બે દિવસ પહેલા ગુજરાત વિધાનસભામાં વિધાનસભાની ગરિમાનું ચિરહરણ કરતા દ્રશ્યો સર્જાયા. ગૃહમાં અંદાજપત્ર સત્રમાં ગૃહ વિભાગની માગણી પર ચર્ચા માટે વિપક્ષને બોલવા માટે પૂરતો સમય ન ફાળવવાના મુદ્દે કોંગ્રેસી સભ્યોએ હોબાળો મચાવતા તેમને બહાર કાઢી મુકવા સાર્જન્ટોને આદેશ થયો. સાર્જન્ટો સાથે ઝપાઝપી બાદ ગૃહની બહાર નીકળેલા કોંગ્રેસના ધારાસભ્યોએ તોડફોડ આદરી. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ઓફિસની બહાર મુકાયેલા ફૂલ-છોડના કૂંડા ઉપાડી ઉપાડીને પછાડ્યાં. ઓફિસની બહારના લાકડાના પાર્ટીશનો તોડી નાખ્યા. એ દિવસ ગુજરાત વિધાનસભાના ઈતિહાસનો એક શરમજનક દિવસ હતો. બંધારણને વફાદાર રહેવાના સોગંધ જેમણે ખાધા હતા એ પ્રજાના ચૂંટેલા પ્રતિનિધીઓ વિધાનસભામાં કોઈ તોફાની ટોળાંની જેમ વર્તી રહ્યા હતા. આક્રોશ માટેનો મુદ્દો ગમે તેટલો વાજબી હોય પણ એ લોકશાહીના મંદિરમાં તોડફોડને ન્યાયી ન ઠેરાવી શકે.
બહુ સ્વાભાવિક રીતે જ વિધાનસભા સુરક્ષા એનન્સીના સાર્જન્ટ(ડીવાયએસપી) એલ.એન. જેઠવા દ્વારા આ મામલે કોંગ્રેસના 19 ધારાસભ્યો સામે ગાંધીનગરના સેકટર 7 પોલીસ મથકે સરકારી કામગીરીમાં રૂકાવટ, સરકારી મિલકતને નુકસાન, ગેરકાયદેસર જૂથ બનાવી મારામારી કરવાની ફરિયાદ નોંધાવાઈ. બીજી તરફ ગૃહમાં કોંગ્રેસના સભ્યો સામે કાર્યવાહી કરતા અધ્યક્ષે શંકરસિંહ વાઘેલા સિવાયના તમામ કોંગ્રેસી સભ્યોને બીજા દિવસ સુધી સસ્પેન્ડ કરી દીધા. આ સાથે જ કોંગ્રેસની આકરી ટીકા કરતા નોંધ્યુ કે, વિધાનસભામાં આ પ્રકારની વર્તણૂક કરતા તત્વોની હરકત ગુજરાતના ઈતિહાસમાં માફ કરી શકાય તેમ નથી.
બીજી તરફ કોંગ્રેસે વળતો રાજકીય દાવ ખેલ્યો. વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, કાયદાના રાજ્યમંત્રી જાડેજા જે તોડફોડનું દોષારોપણ અમારા પર કરી રહ્યા છે તે વાસ્તવમાં ભાજપના ધારાસભ્યોએ જ કર્યુ છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપે જ તોડફોડ કરીને કોંગ્રેસને બદનામ કરવા મીડિયાને અંદર બોલાવી દ્રશ્યો કેમેરામાં કેદ કરાવ્યા. કોંગ્રેસના સાત ધારાસભ્યોએ સેકટર 7 પોલીસમાં એક અરજી કરી વિધાનસભા ઉપાધ્યક્ષ, કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આરોગ્યમંત્રી નીતિન પટેલ સામે કોંગ્રેસી સભ્યો પર હૂમલો કરવા બદલ એફઆઈઆર નોંધવા માંગ કરી. વિધાનસભામાં તોડફોડ અંગે આ અરજીમાં કોંગ્રેસે સ્પષ્ટ નોંધ્યુ છે કે, તોડફોડ ભાજપના ઈશારે કરાવીને અમારા સાથી ધારાસભ્યો સામે ખોટી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
સામસામી આક્ષેપબાજી બાદ આજે સત્રના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંન્ને એક જ પાટલે બેસીને છેલ્લી પાટલીએ ઉતરી ગયા. ગૃહમાં ધમાસાણ મુદ્દે સમાધાન થઈ ગયુ. બંન્ને પક્ષના નેતાઓએ કુલડીમાં ગોળ ભાંગી એક-બીજાની દાઢી પસવારી લીધી. નક્કી એવું થયુ કે કોંગ્રેસ વિધાનસભામાં થયેલી તોડફોડનો ખર્ચો ચૂકવી દેશે અને ભાજપ તેમની સામેની ફરિયાદ પાછી ખેંચી લેશે. વિધાનસભામાં શિસ્ત જાળવવાની જેમની જવાબદારી છે અને જેમને તોડફોડની ઘટના ગુજરાતના ઈતિહાસમાં કદી માફ કરવા જેવી લાગતી નહોતી તેવા ખુદ અધ્યક્ષે માથે રહીને આ સમાધાન કરાવ્યું. તોડફોડીયા ધારાસભ્યો સામે કડક કાર્યવાહી કરાવી બીજી વાર આવી ઘટના ન બને એ માટેનો દાખલો બેસાડવાના બદલે ભાજપ અને કોંગ્રેસના ચાર ચાર નેતાઓને હાજર રાખી સમાધાન કરાવ્યા બાદ ગૃહમાં જાહેરાત કરી કે બંન્ને પક્ષો વચ્ચે સંવાદ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાયુ છે.
એક્સ્યુઝમી મિ. અધ્યક્ષ. તમે સમાજ સામે એક બહુ જ ખોટો દાખલો પ્રસ્તુત કરી રહ્યા છો. વિધાનસભામાં મારામારી અને તોડફોડની ઘટના કોઈ સ્કૂલ-કોલેજની બબાલ નહોતી કે કોઈ પતિ-પત્નીની ગૃહકંકાશની મેટર નહોતી કે જેનું આમ નુકસાન ચુકવવાનો આદેશ કરીને ઘરમેળે સમાધાન લાવી શકાય. ગુજરાતની વિધાનસભાની ગરિમાનો પ્રશ્ન હતો. શું નુકસાનનો ખર્ચ ચૂકવી દેવા માત્રથી વિધાનસભામાં તોડફોડનો કોંગ્રેસી ધારાસભ્યોનો ગુનો માફ થઈ જાય? તોડફોડ કરનારાઓ ધારાસભ્યોની બદલે આમ આદમીઓ હોત તો શું ફરિયાદ પાછી ખેંચવાનું સમાધાન નીકળેત ખરું? કોઈ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડે, લોકશાહીના મંદિરને કાળી ટીલી લગાવે તેને માત્ર નુકસાન ચુકવવાની શરતે કાનૂની પ્રક્રિયામાંથી મૂક્ત કરવાનું હિન્દુસ્તાનના કયા કાયદામાં લખ્યુ છે? પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓને એવા તે કયા વિશેષાધિકારો મળેલા છે વળી?
સમાધાનમાં કોંગ્રેસની હાલત હાસ્યાસ્પદ થઈ ગણાય. ખાસ કરીને વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાની. બાપુ તો છાતી ઠોકીને મીડિયા સામે કહેતા હતા કે તોડફોડ ભાજપના જ ધારાસભ્યોએ કરી છે. તો બાપુએ જવાબ આપવો જોઈએ કે જો તોડફોડ ભાજપના ધારાસભ્યોએ કરી હોય તો તેનું નુકસાન ચુકવવા કોંગ્રેસના ધારાસભ્યો શા માટે તૈયાર થયા? કોંગ્રેસ નુકસાન ચુકવવા તૈયાર થઈ એ જ એ વાતની સાબિતી નથી કે વિધાનસભામાં તોડફોડ કોંગ્રેસના સભ્યોએ કરી હતી?
જો કોંગ્રેસે તોડફોડ કરી હોય તો તેમની સામેની પોલીસ ફરિયાદ પાછી કેમ ખેંચાવી જોઈએ? કાયદો ઘડનારી ગુજરાતની સર્વોચ્ચ લોકતાંત્રિક સંસ્થામાં બિરાજમાન થઈ કાયદાનો ભંગ કરનારાઓને શા માટે કોઈ સજા ન થવી જોઈએ? ગુજરાતમાં છે કોઈ કાળા માથાનો માનવી, રાજકીય પક્ષ કે સંસ્થા જે ધારાસભ્યોની આ લાલિયાવાડીને પડકારી શકે?