દામિનીકેસમાં ગુનેગારોને સજા થયા બાદ બચાવપક્ષના વકિલ એ.પી.સિંહે કહ્યું કે, જો દેશ ઈચ્છે છે કે આ કેસ અન્ય લોકો માટે ઉદાહરણ બને તો હું બે મહિના રાહ જોઈશ. જો આ ચુકાદા પછી બળાત્કારની ઘટના બનતી નથી તો હું લખીને આપીશ કે મારા અસીલોને ફાંસી આપી દેવામાં આવે.
વેલ, વકિલ સાહેબ ખરેખર ફાંકડી દલીલ છે કે આ સજાથી બળાત્કાર થોડા અટકી જવાના છે? લેકિન, કિન્તુ, પરંતુ, બન્ધુ તમે કેમ અડધા જ તથ્ય પર દલિલબાજી કરો છો? તમે એ ધ્યાને કેમ નથી લેતા કે તમારા અસીલોએ માત્ર બળાત્કાર જ નહીં પણ હત્યા પણ કરી છે એ પણ અમાનવીય રીતે. જોકે, એક પણ હત્યા માનવીય હોઈ જ ન શકે પરંતુ દામિનીને મોતને ઘાટ ઉતારનારી ક્રૂરતા કંપાવી દેનારી હતી.
દિલ્હીની સાકેત કોર્ટના જજ યોગેશ ખન્નાએ જણાવ્યું હતું કે, અન્ય અપરાધો પર ચર્ચા કરવા સિવાય હું સીધો જ આઈપીસીની કલમ 302(હત્યા) પર આવું છું. જે દોષિતોના અમાનવીય સ્વભાવની અંતર્ગત આવે છે અને તેમણે જે અપરાધ કર્યો છે તેની ગંભીરતા સહન કરી શકાય તેવી નથી. ચારેય દોષિતોને મોતની સજા આપવામાં આવે છે.
દિલ્હી રેપ કેસ અત્યાર સુધીનો સૌથી રેરેસ્ટ ઓફ ધી રેર કેસ છે. કોર્ટે સ્વિકાર્યું હતું કે આરોપીઓએ સુનિયોજીત રીતે ગુનો આચર્યો હતો, જેમાં દોષિતોએ unique modes operandi અપનાવી હતી, જે દામિનીનું મોતનું કારણ બન્યું હતું. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યુ છે કે, ‘દોષિતોએ ગેંગરેપ કર્યા બાદ પીડિતાના ગુપ્તાંગમાં કેટલીય વખત રોડ નાખ્યો હતો જે ગેંગરેપના અગાઉના કેસમાં ક્યારેય નથી જોવા મળ્યું કે સાંભળવા પણ નથી મળ્યું. દોષિતોએ જાણીજોઈને આમ કર્યું હતું.’ આથી એવું માનવામાં આવે છે કે કોર્ટ દ્વારા દાખલો બેસે તેવી કડક સજા કરવામાં આવશે.
અને કોર્ટે ચારેયને ફાંસીની સજા ફટકારી. આમાં ખોટું ક્યાં અને શું છે વકિલ સાહેબ? તમારી દલિલનો છેદ તો કોર્ટના જજમેન્ટમાં જ ઉડી જાય છે ને આમ છતાં તમે દલિલોના આધારે જજમેન્ટને જજ કરવા મથો છો? તમારા અસિલોને માત્ર બળાત્કારની માટે નહીં પરંતુ હત્યા માટે પણ સજા ફટકારવામાં આવી છે. ને માત્ર હત્યા માટે જ નહીં પણ હત્યાની બર્બરતા માટે પણ. કોર્ટે લાગણીના પ્રવાહમાં કોઈ નિર્ણય નથી લીધો. એમ તો લોકલાગણી અને આક્રોશનો પ્રચંડ જૂવાળ હોવા છતાં પેલા જુવેનાઈલને ત્રણ વર્ષની જ સજા થઈને? એને ફાંસી ફટકારવામાં આવી? કોર્ટે ચારેયને ફાંસી આપીને એક કડક દાખલો બેસાડ્યો છે કોઈની જાનની પરવાહ ન કરતા ક્રૂર હેવાનો સામે. આપણે એ પણ ન ભુલવું જોઈએ કે દામિની કેસની નોંધ આતંરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ હતી. હિન્દુસ્તાનના ન્યાયતંત્ર માટે કડક દાખલો બેસાડવો જરૂરી જ હતો.
તમારી દલીલ સાવ જ નાખી દીધા જેવી છે કે બળાત્કાર ન થાય તો મારા અસીલોને ફાંસીએ ચડાવી દેજો. કસાબના વકિલ ફેંસલા બાદ સામે આવીને કહે કે જો આજ પછી ભારત પર આતંકવાદી હૂમલો ન થાય તો મારા અસીલને ફાંસીએ ચડાવી દેજો તો કેવું લાગે? એડવોકેટ સાહેબ ગુના ન અટકવાના હોય તો સજા આપવી બંધ કરી દેવી કે સજા હળવી કરી દેવી એ ક્યાંનો ન્યાય છે?