TUSHAR DAVE·WEDNESDAY, 28 JUNE 2017
પેટા : એ યુનિવર્સિટીની તમામ યુવતીઓના ચરિત્ર પર શંકા કરતી મજાક હરગિઝ ન હોઈ શકે. ન થઈ શકે. ન થવી જોઈએ. ન ચલાવી લેવાય.
વ્યંગ મારો પ્રિય સાહિત્યપ્રકાર છે. વનલાઈનર્સ મારવા મને ગમે છે. એક આખો ધીરગંભીર અને અભ્યાસપૂર્ણ લેખ ન કરી શકે એટલી ચોટ ક્યારેક એક ચોટડૂક વનલાઈનર કરી જતુ હોય છે. આ એક અઘરો કસબ છે. જે દરેક હસ્તગત ન કરી શકે.
કોઈ ગંભીરતા અને સજ્જતા વિના દરેક વિષય પર ઠોકમઠોક કરે તો એનું પરિણામ વાંદરાએ કરેલા વાયરિંગ જેવું આવે. આવા જ બે-ચાર વાનરછાપ વાયરિંગ જેવા જોક્સ આજ-કાલ વોટ્સએપ પર વાયરલ થઈ રહ્યાં છે. જે આઘાતજનક છે. એ ભદ્દા જોક્સનો વિષય છે પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ. આઈ રિપિટ પારુલ યુનિવર્સિટી નહીં પણ એ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ. (અને પૂર્વ વિદ્યાર્થિનીઓ.)
ત્યાં હજ્જારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે. એમના વિશે વિચારો, એમની માનસિક સ્થિતિ વિશે વિચારો. ત્યાં જે યુવતીઓ ભણે છે એમના માતા-પિતા, ભાઈ-બહેન અને અન્ય પરિવારજનોની સ્થિતિ વિશેનો જોક ફોર્વર્ડ કરતા પહેલા એ લોકો વિશે જરા વિચારો તો ખરા.
કોઈ કવિએ સરસ લખ્યું છે કે-
“નગ્ન જણાતાં હતાં ટોળે વળેલા લોક સૌ, એક ઓરતના વસ્ત્રો જ્યારે તાર તાર હતાં”
એ ગંદા વનલાઈનર્સ કે જોક્સ ફોર્વર્ડ કરતા પહેલા કે ગ્રૂપમાં આવેલા પારુલ યુનિવર્સિટીના કોઈ જોક પર ઉંધુ ઘાલીને સ્માઈલિઝ ઠોકતા પહેલા એક સેકન્ડ માટે કલ્પના કરી જોજો કે ત્યાં તમારી બહેન કે બેટી ભણી રહી છે અને ઈશ્વરના સોગંદ ખાઈને ખરેખર ભણી જ રહી છે. (બીજુ કશું જ નથી કરી રહી.) આ વોટ્સએપિયા-ફોર્વર્ડિયા કલ્ચરમાં પણ તમારામાં જો થોડી સંવેદના જીવંત હશે તો એટલી કલ્પના માત્રથી મોબાઈલ વાઈબ્રેટ મોડમાં નહીં હોય તો પણ તમારી આંગળીઓ થથરી ઉઠશે.
અરે એમ તો અનેક મોટી યુનિવર્સિટીમાં કોઈને કોઈ ઠર્કકણીયો પ્રોફેસર કે સંચાલક મળી આવશે ને આંગળીના વેઢે ગણાય તેટલી પીડિતા કે શોર્ટકટ શોધતી યુવતીઓના છાના કે જાહેર કિસ્સા મળી આવશે તો શું તમામ યુનિવર્સિટીઝની તમામ યુવતીઓને બદનામ કરી મુકશો? દરેકેદરેક પર જોક્સ ફરતા કરશો?
સોશિયલ મીડિયામાં કેટલાક લોકો વ્યંગની ઉચ્ચકક્ષાની કલાને અભડાવી રહ્યાં છે. બેધારી તલવાર જેવું આ શસ્ત્ર કેટલાક માંકડાઓના હાથમાં આવી ગયું છે. તેઓ તમામ કરંટ અફેર્સ પર ચીપ ચબરાકીયા સોશ્યલ સાઈટ્સ પર રમતા મુકી દે છે. દેશની દરેક ઘટના અને દરેક સમસ્યા તેમના માટે માત્રને માત્ર હાસ્યનો વિષય છે.
થોડા સમય પહેલા હેમા માલિનીનો અકસ્માત થયો તો વોટ્સએપ પર મેસેજ ફરતા થયા કે, ‘બસંતી ફિર એક બાર ઘાયલ ઈસ બાર ટાંગે સે નહીં કાર સે.’ તો વળી કોઈએ લખ્યું કે, ‘બસંતી કે લિયે ધન્નો હી ઠીક થી, મર્સિડિઝ કે ચક્કર મેં માથા ફૂટ ગયાં.’ અરે યાર કોઈનો અકસ્માત થયો હોય એને ઈજા પહોંચી હોય એ મજાકનો વિષય છે?
ફટાફટ ફોર્વર્ડ થતા મેસેજીસની રેલમછેલમાં ક્યાંક એ અતિગંભીર મુદ્દો ચુકાઈ જાય છે કે કોઈ વાત પર કટાક્ષ કરી હસી લેવું એ અલગ વાત છે અને દરેક વાતે વાંકદેખા થઈ સટાયરના સૂરસૂરિયા કરે રાખવા એ જૂદી વાત છે. એવું કરવાથી નથી સમાજની સ્થિતિ બદલાવાની નથી તમારા કીધે સેકેલો પાપડ ભાંગવાનો. દરેકેદરેક વાતે બનતા જોક્સમાં ક્યાંક એ સુઝ ખોવાતી જાય છે કે કઈ વાતે મજાક થઈ શકે અને કઈ વાતો મજાકનો વિષય નથી. વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શનને તેના અનુષ્કા શર્મા સાથેના સંબંધો સાથે સાંકળીને જોક્સ બનાવી બે ઘડી હસી લેવુ ઠીક છે પણ નરી ઠઠ્ઠા મશ્કરીમાં એ ન ભુલાવુ જોઈએ કે, જોક્સ બરાબર છે પણ કોહલીના ખરાબ પ્રદર્શન માટે માત્રને માત્ર અનુષ્કા જવાબદાર ન હોઈ શકે કે અનુષ્કાને જવાબદાર ન ઠેરવી શકાય. દરેક વ્યક્તિની પોતાની એક પર્સનલ લાઈફ હોય જ છે. દેશ વતી રમતા ક્રિકેટરને ગર્લફ્રેન્ડ રાખવાનો અને તેની ગર્લફ્રેન્ડને તે રમતો હોય એ મેચ જોવાનો એટલો જ અધિકાર છે જેટલો દેશના અન્ય નાગરિકોનો છે.
પારુલ યુનિવર્સિટીના મામલે આઈ સ્ટ્રોંગલી બિલિવ ધેટ કે જયેશ પટેલનું વ્યક્તિગત ચરિત્ર વ્યંગનું પાત્ર બની શકે. પેલી રેક્ટરની પણ ટીકા થઈ શકે. પારુલ યુનિવર્સિટીના મેનેજમેન્ટ કે તેની પોલીસીની ટીકા કે તેના પર વ્યંગ થઈ શકે. લેકિન, કિન્તુ, પરંતુ, બંધુ… એ યુનિવર્સિટીની તમામ યુવતીઓના ચરિત્ર પર શંકા કરતી મજાક હરગિઝ ન હોઈ શકે. ન થઈ શકે. ન થવી જોઈએ. ન ચલાવી લેવાય. મહેરબાની કરીને આવા મેસેજીસ ફરતાં બંધ કરો. ગ્રૂપમાં કોઈ મોકલે તો એને ચેતવણી આપો. અને આ મેસેજ વધુને વધુ લોકો સુધી પાસઓન કરો. આ આર્ટિકલ શેર કરવાની અને કોપી પેસ્ટ કરવાની પણ છૂટ. કારણ કે, આ ખોટો દાખલો બેસી રહ્યો છે. જો આ અટકશે નહીં તો જ્યાં અને જ્યારે પણ કોઈ શિક્ષણક્ષેત્રે આવી અપવાદરૂપ ઘટના બનશે ત્યાંની યુવતીઓને બદનામ કરતા જોક્સ ફોર્વર્ડ કરવાનો બદમાશ શિરસ્તો બની જશે.
ફ્રી હિટ:
વોટ્સએપ વાલોઓઓઓ….સુધર જાઓ સાલોઓઓઓ…. નહીં તો વોટ્સએપનું પણ સેન્સર બોર્ડ બનાવી ચાર્જ પહેલાજ નીહલાણીને સોંપી દેવાશે. (લખ્યા તા. 27 જૂન 2016)