TUSHAR DAVE·SATURDAY, 27 FEBRUARY 2016
પાટીદારો ‘જાટ’ જેવા નથી!
‘નગ્ન જણાતાં હતાં ટોળે વળેલા લોક સૌ, એક ઓરતના વસ્ત્રો જ્યારે તાર તાર હતાં’
હરિયાણામાં સ્થાનિકોના નિવેદનોના આધારે એક મીડિયા રિપોર્ટમાં સનસનીખેજ દાવો થયો છે.
તોફાનોમાં હરિયાણાના સોનિપત જિલ્લામાં 30 જેટલા જાટ આતંકવાદીઓએ(સોરી, એમને આંદોલનકારી ન કહેવાય) વાહનો રોકી સળગાવ્યા. વાહનોમાંથી નાસવામાં નિષ્ફળ રહેલી મહિલાઓનો સામૂહિક બળાત્કાર કરીને નિર્વસ્ત્ર હાલતમાં ખેતરોમાં નાખી દીધી. સ્થાનિક ઢાબાવાળાઓએ કહ્યું કે, તેમણે શરણ આપી હોવાથી કેટલીક મહિલાઓ બચી ગઈ. સ્વજનોએ આવીને કપડાં આપ્યા ત્યાં સુધી પીડિતાઓ નગ્નાવસ્થામાં રિબાતી રહી.
આવી કોઈ ઘટના ન બની હોવાના પોલીસના દાવા વચ્ચે પીડિતાઓને ફરિયાદ ન કરવા રાજકિય દબાણ થઈ રહ્યું હોવાના અહેવાલ છે. તો બીજી તરફ હરિયાણા હાઈકોર્ટે આ મામલે સખ્ત વલણ અપનાવ્યું છે અને પીડિતાઓને ઓળખ ગુપ્ત રાખી ફરિયાદ આપવા નિર્દેશ કર્યા છે.
જો બળાત્કારના અહેવાલમાં છીંકણીભાર પણ સચ્ચાઈ હોય એટલે કે બળાત્કાર તો દૂર પણ જો કોઈ મહિલાની સાડી પણ ખેંચાઈ હોય તો એ જાટ તોફાનો(ના, આંદોલન નહીં તોફાનો)માં થયેલુ સૌથી મોટું નુકસાન હશે. 34000 કરોડથી પણ મોટું. અને તેની ભરપાઈ આખી ખટ્ટર સરકાર લિલામ થઈ જાય તો પણ નહીં કરી શકે.
આવી ઘટનાઓ બને ત્યારે હાથ કાપી નાખવાની, ફાયરિંગ સ્ક્વોડ સામે ઉભા રાખી વિંધી નાખવાની કે પથ્થરો મારી મારીને પતાવી દેવાની સાઉદી અને ઈસ્લામિક રાષ્ટ્રોની ઘાતકી તાલિબાની સજાઓ યાદ આવી જાય.
જો બળાત્કારના અહેવાલોમાં લગીર જેટલું પણ તથ્ય હોય તો જાટોને તાત્કાલિક અનામત આપી દેવી જોઈએ. કારણ કે, તેઓ પછાતપણાની પરાકાષ્ઠાએ પહોંચી ગયા છે. માનજો કે હિન્દુસ્તાનની એક તાકતવર પ્રજા અનામતની ભીખનો ટૂકડો ચાટવા નીચતાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગઈ.
જાટ તોફાનો જોઈને હરખાતા અને ગુજરાતના પાટીદારોને ઉશ્કેરતા ઉછાંછળા પટેલનેતાઓ ચેતે. સમજે કે પાટીદારો ‘જાટ’ જેવા નથી. પાટીદાર એ એવી પ્રજા છે કે જેણે અમદાવાદના તોફાનમાં જ્યારે ટ્રેન અટકાવી ત્યારે બળાત્કાર નહોતા કર્યા પણ મુસાફરોને નાસ્તો-પાણી કરાવેલા અને એક બીમાર કે ગર્ભવતી મહિલાને શીરો આપ્યો હોવાની કે તબીબી સહાયમાં મદદ કરી હોવાની ઘટના પણ અખબારોના પાને નોંધાયેલી છે. માટે પાટીદારો યાદ રાખે કે જો ખમીર, ખુમારી અને ખાનદાની ગુમાવીને મળવાની હોય તો અનામત પણ ‘જાટ’ બરાબર!