skip to Main Content

Tushar Dave - Journalist, Author

Bollywood

ટોયલેટ : શૌચ કા નહીં સોચ કા મામલા, હાસ્યના ‘ડબલા’માં સ્વચ્છતાનો સંદેશ!

August 12, 20172 second read

તિ કેશવ(અક્ષય કુમાર)ના ઘરે ટોયલેટ ન હોવાથી તેને છુટાછેડા આપવા નીકળેલી પત્ની જયા(ભૂમિ પેડનેકર)ને એક દ્રશ્યમાં રિપોર્ટર પૂછે છે કે, ‘ક્યા વાકઈ આપ એક ટોયલેટ કે લિયે અપને પતિ કો તલાક દે દોગી?’ ત્યારે જયા જવાબ આપે છે કે, ‘ક્યું, યે વજહ કાફી નહીં લગતી આપ કો?’ એનો સવાલ વેધક હોવાની સાથોસાથ વાજબી પણ છે કારણ કે, આ દેશમાં અડધાથી વધારે વસતિને આ પ્રશ્ન પ્રશ્ન જ નથી લાગતો અને વજહ કાફી નહીં લગતી. એટલે જ આજે પણ હિન્દુસ્તાનમાં 50 ટકાથી વધુ વસતિ ખુલ્લામાં ‘કુદરતના કોલ્સ’ નિપટાવે છે. એનુ કારણ એ બિલકુલ નથી કે લોકો પાસે ઘર કે ગામમાં ટોયલેટ બનાવવાના પૈસા નથી કે સરકાર સહાય નથી કરતી, કારણ એ છે કે લોકો પરંપરા અને ખુલ્લામાં જવાની મજાના નામે ટોયલેટ બંધાવવા જ નથી માંગતા. આજે પણ હિન્દુસ્તાનમાં એવા સેંકડો ગામો છે જ્યાં ટોયલેટ બંધાવવા માટે સરકાર અને એનજીઓએ લોકોને મનાવવાની ઘણી મથામણ કરવી પડે છે. એવા ગામવાસીઓની માનસિકતા પર કાતિલ કટાક્ષ કરીને હળવાફૂલ અંદાજમાં સ્વચ્છતાનો સંદેશ આપતી લવસ્ટોરી એટલે ‘ટોયલેટ : એક પ્રેમકથા’.
વાત મથુરા પાસેના એક નાનકડા ગામની છે. જ્યાંના લોકો પોતાના ઘરમાં શૌચાલય બનાવવાને પરંપરાની વિરૂદ્ધ માને છે. ગામમાં કેશવ પોતાના મિત્ર(દિવ્યેન્દુ શર્મા) સાથે સાઈકલની દુકાન ચલાવે છે. તેની કુંડળીમાં દોષ હોવાથી તેના રૂઢિચુસ્ત પિતા(સુધીર પાંડે) પહેલા તેને મલ્લિકા નામની ભેંસ સાથે પરણાવે છે. કેશવ ટ્રેનના ટોયલેટ પાસે જ યુપીએસસી ટોપર જયાના પ્રેમમાં પડે છે અને લગ્ન કરે છે. લગ્ન પછીની વહેલી સવારે જયાને ઘરની સ્ત્રીઓ લોટે જવા ‘લોટા પાર્ટી’માં બોલાવવા આવે છે ત્યારે તેને આઘાત લાગે છે. એને ત્યારે ખબર પડે છે કે કેશવના ઘરમાં તો ટોયલેટ જ નથી. જયા કેશવને ચોખ્ખુ કહી દે છે કે મને આ રીતે જાહેરમાં નહીં ફાવે. કેશવ જયાની સુવિધા સાચવવા ક્યારેક કોઈના ઘરે લઈ જાય છે તો ક્યારેક ટ્રેનમાં લઈ જાય છે. એક વાર જયા ટ્રેનમાં હોય છે અને ટ્રેન ઉપડી જાય છે. એ ઘટના બાદ જયા જાહેર કરી દે છે કે તે ત્યાં સુધી પાછી નહીં આવે જ્યાં સુધી ઘરમાં ટોયલેટ નહીં બને. કેશવ પણ ઘર, કુટુંબ, સમાજ, ગામ અને સરકાર સામે લડીને કોઈપણ ભોગે ઘર અને ગામમાં શૌચાલય લઈ આવવાનો નિશ્વય કરી લે છે. એ સાથે જ અંતરિયાળ ગામોની જડ પરંપરાઓ સામે આધુનિક સમજણનો જંગ મંડાય છે.
આ ફિલ્મ જેવી જ એક લડાઈ સર્જકોને જ્યાં શૂટિંગ થયુ છે એ ગામવાસીઓ સામે ખરેખર લડવી પડેલી. ફિલ્મનું શૂટિંગ મથુરા પાસેના નંદગાંવમાં થયુ છે. ફિલ્મમાં નંદગાંવના યુવક અને બરસાનાની યુવતીની પ્રેમકથા બતાવાઈ હોવાના મુદ્દે લોકોને વાંધો પડેલો. બરસાનામાં ફિલ્મના વિરોધમાં મહાપંચાયત પણ ભરાયેલી. કોઈ સાધુએ તો અક્ષય કુમારની જીભ કાપી લાવનારને ઈનામ આપવાની જાહેરાત કર્યાના પણ સમાચાર હતા. એ જ કારણોસર કદાચ ફિલ્મમાં જે બેનર્સ દેખાય છે એમાં ગામનું નામ ‘નંદગાંવ’ના બદલે ‘મંદગાંવ’ વંચાય છે. શું એ રીતે સર્જકોએ ગામલોકો પર કટાક્ષ કર્યો હશે? LOL
‘‌‌‌વેન્સડે’, ‘સ્પેશિયલ 26’, ‘બેબી’ અને ‘એમ એસ ધોની’ જેવી ફિલ્મો એડિટ કરનારા શ્રી નારાયણ સિંઘે ફિલ્મ માટે જે વિષય ઉપાડ્યો છે એના માટે તેમને દાદ આપવી રહી. તેમણે ઘરમાં ટોયલેટ ન હોવાથી પરેશાન હોવા છતાં પરંપરાના બંધને બંધાયેલી સ્ત્રીઓ અને એક-બીજાનો વિરોધ હોવા છતાં એક-બીજા સાથે સહમત એવા પરિણીત પ્રેમીપંખીડાની વાત ચોટદાર રીતે ફિલ્માવી છે. કેશવને ટોયલેટ પર તાજમહેલની તસવીર લગાવતો બતાવીને ડાયરેક્ટરે બતાવ્યુ છે કે ગામડાંમાં ટોયલેટના અભાવે મુંઝાતી સ્ત્રી માટે ઘરઆંગણે ટોયલેટ એ કોઈ તાજમહેલથી કમ નથી. જોકે, બીસીએ ટોપર હોવા છતાં જયાને કોઈ કામધંધો કરતી કેમ નથી બતાવી એ એક પ્રશ્ન છે. ફિલ્મનું સૌથી સબળ પાસુ છે રાઈટિંગ. જે ફિલ્મને ક્યાંય બોરિંગ નથી બનવા દેતુ. ગંભીર મેસેજ આપતા દ્રશ્યોમાં પણ એકાદી ખડખડાટ હસાવી જતી પંચલાઈન આવી જાય તો ખડખડાટ હસાવતા દ્રશ્યમાં એકાદી ગંભીર સંદેશ આપતી પંચલાઈન આવી જાય એ આ ફિલ્મના રાઈટિંગની ખાસિયત છે.
ટ્વિટર પર પોતાને ‘કુત્તી કલમ’ અને ‘સલીમ-જાવેદ કી છઠ્ઠી ઔલાદ’ ગણાવનારી અને ‘રામલીલા’ જેવી ફિલ્મ લખનારી રાઈટર જોડી સિદ્ધાર્થ-ગરીમાએ ડાયલોગ્સ દમદાર લખ્યા છે. ‘સબસે ધાર્મિક ઓર શર્મિલે દેશને હી સબસે જ્યાદા આબાદી બઢા રખ્ખી હૈ’, ‘દરવાજે દિમાગ કે ખુલ્લે રખ્ખો, બાથરૂમ કે નહીં’, ‘સહી કહા, આપને મુજે આદમી બના દિયા, ઈસીલિયે કભી ઔરત કી નહીં સોચી’, ‘ઈસ દેશ કી ઔરતો કો ખુદ કી ઈજ્જત કરના ખુદ ના આવે હૈ, વર્ના રોજ સુબહ ખુલ્લે મેં નંગા હોને સે ખુદ એતરાઝ કરતી’ જેવા સંવાદો દેશની સ્થિતિ અને માનસિકતા પર કાતિલ કટાક્ષ કરી જાય છે.
આ ફિલ્મમાં અક્ષય કુમાર પોતાના ફૂલ ફોર્મમાં છે. પત્ની અને પિતા વચ્ચે પીસાવાના સિચ્યુએશનલ કોમેડી દ્રશ્યોમાં એ બરાબર ખીલે છે. કોમેડી દ્રશ્યોમાં તો એની કેમેસ્ટ્રી ભૂમિ કરતા પણ વધુ દિવ્યેન્દુ સાથે વધારે જામે છે. કેટલાક દ્રશ્યોમાં એ બંને એટલા નેચરલ લાગે છે કે એ દ્રશ્યોના ભાવો ડાયરેક્ટરની સ્ક્રિપ્ટ મુજબના નહીં પણ ઈમ્પ્રોવાઈઝેશન થતા થતા ભજવાઈ ગયેલા લાગે. પોતાના જ લગ્નના દ્રશ્યમાં નાચતા અક્ષયને જોવો એ ‘ખિલાડી ભૈયા’ના ચાહકો માટે કોઈ ઉજવણીથી કમ નથી. પોતાના કેરેક્ટરમાં ભૂમિ ઈંચ ટુ ઈંચ પરફેક્ટ છે. ભૂમિ એવા કલાકારો પૈકીની એક છે જેને એક્ટિંગ કરવા માટે ડાયલોગ્સની જરૂર જ નથી. દિવ્યેન્દુ શર્મા કોમિક એક્ટમાં ‘પ્યાર કા પંચનામા’ જેવી જ મજા કરાવી જાય છે. અક્ષય અને દિવ્યેન્દુને સાથે વધુમાં વધુ જોવા ગમે એમ છે. સુધીર પાંડેની એક્ટિંગ સુપર્બ છે. અનુપમ ખેર અને રાજેશ શર્માએ પણ પોતાના પાત્રને બરાબર ન્યાય આપ્યો છે. ફિલ્મનું સંગીત ક્યાંક વાર્તાને આગળ ધપાવે છે તો ક્યાંક ફિલ્મને લાંબી કરી દે છે. પણ સહપરિવાર અચુક જોવા જેવી ફિલ્મ.
ફ્રિ હિટ :
જો તમને આ ફિલ્મ ગમે તો ટોયલેટ માટે સરકાર અને સમાજ સામે મોરચો માંડતી સ્ત્રીઓની વાર્તા કહેતી મહેન્દ્રસિંહ પરમારની ‘પોલિટેકનિક’ વાર્તાસંગ્રહની વાર્તાઓ ‘પોલિટેકનિક’, ‘હવે કઈ પોલિટેકનિક?’ અને ‘ઉડણ ચરકલડી’ અચુક વાંચવા ભલામણ છે. ગુજરાતી ફિલ્મ સર્જકો ‘કરસનદાસ’ બાદ ટોયલેટની થીમ પર ‘ટોયલેટ: એક પ્રેમકથા’ જેવી જ ફિલ્મ બનાવવા ઈચ્છે તો આ ત્રણ વાર્તાઓમાં પ્લોટ તૈયાર પડ્યો છે.

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top