માણસને કચ્ચી કચ્ચીને લાગી હોય ત્યારે એને જે કરવાની લાગણી જન્મે છે એને જ શાસ્ત્રોમાં ‘ત્યાગ’ કહ્યો છે. ફિલોસોફર્સ અને ગુરુઓ જે સમજાવી સમજાવીને થાકી ગયા હોય એ ‘ત્યાગની ભાવના’ એને એ ક્ષણે સમજાય છે, કારણ કે પેટની અંદર ક્ષણેક્ષણ ‘ક્ષણનો સાક્ષાત્કાર’ થઈ રહ્યો હોય છે. વધી રહ્યો હોય છે. ‘જીવવાનો અર્થ કંઈ સહેલો નથી, ક્ષણ ક્ષણેક્ષણ આવતી ધારદાર છે’ – એ પંક્તિનો અર્થ એ ક્ષણે બરાબર સમજાય છે. તેમજ ક્ષણિક આવેગોવાળા એ ક્ષણના સાક્ષાત્કાર વખતે જ માનવીને અધ્યાત્મકથિત ‘નિર્ભાર’ થઈ જવાનું મહાત્મય પણ સમજાય છે, કારણ કે એ સમયે પેટ સખત ભારે હોય છે!
આવી સ્થિતિ સર્જાય ત્યારે માનવીને ‘નિર્ભાર’ થવાની તમામ સાધન-સુવિધાઓ અને પાણીથી સંપન્ન એકાંતની જરૂર હોય છે. એ એકાંતભર્યું નાનકડું સ્થળ વિશ્વમાં અલગ અલગ નામે ઓળખાય છે. કહે છે કે ક્રિએટિવ માણસોને ‘નિર્ભાર’ થતી વેળાની અનુલોમ-વિલોમને મળતી આવતી ક્રિયા વખતે જ દસેય દિશાઓમાંથી ઉત્તમ વિચારો પ્રાપ્ત થતા હોવાથી એ સ્થળને શૌચાલય એટલે કે ‘સોચ’ (વિચાર) અને ‘આલય’ એટલે કે આપનાર પણ કહે છે. જે ક્ષણે શૌચક્રિયા સોચક્રિયામાં તબદિલ થાય એટલે કે ઉત્તમ વિચારો આવવાના શરૂ થાય એ ક્ષણે એ માત્ર કોઈ ભૌતિક ઘટના ન રહેતા આધ્યાત્મિક પ્રક્રિયા બને છે. એ ક્ષણે માત્ર શારીરિક નહીં, માનસિક ક્રિયા પણ શરૂ થાય છે. ઘણાં લોકો આ ક્રિયા વખતે શરીર અને મનનું સુયોગ્ય તાદાત્મ્ય સાધવા અંદર અખબાર પણ લઈ જાય છે. કહે છે કે એનાથી સમગ્ર પ્રક્રિયામાં ઘણી સરળતા રહે છે. જોકે, એક હકીકત એ પણ છે કે જ્યારથી માનવી અખબાર લઈને અંદર ઘુસતો થયો ત્યારથી એસિડિટીનું પ્રમાણ વધી ગયું. ઉત્પાદનની આખી પ્રોસિઝર જ તેજાબી બનતી ગઈ. અખબારોમાં ઘણા લેખકો તેજાબી લખે ને… એટલે! ઘણાં તો સાલા સાવ એવું લખે કે વાંચનારાને પાણીના બદલે એ કોલમથી જ સાફ કરવાની ઈચ્છા થઈ આવે! હોવ…હમ્બો…હમ્બો!
આ પણ વાંચો : સ્વર્ગસ્થ કાજલ ઓઝા વૈદ્યને શ્રદ્ધાંજલિ : ઈશ્વર એમની આત્માને રોયલ્ટી અર્પે!
જોકે, સ્માર્ટફોનના આગમન બાદ (કેટલાક અખબારોનું સ્થાન ત્યાં જ હોવાં છતાં) અખબારોને ટોઇલેટમાં સ્થાન મળતું ઓછું થયું. એની જગ્યા ધીમે ધીમે મોબાઇલે લઈ લીધી. એમાં એક પ્રોબ્લેમ એ થયો કે શારીરિક-માનસિક આધ્યાત્મિક ક્રિયા કરવા ઘુસનારાઓ ધીમે ધીમે સમાધિની કક્ષાએ પહોંચવા લાગ્યા. કારણ કે હવે વિચારો માત્ર દસેય દિશાઓમાંથી નહીં, પણ વિશ્વભરમાંથી પ્રાપ્ત થઈ રહ્યા હતા. સાધકો સ્થળકાળનું પણ સાન-ભાન ગુમાવતા ગયાં. કહે છે કે વોટ્સએપમાં દુનિયાભરની ગંદકી ઠલવાય છે, લોકોને પોતાની શારીરિક ગંદકી ઠાલવતાં ઠાલવતાં ભૂંડની જેમ વોટ્સએપનો ઉકરડો ઉલેચવાની મજા પડવા લાગી.
આ તો વાત થઈ શહેરોની. હજુ સુધી ગામડાંઓના ટોઈલેટ્સમાં ઉપરોક્ત દુષણો બહુ ઘુસ્યા નથી. ત્યાંના લોકોની લાઈફ સ્ટાઈલ હજુ પ્રમાણમાં સંતુલિત હોવાથી એમને ત્યાં અખબાર વાંચવા જેટલો સમય મળતો નથી. વળી, ત્યાં અંદર જઈ અખબાર વાંચવાના ધખારા કરે તો ડોહા ધખે એમ હોય ને આમ પણ તેઓ વધુ લાંબા સમય સુધી રેસ્ટરૂમના ગેસ્ટ બની રહેતા નથી. આ દેશના ગામડાંઓ થોડા વર્ષોથી જ તો બહારની બદલે અંદર જતાં થયા છે એમાં આવા ધતિંગ તો ક્યાંથી સૂઝે? જોકે, કેટલાક ગામડાંઓના કેટલાક ટોઈલેટ્સમાં નવી સમસ્યા ઉદભવી. પરંપરાને ધ્યાનમાં રાખીને મોટાભાગના ટોઈલેટ્સ ઘરની બહાર બને. કેટલાક તો વળી થોડા પગલાના અંતરે પણ હોય. એ સંજોગોમાં ઘરધણીનું ધ્યાન ન હોય એ સમયે કે મધરાત્રે વટેમાર્ગુઓ કે પોતાને ત્યાં આવું ‘એકાંતઘર’ ન હોય એવા લોકો પણ ચોરી-છૂપીથી તેનો ઉપયોગ કરી જતાં થયાં. સામાન્ય રીતે જે ચોર હોય એ કંઈક લઈને જાય પણ આ પ્રકારના લોકો ‘કંઈક’ મૂકીને જતાં હતાં. વળી, અનુભવ અને માર્ગદર્શનના અભાવે તેઓ ઘટનાસ્થળે પોતાની ક્રિયાની ઘણી નિશાનીઓ પણ છોડીને જતાં. જે સ્વાભાવિકપણે કોઈને જોવી ન ગમે. ‘પાણી બચાવો’ના સૂત્રો ગમે તેટલા રૂપાળા લાગે, પણ આવી નિશાનીઓ જોવા મળે ત્યારે પહેલી પાણીની ડોલ જ યાદ આવે. હોવ… ઠપકારો બે ડોલ… હમ્બો…હમ્બો!
આ પણ વાંચો – કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી
પોતાની માલિકીની જગ્યામાં ઘૂસીને ‘છૂટકો’ મેળવી જનારા આવા પરોપજીવીઓથી છુટકારો મેળવવા કેટલાક ઘરધણીઓએ ટોઈલેટ્સને તાળાં મારવાના શરૂ કર્યાં. જેથી ઘરના સભ્યો સિવાય બીજું કોઈ એનો ઉપભોગ, સોરી ઉપયોગ ન કરી જાય. જેથી આવા ઘરે મહેમાન થનારાઓએ કે ત્યાં કોઈ કામ કરવા આવતા નોકરો કે મજૂરોએ ઈમરજન્સીના સંજોગોમાં ઘરની સ્ત્રી પાસે તેની ચાવી એટલે કે કુંચી માગવી પડે છે.
હવે તમે કલ્પના કરો કે તમને સખત લાગી હોય. તાત્કાલિક ‘નિર્ભાર’ થઈ જવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હોય. તમારા તમામ અનુબંધ (કે ઈવન કમરબંધ પણ) તૂટવાની અણી પર હોય. આ ટ્રાફિક સિગ્નલ પર રોકાયેલા ટ્રાફિક જેવી સ્થિતિ હોય છે. ટ્રાફિક પોલીસવાળો કોઈ એક લેનને એક હદથી વધુ સમય સુધી રોકી રાખે તો આગળના વાહનો વધુને વધુ આગળ વધીને અંતે જાતે જ આગળ વહી જાય છે. એ સ્થિતિ સર્જાય ત્યારે ટ્રાફિક કન્ટ્રોલર પણ લાચાર બની જાય છે. તમારા પેટના ટ્રાફિક કન્ટ્રોલર અવયવે પણ તમને સંદેશ પાઠવી દીધો હોય કે જો બે-ચાર મિનિટમાં તમે ગ્રીન સિગ્નલ નહીં આપો તો પછી સ્થિતિ મારા કન્ટ્રોલમાં નહીં રહે. એક એક ઈંચ આગળ વધતો ટ્રાફિક આપમેળે સિગ્નલ તોડી નાંખશે. તમે ભારે પેટ લઈને ઉતાવળા પગે જેવા ‘મુક્તિધામ’ પહોંચો કે ત્યાં અલીગઢીયું તાળું લટકતું જોવા મળે તો શું હાલત થાય? ટ્રાફિક સિગ્નલ ન તોડી નાંખે એની સાવધાની રાખી પોચા પગે ચાલીને ઘરની મુખ્ય મહિલા પાસે ‘મુક્તિધામ’ની કુંચી આપવા કાકલૂદી કરવી પડે. એમાં પણ જો ખબર પડે કે ચાવી હાથવગી નથી તો? એ સંજોગોમાં કવિ વિનોદ જોશીએ એક અલગ જ સંદર્ભમાં લખેલું અદ્દભુત ગીત યાદ આવી જાય કે,
કુંચી આપો બાઇજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇ જી?
મેં ઉપર કહેલી સિચ્યુએશન ઈમેજિન કરીને ઉપરની પંક્તિઓ વાંચો. આ ગીતની આગળની કેટલીક પંક્તિઓ પણ એ સિચ્યુએશન પર બરાબર ફિટ બેસે છે કે,
ખડકી ખોલો બાઇજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઇ જી!
કુંચી આપો બાઇજી!
અહીં કવિને કચ્ચી કચ્ચીને લાગી હોવાથી ‘મંગલ મંદિર ખોલો દયામય’ની ભાવના સાથે તેઓ બાઈજી પાસે ‘મુક્તિધામ’ની કુંચીની માગ કરી રહ્યાં છે. તેઓ આગળ લખે છે કે,
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદીયું પાછી ઠેલી.
મારગ મેલો બાઇજી! કુંચી આપો બાઇજી!
અહીં ‘નદીયું પાછી ઠેલી’ શબ્દોમાં કવિ પેટમાં ઘુઘવતા સમંદરમાં ઉઠેલી સુનામીની કાંઠાના ખડકો પર પછડાતી લહેરોની લાગણી વ્યક્ત કરી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે. ગામડાંમાં બાઈ પાસે કુંચી માગવાનો આવો એક કિસ્સો નજરોનજર જોયો ત્યારે મને આ કવિતા યાદ આવી ગયેલી. હવે જ્યારે પણ આ કવિતા વાંચુ ત્યારે મને પેલા ગામડાંના ‘મુક્તિધામ’ને લાગેલુ તાળું નજરે ચડે છે! હોવ…હમ્બો…હમ્બો!
ફ્રી હિટ :
ડેથ ઓર સિટ, યે દો ચીઝે કિસી કો ભી, કભી ભી આ સકતી હૈ!
(ફિલ્મ ‘પીકુ’માં ઈરફાનનો એક ડાયલોગ)
*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો આવા જ બીજા 35થી વધુ લેખો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરીને અમારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
Related Articles :
કબીરઘેલો : એક અર્નબ ઉપ્સ અર્બન ગુજરાતી ફિલ્મ!
કોંગ્રેસનો કોઈ વાંક નથી, વાડ્રાનો ચહેરો જ એવો છે…!
ડોક્ટર્સથી પણ સવાયા મેડિકલ એક્સપર્ટ્સ : દોઢ ડહાપણ પણ ઉમેરો જરા સારવારમાં…!
માનસ ગર્લફ્રેન્ડ અને ‘ચક્ષુપ્રેમ’ : ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર…!
એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે…!
જો ગરોળી દસ્તા જેવડી હોત તો શું થાત?: ભય બિન પ્રીત નાહી…!
આળસ એક ખોજ : આવાઝ દે કે હમે તુમ (ન) જગાઓ….!
એકચ્યુલી, સરકારે બાઈક સાથે હેલ્મેટ નહીં પણ ગાભો ફરજિયાત કરવો જોઈએ!-1
ગાભાપૂરાણ પાર્ટ 2 : લેખકનું સૂચન ધ્યાને લેતી સરકાર!
ગુજરાતી V/S અંગ્રેજી : ટ્વિંકલના લિટલ સ્ટાર્સ સામે હાથમાં સોટી લઈને ઝઝુમતુ રીંછ!
આમસૂત્ર : પાકી કેરી ચુસતી કાચી કેરી જેવી છોકરી…!
EVMનો એક અડબમ ઈન્ટર્વ્યૂ : હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને ઈલેક્શન્સ કી આબરૂ રખ્ખી!