ડેડી : રિયાલિસ્ટિક અને વધુ ડાર્ક બનાવવાના ચક્કરમાં બોરિંગ થઈ ગયેલી ફિલ્મ
ફિલ્મની સ્ટોરી દગડી ચાલના અંડરવર્લ્ડ ડોન અને પછીથી રાજકારણી બનેલા અને હાલ જેલમાં રહેલા અરુણ ગવળીની જીવનકથા છે. ફિલ્મમાં નાની-મોટી ચોરી-ચપાટીથી શરૂ કરી મારા-મારી, હત્યા, અંડરવર્લ્ડમાં પ્રવેશ દાઉદ ઈબ્રાહિમ સાથે પહેલા દોસ્તી પછી દુશ્મની, પોલીસ સાથે સંઘર્ષ અંતે રાજકારણમાં પ્રવેશ અને જેલવાસ સુધીની અરુણ ગવળી ઉર્ફે ડેડીની સફર આવરી લેવાઈ છે. તમામ અંડરવર્લ્ડ ફિલ્મો જે ડોનના પોઈન્ટ ઓફ વ્યુથી કહેવાઈ હોય તેની જેમ આ ફિલ્મમાં પણ તે ‘સંજોગવશાત ખરાબ માણસ બની ગયો’,‘અંતે તો તે દિલનો સારો માણસ છે’, ‘પોતાના માણસો માટે ભગવાનથી કમ નથી’ના સૂર જાણે અજાણે ઉઠી જ આવતા હોય છે ને અંડરવર્લ્ડનું ગ્લેમરાઈઝેશન થઈ જતુ હોય છે, જે આ ફિલ્મમાં પણ છે.
ડિરેક્શન અશીમ આહલુવાલિયાએ કર્યુ છે. જેઓ મુંબઈની સી ગ્રેડની હોરર અને પોર્ન ઈન્ડસ્ટ્રીનો ક્રાઈમ દર્શાવતી પોતાની આ પહેલાની ફિલ્મ ‘મિસ લવલી’ માટે નેશનલ એવોર્ડ જીતી ચુક્યા છે. કદાચ એ જ કારણ છે કે આ ફિલ્મ માસ ઓડિયન્સ કે ફેમિલી માટે નથી. વધુ રિયાલિસ્ટિક અને ડાર્ક બનાવવાના ચક્કરમાં ફિલ્મ અતિશય લાંબી અને કંટાળાજનક બની ગઈ છે. કોઈપણ ઓટો બાયોગ્રાફી કે સત્યઘટના આધારિત ફિલ્મ બનાવવામાં જે ભયસ્થાન હોય તે જ અહીં ડિરેક્ટરને નડી ગયુ છે. સત્યઘટના કે બાયોગ્રાફીનું ફલક ખુબ જ વિશાળ હોય તેને સવા બે કલાકની ફિલ્મમાં ઢાળવાનુ કામ બહુ કપરુ હોય. લેખન પ્રક્રિયા ખુબ મહેનત માંગી લે. ડિરેક્ટર ત્યાં જ થાપ ખાઈ ગયા છે. ફ્લેશબેકમાં કહેવાતી વાર્તા વારંવાર ફ્લેશબેકમાં ઝોલા ખાતી હોવાથી દર્શકો વાર્તા સાથે કનેક્ટ જ નથી થઈ શકતા. ફિલ્મની કલર સ્કિમ ખુબ જ ડાર્ક હોવાથી ઘણી વાર તો ધારી જ લેવું પડે કે પડદા પર કયુ પાત્ર છે. (ખાસ કરીને ફર્સ્ટહાફમાં) એટલે દર્શકોના ભાગે બે મહેનત કરવાની આવે એક કે પડદા પર કયા પાત્રો લડી રહ્યા છે અને વાર્તાનું લશ્કર ક્યાં લડી રહ્યું છે, વાર્તા ફ્લેશબેકમાં છે કે વર્તમાનમાં? લાગે છે કે ડિરેક્ટર નેશનલ એવોર્ડના હેંગઓવરમાંથી બહાર નથી આવ્યા ને વધુ એક એવોર્ડ મેળવવાની લ્હાયમાં થોડી વધારે મહેનત કરી ગયા અને ફિલ્મને સામાન્ય દર્શકોથી દૂર તાણી ગયા. બાકી તેમણે એ અરસાના મુંબઈનો લૌકાલ સારો ઝીલ્યો છે. પણ ડાયલોગ લેખન ખુબ જ નબળું છે. સામાન્ય રીતે અંડરવર્લ્ડ આધારિત ફિલ્મોના ડાયલોગ્સ તાળીમાર-સીટીમાર હોય, દર્શકોને ચોટ કરી જાય જ્યારે આ ફિલ્મનો એકપણ ડાયલોગ યાદ નથી રહી જતો.
અર્જુન રામપાલનો આ ડ્રિમ પ્રોજેક્ટ હતો. સ્વાભાવિક રીતે જ તેમણે આ ફિલ્મ માટે ખુબ જ મહેનત કરી છે. તે દેખાઈ આવે છે. ગવળી જેવા દેખાવા માટે તેના નાક અને માથામાં મેકઅપથી થોડા ફેરફાર કરાયા હોવાનુ વર્તાઈ આવે છે. પણ એ લેખે લાગ્યુ છે. અર્જુને ગવળીની મરાઠી એક્સેન્ટ અને બોડી લેંગ્વેજ સારી રીતે પકડી છે. આ ફિલ્મને કોઈ શંકા વિના અર્જુનની કેરિયર બેસ્ટ એક્ટિંગ કહી શકાય. ફિલ્મમાં કોઈ કારણોસર દાઉદના પાત્રને મકસૂદ નામ અપાયુ છે, જે ફરહાન અખ્તરે નિભાવ્યુ છે. દાઉદના ટ્રેડમાર્ક લાગતા ગોગલ્સ અને સિગારેટ કાઢી નાખો તો ફરહાન કોઈ એંગલથી દાઉદ લાગતો નથી. તમામ પાત્રોની એક્ટિંગ ફરહાન અખ્તર કરતા સારી છે. ડિરેક્ટર-એક્ટર નિશિકાંત કામતે પોલીસ અધિકારીની ભૂમિકાને બરાબર ન્યાય આપ્યો છે. ફિલ્મનું મ્યુઝિક ઠીકઠાક છે. ઓલરેડી કંટાળાજનક લાગતી ફિલ્મની લંબાઈ પણ ગીતોના કારણે વધી જાય છે. અંડરવર્લ્ડ ફિલ્મોના શોખિન હોવ, અરુણ ગવળી વિશે વિગતે જાણવા માંગતા હોવ અને અર્જુન રામપાલના ડાયહાર્ડ ફેન હોવ તો જ આ ફિલ્મ જોવી.
ફ્રિ હિટ :
કહે છે કે , બ્લૂ વ્હેલનું ગુજરાતી વર્ઝન આવવાનું છે – ‘કાઇળી કૂતરી’. જેના છેલ્લા સ્ટેજમાં કોઈના કુલે કરડી લેવાનો ટાસ્ક અપાશે!