જ્યારે તમને એવું લાગવા માંડે કે આખી દુનિયા તમારી દોસ્ત છે ત્યારે ચોક્કસ જાણજો કે તમે ખરેખર દુનિયાને ઓળખતા જ નથી, પણ જ્યારે તમને એવું લાગવા માંડે કે આખી દુનિયા તમારી દુશ્મન છે અને સતત તમારી વિરુદ્ધ ષડયંત્રો જ કર્યા કરે છે ત્યારે માનજો કે દુનિયા તો ઠીક પહેલા તમે તમારી જાતને જ ઓળખતા નથી. આવા (ભયંકર) સંજોગોમાં તમારે તાત્કાલિક ડૉ.પ્રશાંત ભીમાણી કે ડૉ.મુકુલ ચોકસીને કન્સલ્ટ કરી લેવા જોઈએ. ભ્રમમાં રહેવું બહુ સારું નહીં. કારણ કે ભ્રમમાં રહેવાને જીવવું નથી કહેતા. એ માત્ર જીવવાનો ભ્રમ હોય છે. રેકોર્ડ્સ અને ભ્રમ માત્ર તૂટવા માટે જ સર્જાતા હોય છે.
એક વખત એવું બન્યું કે એક બસમાં એક ભાઈ ભાલા અને બખ્તર સાથે ચડી ગયો. એને એવો ભ્રમ હતો કે તે મહારાણા પ્રતાપ છે. એનો ભાલો લોકોને ખૂંચતો હતો અને તે કોઈને ગણકારતો નહોતો કારણ કે એ તો મહારાણા પ્રતાપ હતો. બધાએ કંટાળીને કન્ટક્ટરને ફરિયાદ કરી કે હવે આનું કંઈક કરો ભૈસાબ. કન્ડક્ટરે પાંચેક મિનિટ બાદ ઘંટડી વગાડી અને જોરથી બૂમ પાડી કે ‘ચલો…ચલો…ચિત્તોડ…આવી ગયુંઉઉઉ…’ અને પેલો વીર ભાલાવાળો ભાલા-ભખ્તર સહિત ત્યાં જ ઉતરી ગયો. જોકે, એ ચિત્તોડ નહીં, પણ ચિત્તલ હતું. મનોચિકિત્સકોનું કામ મામલો વધુ બિચકે એ પહેલા સમયસર પેલી ઘંટડી વગાડવાનું હોય છે. પેલો ભ્રમ ભાંગવાના જ તેઓ લખલૂટ રૂપિયા ચાર્જ કરે છે.
ઘણી વાર માણસને, લગભગ દરેક વ્યક્તિને જીવનમાં એક તબક્કે તો એવું લાગે જ છે કે એને એ તો ન જ મળ્યું જેને એ લાયક હતો કે લાયક હતી. જોકે, દુ:ખ એ વાતનું નથી હોતું. દુ:ખ એ વાતનું હોય છે કે એને એવું લાગે છે કે એના કરતાં પણ ગેરલાયક વ્યક્તિને એ મળી રહ્યું છે જેના માટે તો એ લાયક હતો. સ્પર્ધાનો ભાવ સારો. એ વ્યક્તિને વધુ મહેનત કરવા પ્રેરિત કરે, પણ એ લાગણી તંદુરસ્ત સ્પર્ધાના બદલે ઈર્ષા જન્માવે ત્યારે એ ભીમાણી સાહેબ કે ચોકસી સાહેબનો કેસ બની જાય. પેલી વાર્તા જેવું થઈ જાય કે ભગવાન જો મારા પડોશીની બે આંખ ફૂટતી હોય તો મારી એક ફોડી નાંખો એની માને… હું મરું પણ તને રાંડ કરું. ધીસ ઈઝ self destruction.
શાહરુખ ખાન તો એકથી વધુ વાર જાહેરમાં કહી ચુક્યો છે કે આ દેશમાં મારા કરતા પણ સુંદર દેખાતા અને મારાથી સારી એક્ટિંગ કરનારા લાખો યુવાનો છે, પણ એ કિંગ ખાન નથી બની શક્યાં. (આ વાક્ય પછી એ પેલા યુવાનો કેમ ‘કિંગ’ નથી બની શક્યા અથવા એ પોતે વિધાઉટ એની ગોડફાધર સુપર સ્ટાર કેવી રીતે બન્યો અને એનાથી પણ વધુ કે કેવી રીતે ટકી રહ્યો એના કારણો આપે છે.) તો શું એ દરેક યુવાને ડિપ્રેશનમાં સરી પડવાનું જે શાહરુખ કરતાં પણ વધુ લાયક હોવા છતાંં એ સ્ટારપદ ન પામી શક્યો? અનેક કારણો અનેક પરિબળો એના માટે જવાબદાર હોય. એકાદી જ જગ્યા માટે લાખો-કરોડો દાવેદાર હોય, પણ ત્યાં બિરાજી તો કોઈ એક જ શકે. બિરાજનારા બદલાતા રહે પણ ટોચ પરની જગ્યા તો એટલી જ રહે.
મહત્ત્વનું એ નથી કે તમે ટોચ પર છો કે નહીં. મહત્ત્વનું એ છે કે તમે જ્યાં છો ત્યાં ખુશ છો કે નહીં? ખુશી ધ્યેય છે, જેનાથી ખુશી પ્રાપ્ત થાય એ સાધનો ધ્યેય નથી એ ન ભૂલવું જોઈએ. બાકી તો આપણે કલ્પી ન શકીએ એટલી પ્રસિદ્ધી અને દૌલતમાં આળોટતા લોકો પણ ડિપ્રેશનમાં ઘુસી જાય છે. અરે, આપઘાત સુદ્ધાં કરી જાય છે. (દિપીકા પાદુકોણ માનસિક રોગી હોવાનું એક તાજુ ઉદાહરણ છે. એ જાહેરમાં એ વાત કહે છે કે એ એમાં સરી પડેલી અને બહાર નીકળી છે. એ ભયંકર હતું. એના વિશે વાત કરવી કે સારવાર લેવી એ કોઈ શરમનો વિષય નથી.) એનો મતલબ એ છે કે એ લોકો ટોચ પર તો હતાં પણ ખુશ નહોતા. જીવનનો ધ્યેય અવિરત ખુશી હોવો જોઈએ. જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવાની જર્નીની લખલૂટ મજા લૂંટવાનો ધ્યેય. ટોચ પર પહોંચ્યા બાદ પણ એક તબક્કે તો ત્યાંથી પણ આગળ પ્રયાણ કરવાનું જ છે ને? એટલે જ તો મારા પ્રિય ગીતકાર સાહિર લૂધિયાણવી લખી ગયા છે કે –
मुझसे पहले कितने शायर
आए और आकर चले गए
कुछ आहें भर कर लौट गए
कुछ नग़मे गाकर चले गए
वो भी एक पल का किस्सा था
मैं भी एक पल का किस्सा हूँ
कल तुमसे जुदा हो जाऊँगा
वो आज तुम्हारा हिस्सा हूँ
मैं पल दो पल का शायर हूँ …
कल और आएंगे नग़मों की
खिलती कलियाँ चुनने वाले
मुझसे बेहतर कहने वाले
तुमसे बेहतर सुनने वाले
कल कोई मुझको याद करे
क्यूँ कोई मुझको याद करे
मसरूफ़ ज़माना मेरे लिये
क्यूँ वक़्त अपना बरबाद करे
मैं पल दो पल का शायर हूँ …
આ સ્વિકારભાવ છે. જે કદાચ દવાઓથી પણ વધુ શાતા આપી શકે. પોતાની ખુશીઓ માટે કોઈના પર આધારિત ન રહેવું અને કોઈનું દુ:ખ જોઈને જો ખુશી મળતી હોય તો એ પ્રકૃતિ નહીં, પણ વિકૃતિ છે એ યાદ રાખવું.
દરેક વ્યક્તિમાં એક પ્યાસ રહેલી હોય. પ્રેમની, પૈસાની, પ્રસિદ્ધીની… જે તેના આગળ વધવાનું પ્રેરકબળ બનતી રહેતી હોય છે. પણ બીજી દરેક બાબતોની ઉપર જો એ સવાર થઈ જાય તો એ માત્ર દુ:ખ અને ડિપ્રેશન સિવાય બીજું કંઈ જ ન આપી શકે. બધાને બધું નથી મળી જતું. મારા દાદી કહેતા કટારી સોનાની હોય તો ય ભેટમાં ખોસાય પેટમાં નહીં. અતિ મહત્વાકાંક્ષા ક્યારેક પેલી પેટમાં ઘુસી જતી સોનાની કટારી બની જતી હોય છે, જે પેલા સોનેરી હરણનો પીછો કરવાનું પરિણામ હોય છે.
નિદા ફાઝલી લખે છે કે – कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता, कहीं ज़मीन तो कहीं आसमान नहीं मिलता। जिसे भी देखिये वो अपने आप में गुम है, ज़ुबाँ मिली है मगर हमज़ुबाँ नहीं मिलता। જો મળી જાય તો પેલી પ્યાસ જ ખતમ થઈ જાય. અને જો પ્યાસ ખતમ થઈ જાય તો કંકોડાં સારું સર્જન થવાનું? અને સર્જન ન થાય તો પછી તમે શું ધૂળ કલાકાર કે સર્જક?
શાહરુખ હોય કે અમિતાભ બચ્ચન, દરેકને જીવનમાં ક્યારેકને ક્યારેક, ક્યાંકને ક્યાંક – કંઈક ખૂટે છે -ની લાગણી થયા કરતી હોય છે. એ પૈકીના એકે એકથી વધુ વાર દેવાળું ફૂંક્યુ છે તો કોઈએ ડ્રિમ પ્રોજેક્ટ ‘રા.વન’ને નજર સામે જ પત્તાના મહેલની જેમ કકડભૂસ થતો જોયો છે. પ્રકૃતિના આવા પડકારો જ તો ક્રિએટિવ સંસારનું ચાલકબળ છે. ઈટ્સ લાઈક સેક્સ. ગમે તેટલું કર્યુ હોય અને પત્યા બાદ એ નિર્રથક લાગે કે આની શું આવી તલપ લાગેલી બે? આમ છતાં એ ન મળે ત્યારે ફરી ‘કંઈક ખૂટે છે’ની લાગણી નથી થતી? થાય છે કારણ કે એ પણ સંસારનું ચાલકબળ છે. એના સિવાય સૃષ્ટિનું સતત નિર્માણ કેવી રીતે થતું હોત? એટલે જ તો અનુરાગ કશ્યપ કહે છે કે, ‘એકચ્યુલી, વી આર ફ્રસ્ટ્રેટેડ પીપલ. ધીસ કન્ટ્રી નીડ્સ ગુડ સેક્સ.’ હોવ…હમ્બો…હમ્બો…!
આપણે કોઈ matrixની અંદર છીએ કે નહીં એ તો ખબર નહીં, પણ આપણા સૌના મનની અંદર એક મેટ્રિક્સ જરૂર હોય છે. જે સતત આપણી અંદરના નિઓને ડરાવે રાખે છે. ખાસ કરીને તમે મેં પહેલા પેરેગ્રાફમાં વાત કરી એ સ્ટેજમાં હોવ ત્યારે. તમે શંકાશીલ થઈ જાવ છો. અંદરોઅંદર વાત કરનારા બે વ્યક્તિ ભૂલમાં પણ એકાદી વાર તમને તાકી લે તો પેલું મેટ્રિક્સ તમારા મનમાં ઠસાવા લાગે કે એ નક્કી તારા વિશે વાત કરે છે અને તારી જ વાટે છે. વાસ્તવિકતા કદાચ એ હોય કે એ બન્ને આપણને ઓળખતા યે ન હોય અને આપણે એ વિચારીને ટેન્શનમાં હોય કે એ બે સાલા આપણા વિશે શું વિચારતા હશે? શું ખબર કે એ બન્ને ‘ગેમ ઓફ થ્રોન્સ’નો કોઈ એપિસોડ ચર્ચી રહ્યાં હોય કે ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ના ડેમોગોર્ગન વિશે વાત કરતા હોય ને એમને કલ્પના યે ન હોય કે એ ડેમોગોર્ગન તમારા દિમાગમાં ફૂંફાડા મારવા લાગ્યો હોય જે રીતે #montunibittu ફિલ્મમાં એક તબક્કે મોહિની (હેપ્પી ભાવસાર)ની અંદર ડાન્સ ફૂંફાડા મારી રહ્યો હોય છે. એટલે જ તો બી.એન.દસ્તુર વારંવાર એમની કિતાબોમાં ‘લોશુંક’ રોગની ચર્ચા કરતા હોય છે. લોશુંક = લોકો શું કહેશે? સબસે બડા રોગ, ક્યા કહેંગે લોગ? કોઈ ફિલ્મમાં આના પર એક મસ્ત ડાયલોગ છે કે – ‘અબ લોગ ક્યા સોચેંગે વો ભી હમ હી સોચેંગે તો ફિર લોગ ક્યાં સોચેંગે…?!’
કેટલાક લોકોને સતત ભયંકર વિચારો જ આવે રાખતા હોય. રોપ વેમાં બેઠા હોય તો એમને વિચાર આવે કે અબઘડી જ આ રોપ વેનો તાર તૂટી જશે તો શું થશે? હિમાચલ પ્રદેશમાં પહાડોની કરાડો પરના સર્પાકાર રસ્તાઓ પરથી પસાર થતા હોય તો વિચાર આવે કે ડ્રાઈવરને ઝોકું આવી જશે તો શું થશે? અગિયાર માળની બિલ્ડિંગમાં ટોપ ફ્લોર પર હોય અને વિચાર આવે કે સાલો અત્યારે ભૂકંપ આવી જાય તો શું થશે? ચણી બોર ખાવા જતા હોય અને વિચાર આવે અંદરથી ઈયળ નીકળશે તો શું થશે? ઈવન ટોઈલેટ સીટ પર બેઠા હોય અને હિટરની સ્વિચ ચાલુ હોય તો વિચાર આવે કે હિટરના નળનું ગરમ લ્હાય જેવું પાણી ટોઈલેટના પ્રેશરમાં આવવા લાગશે તો શું થશે? આવા લોકોની સાથે આપણે થોડી વાર બેસીએ તો આપણને થવા લાગે કે સાલું આની સાથે વધારે વાર બેસીશ તો મારું પોતાનું શું થશે?
વ્હાલી વિદ્યાના સમ જો જુઠ્ઠુ બોલો તો દરેક વ્યક્તિને જીવનમાં એટલિસ્ટ એકાદી વાર તો એવું લાગ્યું જ હોય છે કે સાલું મને કોઈ સમજતું જ નથી. ઘણાને એકાધિકવાર એવું લાગે છે. એમાં એમનો કોઈ વાંક નથી હોતો. ભગવાને ઉપરથી પ્રોડક્ટમાં જેટલી એપ્સ ઈન્સ્ટોલ કરી હોય એ તો હજુ પૂરી યાદ રહી ના હોય અને ભગવાને ફોડ પાડ્યો ય ના હોય કે નીચે જઈને તારે ઈન્કમટેક્સ, મોબાઈલ-ગેસ-લાઈટના બિલો ભરવાની અંતિમ તારીખ ને પાનકાર્ડ સાથે આધાર લિંક કરાવવાનું યાદ રાખવાનું છે અને ધંધો કરવાનો હોય તો GST સમજવાનો છે. ફેસબુક પર પોકનું બટન શેના માટે છે એ ન સમજાય તો રહેવા દેજે, પણ ટાઈમ મળે તો જરા ‘તુષાર દવે’ને ય સમજવાનો છે. કારણ કે એ બાપડાંને એવું લાગ્યા કરે છે કે કોઈ એને સમજતું નથી. આટલુ બધુ એકી સાથે માથે પડે તો માણસના મોંમાંથી મા-બેન સમાણી એકાદ-બે ગાળ ન નીકળી જાય કે ઈ એને જ નથી સમજાતો તો મને શું ધૂળ સમજાવાનો હતો? ને આટઆટલુ સમજાતુ હોત તો અમે બોર્ડના ટોપર ના ગુડાણા હોત?
આનો ઈલાજ એ છે કે એ ધારવું છોડી દેવું કે લોકો તમારા પ્રત્યે બહુ વિચારે છે અને કોન્સિયસ છે. લોકોને બહુ બધા કામ હોય છે અને પોતાના વ્યક્તિગત લફડાં પણ બહુ હોય છે. તમારા વિષયો એમને બે ઘડી ટાઈમપાસથી વિશેષ કંઈ હોતા નથી. એન્ડ ફેસબુક કોઈ ન્યાય મેળવવાનું કે જાતને સાચી કે ખોટી પૂરવાર કરવાનું ઓથેન્ટિક પ્લેટફોર્મ નથી. લોકો સોશિયલ સાઈટ્સ પર પોતાનું કે પોતાની પ્રોડક્ટનું પ્રમોશન કરવા અને ટાઈમપાસ માટે આવે છે.
હા, કેટલાક લોકો ક્રાંતિ કરવા આવે છે. એમને કોઈ ખાસ ગણતું નથી. જે અને જેટલી મજા આવે એમ કરવાનું, પણ એનો લોડ માથા પર નહીં રાખવાનો. એમ કરવાથી ભીમાણીસાહેબ અને ચોકસીસાહેબના બિલ્સ વધતા જાય. બીજું કંઈ નહીં.
ડિરેક્ટર વિજયગીરી બાવાની હલકી ફૂલકી ફ્રેશ ફિલ્મ મોન્ટુની બિટ્ટુ જોઈ નાંખો. પછી ‘એન્ગ્રી બર્ડ્સ 2’ પતાવો. એ જોવાઈ જાય એટલે ઓરોબોરસમાં 31મી અને 1લીએ સૌમ્ય જોશી લિખિત-દિગ્દર્શિત અને પ્રેમ ગઢવી- જીજ્ઞા વ્યાસ અભિનિત ‘પાડાની પોળ’ના શોઝ છે. એ જોઈ નાંખો. મોજ પડી જશે. એ નાટકમાં ડોશી રમે છે સારું…હોવ…હમ્બો…હમ્બો…!
શિર્ષક પંક્તિ :
શાંત જળમાં અટકચાળા ન કર,
કાંકરા નાંખીને કૂંડાળા ન કર.
લોક ભલેને દિવાળી ઉજવે,
ઘર બાળીને તું અજવાળા ન કર.
નોંધ : અત્યારે ઉઠીને તાવની પાંચ, ડિપ્રેશનની ચાર અને ઊંઘની આઠ ગોળીઓ ગળ્યા બાદ પણ ઊંઘ નથી આવતી આટલુ અને આવું લખાઈ જાય છે ત્યારે લોકો ફરિયાદ કરે છે કે સાલાં, તું બિમાર હતો તો તારાથી લખાય છે કેવી રીતે? અરે પગલી, ઝિંદા હી ઈસીલિયે હું ક્યુંકી લિખતા હું. આ ઘેનની ગોળીઓ હવે ભેળસેળવાળી આવતી લાગે છે હોં. કલાક ઉપર થઈ ગઈ મને ટંકોરો યે ફર્ક નથી પડતો. હલકા હલકા સા નશા જેવું લાગે છે…! મજ્જા આઈ રહી છે. દારૂના તો પૈસા નથી. આના બે-ચાર પેકેટ લાવવા પડશે. હોવ… #હમ્બો_હમ્બો ;)
ફ્રી હિટ :
ભાલાવાળા તમે છેટા રહેજો…!
*નોંધ : જો આ લેખ તમને ગમ્યો હોય તો મારા હાસ્યલેખોનું પુસ્તક ‘હમ્બો હમ્બો’ ઓનલાઈન મંગાવો. પુસ્તકની કિંમત માત્ર 135 રૂપિયા છે. સ્કિમ મુજબ ઓનલાઈન ઓર્ડર કરનારને કિંમત પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગુજરાતમાં કોઈ ડિલેવરી ચાર્જ લાગશે નહીં. માત્ર 121 રૂપિયામાં પુસ્તક ઘરે પહોંચશે. જલદી કરો. ઘરે બેઠા ‘હમ્બો હમ્બો’ મંગાવવા અહીં ક્લિક કરો.
Related Articles :
મોન્ટુની બિટ્ટુ : પોળનું પેઈન્ટિંગ, રમૂજનો ‘રંગ’ અને લાગણીઓનો ‘દરિયો’!
કબીરઘેલો : એક અર્નબ ઉપ્સ અર્બન ગુજરાતી ફિલ્મ!
આવા નબળા ‘સાહેબ’ ના ચાલે…!
મહોતું : એક માસ્ટરપિસ
ચાલ ‘જોઈ’ લઈએ!
પાઘડી : જલદી ઉતરશે નહીં અને ઉતરવી પણ ન જોઈએ!
આ ‘સૂર્યાંશ’ કરતા તો આગિયો સારો!
ગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…?
મણિકર્ણિકા : કંગનાએ મને ખોટો સાબિત કર્યો!
રાગ દેશ : દેશભરમાં ટેક્સ ફ્રી કરીને બચ્ચે બચ્ચાને બતાવવા જેવી ફિલ્મ
PK: ઘણી જ સરળ છે તારી બધી વાતો ઈશ્વર, આ ઉપદેશકો સમજાવીને સમજવા નથી દેતા!
દૃશ્યમ: આંખો કા હે ધોખા, એસી તેરી ચાલ, તેરા વિઝ્યુઅલ ઈન્દ્રજાલ!
He and She in Raazi તો ક્યા કરેગા કાઝી…!!!
‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અને નોટબંધી : એકચ્યુલી, ડિરેક્ટર વિક્ટર પાસે આમિરની કોઈ ગુપ્ત CD હશે!
‘અંધાધૂન’નું સસલું અગાઉ જાદુગરની પેટીમાં રહેતું હતું!
વાંધા(જનક) `વિલાસ` : ગુજરાતી ફિલ્મમાં તમે સસરાને પુત્રવધુ પર લાઈન મારતો કેવી રીતે બતાવી શકો?
કેફિયત : દસ રૂપિયાની જોક્સની ચોપડી ખરીદવાની જીદ્દથી ‘હમ્બો હમ્બો’ના સર્જન સુધી