બાબા રામપાલની ખીરની ‘રેસિપી’ જાહેર થયા બાદ હરિયાણા અને હિસ્સારમાં હુલ્લડ જેવો માહૌલ છે. ચારેબાજુથી હૂહૂહૂહૂ….હોહોહોહો….ગરરરરર જેવા ચિત્ર વિચિત્ર કર્ણભેદી અવાજો આવી રહ્યા છે. ટૂથપેસ્ટ્સની ડિમાન્ડ રાતોરાત દોઢગણી થઈ ગઈ છે. ભૂતકાળમાં હોંશેહોંશે પ્રસાદ સમજીને જેને ચાટી ગયેલા અને માથે ચડાવેલી એ ખીરની રેસિપી જાણ્યા બાદ ભક્તો સતત કોગળા કરી રહ્યા છે. છીંકોટા નાખી રહ્યા છે. આખા શરીરની સિસ્ટમ વિખેરાઈ ગઈ છે. આંખો ચકળવકળ થઈ રહી છે. ભ્રમરો ભમેડે ચડી છે. એમના શરીરના અંગો પોતાની આઈડેન્ટિટિ ભુલી ગયા છે. કેટલીકની જીભ ફેફસાની જેમ ફૂલાઈ રહી છે તો કેટલાકના કાન જીભની જેમ લપલપી રહ્યા છે.
બાબાની ખીરનું કેસર જેમની દાઢે વળગેલુ એ લોકોને જબ્બર આઘાતના કારણે સોલ્લીડ તમ્મર ચડી રહ્યાં છે. એમને હવે એ પદાર્થ ખરેખર કેસર હોવા અંગે શંકા છે. લોકોની તો માત્ર દાનત જ ખોરી હોય બાબા રામપાલની તો ખીર પણ ખોરી નીકળી. જેમણે આ પ્રસાદની રેસિપી વિશે પહેલી વાર સાંભળ્યુ એ લોકો હવે ઉંઘમાં પણ ખીર ભાળી જાય તો બાબાને ટોપરા જેવડી સોપડાવવા લાગી જવાના. એ તારું નખ્ખોદ જાય બાબા…
બાબાના ભક્તોને હવે જ્યારે જ્યારે કોઈ ખીરનો કટોરો ધરશે ત્યારે ત્યારે સામે ઉઘાડા ડીલે બાબો ન્હાતો દેખાવાનો. બાબાના સ્થુળ દેહેથી વહેતી રજપ્રસ્વેદ મિશ્રિત દુગ્ધધારા નજર સામે તરવરવાની. ખીરમાં દૂધના આવા ખતરનાક પ્રયોગ વિશે સાંભળીને હિસ્સાર-હરિયાણા બાજુની તો ભેંસો પણ ભુરાઈ થઈ છે. જબરી વંઠી છે. કહે છે કે અમારા સમાજનો ચારો ચાવી જનારા લાલુ પ્રસાદ યાદવને એક સમયે છોડી દઈએ પણ બાબા રામપાલ કો ભેંસે માફ નહીં કરેગી…!
કહેવાય છે કે ‘ખતરો કે ખિલાડી’ની નવી સિઝનમાં બાબા રામપાલની ખીર પીવાનો ટાસ્ક આપવામાં આવશે. કેટલાક જાણકારોના મતે બાબાની ખીર ચાખી ગયેલાઓએ કોલગેટની બદલે હાર્પિકથી મોં સાફ કરવું જોઈએ. જોકે, કેટલાક હાર્ડકોર રેશનાલિસ્ટો તો કહે છે કે એસિડ ઢીંચી જાવ.