TUSHAR DAVE·THURSDAY, 24 MARCH 2016
જેએનયુમાં એબીવીપીના બળવાખોરો, એનએસયુઆઈ અને ડાબેરી પક્ષની વિદ્યાર્થી પાંખ ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન(એઆઈએસએ)ના કેટલાક વિદ્યાર્થીઓએ જાહેરમાં મનુસ્મૃતિ સળગાવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે મનુસ્મૃતિમાં જાતી વ્યવસ્થાને પ્રોત્સાહન અપાયુ છે તેમજ આ ગ્રંથ મહિલાવિરોધી છે. વિદ્યાર્થીઓએ મનુસ્મૃતિને જાહેરમાં સળગાવતા પહેલા તેના મહિલાવિરોધી લખાણોને જાહેરમાં વાંચ્યા પણ હતા.
ઓકે. ગુડ. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને મહિલા વિરોધી લખાણો સામેનો તેમનો આક્રોશ પણ કાબિલ-એ-દાદ છે. જો મહિલાવિરોધી તમામ ગ્રંથો જાહેરમાં બાળવા તેઓ તલપાપડ અને તૈયાર હોય તો એવા ગ્રંથોની યાદી લાંબી થાય એમ છે. સૌ પ્રથમ તો તેમને સૌથી વધુ આક્રોશ જેની સામે છે તે મનુસ્મૃતિના મૂળમાં જ પ્રહાર કરવો જોઈએ. ક્યાં છે મનુસ્મૃતિના મૂળ? અથવા તો મનુસ્મૃતિના મૂળમાં કોણ છે? અથવા મનુના પોતાના મૂળ ક્યાં છે? ગીતાના દસમા અધ્યાય વિભૂતિ યોગના છઠ્ઠા શ્લોકમાં ફોડ પાડતા કૃષ્ણ વાસુદેવ યાદવ કહે છે –
महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा । मदभावा मानसा जाता येषां लोक ईमाः प्रजाः ।।
અર્થાત : મારામાં ભાવવાળા સાત મહર્ષિઓ, તેમની પૂર્વે થયેલા ચાર સનકાદિ ઋષિઓ તેમજ ચૌદ મનુઓ મારા સંકલ્પથી જ ઉત્પન્ન થયા છે.
મતલબ સ્પષ્ટ છે. મનુના મૂળમાં મોહન જ છે. ખુદ ભગવાને જ મનુને ઉત્પન્ન કર્યા છે. મૂળ જવાબદાર તો ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણ આટલેથી જ અટકતા નથી. ગીતાના ચોથા અધ્યાય જ્ઞાનકર્મ સન્યાસ યોગના તેરમા શ્લોકમાં કહે છે –
चातुर्वर्यं मया सृष्टं गुणकर्मविभागश: । तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम् ।।
અર્થાત : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર – આ ચાર વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે; આ પ્રમાણે એ સૃષ્ટિરચના વગેરે કર્મનો કર્તા હોવા છતાં મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ.
આ રીતે ગીતામાં ભગવાને વર્ણવ્યવસ્થા તેમજ મનુસ્મૃતિના સર્જક એવા મનુની પણ જવાબદારી જાતે, પોતે, ખુદ, સ્વયં લીધેલી છે. તો પછી હે વીરવિદ્યાર્થીઓ, મનુના મૂળમાં રહેલા આ મોહનને પણ શા માટે બક્ષવા જોઈએ? જે ગ્રંથમાં કૃષ્ણ વાસુદેવ યાદવ છાતી ઠોકીને છેડેચોક કહે છે કે આ વર્ણવ્યવસ્થાનો જવાબદાર જ હું છું, એ ગ્રંથને પણ શા માટે બક્ષી દેવો જોઈએ? એ ગ્રંથનો પણ વિરોધ કરો. વર્ણવ્યવસ્થા સર્જનારા ઈશ્વરનો પણ વિરોધ કરો. આમ પણ સામ્યવાદીઓને તો ધર્મ સામે પહેલેથી જ વાંધો રહેલો છે ત્યારે ગીતાના વિરોધમાં શું વાંધો? અને વિશ્વાસ રાખજો કે એમ કરવાથી થોડો શોરબકોર, થોડો ઉહાપોહ, થોડી નિવેદનબાજી, થોડી ચિલ્લમચિલ્લી, થોડી ટ્વિટાટ્વિટી થશે પણ તમે ઓલમોસ્ટ સલામત રહેશો. જે દેશમાં સ્ટેજ પરથી ભગવાન રામને(ઈવન રામની માતાને પણ) ગાળો ભાંડીને, ગૌમાંસના સ્વાદનું વર્ણન કરીને હિન્દુઓને પણ તે ચાખવાનું આહવાહન કરીને અકબરૂદ્દિન ઓવૈસી અને ‘ભારત માતા કી જય’ નહીં બોલું જાવ થાય એ કરી લેજો કહીને અસદ્દુદ્દિન ઓવૈસી પોતપોતાની લલૂડી સહિત સહિસલામત હોય ત્યાં ગીતાના વિરોધથી પણ કોઈ તમારું શું બગાડી લેશે? (બાય ધ વે પોતાના એક ભાષણમાં અકબરૂદ્દિન ઓવૈસીએ જો પંદર મિનિટ માટે પોલીસ હટાવી લેવામાં આવે તો હિન્દુઓને બતાવી દેવાની ધમકી પણ આપી હતી. એ વ્યક્તિનો મોટોભાઈ જ્યારે એમ કહેતો હોય કે ભારત માતા કી જય નહીં બોલુ થાય એ કરી લેજો ત્યારે બંધારણની દુહાઈઓ દેવાને બદલે એની વાતને એના પૂરા બેકગ્રાઉન્ડ સાથે સમજવાની હોય.)
મહિલાવિરોધી હોવાના નામે વર્ષોથી તમે મનુસ્મૃતિ બાળતા આવ્યા છો. આજે બાળ્યો છે. કાલે પણ બાળશો. ઓકે. વાંધો નહીં. ચલો એક શરૂઆત કરી છે તો હવે એને આગળ વધારો. ભારતીય મુસ્લિમ મહિલાઓને જે સૌથી વધુ અન્યાય કરે છે એ મુસ્લિમ લૉના મૂળ જેમાં રહેલા છે એ શરિયત બાળો. શરિયત જ એ છે જેનાથી ભારતમાં તલાક લેનારી મુસ્લિમ મહિલાઓ કાનૂનન ભરણપોષણનો અધિકાર નથી મેળવી શકતી. કહે છે કે, એક સ્ત્રી વિશ્વની દરેક ચીજમાં ભાગીદારી કરી શકે પણ પોતાના પ્રેમ કે પતિમાં નહીં, પરંતુ મુસ્લિમ લૉમાં ભારતીય મુસ્લિમને ચાર ચાર નિકાહ કરવાની કાયદેસર મંજૂરી હોવાથી મહિલાઓએ પોતાના પતિની બીજી પત્નીઓ વેઠવી પડે છે. અખબારોમાં છાસવારે ત્રણ વાર તલાક કહીને લગ્નજીવનથી ભાગી છૂટવાની તદ્દન રેઢીયાળ, પાષાણકાલિન કહી શકાય એટલી જૂનવાણી, અમાનવિય પ્રથાની ચર્ચાઓ ચાલતી રહે છે પણ નિરાકરણ આવતું નથી. અરે અનેકવાર એવું બને કે પતિની બીજી પત્ની, અન્ય અનૈતિક પ્રવૃત્તિઓ કે મારકૂટથી ત્રાસેલી મુસ્લિમ મહિલા પોલીસમથકે પહોંચે પછી ત્યાં હાજર થયેલો પતિ પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં જ પેલીને ત્રણ વાર તલાક કહીને નાસી છૂટે. શાહબાનુઓ અને સાજેદાબાનુઓ(ગુજરાત હાઈકોર્ટમાં પતિએ બીજી પત્ની કરી હોવા અંગે આવેલો લેટેસ્ટ કેસ.) ભોગ બનતી રહે અને કાયદો તમાશબીન બનીને બેસી રહેવા સિવાય કશુ ન કરી શકે. કારણ કે, મુસ્લિમોના વિરોધના કારણે ભારતમાં કૉમન સિવિલ કોડ આવી શકતો નથી. સત્તાનશિન થયા પછી કૉમન સિવિલ કોડ અને કાશ્મીરની કલમ 370નું નામ લેતા પણ છપ્પનની છાતી પણ ટૂંકી પડે છે.
હવે જેએનયુના ‘પ્રોગ્રેસિવ’ વિદ્યાર્થીઓ આગળ આવીને કંઈક કરે તો આ મુદ્દાઓ પર ચર્ચા જાગે. ઈસ બાર સહિ પકડે હૈ. મહિલાવિરોધી ગ્રંથો બાળતા હોય તો મનુસ્મૃતિ પછી હવે શરિયત બાળો ચલો. મુસ્લિમ મહિલાઓને પણ અધિકારો મળવા જોઈએ કે નહીં? એમને પણ આ સદીઓ પૂરાણા કાનૂનના અત્યાચારોમાંથી ‘આઝાદી’ જોઈતી હોય કે નહીં? કહેવાતા બુદ્ધિજીવીઓ ચિત્ર કંઈ પણ ચિતરવાનો પ્રયાસ કરતા હોય પણ ઈતિહાસ ગવાહ છે કે હિન્દુઓ સમય જતાં વધુને વધુ લિબરલ થયા છે ને મુસ્લિમ જડતાના સુધારાની ગતિ ગોકળગાયની સ્પર્ધામાં છે. હિન્દુ ઈતિહાસમાં દૂર દૂર સુધી ક્યાંય પણ એક પત્નીત્વ નથી જોવા મળતું આમ છતાં હિન્દુઓ માત્ર ભારતીય કાનૂનનું પાલન જ નથી કરતા એ કાનૂનને હદયસ્થ કરીને એને જ પ્રથા સમજી લીધી છે. બીજી તરફ આજે પણ અહીં સાનિયા મિર્ઝાના સ્કર્ટ સામે ફતવા જાહેર થાય છે.
જીવરાજ ચાર રસ્તા નજીક હું જ્યાં રહું છું ત્યાંથી દસેક મિનિટના વૉકિંગ ડિસ્ટન્સ પર મુસ્લિમ વિસ્તાર શરૂ થાય છે. ટીવી નાઈનની પાછળના રસ્તાઓ પર છેક જુહાપુરા સુધી મુસ્લિમ પટ્ટો છે. અહીંથી નીકળો એટલે ડી માર્ટ પાસે ભરાતી શાકમાર્કેટથી જ તમને બુરખા દેખાવાના શરૂ થઈ જાય. તમે જેમ મુસ્લિમ વિસ્તારમાં અંદર પ્રવેશતા જાવ એટલે (અતિશયોક્તિ વિના કહું છું કે) દર ત્રીજી કે ચોથી મહિલા બુરખામાં દેખાય. અમદાવાદનું જુહાપુરા હોય, વિરમગામનો તાઈવાડો હોય કે રાજકોટનું જંગલેશ્વર, ગુજરાત કે દેશના લગભગ દરેક મુસ્લિમ વિસ્તારમાં તમને સેંકડો મહિલાઓનો અસબાબ જ જાણે હિજાબ હોય તેવી પ્રતિતિ થશે. જો મનુસ્મૃતિ બળતો હોય તો મહિલાઓના અધિકારો પર તરાપ મારતી શરિયત સહિતની તમામ ઈસ્લામિક કિતાબો પણ સુપુર્દ-એ-ખાક થવી જોઈએ કે નહીં?
મનુસ્મૃતિનો તો એવી રીતે વિરોધ કરવામાં આવે છે જાણે દેશમાં ગામેગામ મનુસ્મૃતિની પારાયણ બેસતી હોય ને ઘરેઘરે એના પાઠ થતા હોય! હિન્દુઓમાં મારા પોતાના કુટુંબ સહિત આસ-પાસ મેં કેટકેટલાય એવા રૂઢીચુસ્ત પરિવારો જોયા છે જેમાં દાદાની પેઢી સુધી વહુને લાજ કાઢવાનો રિવાજ હોય ને આજે પુત્રવધુઓ બિન્દાશ ડ્રેસ, ગાઉન અને જીન્સમાં ફરતી થઈ ગઈ હોય અને પરિવારોએ એ પવિર્તનને હોંશભેર આવકારી પણ લીધુ હોય. મનુસ્મૃતિ એ કાયદો નથી. મનુસ્મૃતિના અસ્તિત્વ વચ્ચે જ હિન્દુસ્તાને મહિલાઓને એટએટલા કાયદાથી રક્ષણ આપ્યુ છે કે દહેજ અને બળાત્કાર જેવા કાયદાના ઉપયોગ કરતા દુરુપયોગની સમસ્યા વિકરાળ બની રહી છે.
મનુસ્મૃતિના વિરોધ સામે કોઈ વિરોધ નથી. વિરોધ હિન્દુઓ કે હિન્દુત્વને બોડી બામણીનું ખેતર સમજી દરેક આલિયો, માલિયો, જમાલિયો ફાસફૂસિયા ફિલોસોફી ભભરાવી ભાંડતો જાય તેની સામે છે. હિન્દુઓ સોફ્ટ ટાર્ગેટ છે અને ઈસ્લામમાં કોઈ સાચા મુદ્દે પણ વિરોધ કરવા જાય તો ઈસ્લામિક આતંકવાદી સંગઠનોનો ‘ટાર્ગેટ’ બની જવાનુ જોખમ છે. પયગંબરનું એક કાર્ટુન છપાય એમાં અખબારની ઓફિસમાં ધનાધન આતંકી હુમલો થાય છે. બીજે બધે ડહાપણ ડોળવામાં જીવથી હાથ ધોવા પડે એવી સ્થિતિ હોય એટલે હોય એટલુ ડહાપણ હિન્દુઓ સામે ઠાલવવાનું? હિન્દુ સંસ્કૃતિ તો વહેતી નદી જેવી છે. સમયાનુસાર બદલાતી રહી છે. બદલાતી રહેશે.
બીબીસી હિન્દીએ ‘મેલુહા’ અને ફેમ અમિષ ત્રિપાઠી અને ‘કૃષ્ણયુગ’(ધ ક્રિષ્ના કિ) ફેમ અશ્વિન સાંઘીનો સરસ સંયુક્ત ઈન્ટરવ્યુ કરેલો. એમાં અમિષ એક સરસ વાત કહે છે. તે કહે છે કે આજે વિશ્વના લગભગ તમામ દેશમાં લોકો તેમના પૂરાણોને વાર્તા માને છે અથવા તો ભૂલી ગયા છે. જ્યારે ભારતમાં લોકોને મહાભારત, કૃષ્ણ કે રામ થઈ ગયા હોવા અંગે કોઈ શંકા નથી. તેનું કારણ એ નથી કે પશ્વિમના કે અન્ય દેશોની કથાઓ નબળી હતી. એનું કારણ એ છે કે ભારતના દરેક પ્રાંતમાં સમયાંતરે પૂરાણોનું પુન:લેખન થતું રહ્યું છે. આજે ભારતમાં મોટેભાગે લોકોને ‘રામાયણ’ની લક્ષ્મણરેખા પર વિશ્વાસ છે. પરંતુ વાલ્મિકીએ લખેલી મૂળ ‘રામાયણ’માં લક્ષ્મણરેખાનો પ્રસંગ કે ઉલ્લેખ જ નથી. લક્ષ્મણરેખા આવે છે છેક તુલસીદાસના રામચરિત માનસમાં. વાલ્મીકીજીની રામાયણની તૂલનાએ તુલસીદાસના ગ્રંથમાં ઘણી ફેન્ટસી જોવા મળે છે. જે પાછળથી ઉમેરાઈ છે.
મિન્સ કે જો પાછળથી કોઈ વાતો ઉમેરાઈ શકતી હોય તો ડિલિટ પણ થઈ શકે. મનુસ્મૃતિમાંથી નહીં તો એટલિસ્ટ સ્મૃતિમાંથી તો ખરી જ. ઈતિહાસ કે પૂરાણનું જે કંઈ પણ સારું હોય તેને ગ્રહણ કરવાનું હોય અને ખરાબ હોય અને યુગાનુરૂપ ન હોય તેને ભૂલતા જવાનું હોય. એન્ડ જો એ પણ શક્ય ન હોય તો મનુસ્મૃતિ બાદ હવે જરા મહિલાવિરોધી ઈસ્લામિક કિતાબો પર હાથ અજમાવો. ઈન્શાઅલ્લાહ…ઈન્શાઅલ્લાહ…
ફ્રી હિટ:
વાલ્મિકીએ ‘રામાયણ’ આજના યુગમાં લખ્યું હોત તો એ ‘દલિત સાહિત્ય’ ગણાતું હોત!