>સામેવાળાની પતંગ કાપવા માટે દોરીની સાથોસાથ તમારી પતંગ કેટલા પવનમાં છે તમે કયા એંગલથી પેચ લગાવ્યો છે અને તમે કઈ રીતે ખેંચો છો એ તમામ પરિબળો મહત્વના છે. માત્ર પાક્કા માંજાથી કંઈ નથી થતું.
> જો તમે ખેંચીને પેચ લગાવવા ઈચ્છતા હોવ તો સૌથી પહેલા તમારામાં ધીરજ ભારોભાર જોઈશે. ખેંચવા માટે પહેલા પૂરતી ઢીલ આપો. પતંગ લગભગ તમારા જમણા(જો ડાબોડી હોવ તો ડાબા) હાથની પહેલી આંગળીથી સીધી દિશામાં લિટી દોરી શકાય એટલી આડી જાય ત્યાં સુધી ઢીલ મુકી દો.
> પછી થોડા ઠૂમકા મારી દોરીમાં તાણ લાવો. જે પતંગ તમારા ટારગેટ પર હોય એની બરાબર નીચે તમારી પતંગ લઈ આવો. એની અને તમારી દોરીની ચોકડી બનતી હોય તો એ બેસ્ટ એંગલ રહેશે.
> તમારી પતંગ સામેવાળી પતંગની નીચેથી બરાબર સીધી દિશામાં ઉપર ચડે એ રીતે પૂરી તાકાતથી ખેંચો. જ્યાં સુધી ખાતરી ન થાય કે સામેવાળાની પતંગ કપાઈ છે ત્યાં સુધી ખેંચતા રહો.
> તમે ખેંચથી પેચ લડાવવાના હોય તો ફિરકી પકડનારા(કે પકડનારી)ને તમારી પાછળ લગભગ પાંચ સાત ફૂટ દૂર ઉભા રાખો. જેથી તમે જ્યારે ખેંચો ત્યારે તમારો હાથ પાછળ કોઈને ન ભટકાય. પૂરજોશથી ખેંચતી વખતે બે-ત્રણ ડગલા પાછા પણ ખસવું. જેથી પતંગ પણ એટલી વધુ ખેંચાશે. તમારી ખેંચ અને તમારા પાછળ જવાની ખેંચ બંન્નેનું જોર બેવડાશે અને ભલુ હશે તો એ સમયે જ સામેવાળાની પતંગ કપાઈ જશે.
> ખેંચથી પેચ લડાવવાના હોવ ત્યારે હાથમાં ઘડીયાળ ન પહેરવી.
> જો આકાશની દિશામાં સીધીના બદલે તમારી ખેંચથી ઉપર ચડતી પતંગની દિશા ત્રાંસી હશે તો તમારી પતંગ કપાવાની શક્યતા વધુ છે. ખેંચ જેટલી ત્રાંસમાં એટલી જ તમારી પતંગ કપાવાની શક્યતા વધુ. > ખેંચમાં શક્ય હોય ત્યાં સુધી પતંગને ગોથ મરાવીને સામેવાળાની પતંગ(એટલે કે પતંગની દોરી) પર મુકીને ખેંચીને કાપવાના મોહથી બચવું. નીચેથી ઉપરની દિશામાં ખેંચવાના બદલે ઉપરથી નીચેની દિશામાં ખેંચવાથી તમારી ખેંચની લિમિટેશન આવી જશે. કારણ કે, તમારી પતંગ નીચેની દિશામાં જતી હશે. જો એ નીચાણના લઘુત્તમ લેવલ સુધી પહોંચે ત્યાં સુધીમાં સામેવાળાની પતંગ ન કપાય તો અંતે તમારે ખેંચ પડતી મુકીને ઢીલ દઈ દેવી પડશે. અને એમ કરવાથી તમારી ખેંચ વખતે સામેવાળાની દોરી સાથે ઘસાયેલી દોરી જ ઢીલ આપતી વખતે રિપીટ થશે અને તમારી પતંગ કપાવાની શક્યતા વધી જશે.
> આમ પણ પતંગનું મોં નીચેની દિશામાં હોય એ રીતે ખેંચવાથી પતંગ નીચે ક્યાંક ફસાઈ જવાની શક્યતા પણ રહે છે.
>જો તમારી ખેંચમાં એટલી ફાવટ ન હોય અને તમે ઢીલ મુકીને પેચ લડાવવામાં વિશ્વાસ રાખતા હોવ તો શક્ય એટલા વધુ તારની દોરી પીવડાવવી. નવ તાર બેસ્ટ રહેશે. એનાથી વધુ તારની દોરી પીવડાવતી વખતે કાચ વધુ ચડી જાય તો એ કાચ પોતે જ પોતાની દોરીને કાપી નાખે એ સ્થિતિ સર્જાવાનો ભય છે. મતલબ કે એ દોરી હાથેથી તોડતા તાકાત લાગે પણ સામેવાળાની ધાર અડે એટલે અડતાક જ તમારી પતંગ જાય. એટલે વધુ તારના મોહમાં ન પડવું.
> ઢીલથી પેચ લગાવવામાં પતંગ ચગાવનારાની સાથોસાથ ફિરકી પકડનારની પણ મહત્વની ભૂમિકા રહે છે. એટલે કાચા ફિરકી પકડનારાને ફિરકી ન પકડાવવી.
> બે હાથે નહીં પણ એકહાથે પકડાવવી. એનાથી ઢીલ વેળા દોરી ફિરકી ફરવાના હર્ડલ વિના સ્મુધલી નીકળતી આવશે.
> ઢીલથી પેચ લગાવતા હોવ ત્યારે દોરીમાં ક્યાંય ગાંઠ ન આવે કે ગુંચ ન પડે અને પેચમાં ઢીલ આપતી વખતે દોરી ક્યાંય એક સેકન્ડ માટે પણ ન અટકે એનો ખ્યાલ રાખવો.
> પેચ લાગ્યા હોય એ સમયે દોરી તમારા પોતાના, ફિરકી પકડનારાના કે અન્ય કોઈના પગમાં ન આવવી જોઈએ. જે ઘડીએ દોરી ક્યાંક અટકી એ જ ઘડી એ તમારી પતંગ ગઈ સમજજો.
> દોરી પીવડાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું. દોરી તમારી નજર સામે જ પીવડાવવી. જેથી ટેલર બદલાય નહીં.
> દોરી પીવડાવવામાં વધારે પડતા કાચના મોહથી બચવું. દોરીમાં કાચ જેટલો વધારે દોરી એટલી પાક્કી એ માન્યતા એ એક ભ્રમ માત્ર છે. વધુ પડતો કાચ દોરી પાક્કી કરવાના બદલે કાચી કરી નાખે છે. લુગદીનો વધારે પડતો કાચ જાતે જ દોરીના તાર કાપીને દોરીમાં દાંતી પાડી દે છે અને પરિણામે દોરી કાચી થઈ જાય છે. યાદ રાખો વધારે પડતા કાચથી હાથમાં ઘચ્ચા પડે પણ વધુ પતંગ ન કપાય.
> માટે દોરી પીવડાવવાના કોઈ સારા કારીગર પાસે જ દોરી પીવડાવવી ને વધુ પડતો કાચ રાખવાનું દોઢ ડહાપણ દાખવવું નહીં.
> તમે ઢીલથી પેચ લગાવવામાં વિશ્વાસ રાખતા હોવ તો એ વાતનું સતત ધ્યાન રાખો કે તમારી પતંગ સતત પવનમાં રહે. જો તમારી પતંગ પવનમાં નહીં હોય અને ઝોલ પડતા હશે તો ખેંચવાવાળો મેદાન મારી જશે.
> ઢીલથી પેચ લડાવવામાં ખેંચથી વિપરીત સ્થિતિ રાખવી. પતંગની દોરી તમારા ડાબા કે જમણા હાથની પહેલી આંગળીથી આડી નહીં પણ આકાશ તરફ ત્રાંસી લિટી દોરતી હોવી જોઈએ.
> ઢીલથી કાપવામાં તમારા ટારગેટ પર જે પતંગ હોય એને પહેલા તો ખેંચવા માટે પૂરતી ઢીલ આપવાનો મોકો ન આપો. એને નીચેથી ખેંચવાનો લાગ આપો. પણ ધ્યાન રાખો કે તમારી પતંગ ફૂલ હવામાં હોય. એટલી હવામાં કે તમે ઢીલ આપો એટલે ફિરકીમાંથી દોરી સડસડાટ ભાગે. તમારી દોરીની ઢીલ જવાની સ્પીડ સામેવાળાની ખેંચવાની સ્પીડથી થોડી પણ ઓછી પડી તો તમારી પતંગ કપાવાની શક્યતા વધુ.
> ઢીલથી પતંગો કાપવા માટે બેસ્ટ વે એ છે કે તમારી પતંગ ફૂલ તાણમાં હોય ત્યારે પતંગને સ્હેજ નીચેની તરફ ઝોંક આપીને સામેવાળાના પાંગરા(કાના, કિન્યા) પર મુકી દેવી અને ફૂલ ઢીલ આપી દેવી. આ સ્થિતિમાં મોટાભાગે સામેવાળાની જ પતંગ કપાવાની કારણ કે, એની પાસે આગળથી ખેંચવા માટે દોરી જ નહીં હોય કારણ કે તમે પતંગ તેના પાંગરાની નજીક જ મુકી દીધી હશે.
> પેચ લગાવીને સામેવાળાના પતંગો કાપવાની મજા આવતી હોય તો પતંગની પસંદગીમાં ખાસ કાળજી રાખવી.
> પતંગ શક્ય એટલી સ્ટિર(સ્થિર) પસંદ કરવી. ચીલ બેસ્ટ રહેશે. એ મારી ફેવરિટ છે. એમા પણ વ્હાઈટ ચીલ ઉત્તમ.
> ખેંચથી પેચ લડાવવા માટે હેલિકોપ્ટર કે રોકેટ પણ બેસ્ટ રહેશે.
> ઢીલમાં કોથળી કે ફૂદી તો બિલકુલ ન વાપરવી. ખેંચનો માહેર ખેલાડી પેચમાં તમારા ચણા પણ નહીં આવવા દે.
> જો પતંગ ગોથામારુ હશે તો વધુ પવન સમયે ઢીલથી પેચ લડાવવામાં ચાલી જશે પણ ખેંચમાં એ તમને ગોથુ ખવડાવી દેશે.
> છ કે એનાથી ઓછા તારની દોરી વાપરતા હોવ ત્યારે પાવડો કે એવી બીજી મોટા વજનની પતંગ પસંદ કરવાનું ટાળવું. કારણ કે, ઓછા તારની દોરી પર વધુ વજનની પતંગ ચગાવવાથી બહુ પવન હોય ત્યારે પેચ તો દૂર પણ તમારી દોરી તમારી પતંગના જ વજનથી તૂટી જવાનો ભય રહે છે. વજનદાર પતંગ ઓછા તારની દોરી પર ચગાવવાથી તમારી દોરીના કટકા થશે અને હાથોહાથમાંથી જશે.
> પતંગનો ઢઢ્ઢો(પતંગના મોઢાથી પૂંછડી સુધીની મધ્યની સળી) વાળવામાં ખાસ સાવધાની રાખવી. જો ઢઢ્ઢો ઓછો વાળ્યો તો એ જ્યારે પતંગ તમારા હાથની પહેલી આંગળી જેનાથી તમે ઠુમકા મારો એની સીધી લિટીમાં દોરી આવશે ત્યારે એ નીચેની તરફ પડવાની શક્યતા રહેશે. એને હવામાં રાખવામાં બહુ મહેનત પડશે.
> જો ઢઢ્ઢો વધારે પડતો વળી ગયો તો પતંગ તમને જ્યાં જરૂર ન હોય ત્યાં પણ ગોથ મારે રાખશે.
> ઢઢ્ઢો યોગ્ય પ્રમાણમાં વાળવા માટે પતંગને પકડીને પોતાના માથા પર રાખીને નીચેની તરફ ખેંચો. બે-એક વાર આ રીતે કરવાથી ઢઢ્ઢામાં પરફેક્શન આવી જશે. આ રીતે ઢઢ્ઢો વાળવામાં પણ ફાવટ આવી જશે.
> પતંગની પસંદગી વખતે એનો ઢઢ્ઢો એટલે કે મોંથી પૂંછડી સુધીની સળી સીધી હોય એનો ખાસ ખ્યાલ રાખવો. જો એ જમણી કે ડાબી બાજુ વળેલી હોય તો સમજવું કે પતંગ ગોથામારું છે. ઢઢ્ઢાની સળી જે દિશામાં વળેલી હશે એ દિશામાં પતંગ ગોથા મારશે.
> તમે પતંગ ચગાવવા જાવ અને પહેલા કે બીજા જ ઠુમકે અંદાજ આવી જાય કે પતંગ ગોથામારું છે તો એ પતંગને ત્યાંથી પાછી ખેંચી લેવી. પછી એનો ઢઢ્ઢો તપાસો ઉપર લખ્યું એ રીતે એનો ઢઢ્ઢાની સળી ડાબી કે જમણી બાજુ વળેલી હશે. .
> આવી ગોથામારું પતંગને સ્થિર કરવાનો એક દેશીઈલાજ છે ગોથામારું પતંગના ઢઢ્ઢાની સળી જે દિશામાં વળેલી હોય એની સામેની દિશામાં કમાન(પતંગની કમાનાકાર સળી) પર થોડી દોરી વિંટી દેવી. જેથી થોડું બેલેન્સ બનશે અને પતંગ પ્રમાણમાં ઓછા ગોથા મારશે. યાદ રાખજો, આવું કરવાથી પતંગ ગોથા નહીં મારે એની હું ગેરંટી નથી આપતો. પતંગ કેટલા ગોથા મારશે એનો આધાર ઢઢ્ઢાની સળીનો મોં જે તે દિશામાં કેટલુ વળેલુ છે એના અને તમે કમાન પર એનું પ્રમાણ જાળવવા કેટલી દોરી વિંટી છે એના પર રહેશે.
> પતંગ ચગાવતી વખતે હવાની બદલાતી દિશાનું ખાસ ધ્યાન રાખતા રહેવું. હવા જે દિશા વળે એ દિશામાં તરત જ પતંગને વાળી લેવી. જેથી આપણી પતંગ સતત હવામાં રહે.
આ ઉત્તરાયણ માટે આટલુ જ. દિવસભર પવન સારો રહે એવી શુભેચ્છા સાથે #હેપ્પીઉત્તરાયણ