(નોંધ: આ લેખની સલાહો પર અમલ સ્વખર્ચે અને સ્વજોખમે કરવો. અમલ કરવા જતા જે કંઈ પણ પરિણામ આવે તેની જવાબદારી લેખકની રહેશે નહીં. આ લેખના વિચારો સાથે તંત્રી તો ઠીક ખુદ લેખક પણ સહમત નથી. લેખ અંગેના અભિપ્રાયો ગાળો સિવાયના કોઈપણ ખાદ્યપદાર્થ સાથે લખી મોકલવા.)
ભારતના વિકાસમાં આપનો ફાળો કેટલો? એવું જો તમે મને પુછો (જો કે, તમે કોઈને નહીં ને મને એવું પુછો એવા અક્કલમઠ્ઠા નથી, બુદ્ધિશાળી વાચક છો માટે ન જ પુછો. પણ છતાંય ધારો કે પુછો) તો હું તરત જ જવાબ આપી શકું કે, સલાહ આપવા જેટલો.
દેશના વિકાસ માટે હું જેને ને તેને છાસવારે સલાહો આપતો ફરું છું. કારણ કે, સલાહ આપવાને હું મારો જન્મસિદ્ધ અધિકાર માનુ છું. આ દુનિયાની નાદારી (સોરી, દુનિયાદારી)ને હું ઈમાનદારીથી સમજુ છું. અને દુનિયાદારી એ છે કે, જ્યાં કશુ જ ન આપી શકો તેમ હો ત્યાં સલાહો આપવી. આપણું ખાતુ તો ભા’આય એવું કે સોનિયા ગાંધીથી માંડીને સચિન તેન્ડુલકર અને ઓબામાથી માંડીને મનમોહનસિંહ સુધીનાઓને આપવા માટે સારી સારી કાં તો નઠારી (એ તો જેવા જેના નસિબ અથવા જેવો તુષાર દવેનો મૂડ) સલાહો આપણી પાસે હંમેશા હાજર સ્ટોકમાં જ હોય છે. આ બધાએ ક્યારે શું કરવું જોઈએ અને ક્યારે શું ન કરવું જોઈએ? એની આપણને ખબર પડે હો! ખાલી મારે પોતાને જ શું કરવું એની ખબર ન પડે તેથી જ હાલ પૂરતો તો હાસ્યલેખો ઢસડું છું.
પ્રથમ ફકરાના પ્રથમ કૌંસમાં પેલું બુદ્ધિશાળી વાચકો જેવું કંઈક લખ્યું એ અંગે ચોખવટ કરી દઉં કે, આ હાસ્યલેખ છે તેથી એવું કંઈ ગંભીરતાથી લેવું નહીં. એ તો વાચકોને મસ્કો મારવાનો નમ્ર પ્રયાસ હતો, જેની નોંધ લેવી.
લેખનું ટાઈટલ વાંચીને તમારામાંથી અમુક તો પુછશે પણ ખરા કે તુષાર કુમાર, પ્રપોઝ કરવાના તમને એવા તે કેવા’ક અનુભવો છે તે અમને સલાહો દેવા હાલી નીકળ્યા છો? ટાઢા પડો રિડર બિરાદર, ટાઢા પડો. અમે તો લેખક કે’વાય. અમે તો યુદ્ધ ઉપર પણ લખીએ. તો શું અમને યુદ્ધો કરવાના અનુભવો હોય એ જરૂરી છે? લેખકો વિશ્વયુદ્ધો પર લેખો લખે પણ એમના અનુભવો અને લાયકાત પત્ની સાથેના ગૃહયુદ્ધ કરતા વધારે ન હોય. અપવાદોને બાદ કરતા અમારા લેખકોના શરીર જ એવા હોય છે ને કે વિશ્વયુદ્ધ તો દૂરની વાત છે પણ ટ્રાફિકમાં વાહન અડી જવાના મુદ્દે રસ્તા પર યુદ્ધ કરવું પણ પોસાય નહીં.
ગુજરાતીમાં અનુભવ અને તાલિમના અભાવે પ્રેમના વિષયમાં જેટલુ ખેડાણ થયું છે તેટલુ પ્રેમના રજિસ્ટ્રેશન સમા પ્રપોઝના વિષયમાં થયુ નથી. પ્રેમ આવો હોયને પ્રેમ તેવો હોય, સાચો પ્રેમ ને ખોટો પ્રેમ, પ્રેમની અનુભુતિ, પુરૂષનો પ્રેમ ને સ્ત્રીનો પ્રેમ, પ્રેમની પરિભાષા, પ્રીતની પરાકાષ્ઠા જેવા લવારાઓ ઝીંકે રાખનારાઓ પ્રેમની ઉદ્દઘાટન વિધિ જેવા પ્રપોઝ વિશે કંઈ જ માર્ગદર્શન આપતા નથી.
‘કરોડપતિ બનો’, ‘રોડપતિ બનો’, ‘રૂપિયા કમાવાના એક લાખ રસ્તાઓ’, જેવા નામના એક શોધતા હજાર પુસ્તકો મળી રહેશે પણ, ‘પ્રપોઝની પચાસ હજાર રીતો’, ‘પ્રપોઝ કરતા શીખો’, ‘પ્રપોઝના પચ્ચીસ હજાર પ્રયત્નો’, ‘પ્રપોઝ કેવી રીતે કરશો?’ એવા નામના પુસ્તકો કોઈ લખતુ નથી. આટલા ગંભીર પ્રશ્ને કોઈ જ માર્ગદર્શન નહીં? સોચો ઠાકુર…બહોત નાઈન્સાફી હૈ… તેથી જ આજે મેં પ્રપોઝ કરવા પર સલાહો આપવાનો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે.
પ્રપોઝ કરતા પહેલા એકવાર અરીસામાં મોઢું જોઈ લેવું પણ હિતાવહ છે. જો મારા જેવું હોય, મતલબ કે અરીસામાં જોતાવેંત મોંમાંથી ચીસ નીકળી જતી હોય, ઉબકા આવવા માંડતા હોય, નખ કરડી ખાવાની ઈચ્છા થતી હોય, અરીસાને જ ભડાકે દેવાનું શુરાતન ચડી જતુ હોય, અહીં લખી ન શકાય તેવી ગાળો સુઝવા માંડતી હોય, અરીસામાં જ મોંઢુ પછાડી પછાડીને નાક ફોડી લેવાની તમન્નાઓ જાગૃત થતી હોય, ઘરના બધા જ અરીસાઓનું આજી ડેમમાં વિસર્જન કરી આવવાના જનૂન ઉપડતા હોય તો આ પ્રપોઝના પ્રયોગો માંડી વાળજો ભૈ’સાબ. તમારો પ્રેમ આંધળો હશે પણ તમે જેને પ્રપોઝ કરવા ઈચ્છો છો તે નંગ તો આંધળી નહીં હોય ને? અને આજકાલ તો આંધળીઓને પણ આમિર ખાન મળી રહે છે. કાં, ‘ફના’ નથી જોયું? હેં? મેં પણ નથી જોયું હોં. કહે છે કે, મારા ઘરે નર્મદાનું પાણી આવે છે.
પ્રપોઝ સામાન્ય રીતે બે પ્રકારના થાય છે. એક છોકરો છોકરીને કરે તે અને બીજુ છોકરી દ્વારા છોકરાને કરવામાં આવે તે. વિશ્વમાં આ બે સર્વ સામાન્ય પ્રકાર સિવાયના પણ બીજા બે પ્રકારો વિકસુ વિકસુ થઈ રહ્યા છે. પણ ભારતમાં એ નવવિકસીત પ્રકારો અંગે ભારે વિવાદો ચાલે છે. મને સળગતામાં હાથ નાખવાનો શોખ ખરો પણ પોલીસ પકડી જાય એ હદનો નહીં! તેથી અત્યારે આપણે પ્રથમ બે પ્રકારો અંગે જ ચર્ચા કરીશું.
છોકરા દ્વારા છોકરીને કરવામાં આવતા પ્રપોઝને ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે, છોકરી પ્રપોઝ કરતી હોય કે પાણીપુરીવાળા ‘ભૈયા’ પાસે એક મસાલાવાળી એકસ્ટ્રા માંગતી હોય કંઈ ખાસ ફર્ક લાગે નહીં! મજા ના આવે યાર… જો કે, છોકરાઓમાં પણ અમુક ગડબાઓ એવા જોવા મળે છે કે, પ્રપોઝ કરે છે કે અંબે માંનો પ્રસાદ માંગે છે એ જ સમજાય નહીં. છોકરાઓમાં એક વર્ગ એવો પણ જોવા મળે છે કે જેઓ ‘કર્મ કીએ જા ફલ કી ચિંતા મત કર એ ઈન્સાન, યે હે ગીતા કા જ્ઞાન…’ના સિદ્ધાંતને અનુસરી જે મળે તેને કોઈપણ જાતના ભેદભાવ વગર પ્રપોઝ કર્યે જ રાખતા હોય. જ્યાંથી ‘હા’માં જવાબ આપવાની જરાય શક્યતા ન હોય ત્યાં પણ પ્રપોઝ કરી આવે. કારણ કે, તેમને ‘હા’ કરતા પણ વધુ કર્મના સાહસ એટલે કે પ્રપોઝમાં જ રસ હોય, એમાં ન કરે નારાયણને કો’ક દિવસ કોઈ અભાગણી ભુલેચૂકેય ‘હા’ પાડે તે દિવસે આ વર્ગના પ્રેમસાધકોને એક માઈનોર હાર્ટએટેક આવ્યા વિના રહેતો નથી.
પ્રપોઝ કરવાનો ટારગેટ શક્ય તેટલો વધુ કોલેજકાળમાં જ પૂરો કરી લેવો, કારણ કે આવા ચાન્સ ના તો પહેલા ક્યારેય મળ્યા’તા અને ભવિષ્યમાં પણ મળવાની ખાસ શક્યતાઓ નહીં. તમે નહીં માનો પણ અમુકને તો મેં કોલેજમાં માત્ર ભણવા માટે જ જતાં જોયા છે! કોલેજે જઈને રીતસર ભણતા જ હોય બોલો! હવે તમે જ કહો કોલેજમાં જઈને કંઈ ભણવામાં ટાઈમ વેસ્ટ કરવાનો હોય? હા, કોલેજ સુધી ધક્કો ખાધો જ હોય તો વળી એકાદ લેકચર ભણી પણ લઈએ એ તો જાણે ઠીક છે સમજાય પણ, સ્પેશિયલ ભણવા માટે જ જવાનુ? યે બાત કુછ હજમ નહીં હુઈ… છેલ્લા પંદર સોળ વર્ષથી તો ભણીએ જ છીએ ને હજી પણ ભણે જ રાખવાનું?
પંદરેક વર્ષ ઢસરડો કરીને બાર પાસનું સર્ટિફિકેટ મેળવ્યું હોય અને એ સર્ટિફિકેટના આધારે તમને ક્યાંય નોકરો મળે એમ પણ ન હોય, તેમજ એને તમે રવિવારીમાં વેચવા જાવ તો પણ તેનું કંઈ ઉપજે તેમ ન હોય એ તો ઠીક પણ ‘બારમા’ની માર્કશીટ મેં ચાવાળાને બતાવીને અડધી ચા ઉધાર માંગી જોઈ પણ એય ના મળી તે દિવસે મને સંસાર પ્રત્યે વૈરાગ જાગી ગયો કે, સાલી પંદર વર્ષની મહેનતની કોઈ જ વેલ્યુ નહીં? છતાં સિસ્ટમમાં વિશ્વાસ રાખીને આગળ ભણે જ રાખવાનું? તમે નહીં સુધરો હો. અરે, પંદર વર્ષ આમ બગાડ્યાં એના કરતા પંદર વર્ષ સુધી રોજ સવારે વહેલા ઉઠીને પાકિસ્તાનમાં એક પથ્થરો નાખી આવ્યા હોત તો અત્યાર સુધીમાં પાકિસ્તાનેય તમારાથી કંટાળીને શરણે ના આવી ગયું હોત? ના ના તમે જ કહો ખોટી વાત છે મારી? ખોટી જ છે ને હવે, પાકિસ્તાનમાં ઘા જ કરવો હોય તો પથ્થર જેવી, હાથમાં ન ઉપાડો ત્યાં સુધી નિર્દોષ રહેતી ચીજ શા માટે? ગોતી ગોતીને દેશના ભ્રષ્ટ અને પાકિસ્તાનપ્રેમી નેતાઓનો જ ઘા ન કરી અવાય? આ તો ભણવામાં જ ભારત પાછળ રહી ગયું!
હાલો ભણ્યા એનો તો વાંધો નહીં પણ એમાંથી કશું શીખવાનું પણ નહીં? પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’, માધવની ‘રૂપસુંદર કથા’, કાલિદાસની ‘અભિજ્ઞાન શાંકુતલ’ અને ‘વિક્રમોવર્શીયમ’ જેવી પ્રેમકથાઓ, ‘નળ અને દમયંતી’ની પ્રેમકથાઓ, ‘શૃંગારશતક’ના રચયિતા ભતૃહરી વગેરેને ભણી ભણીને ઉંધા વળી ગયા હોવા છતાં બીજાની પ્રેમકથાઓ ભણવા કરતા પોતાની જ પ્રેમકથા સર્જીને જાતે જ ભણી લેતા તમને ન આવડે તો યુનિવર્સિટી બીચારી પછી કેટલુક કરે? ભણવામાં ધ્યાન રાખ્યું હોત તો મારા જેવાની આવી સાવ ફાલતુ સલાવો વાંચવાના દા’ડા આવ્યા હોત?
જુઓ, કોલેજમાં જ્યારે પણ કોઈને પ્રપોઝ કરવાનું (કેટલાક લોકો પ્રપોઝ કર્યુની જગ્યાએ પ્રપોઝ માર્યુ પણ કહે છે સંસ્થા એ વાતે ઘોદે ચડી છે કે પ્રપોઝ કર્યુ કહેવાય કે પ્રપોઝ માર્યુ કહેવાય?) નક્કી કરો ત્યારે યાદ રાખો કે તમે પ્રપોઝ કરવા જઈ રહ્યા છો પાણીપતનું યુદ્ધ જોવા નહીં. આમ આખ્ખા ગામને કે કે નહીં કરવાનું કે, પેલી પિન્ક ડ્રેસવાળી પીન્કી તારી ભાભી થાય. ન કરે નારાયણને પેલી ના પાડી દે તો તમારો ફિયાસ્કો થાય કે નહીં? અને એક મહત્વનો સિદ્ધાંત યાદ રાખો કે જે છોકરીને તમે પ્રપોજ કરવા કે (મારવા) જઈ રહ્યા છો તેનું નામ પણ તમને ખબર નહીં હોય તો ચાલશે પણ તેના ફેમિલિ બેકગ્રાઉન્ડ વિશે રજેરજની માહિતી મેળવી લેવી અને પોતાની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવો. આ સિદ્ધાંત ભુલી જનારા પ્રપોઝકારોના ભુતકાળમાં ખુબ જ ભુંડા હાલ થયા હોવાનું ઈતિહાસકારો નોંધે છે.
પ્રપોઝ કરવા માટેના સ્થળની પસંદગી કરવામાં પણ સાવચેતી રાખવી. સ્થળની પસંદગીમાં થાપ ખાઈ ગયા તો પણ ઈતિહાસમાં નામ લખાવાની શક્યતાઓ પૂરે પૂરી! શક્ય હોય ત્યાં સુધી ઓછી પબ્લિકવાળુ સ્થળ પસંદ કરવું. તમારે પ્રપોઝ કરવાનું છે તમારો શપથગ્રહણ સમારોહ નથી કે પબ્લિકની જરૂર પડે. આ તો મને તમારી ચિંતા થાય એટલે કહું છું બાકી ભોગ તમારા…
મિશન પ્રપોઝ માટે સમય પણ કંઈક ઢંગનો પસંદ કરવો હો. એટલે ચોઘડીયા નહીં જોવાના પણ તમે ઉનાળામાં ખરાબપોરે બે વાગ્યે પ્રપોઝ કરવા જાવ તો કાળી કૂતરીયે ‘હા’ ન પાડે અને આ પ્રપોઝવિધી જો રાજકોટમાં કરવાની હોય તો બપોરે જરાય નહીં. રાજકોટમાં તો બપોરે પોઢી જવાનો રિવાઝ છે. અહીંની છોકરીઓ ખરા બપોરે પ્રપોઝ કરે તો રજનીકાંતને પણ ના પાડી દે. (આ પેલા રાજકોટમાં બપોરે રજનીકાંત માટે પણ દુકાન ન ખુલેવાળા બહુ ચાલેલા જોક્સનું લેટેસ્ટ વર્ઝન છે.) કાળઝાળ તડકામાં પ્રપોઝ કરવા હાલી નીકળો એ ન ચાલે. હિન્દી ફિલ્મીગીતોમાં પ્રેમના કારણે રાતોની જ નીંદ હરામ થવાના ઉલ્લેખો છે બપોરની નહીં. ‘યાદ મેં તેરી જાગ જાગ કે હમ, બપોરભર કરવટે બદલતે રહે…’ એવું ક્યાંય સાંભળ્યું? બપોરે તો ઘસઘસાટ ઘોરી જ જવાનું જેથી રાતે પેલીની યાદમાં પડખા ઘસતા ફાવે.
છેલ્લે એક સોનેરી સલાહ કે મારી સલાહો કદી માનવી નહીં બહુ હેરાન થશો. આ છેલ્લી સલાહ પણ… જે ભગવાન.