TUSHAR DAVE·TUESDAY, 3 MAY 2016
તસવીરમાં દ્રશ્યમાન થતો આ કન્હૈયો ખરેખર ક્રાંતિકારી છે અને ક્રિએટિવ પણ ખરો. જોધપુરના પોશ વિસ્તાર શાસ્ત્રીનગર સર્કલના મ્યુઝિકલ ફાઉન્ટેનની સામેની ચાટબજારમાં એનું થાનક. આપણે ત્યાં જે રીતે રાજસ્થાની દાલ-બાટી, બંગાળી મીઠાઈ કે પંજાબી સબ્જીના પાટીયા જોવા મળે તે જ રીતે આની લારી પર ‘ગુજરાતી ફાફડા’નું પાટીયુ ઝુલતુ હતું. જોકે, મને રાજસ્થાની હાથેથી બનેલા ફાફડા ચાખવાનું જોખમ લેવામાં જરા પણ જ્યુસ (રસ યુ નો…) નહોતો. મેં એને કહ્યું, ‘તેરી જો ભી સ્પેશિયાલિટી હો વો ચાટ બના દે.’ એણે કહ્યું, ‘મિક્સ ભેલ બના દેતા હૂં સા’બ.’ મેં કહ્યું, ‘એ હો.’ એની ભેળમાં બે ત્રણ ચીજો મને અલગ લાગી. આપણે ત્યાં ભેળમાં સાવ ઝીણી સમારેલી ડુંગળી હોય, પાણી-પુરીમાં વપરાય એવી. જ્યારે આની ભેળમાં ડુંગળી આડી સમારેલી હતી. સૌરાષ્ટ્રમાં ગાંઠીયા સાથે અપાય છે એવી. બીજુ એ કે તે ભેળ હોય કે પુડીચાટ દરેક ચીજમાં ફણગાવીને મસાલો છાંટેલુ કઠોળ અચુક નાખતો હતો. ત્રીજુ એ કે એ હાળો ટામેટું ચપ્પાથી નહીં પણ કાતરથી સમારતો હતો. યસ, કાતરથી. કાતરથી કચકચ કરીને સિફતપૂર્વક ટામેટાની રસ નિતરતી ઝીણી કતરણો કરી નાખતો હતો.
હું ત્યાં મારા માટે બનતી ભેળ અને ચાટબજારની આસ-પાસની લારીઓમાં ધ્યાન ખેંચે અને ચાખેબલ લાગે તેવી વાનગીઓનું ઓબ્ઝર્વેશન કરતો હતો ત્યાં જ મારી ડાબી બાજુએથી કન્હૈયાને અપાયેલા એક ઓર્ડરે મને તેની ક્રિએટિવિટીનો અંદાજ આપ્યો. એ ઓર્ડર હતો ફાફડા ચાટનો. યસ, ફાફડાચાટ. હું મારી ભેળ હાથમાં રાખીને ફાફડાચાટ બનતી નીરખી રહ્યો. (એ વિધિનો ફોટો પાડવાનું સુઝ્યું ત્યાં સુધીમાં કન્હૈયો પોતાની કળા પૂરી કરી ચુક્યો હતો.) પેલાએ ચાલીસ રૂપિયાની ફાફડાચાટ ઓર્ડર કરેલી. કન્હૈયાએ પહેલા હાથલાછાપ મોટા ફાફડાના નાના ટૂકડા કરીને કાગળની ડિશમાં પાથર્યા. એના પર લાલ મસાલો છાંટ્યો. એના પર વેઢા જેવડા કાપેલા લીલા મરચા, ડુંગળી તેમજ ચટણી સહિત એ તમામ પદાર્થો ઠપકાર્યા જે તે ચાટ અને ભેળમાં ભભરાવતો હતો. પ્લેટ તૈયાર કરીને આપી અને ફાફડાચાટની સાથે એક નાની ડિશમાં ફણગાવેલુ કઠોળ મસાલો ભભરાવીને આપ્યું. જાણે વ્હીસ્કિના પેગની સાથે બાઈટીંગ… ;)
દરેક શહેરની પોતપોતાની આગવી સુગંધ હોય છે. હિન્દી બેલ્ટના ચાટુકારો(આઈ મિન ચાટ એક્સપર્ટ્સ) દરેક ચીજમાંથી ચાટ બનાવી નાખે છે. વડોદરા બાજુ વાનગીઓનું ઉસળીકરણ કરવાનું ચલણ છે. ગુજરાતમાં દરેક ચીજમાં ચીઝ ઠપકારાતુ જોઈ શકાય છે. જે રીતે આપણે આખા ચીનને અંધારામાં રાખીને ચાઈનિઝ ભેળ બનાવી નાખી છે. તેમજ જે રીતે ચીઝ થેપલા અને ભાખરીના પિઝા બનાવી રહ્યાં છીએ એ જ રીતે જોધપુરના કન્હૈયાઓ ગુજરાતના કંદોઈઓની આંખમાં ચાટમસાલો નાખીને ફાફડાચાટ બનાવી રહ્યાં છે.
મને એકઝેટ વર્ડિંગ્સ યાદ નથી આવતા પણ હઝલકાર ‘બેકાર’ સાહેબે એક વાર કંઈક એ મતબલનું લખેલું કે-
‘ભલેને એ દાળમાં બોળીને બિસ્કિટ ખાય છે,
તારા બાપનું એમાં શું જાય છે
એ બહાને બે સંસ્કૃતિઓનું મિલન તો થાય છે….’
પેલો કન્હૈયો એક જ ડિશમાં ગુજરાતની ફાફડા સંસ્કૃતિનું હિન્દીબેલ્ટની ભવ્ય ચાટ પરંપરા સાથે મિલન કરાવી રહ્યો હતો. આ પહેલા હું સૂર્યનગરી એક્સપ્રેસમાં જોધપુર આવી રહ્યો હતો ત્યારે આબુ રોડ સ્ટેશન પર પણ એક વાનગીના ઘડવૈયાને આ જ રીતે બે સંસ્કૃતિઓનો મેળમિલાપ કરતો જોયો. બન્યું એવું કે હું રાત્રે પાલડી નજીક ભાજીપાંઉ અને પુલાવ દાબીને સાડા નવ-પોણા દસે ટ્રેનમાં ચડેલો. છેલ્લા થોડા સમયથી મારી વધી ગયેલી નિશાચરીય પ્રવૃત્તિના કારણે અડધી રાત થઈ ને ભૂખ લાગી. બેગમાં ખાધેબલ કશું’ય નમ્બરે…! ત્યાં આબુ રોડ સ્ટેશન આવ્યુ. ત્યાં જે પહેલી દુકાન દેખાઈ ત્યાં ધસી ગયો. કહ્યું, ‘ભૈયા, કચૌડી મિલેગી?’ એણે ત્યાં પડેલી કચૌડી તરફ ઈશારો કરીને કહ્યું, ‘યે રહી ના સાહબ.’ મેં કહ્યું, ‘એક દે દો.’ તેણે પૂછ્યું, ‘એક કચૌડી યા એક પ્લેટ.’ મેં કહ્યું, ‘એક પ્લેટ.’ એણે એક મોટા ઉંડા બાઉલમાં બે કચૌડી મુકી. બંન્નેને વચ્ચેથી દબાવીને વચ્ચે મુનસર તળાવ જેવી જગ્યા કરી. અને પછી એમાં બે ત્રણ ચમચા ભરીને પીળા રંગનું પ્રવાહી નાખ્યું. હું જોઈ જ રહ્યો. કોઈ જ મસાલો નહીં કોઈ જ ચટણી નહીં માત્ર એ પ્રવાહી. એ કદાચ દાળ હતી. હા, એ દાળ જ હતી. મેં એને પૂછ્યું, કે યે ક્યા હૈ. તો કહે, ‘ગરમાગરમ સાંભાર હે સાહબ. ચખ કે દેખીયે મજા આયેગા. આપ જીસ ટ્રેન સે ઉતરે ઉસ ટ્રેન કે ટીસી કા યે ફેવરિટ હૈ. વો હરરોજ લે જાતે હે.’ હું બાઉલ નીરખી રહ્યો. મને હિન્દી ભાષાને ઉતરતી કક્ષાની ગણતા સાઉથ ઈન્ડિયન્સનો ઈગો અને મિક્સ ચાટ જેવી હિન્દી બેલ્ટની અલગ અલગ બોલીઓ એક-બીજામાં ઓગળતી લાગી. જાણે એમપી-યુપી પર આંધ્ર-તામિલ વરસી રહ્યાં હતા. મને તો કચૌડી-સાંભારના આ ફ્યુઝનમાં મજા આવી. આબુ રોડ સ્ટેશન પર ગાડી ઉભી હોય ત્યારે આ વાનગી એક વાર ચાખવા જેવી ખરી. અને રબડી તો ચૂકવાની જ નહીં.
રાજસ્થાની રસોઈયાઓના ગુજરાતની હોટલ-લોજમાં સાંસ્કૃતિક આક્રમણ અને અતિક્રમણ બાદ ગુજરાતી દાળે તેની સુવાસ અને રોટલીએ તેની નરમાશ ગુમાવી હોવાથી મને કાયમ રાજસ્થાની રસોઈયાઓ સામે અણગમો જ રહ્યો છે. પણ અહીં જોધપુરમાં મેં એક ચમત્કાર જોયો. આઈ મિન ચાખ્યો. જોધપુર દૈનિક ભાસ્કરના એક રિપોર્ટરે અહીં બાસનીમાં એઈમ્સની સામેની ગલીમાં આવેલી ફૂલ્કા રેસ્ટોરાં સજેસ્ટ કરી. એનું નામ ફૂલ્કા ખરેખર સાર્થક હતું. એ હોટલના રસોઈયાઓએ બાકાયદા ફૂલ્કા રોટલી જ પીરસી. લગભગ એ જ સાઈઝની જે મારા ઘરે બને છે અને ગુજરાતની બહુ ઓછી હોટલ્સમાં એ જોવા-ચાખવા મળે. વાત-ચીત કરતા ખબર પડી કે એ હોટલના માલિકો જૈન હતા. મને જમવામાં અને તેમને મારી સાથે વાતોમાં મજા પડી. જે એમના મેનુમાં નહોતી એવી કાજુકતરી પણ એમને ઓફર કરી. પછી હું મુકતો હોઈશ…? હજુ અહીં રાજસ્થાની દાલ-બાટી ચાખવાની બાકી છે. વધુ વાતો પછી….
ફ્રી હિટ: @કેટલીક ભૂલાયેલી ઉનાળુ કેરી સ્પેશિયલ કહેવતો
>આંબુની કમાઈ જાંબુમાં ગઈ. >એક ગોટલી તો સો રોટલી >કેરી ખાઈને પાણી પીએ એટલી બહેન વહાલી ને ગોટલી ખાઈને પાણી પીએ એટલો બહેનને ભાઈ વહાલો. >નારી કેરી ને આમલી દીઠે દાઢ ગળે, એ ત્રણેનું સેવન કરે, તે આખરે ધૂળે મળે. >રસ કેરીનો ને જમણ દૂધપાકનું >રાંડ, ખાંડ ને કેરી એ ત્રણે શરીરના પાકાં વેરી. >રાયણ ખાઈને રાતી થઈ ને કેરી ખાઈને દુબળી થઈ.