મમતા દાદી ઉપ્સ દીદીનું મીમ શેર કરવા બદલ બંગાળમાં ભાજપની કાર્યકર્તા પ્રિયંકા શર્માની ધરપકડ, જુનાગઢમાં પોતાની ફરજ બજાવી રહેલા મીડિયાના મિત્રો પર પોલીસનો લાઠી ચાર્જ તેમજ મોડાસાના ખંભીસર, પ્રાંતિજના સીતવાડા અને કડીના લ્હોર ગામે દલિતોના વરઘોડાના વિરોધ. છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી આ ત્રણ ઘટનાઓ એવી છે કે જેના વિશે તમે કંઈક ન બોલો કે સ્ટેન્ડ ન લો તો તમે તમારી ફરજ ચુક્યા ગણાવ. લોકશાહી પર કલંક સમાન આ ત્રણેય ઘટનાઓ વાણી સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિની સ્વતંત્રતા, મીડિયાની સ્વતંત્રતા અને સમાનતાના અધિકારો પર તરાપ છે.
મમતા બેનર્જીનું મીમ શેર કરનારી પ્રિયંકા શર્માની 10મી મેએ ધરપકડ કરીને 14 દિવસની ન્યાયીક કસ્ટડીમાં ધકેલી દેવાઈ હતી. ચાર દિવસના જેલવાસ બાદ પ્રિયંકાને સુપ્રીમના આદેશ પર છોડવામાં આવી છે. આ ઘટના તુંડમિજાજી મમતા બેનર્જી અને તેમની સરકારની હાડોહાડ અસહિષ્ણુતા દર્શાવે છે. તેઓ આ પહેલા પણ આ પ્રકારે એક કાર્ટુનિસ્ટની અભિવ્યક્તિની આઝાદી પર તરાપ મારી ચુક્યા છે. બાલ ઠાકરેના મોત બાદ એક પોસ્ટને લાઈક કરનારી યુવતી સામે કાર્યવાહી કરીને તત્કાલિન મહારાષ્ટ્ર સરકાર પણ પોતાની (ટૂંકી) બુદ્ધીનું પ્રદર્શન કરી ચુકી છે. જો આ જ રીતે કોઈ નેતાનું મીમ શેર કરવા બદલ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો સોશિયલ મીડિયા પરની અડધોઅડધ વસતિ જેલભેગી થઈ જાય. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની મા મરી જાય અને એ બહાને બહાર આવતી ક્રિએટિવિટીનું પણ ગળુ રુંધાઈ જાય.
આ ભારત છે ઉત્તર કોરિયા નહીં. સોશિયલ મીડિયા તો સરકારોના વિરોધમાં ખળભળી રહેલા આક્રોશના કૂકરની સિટી છે. જો એને દબાવી દેવામાં આવશે તો એક દિવસ એવો આવશે કે પેલુ કૂકર ફાટશે અને સોશિયલ મીડિયા પર વિવિધ ક્રિએટિવ સ્વરૂપે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહેલી પ્રજા રસ્તા પર ઉતરી આવશે. વિરોધી મત તો લોકશાહીની બ્યૂટી કહેવાય, એનુ દમન કરવાથી એ બ્યૂટી ક્યારે બારૂદમાં પરિવર્તિત થઈ જશે એ ખબરે ય નહીં પડે. લોકશાહીમાં વિરોધી મતને સ્વીકારવાની તૈયારી તમામ તુંડમિજાજી નેતાઓ અને સરકારોએ રાખવી જ જોઈએ.
બીજી તરફ જુનાગઢમાં જે બન્યુ એ સમગ્ર ઘટનાક્રમ કમનસિબ છે. પોતાની ફરજ બજાવી રહેલા મીડિયાના મિત્રો Vipul Boricha Prajapati અને Rahim Lakhani પર પોલીસે લાઠીઓ વિંઝી દીધી. પરિણામે, રાજ્યભરના પત્રકારોમાં રોષ ભભુકી ઉઠ્યો અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફરજ પડી. આ ઘટના વિશે પોલીસના મિત્રોનો પોતાનો અલગ અભિપ્રાય છે અને હોઈ પણ શકે છે. ઘણા ઈફ એન્ડ બટ પણ છે. આમ છતાં ઘણી વાર નહીં, પણ મોટેભાગે પોલીસ ભૂલી જાય છે કે લાઠી ગમે ત્યારે ગમે તેના પર વિંઝવા માટે નથી હોતી. ન્યાયી ઠેરવી શકાય તેવી પરિસ્થિતિ અને યોગ્ય મંજૂરી વિના લાઠીચાર્જ કરવાનો જ ન હોય, પણ આપણી પોલીસ ગમે ત્યારે રસ્તાઓ પર લાઠી વિંઝી દે છે. જેમના પર લાઠીઓ વિંઝાઈ એ મિત્રો માત્ર પોતાની ફરજ બજાવી રહ્યાં હતા. સરકારી કર્મચારીઓ તો કોઈ આડુ ઉતરે ત્યારે ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરે, પણ અનેક રુકાવટો વચ્ચે ફરજ બજાવતા મીડિયાના મિત્રો ક્યાં જાય? દરેક મોટી ઘટના વખતે ગ્રાઉન્ડ ઝીરો પર પોલીસ અને મીડિયા જ બાજુ બાજુમાં હોય છે અને કાયમ રહેવાના. સંવેદનશીલ મામલાઓમાં જરૂર પડે મીડિયા પોલીસને સપોર્ટ કરે જ છે અને પોલીસ પણ મીડિયાને સપોર્ટ કરે છે. આવી ઘટનાઓ પરસ્પર વિશ્વાસ અને સંબંધના એ સેતુને નબળો બનાવે છે. જે ટકી રહે એ જરૂરી છે કારણ કે પોલીસ અને મીડિયા પાસે પરસ્પર સહયોગનો કોઈ વિકલ્પ જ નથી.
આ સમગ્ર ઘટનાક્રમમાં જેની ભાગ્યે જ કોઈએ ગંભીર નોંધ લીધી છે એવી વાત જોવા મળી. જે છેલ્લા ઘણા ટાઈમથી જોવા મળી રહી છે કે સામાન્ય પબ્લિકનો એક મોટો વર્ગ આ મામલે મીડિયાની પડખે ન દેખાયો. આ મામલે ગુજરાતભરના મીડિયાના મિત્રો તો પડખે હતા, પણ સામાન્ય પબ્લિકનો એક મોટો વર્ગ આ ઘટનાથી બિલકુલ દુઃખી ન હતો. ઉલટાનો એક મોટો વર્ગ આ ઘટનાથી રાજી હતો.
કડવું ઝેર જેવું છે પણ આ સત્ય છે. જેની ટીમ પર પોલીસે લાઠીચાર્જ કર્યો એ Sandesh ન્યૂઝના ફેસબુક પેજ પર આ ઘટનાક્રમના ત્રણ ન્યૂઝની નીચેની કોમેન્ટ્સ હું વાંચી ગયો. મેં એ પોસ્ટ્સ જોઈ ત્યારે એકની નીચે 145, બીજીની નીચે 281 અને ત્રીજીની નીચે 45 જેટલી કોમેન્ટ્સ હતી. આઘાતજનક વાત મને એ લાગી કે ઓલમોસ્ટ 90 ટકાથી વધારે કોમેન્ટ્સ મીડિયાની વિરુદ્ધમાં હતી. પોલીસની તરફેણમાં નહીં, પણ મીડિયાની વિરુદ્ધમાં. મોટાભાગની કોમેન્ટ્સનો સૂર એવો હતો કે મીડિયા તેની ફરજ બરાબર નિભાવતું નથી, વેંચાઈ ગયેલુ છે અને આને જ લાયક છે.
આ અંડર કરંટ સમજવા જેવો છે. જેમને પોલીસે માર્યા એ રાજકોટના વિપુલભાઈ બોરીચાને હું વર્ષોથી વ્યક્તિગત ઓળખું છું. તેઓ એક સારા માણસ અને મિત્ર છે. કોમેન્ટ્સ કરનારાઓ પૈકી ભાગ્યે જ કોઈ એમને ઓળખતુ હશે પણ આમ છતાં કોમેન્ટ્સ તેમની અગેઈન્સ્ટમાં હતી કારણ કે એ ગુસ્સો કે વિરોધ કોઈ એક પત્રકાર સામેનો વ્યક્તિગત નહીં, પણ મીડિયાની બની ગયેલી છાપ સામેનો જનરલ હતો. આ ગુસ્સો સમજવા જેવો છે. આ સ્થિતિ સમજવા જેવી છે. અંદરખાને આપણે બધાં સમજીએ જ છીએ કે આ સ્થિતિ માટે આપણા જ જાતભાઈઓ કે આપણે સૌ જવાબદાર છીએ. બુંદ કી બિગડી હોજ સે નહીં સુધરતી. અગાઉ પણ લખી ચુક્યો છું અને આજે ફરીથી લખું છું કે જો આ સ્થિતિ નહીં સુધરે તો ચોથી જાગિરની વિશ્વસનિયતાનું બારમુ થતા વાર નહીં લાગે. ખેર, લાંબી વાતે ગાડા ભરાય. થોડું લખ્યું છે ઝાઝું સમજજો.
સમાનતાના અધિકારનું કાસળ કાઢી નાખનારી ઘટનાઓની વાત કરીએ તો
દેશમાં એક દલિત રાષ્ટ્રપતિના પદે બેઠો છે ત્યારે પણ ગુજરાતના ગામડાંઓમાં દલિતોના વરઘોડા કાઢવા સામે વિરોધ થઈ રહ્યો છે. આપણે સૌ કયા મોઢે જાતિવાદી અનામતનો વિરોધ કરવાને લાયક છીએ? કયા મોઢે આપણે એટ્રોસિટીના કાયદામાં થનારા યોગ્ય ફેરફારોનું સમર્થન કરી શકીએ તેમ છીએ? મેં જાતિવાદી અનામતના વિરોધમાં અડધો ડઝન લેખ લખ્યાં છે અને એટ્રોસિટી એક્ટમાં થયેલા ફેરફારોના સમર્થનમાં પણ લખેલું. તેથી ગુજરાતમાં બની રહેલી દલિત અત્યાચારની તમામ ઘટનાઓને હું વખોડી કાઢું છું અને બહુ જવાબદારીપૂર્વક લખું છું કે આવનારા સો વર્ષોમાં પણ જાતિવાદી અનામત દૂર ન થાય તો એના માટે દલિતો જેટલા જ જવાબદાર સવર્ણો પણ હશે. દલિતોના મંદિર પ્રવેશનો વિરોધ કરનારા, તેમના વરઘોડા અટકાવનારા કે તેમની મુછોનો વિરોધ કરનારાઓ જાતિવાદી અનામત કે એટ્રોસિટીના વિરોધમાં એક હરફ પણ ઉચ્ચારવાને લાયક નથી.
વિચારો કે વરઘોડાના રસ્તામાં બેસી સવર્ણ મહિલાઓ જે ભગવાનના ભજનો ગાતી હતી એ ભગવાન પણ કોઈના શુભપ્રસંગે રંગમાં ભંગ પાડવામાં પોતાના ઉપયોગથી કેટલો દુઃખી હશે? હે ઈશ્વર, આમને માફ કરતો નહીં, તેઓ બરાબર જાણે છે કે તેઓ શું કરી રહ્યાં છે.
ફ્રી હિટ :
नए किरदार आते जा रहे हैं
मगर नाटक पुराना चल रहा है
– राहत इंदौरी
મારા અન્ય રિલેટેડ આર્ટિકલ્સ :
ઈન્ડિયન મીડિયા: વધતા વ્યાપ વચ્ચે ઘટતી વિશ્વસનિયતા
મીડિયા અને પત્રકારત્વ : મારી દ્રષ્ટિએ
પત્રકારત્વ V/S PR : ઘસાયેલા સ્લિપર સામે કવરમાં મુકાતી નોટો વચ્ચેનો સંઘર્ષ
અપન કા ઈન્ડિયા: વિકાસ કરતો દેશ, પછાત થતી પ્રજા!
મરાઠા અનામતમાં ફડનવીસનો ફણગો: વિકાસ કરતા દેશમાં પછાત થતી પ્રજા
‘આતંકવાદીઓ’ને અનામત: નાગાની પાંચશેરી ભારે: વિકાસશીલ દેશની પછાતપદુડી ‘પરજા’!
અનામત: રાજકારણીઓએ પેટ ચોળીને વકરાવેલું શૂળ, ભુરાયો થયેલો ભસ્માસુર!
બ્રહ્મગોત્ર: કમંડળથી લોટા તરફ, ચાણક્યના વંશજો ભીંત ભુલ્યા!
જાતિવાદી અનામતના સમર્થનમાં થતી કેટલીક દલિલો સામેની પ્રતિદલિલો
તમે મહિલાવિરોધી મનુસ્મૃતિ સળગાવ્યો, ઈન્શાઅલ્લાહ…કુબુલ હૈ! : વારુ, હવે શરિયત ક્યારે બાળો છો?
અદાલતોનો કોઈ ધર્મ નથી હોતો : બિનસાંપ્રદાયીક રાષ્ટ્રમાં કાયદો ચડે કે ઈસ્લામની જડ પરંપરા?
‘હેલ વિથ ધીસ સિસ્ટમ’: અનામત પ્રથા સામે ‘યંગિસ્તાન’નો આક્રોશ!
હેલ વિથ ધીસ સિસ્ટમ પાર્ટ – 2 : મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર, ‘યંગિસ્તાન’ના ‘મન કી બાત‘ સંભળાય છે?