માની લો કે, ન કરે નારાયણ ને ‘ખિલાડી 786’ ફિલ્મ ‘બાપુ બોંત્તેરસિંહ’ નામે ગુજરાતીમાં બને તો ‘હુક્કાબાર’ ગીતનું ગુજરાતીકરણ કેવું થાય?
પ્રસ્તુત છે ‘હુક્કાબાર’નું ગુજરાતી ‘ટ્રાન્સઈરિટેશન’-
તારી નજરુંના પ્રહાર જાણે સિંહનો શિકાર,
તારુ યૌવન ધોધમાર જાણે હળગતી વખાર,
તારા ઈશ્કની ‘કિક’માં દિલ તૂટવાની બીક
તારા પ્રેમનો નશો જાણે મનમાંનો વ્હેમ….
તારો પ્રેમ પ્રેમ પ્રેમ…આજી ડેમ…
તારો પ્રેમ પ્રેમ પ્રેમ…આજી ડેમ…
તારો પ્રેમ પ્રેમ પ્રેમ…આજી ડેમ ડેમ ડેમ…
દોસ્તો, આ પેરોડીમાં પહેલા વ્હેમ અને પછી ડેમ આવે છે. આ ચીપ લાગતા ગીતમાં આખા આજી ડેમ જેટલું ઉંડાણ છે રે લોલ!
જે ફિલ્મ હિન્દીમાં સહન નથી થતી તે ગુજરાતીમાં બને તેવી કલ્પના જ કેટલી ભયાનક છે નૈ? પણ આજકાલ મારુ દિમાગ ઠેકાણે નથી તેથી આવા આડાઅવળા, ઉંધાચત્તા, અવળચંડા અને અક્કલમઠ્ઠા વિચારો આવે છે.
આ ફિલ્મ જોયા બાદ મેં પોસ્ટ મૂકી હતી કે, અક્ષય કુમારને નોટિસ ફટકારવી જોઈએ કે, ખિલાડીના નામે મગજ સાથે ખિલવાડ કરતી આવડી મોટી હથોડો ફિલ્મ આપવા બદલ તારુ ‘ખિલાડી’નું બિરૂદ શા માટે ન છીનવી લેવું? એ ન્યાયે હવે એકાદી નોટિસ મને પણ મળવી જોઈએ. મારાથી આવી મનનું ‘મિથુન’ કરી નાખનારી કલ્પના કરાય જ કેમ? (કોઈ મને નોટિસ ફટકારો તો અક્ષય કુમારને પણ સી.સી.માં રાખજો હો… એ જ લાગનો છે.)