મિસ્ટર A આયુર્વેદવાળા…!
મિસ્ટર A : તમે એક કામ કરો મીઠા લીમડાની પાતળી ડાળ તોડી લાવો, એનાથી નાક ખોતરતા જાવ. જતી રહેશે.
મિસ્ટર B : BC, શું જતી રહેશે?
મિસ્ટર A : તમારી શરદી.
મિસ્ટર B : પણ મને ક્યાં શરદી છે જ?
મિસ્ટર A : હા, તો કંઈક તો હશે ને…તમે એક કામ કરો રોજ સવારે નરણા કોઠે એક ફાકડો મારતા જાવ.
મિસ્ટર B : પણ શેનો?
મિસ્ટર A : કાળા મરીનો. એનાથી સાફ થઈ જશે.
મિસ્ટર B : શુંઉઉઉઉ? શું સાફ થઈ જશે પણ?
મિસ્ટર A : હોજરી. તમારી હોજરીનો બધો કચરો સાફ થઈ જશે.
મિસ્ટર B : ચસકી ગયું છે તમારું?
મિસ્ટર A : શું?
મિસ્ટર B : કપાળ તમારું.
મિસ્ટર A : હા, તો તમે કપાળ પર ઠંડી મેશનો લેપ કરતા જાવ.
મિસ્ટર B : ઠંડી મેશ BC???
મિસ્ટર A : હા, મેશમાં ખાંડની ચાસણી ભેળવી એ દ્રાવણ ફ્રિજમાં મૂકી દેવાનું, ઠંડુ થઈ જાય પછી કપાળ પર એનો લેપ કરવાનો.
મિસ્ટર B : BC, મને કાળું કૂતરું કરડયું છે તો હું એવું કરું?
મિસ્ટર A : જો કૂતરું કરડયું હોય તો મેશના એ દ્રાવણમાં જે કૂતરું કરડયું હોય એની લાળ ભેળવી બે બે ટીપા ડુંટીમાં રેડતા રહેવાના.
મિસ્ટર B : એનાથી શું થશે?
મિસ્ટર A : એનાથી તમારા માથાનો દુઃખાવો મટી જશે.
મિસ્ટર B : પણ વાત તો કૂતરું કરડયાંની ચાલતી હતી ને?
મિસ્ટર A : પણ તો પછી તમારા માથાનું શું?
મિસ્ટર B : મારા માથાનું શું છે BC ?
મિસ્ટર A : દુઃખતું નથી?
મિસ્ટર B : ના, પણ તમારી સાથે વધારે વાર બેસીશ તો લાગે છે કે આધાશીશી થઈ જશે.
મિસ્ટર A : તો તમે એક કામ કરો. રોજ સવારે ઉઠીને નરણા કોઠે કાચો ભીંડો ચાટવાનું રાખો.
મિસ્ટર B : પણ ભૈ’શાબ તમારું આ બધું નરણા કોઠે જ કેમ હોય છે?
મિસ્ટર A : જમીને અડધો લિટર દૂધમાં લસણની બે કળી વાટીને ભેળવીને પીવાનું રાખો.
મિસ્ટર B : જમીને? પેટ ફાટી ના જાય ટોપા?
મિસ્ટર A : ના, પીને પછી મોંમાં બે આંગળી નાખીને વમન કરી નાખવાનું.
મિસ્ટર B : જો વમન જ કરવાનું હોય તો પીવું જ જખ મારવા જોઈએ?
મિસ્ટર A : એનાથી શું થશે કે આપણે પેલું દૂધમાં ભેળવેલું લસણ તમારા પેટનો બધો જ કચરો બહાર તાણી લાવશે.
મિસ્ટર B : પણ એનાથી સાથે જમેલું પણ બહાર ન નીકળી જાય? શું કામ લસણ ખાઈને મારી પાછળ પડી ગયા છો?
મિસ્ટર A : તમે સમજો. લસણ એન્ટિબાયોટિક કહેવાય. એમાં પેલો ગુણ રહેલો છે. લસણને આયુર્વેદમાં ફળોનો રાજા કહ્યો છે.
મિસ્ટર B : ફળોનો રાજા કેરી છે અને લસણ ફળ થોડું કહેવાય?
મિસ્ટર A : પણ તેનું સેવન ઉત્તમ ફળ આપે છે.
મિસ્ટર B : અરે BC નથી જોઈતું ફળ…પ્લીઝ તમારા આ આયુર્વેદિક અખતરાઓ મારા પર કરવાનું બંધ કરો.
મિસ્ટર A : બંધ કરું, પણ તમે પહેલા ચા બંધ કરી દો. તમારી એસિડિટી ગાયબ થઈ જશે.
મિસ્ટર B : પણ મને તો એસિડિટી છે જ નહીં.
મિસ્ટર A : એ તો તમને લાગે. વધતેઓછે અંશે એસિડિટી બધાને હોય. તમે એક કામ કરો, રોજ રાત્રે સૂતા પહેલા કારેલા સૂંઘતા જાવ.
મિસ્ટર B : પણ કેમ?
મિસ્ટર A : એનાથી તમને મચ્છર નહીં કરડે.
મિસ્ટર B : પણ મચ્છરને અને કરેલાને શું લેવા-દેવા?
મિસ્ટર A : કંઈ જ નહીં.
મિસ્ટર B : તો પછી તમે મને મચ્છર માટે કારેલાં સૂંઘવાનું કેમ કહો છો?
મિસ્ટર A : ના,તમે સમજ્યા નહીં. કારેલાં મચ્છરે નહીં તમારે સૂંઘવાના છે.
મિસ્ટર B : પણ હું મારી હમણાં કહું એ કરાવવા કારેલાં સુંઘુ?
મિસ્ટર A : તે તમને મચ્છર નથી કરડતાં?
મિસ્ટર B : કરડે છે ને.
મિસ્ટર A : તો પછી ઓલઆઉટ લગાવતા જાવને ?
મિસ્ટર B : તો તમે હમણાં કારેલાં સૂંઘવાનું કેમ કહેતા હતા?
મિસ્ટર A : કંઈ નહીં, એ તો બે ઘડી ગમ્મત. પણ તમારે રોજ રાત્રે પિત્તળની લોટીમાં પાણી ભરીને ડાબા ગાલ પર ઘસવાનો પ્રયોગ કરવા જેવો ખરો હોં.
મિસ્ટર B : કોઈ તાત્કાલિક પિત્તળની લોટી લાવો. હું એ આ લબાડના માંથામાં મારીશ. નીકળ, બહાર નીકળ ટણપા મારા ઘરમાંથી….#@$%*@&#%&%$@#&….
ફ્રિ હિટ :
He : રોજ સવારે બે લવિંગ વાટીને પેઢા પર માલિશ કરવાથી સાફ થઈ જશે.
She : પણ શું સાફ થઈ જશે?
He : એ યાદ નથી, તું લગાવતી જા ને કંઇકને કંઈક તો જરૂર સાફ થઈ જશે.
—