ કે, કેટલીક કંપનીઓએ તો આવું જણાવવાનું પણ યોગ્ય નથી માન્યુ. અને ગ્રાહકોને બે દિવસ મેસેજ કરવામાં જાળવજો, નહીં તો તમારા ખિસ્સા કાણા થઈ જશે તેવા મેસેજ કરવાની તસ્દી પણ નથી લીધી. આ કંપનીઓવાળાની ખંધાઈ તો જુઓ, નવી નવી ખિસ્સાકાતરૂ સ્કિમ્સના દિવસમાં ડઝનબંધ મેસેજીસ અને કોલ કરનારાઓને ગ્રાહકોને આટલી ગંભીર વાત જણાવવાનો મેસેજ કરતા કાંટા વાગે છે.
જોકે, હવે તો લોકોને આ કાળોદિવસ(કંપનીઓની ભાષામાં કહીયે તો બ્લેકઆઉટ ડે) યાદ જ હોય છે એટલે એડવાન્સમાં જ શુભેચ્છાઓના મેસેજીસ કરી લેતા હોય છે. અને જેમને યાદ નથી હોતું તેમને પણ થોડા મેસેજના પૈસા કપાય એટલે યાદ આવી જાય છે. (અક્કલ બદામ ખાને સે નહીં બેલેન્સ કટને સે આતી હૈ!) બાકી એક સમય હતો કે, લોકો માટે આ કાળાદિવસનો કકળાટ નવો નવો હતો. મેસેજ કરવામાં બેલેન્સ તળિયાઝાટક થઈ જાય એટલે લોકો એ જાણવા રઘવાયા થતા કે, સાલી આટલી બધી બેલેન્સ ઉડી ક્યાં ગઈ? જોકે, આજે પણ કેટલાકને આ વાતની ખબર નથી હોતી અને બેલેન્સની બહેનના લગ્ન થાઈ જાય એટલે ઘોદે ચડે છે!
સવાલ એ છે કે, લોકોને જ્યારે જે સુવિધાની સૌથી વધારે જરૂર હોય ત્યારે જ એ સુવિધા છીનવી લેવાનો શું અર્થ? અમસ્તા ક્યારેય પણ મેસેજીસ ન કરતા લોકો પણ આવા દિવસોએ મેસેજ કરીને શુભેચ્છાઓની આપ-લે કરતા હોય છે. કારણ કે, ફોનબુકમાં હોય તે બધાને કોલ્સ કરવા જરૂરી ન હોય. અને બધાને કોલ કરે તો સમયના અભાવે પહોંચી ન વળાય. મેસેજમાં ઘણી સરળતા રહે. વળી વર્ષે આવા એકાદ બે પ્રસંગોએ ઈનબોક્સમાં મેસેજ ટપકવાથી આંખની ઓળખાણ પણ જળવાઈ રહે.
આ અંગે થોડા સવાલો કરતા કંપનીવાળા કહે છે કે, એ તો ટ્રાઈનો રૂલ છે. ત્યારે થોડા વધુ સવાલો ઉઠે કે, ટ્રાઈનું કાર્ય લોકોને લૂંટાતા બચાવવાનું છે કે ટુજી બ્રાન્ડ કંપનીઓને લૂંટ ચલાવવામાં સરળતા રહે તેવા નિયમો બનાવવાનું? આ ટ્રાઈવાળા પણ ભારે કરે છે હો… થોડા સમય પહેલા એક એવું ગતકડું લઈ આવેલા કે કોઈ વ્યક્તિ દિવસના સોથી વધુ મેસેજ નહીં કરી શકે. યે લો કર લો બાત… મોબાઈલ આપણો, બેલેન્સ આપણી, પૈસા આપણા, મેસેજ કરવા આપણે ને આપણે દિવસના કેટલા મેસેજ કરી શકીએ અને કેટલા નહીં તે નક્કી ટ્રાઈવાળા કરે? આ તો સારુ છે કે તેની સામે વિરોધ વંટોળ ઉઠ્યોને ટ્રાઈનું વલણ નબળું થયુ ને પછીથી તે નિયમમાં ફેરફારો થયા. તે સમયે પણ મેં લખ્યું હતું કે, આ વાતનો વિરોધ થવો જોઈએ બાકી જતે દા’ડે એવું પણ બની શકે કે આપણે આપણા જ પૈસે રોજના કેટલા કોલ કરવાના તે પણ ટ્રાઈવાળા નક્કી કરશે. ટ્રાઈવાળા મોબાઈલ કંપનીની ખિસ્સાકાતરૂ સ્કિમ્સ અને વિનાકારણે બેલેન્સ કાપીને લોકોને ડફોળ બનાવવાના કંપનીઓના પેંતરાઓથી ગ્રાહકોને બચાવી નથી શકતા અને નિયમોનો ભાર ગ્રાહક નામની કન્યાની કેડે લાદે છે.
દિવાળી જેવા તહેવારોમાં તો તંત્ર ફરસાણના ભાવોમાં લોકો લૂંટાય નહીં તે માટે ભાવબાંધણુ કરે છે. જ્યારે આ કિસ્સામાં તો સાવ ઉંધુ જોવા મળે છે. અહીં તો ગ્રાહકોને વધેરવા માટે કંપનીઓની સામે તાસક પર ધરી દેવામાં આવે છે.
ખેર, ટ્રાઈએ આ બ્લેકઆઉટ ડે વાળો નિયમ શેના માનમાં કર્યો છે? તેના જવાબમાં એવું રિઝન રજૂ થાય છે કે, જો આ રીતે ધડાધડ બેલેન્સ નહીં કાપવામાં આવે તો આવા દિવસોએ કોલ્સ અને મેસેજીસનું પ્રમાણ એટલુ વધી જશે કે, સર્વીસમાં પહોંચી નહીં વળાય. યે બ્બાત… વોટ અન આઈડિયા સરજી! કંપનીઓ સર્વીસ આપવામાં લાંબી ન થઈ જાય તે માટે ખિસ્સાકાતરીને ગ્રાહકોને જ લાંબા કરી દેવાના! બ્લેકઆઉટ ડે હોવાથી તમે જે લોકોને ફોન અને મેસેજ કરવાના છો તે નહીં કરો? થર્ટી ફર્સ્ટ તો ચલો જવા દો પણ, દિવાળી જેવા તહેવારમાં કોલ્સ-મેસેજીસ કર્યા વિના છૂટકો છે ખરો? એટલે આ દિવસોમાં કોલ્સ-મેસેજીસનું પ્રમાણ વધવાનું તો ખરૂ જ, એ નિર્વિવાદ વાત છે. જો વધવાનું જ હોય તો તેના ચાર્જમાં લોકોને મૂંડી લેવાની ભુંડી પોલીસી શા માટે?
ચલો માની લઈએ કે, જો બ્લેકઆઉટ જાહેર ન કરે તો કોલ્સ-મેસેજીસનો ટ્રાફિક ખરેખર પહોંચી ન વળાય તેટલો વધી જાય તો પણ તેને ઓછો કરવા માટે માત્ર કંપનીને ફાયદો થાય તેવો જ નિયમ શા માટે? બીજી રીતે વિચારીએ તો ગ્રાહકોને નુકસાન થાય તેવો જ નિયમ શા માટે? શું બીજો કોઈ રસ્તો નથી વિચારી કે કાઢી શકાતો કે જેનાથી લોકોના ખિસ્સા ન ખંખેરાય? સોચો ઠાકુર…
આ નિયમ પણ મોલ્સમાં લેવાતા પ્લાસ્ટિકની બેગ્સના ચાર્જ જેવો જ અવળચંડો છે. મોલવાળાઓ હવે ખરીદી બાદ વસ્તુઓ જેમાં પેક કરીને અપાય છે તે બેગ્સનો પણ ચાર્જ વસુલતા થયા છે. તેમાં જરા પૂછપરછના ઘોંચપરોણા કરતા જાણવા મળ્યુ હતું કે, પ્લાસ્ટિકનો નાશ થતા કરોડો વર્ષો લાગે છે. અને તેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. પર્યાવરણને થતું નુકસાન અટકાવવા તંત્રએ એવો નિયમ કર્યો છે કે, પ્લાસ્ટિકની બેગ્સનો ચાર્જ વસુલવો. તેનાથી લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરશે અને પર્યાવરણને નુકસાન નહીં થાય. ક્યા ખુબ કહી? વાહ વાહ… પર્યાવરણને થતુ નુકસાન અટકાવવા મોલ્સને લાભ કરાવવાનો? (અને ગ્રાહકોને આર્થિક નુકસાન.)
ગ્રાહકો કંઈ વસ્તુઓ હાથમાં થોડી લઈ જવાના છે? પ્લાસ્ટિક બેગ્સ તો વપરાવાની જ. પણ, આ તો ઈ બા’ને પર્યાવરણની થોડી ચિંતા પણ થઈ જાય અને મોલ્સને આર્થિક ફાયદો પણ થઈ જાય. મોલવાળાઓ માટે તો આમાં બંને હાથમાં લાડુ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. કારણ કે, એ લોકો પોતાની જાહેરાત છાપેલી બેગ્સ આપે છે. જ્યારે બાપડા ગ્રાહકોને બંને બાજુ મુંડામણ થાય. એમને તો જાહેરાતવાળી બેગ પણ વાપરવાની અને એના પણ પૈસા ચૂકવવાના. એલાવ જાહેરાતવાળી બેગ્સના તો કંઈ પૈસા હોતા હશે? ખેર, આ મામલે કોઈએ કોર્ટમાં રિટ કરી હોવાનું સાંભળવામાં આવ્યું છે. દેખતે હૈ…ક્યા હોતા હૈ…