TUSHAR DAVE·TUESDAY, 15 MARCH 2016
નહેરુની કોંગ્રેસ કયા મોઢે ભારતીય લશ્કરની વાત કરે છે?
ભારતના આંગણે યમુનાના કાંઠે યોજાવા જઈ રહેલા વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલ માટે લશ્કર પાસે પુલ બનાવડાવવા મુદ્દે કોંગ્રેસ જ્યારે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરે ત્યારે હાસ્યાસ્પદ લાગે. આ દેશના પ્રથમ કોંગ્રેસી વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પંચશીલના સિદ્ધાંતો અને શાંતિ-અહિંસાના ખ્વાબોમાં રાચતા હતા. એક કિસ્સો યાદ આવે છે. ગાંધી-નહેરુ આઝાદી બાદ લશ્કર વિનાનો શાંતિપ્રિય દેશ બનાવવાની વાતો કરતાં હતાં ત્યારે સરદારે ખોંખારીને કહેલું કે, ‘દેશ ચલાવવો હોય તો સેના પણ રાખવી પડે અને જરૂર પડે ત્યાં હિંસા પણ કરવી પડે.’ પત્રકારોએ જ્યારે સરદારને પૂછ્યું કે મહાત્મા ગાંધી તો સેના ન રાખવાની વાત કરે છે ત્યારે તમારા સૂર એમનાથી અલગ કેમ? ત્યારે સરદારે કહેલું કે, ‘એ મહાત્મા ગાંધી છે પણ હું ‘મહાત્મા’ પટેલ નથી.’
જવાહરલાલ નહેરુને સેના પ્રત્યે પ્રમાણમાં અણગમો હતો. એમના સમયમાં પણ લશ્કર પાસે આ પ્રકારના કામો કરાવાતા જ હતાં. 1971માં ઈન્દિરા ગાંધીએ જ્યારે પાકિસ્તાન પર હુમલો કરવાનું વિચાર્યુ ત્યારે (કોંગ્રેસી વડાપ્રધાનો દ્વારા સતત કરાયેલી લશ્કરની જરૂરિયાતોની અવગણનાના પાપે) લશ્કર પાસે લડવા માટે ઢેખાળા સિવાય કંઈ નહોતું. સેનાનું શસ્ત્ર ઉત્પાદક ડિવિઝન પગાર કાઢવા માટે કિટલીઓ બનાવીને વેચતુ હતું. આ કોંગ્રેસ કયા મોઢે લશ્કરની વાત કરતી હશે?
આંધળા મોદી-ભાજપવિરોધમાં તણાઈને ‘હાય…હાય…બાપ, સેના પાસે આવું કામ તે વળી કરાવાતું હશે?’ની પોક મૂકનારાઓની જાણ માટે કે યુદ્ધના ધોરણે બાંધકામો કરવા માટે લશ્કરમાં અલાયદો એન્જિનિયરિંગ વિભાગ હોય છે, અને એ વિભાગ જ વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલ માટે પન્ટુન બ્રિજ બનાવવાનું કામ કરી રહ્યો છે. એ આજ-કાલનો નહીં પણ વર્ષોથી આ પ્રકારના કામ કરે છે. ખુબ જ ઝડપથી ટેમ્પરરી પુલો બાંધવામાં આપણા લશ્કરની માસ્ટરી છે. દુશ્મન દેશ પર ચડાઈ વેળા રસ્તામાં જો કોઈ નદી કે અન્ય કોઈ દુર્ગમ પ્રદેશ ઓળંગવાનો થાય એ સંજોગોમાં રાતોરાત આવા પુલ ઉભા કરવા માટેની ટેકનિક, સરંજામ અને તાલિમ લશ્કરના ઈજનેરી વિભાગ પાસે હોય છે. આઈ રિપીટ કે લશ્કરનો અલાયદો વિભાગ કે જે આ પ્રકારની યુદ્ધના ધોરણે કરવાની થતી કામગીરી માટે જ સર્જાયો છે તે જ આ કાર્ય કરી રહ્યો છે. રાજ્યસભામાં જેડીયુની નોટિસ કે કોંગ્રેસના કાળા કકળાટથી ભોળવાઈને ચાલતી ગાડીએ ચડીને ‘હઈસો..હઈસો…’ કરનારાઓની જાણ ખાતર કે લશ્કરમાં રસોઈથી માંડીને મેડિકલ અને ઈજનેરી સુધીના અલગ અલગ વિભાગો હોય છે. સામાન્ય રીતે કંઈ ત્યાં લડાયક કમાન્ડોને તેના હથિયાર મુકીને પુલ ચણવાનું કહેવાતુ નથી.
એન્ડ બાય ધ વે વારંવાર જેને શ્રી શ્રી રવિશંકર કે આર્ટ ઓફ લિવિંગની ઈવેન્ટ ગણાવાઈ રહી છે તે વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલ છે. જેમાં શ્રીલંકન રાષ્ટ્રપતિ સિરિસેના અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગીલાની સહિત 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો-વડાપ્રધાનો કે પોલિટીકલ રિપ્રેઝેન્ટેટીવ્ઝ હાજર રહેવાના છે. ભારતના રાષ્ટ્રપતિ ડો.પ્રણવ મુખર્જી પણ હાજર રહેવાના હતાં પરંતુ પર્યાવરણીય મંજૂરીના અને લશ્કર પાસે પુલ બનાવડાવવાના વિવાદ બાદ હવે તેઓ હાજર નહીં રહે તેવા અહેવાલ છે. જેના પગલે વડાપ્રધાન મોદીની હાજરી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. આ ફેસ્ટિવલમાં વિશ્વના 155 દેશોના 25 હજાર જેટલા કલાકારો પોતાની કલા પ્રસ્તુત કરવાના છે. અહીં યોજાનારા સંત સમાગમમાં વિશ્વભરના સાધુ-સંતો અને ધર્મગુરૂઓ ઉપસ્થિત રહીને વિશ્વશાંતિ તેમજ અનેકતામાં એકતાનો સંદેશ પ્રસરાવવાના છે. આર્ટ ઓફ લિવિંગ આ 5 વર્ષ પહેલા જર્મનીમાં વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલ યોજી ચુક્યું છે. આજે જ્યારે વિશ્વભરનું ધ્યાન જેના પર ખેંચાય તેવો ફેસ્ટિવલ ભારતના આંગણે યોજાવા જઈ રહ્યો છે ત્યારે કેટલાક દેશના વાંકદેખાઓના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને આપણા દેશમાં વિરોધ પક્ષોનું તો કામ જ દરેક મુદ્દે વિરોધ કરવાનું જ રહ્યું છે.
આ કાર્યક્રમ માટે લશ્કર પાસે પુલ બનાવવાના મુદ્દે ઉભા કરાયેલા વિવાદ અંગે સંરક્ષણ મંત્રી મનોહર પરિકરે કહ્યું છે કે, ‘યમુનાના કિનારે લાખો લોકો ભેગા થવાના હોવાથી અહીં નાસભાગ થાય તો હજારો લોકોની જાનને ખતરો હતો. એ કારણોસર સેનાએ હંગામી પુલો બનાવવાનું કામ સંભાળવું જોઈએ તેવું સૂચન દિલ્હીના પોલીસવડા બસ્સીએ કર્યુ હતું. એન્જિનિયરિંગ કોરના 120 જવાનો યમુના પર એક બ્રિજ બનાવી ચુક્યા છે અને બીજાનું કામ ચાલુ છે. આર્મી કુંભ મેળા અને અન્ય પ્રસંગો પર આવી ફરજ બજાવતી રહી છે.’ આર્ટ ઓફ લિવિંગે પણ પુલ બનાવી આપવાની વિનંતી કરતું આવેદન સેનાને આપ્યું હતું. જેના ભાગ રૂપે આ કવાયત ચાલી રહી છે. કોઈ હોનારત સર્જાય ત્યારબાદ લશ્કરને ઉતારવામાં આવે એના બદલે ભારતના આંગણે યોજાઈ રહેલી એક વૈશ્વિક ઈવેન્ટમાં હોનારત સર્જાય જ નહીં એવું જડબેસલાક આયોજન કરવામાં સેના મદદ કરે એમાં ખોટું શું?
સેનાની મદદના વિવાદ ઉપરાંત વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલમાં બીજો અંતરાય ઉભો કરી રહી છે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ. કાર્યક્રમને તમામ મંજૂરી મળી હોવાની શક્યતાઓ વચ્ચે આ ટ્રીબ્યુનલે કરેલી દલિલ જુઓ. મંગળવારે NTG (નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ)ની બેંચે કહ્યું કે, ‘માની લો કે સમારંભ માટે તમામ મંજૂરી લેવાઈ છે પણ કોઈએ વિચાર્યુ કે તેની પર્યાવરણ, નદી, ઈકોલોજી અને બાયોડાઈવર્સિટી પર શું અસર પડશે?’ પર્યાવરણ મંત્રાલયના વકીલે કાર્યક્રમમાં ઘોંચપરોણા કરતી ટ્રીબ્યુનલને કહ્યું કે, ‘પ્રસ્તાવિત સ્થળે કોઈ કાટમાળ નથી મળ્યો અને એન્વાયરમેન્ટ ઈમ્પેક્ટ નોટીફિકેશન-2006 અનુસાર કોઈ પણ અસ્થાઈ માળખા માટે પર્યાવરણીય મંજૂરી લેવી જરૂરી નથી.’ ટ્રીબ્યુનલને કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટ કહ્યું છે કે પૂરવાળી જમીન પર ટેમ્પરરી સ્ટ્રકચર્સ માટે મંજૂરીની જરૂર નથી હોતી. એન્વાયરમેન્ટ અને ફોરેસ્ટ મિનિસ્ટ્રીએ પણ સ્પષ્ટ કર્યુ છે કે ટેમ્પરરી સ્ટ્રકચર્સ માટે કોઈ પરમિશનની જરૂર નથી હોતી.’ ખેર, છેલ્લા સમાચાર મળ્યાં ત્યાં સુધી NTGએ 5 કરોડનો દંડ ફટકારી યમુનાકાંઠે વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલને મંજૂરી આપી દીધી છે.
ફ્રી હિટ:
આઝાદી પછી જવાહરલાલ નહેરુની ઉપસ્થિતિમાં ભારતીય સેનાના પ્રથમ જનરલની પસંદગી માટેની મિટીંગ ચાલી રહી હતી. નેતાઓ અને લશ્કરી અધિકારીઓ આ જવાબદારી કોને સોંપી શકાય એ અંગે મનોમંથન કરી રહ્યાં હતાં.
આ ચર્ચા વચ્ચે નહેરુ બોલ્યાં, ‘મારા મતે આપણે ભારતીય લશ્કરના જનરલ તરીકે બ્રિટીશ અધિકારીની નિમણૂંક કરવી જોઈએ. કારણ કે, આપણી પાસે લશ્કરના નેતૃત્વનો પૂરતો અનુભવ નથી.’
બેઠકમાં ઉપસ્થિત મોટા ભાગના લોકોએ જવાહરલાલ નહેરુના સૂચનનું સમર્થન કર્યુ કારણ કે, ખુદ વડાપ્રધાન કંઈક સૂચવી રહ્યાં હતા. કોઈ કેવી રીતે સહમત ન હોઈ શકે?
એવામાં એક આર્મી અધિકારી બોલી ઉઠ્યાં કે, ‘આઈ હેવ અ પોઈન્ટ, સર.’
નહેરુએ કહ્યું, ‘યસ, જેન્ટલમેન. યુ આર ફ્રી ટુ સ્પીક.’
પેલા અધિકારીએ કહ્યું કે, ‘સર, આપણી પાસે રાષ્ટ્રના નેતૃત્વનો પણ પૂરતો અનુભવ નથી, તો શા માટે આપણે કોઈ બ્રિટીશરને જ ભારતના પ્રથમ વડાપ્રધાન ન બનાવી દેવા જોઈએ?’
(એ અધિકારી હતા લેફ્ટનન્ટ જનરલ નાથુસિંહ રાઠોડ. ભારતીય આર્મીના પ્રથમ લેફ્ટનન્ટ જનરલ.)
Top of Form