>કોઈ વ્યક્તિ ચૂંટાયા બાદ એક વાર પણ એમ વિચારે કે જેનો વિરોધ કર્યો હોય એ જ પાર્ટીને હું ખોળે બેસાડું તો મારા મતદારો શું વિચારશે? તો તો દેશમાં લોકશાહીના સિદ્ધાંતો રસાતાળ જાય ને બંધારણ ફાટી પડે.
રાજકારણમાં હાલ પરીક્ષાની સિઝન ચાલી રહી છે. કોંગ્રેસ તો જાણે કે મોંઘવારી ને વીજળીના બિલ ઘટાડવાના સહિતના અનેક મુદ્દે નાપાસ થઈને બેઠી છે. અને નાપાસ વિદ્યાર્થી જેવી જ માનસિકતા ધરાવે છે. નાપાસ થનારો વિદ્યાર્થી સૌ પ્રથમ એ જ શોધે કે કુલ કેટલા નાપાસ થયા છે? પછી નાપાસ થનારાની સંખ્યા જાણીને પોતે એકલો નથી એમ વિચારી ધરપત મેળવે. ‘આપ’ના સારા દેખાવે ભાજપને પણ કોંગ્રેસ સામેના એન્ટિ ઈન્કમ્બન્સી ફેકટર અને કેન્દ્ર સરકાર સામેના લોકરોષને દિલ્હીમાં એક મુખ્ય વિપક્ષ તરીકે એનકેશ કરવામાં નાપાસ સાબિત કર્યો છે. હવે બાકી રહ્યો આપ. હવે ભાજપ અને કોંગ્રેસ ગમ્મે તે ભોગે આપને પણ નાપાસ કરવાની(અથવા તો નાપાસ સાબિત કરવાની) વેતરણમાં પડ્યા છે. એ માટે એમને સરળ રસ્તો આપની સરકાર રચાય એ જ દેખાય છે. એમાં એક કાંકરે બે પક્ષી મરે. પહેલું એ કે આપને પણ સરકાર બનાવવા માટે તોડજોડ કરવામાં કોઈ છોછ નડતો નથી આ બાબતે આમ આદમી પાર્ટી પણ ‘આમ’ જ છે એ વાત લોકો સામે ગાઈવગાડી શકાય.(જોકે, આપના વલણના કારણે એ ઈરાદા પર આપોઆપ પાણી ફરી રહ્યું છે.) બીજુ એ કે કોંગ્રેસ તો અનુભવે મક્કમપણે માને છે કે એમ કંઈ કશાના ભાવ કે ભ્રષ્ટાચાર ઘટે નહીં. અમે પ્રયત્ન કરીને ફેઈલ થઈ ચૂક્યા. હવે ભલેને આપ પણ પ્રયત્ન કરીને ફેઈલ થઈ જાય. પછી દિલ્હીમાં ફેઈલ જ ફેઈલની સમાન સ્થિતિ પ્રવર્તશે. જેમાં આપનો મુકાબલો કરવામાં વધુ કોઈ મુસિબત નહીં નડે.
દેશમાં આજકાલ લોકશાહી અને જનમતના સન્માનના નવા અને ખરેખર કાબિલ-એ-દાદ સમિકરણો સ્થાપિત કરવાનો ભગીરથ પ્રયાસ ચાલી રહ્યો છે. કે જો ચૂંટણીના પરિણામ બાદ સરકાર રચવા માટે પક્ષો છીનાઝપટી, પડાપડી, કૂદાકૂદ કરવા માંડે ને ધારાસભ્યોમાં નવી સરકારમાં ગમે ત્યાં ખુણો મેળવી લેવા હૂપાહૂપની હૂતૂતૂ ફાટી નીકળે તો એનાથી જનમતના સન્માનને કોઈ નુકસાન નથી પહોંચતું. પણ કોઈ વ્યક્તિ ચૂંટાયા બાદ એક વાર પણ એમ વિચારે કે જેનો વિરોધ કર્યો હોય એ જ પાર્ટીને હું ખોળે બેસાડું તો મારા મતદારો શું વિચારશે? તો તો દેશમાં લોકશાહીના સિદ્ધાંતો રસાતાળ જાય ને બંધારણ ફાટી પડે.
સાચી કે ખોટી, સચોટ કે બિનઅસરદાર પદ્ધતીથી કેજરીવાલ મતદારોને પૂછવા તો ઈચ્છે કે અમે જે પાર્ટીનો ચૂંટણીમાં સખ્ખત વિરોધ કર્યો એનો સાથ લઈને સરકાર બનાવીએ કે નહીં? એમા સૈદ્ધાંતિક રીતે ખોટું શું છે? કેટલાક લોકો કેજરીવાલની આ જનતાને પૂછવાવાળી નીતિ વિશે નેટ પર મજાક ઉડાવે છે કે તમે ફલાણી વાત કેમ જનતાને ન પૂછી ને ઢોંકણી વાત કેમ ન પૂછી? પણ તાજેતરમાં જ ટાઈમ્સ નાઉને આપેલા ઈન્ટર્વ્યુમાં કેજરીવાલે સ્વીકાર્યુ કે, એવું નથી કે દરેક વાતે જનમત લેવો જોઈએ. પણ કેટલાક ક્રિટીકલ અને સૈદ્ધાંતિક નિર્ણયોમાં પક્ષોએ પ્રજાની વાત કાને ધરવી જોઈએ. અમે આ મહત્વપૂર્ણ પ્રશ્ને પ્રજાને પૂછીને તે જે કહે તેમ કરવા ઈચ્છીએ છીએ.
પણ એસએમએસ, પત્રો, ફેસબુક અને ટ્વિટર પર કેટલા લોકો મત આપશે? તે મત કેટલો સાચો હશે? સહિતના પ્રશ્નોનોના જવાબમાં કેજરીવાલ કહે છે કે હા, સાચી વાત છે કે આ માધ્યમો થકી દરેકેદરેક વ્યક્તિ સુધી નહીં પહોંચી શકાય. પણ જનમતનો એક ઓવરઓલ અને આછોપાતળો અંદાજ તો આવશે જ કે પ્રજા શું ઈચ્છે છે. શું કરીએ પ્રજાનો મત લેવાના આ જ માધ્યમો ઉપલબ્ધ છે આ સિવાય કોઈ બીજા રસ્તાઓ ઉપલબ્ધ નથી જેના થકી લોકોનો મત જાણી શકાય.
કેજરીવાલના આઈડિયાઝને બે ઘડી તરંગી કે અવ્યવહારૂ માની લીધા પછી પણ એક વિચાર નથી આવતો કે જેને આપણે ચૂંટી છે તે સરકાર કે પાર્ટીઓના નિર્ણયોમાં ક્યાંક કોઈ રીતે આપણી પણ ભુમિકા હોવી જોઈએ. રાજકારણ કદાચ એટલા માટે જ સ્વચ્છંદી નથી બન્યુ કારણ કે એક વાર મત લઈને ચૂંટાઈ ગયા પછી ચૂંટનારાઓનો પ્રતિનીધી પર સીધો કોઈ કંટ્રોલ નથી હોતો. કંટ્રોલ હોય છે તો ટિકિટ આપનાર માઈબાપ હાઈકમાન્ડનો. ચલો આમ આદમી પાર્ટી સાચી હોય કે ખોટી, નાટક કરતી હોય તો નાટક પણ તો કરે છે જનતાને પૂછવાનું. કોંગ્રેસને કેમ એવો વિચાર નથી આવતો કે ચલો જરા પ્રજાનો મત જાણીએ તો ખરા કે ચૂંટણી પૂર્વે જેને ભરી ભરીને, જોખી જોખીને ગાળો આપી છે તે જ પાર્ટીના ખોળામાં અમે બેસી જઈએ તો તમને કંઈ વાંધો તો નથી ને?જો સરકાર ન રચીને આમ આદમી પાર્ટી જનમતનો અનાદર કરતી હોય તો કોંગ્રેસ પણ આપને બિનશરતી ટેકો જાહેર કરીને પોતાની મતબેંકનો વિશ્વાસઘાત નથી કરી રહી? શું કોંગ્રેસના મતદારોએ કોંગ્રેસને આપને ટેકો આપવા માટે મત આપ્યા હતા? અથવા તો તળિયા વગરના લોટાની જેમ કોઈ પણ તરફ ઢળી પડવાનો પીળો પરવાનો મતદારોએ કોંગ્રેસને આપ્યો છે?
રહી વાત એસએમએસ અને સોશ્યલ નેટવર્કિંગ માધ્યમથી પ્રજાનો મત જાણવાની. તો એક વાર મત આપી દીધા બાદ કયો પક્ષ કે કઈ સરકાર પ્રજા પાસે આ રીતે પણ તેની મરજી જાણે છે? એક વાર મત આપી દીધા બાદ લોકો પાસે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર રોષ ઠાલવવા સિવાય પ્રજા પાસે કયો અધિકાર બચે છે? કટોકટી લાદવાનો ઈતિહાસ ધરાવતી કોંગ્રેસ જેવી પાર્ટીના નેતાઓ તો તેમની પાર્ટી વિરૂધ્ધ સોશ્યલ સાઈટ્સ પર ઉભરાતા મતોથી ઉશ્કેરાઈને સોશ્યલ સાઈટ્સ પર જ સેન્સર ગોઠવવાનો વિચાર જાહેર બેસે છે. જ્યારે એની તુલનાએ આમ આદમી પાર્ટી લોકો તો સામેથી મત માંગે છે તો ખોટું શું છે? જ્યારે ભાજપે કેન્દ્રમાં એનડીએની સરકાર બનાવી અને ગઠબંધન માટે રામમંદિર અને કલમ નંબર 370 જેવા પોતાના મુખ્ય મુદ્દાઓને સાઈડલાઈન કર્યા ત્યારે એમણે પ્રજાને યાદ કરી હતી? એ લોકો પૂછવા ગયા હતા કે ભલે અમે રામના નામે મત માંગ્યા પણ હવે અમે પાંચ વર્ષ મંદિર નહીં બનાવીએ તો વાંધો નૈ ને? મનમોહનસિંહે ભ્રષ્ટાચાર મુદ્દે ખુબ ઘેરાયા બાદ ‘મજબુર હું’ વાળા ઐતિહાસિક નિવેદનમાં કહ્યું હતું કે કેટલીક ગઠબંધનની મજબૂરી હતી. તો હેં મનમોહનભૈ, તમે જ્યારે અનેક પક્ષોનો શંભુમેળો કરીને સત્તા પર ચડી બેઠા ત્યારે પ્રજાને પૂછીને બેઠા હતા તો આજે ભ્રષ્ટાચાર અથવા તો ભ્રષ્ટાચાર સામેના ઢીલા વલણ મુદ્દે પ્રજાને એ કારણ ગણાવો છો? સવાલ એ છે કે, જો તડજોડથી બનેલી ખીચડી-ઉંધીયા બ્રાન્ડ સરકારમાં ખુદ વડાપ્રધાન જો મજબુર બની જતા હોય તો કોંગ્રેસ શા માટે દિલ્હીમાં ખીચડો સરકાર રચવા ને આપને બિનશરતી ટેકો આપવા ઘોડે ચડી છે?