skip to Main Content

Tushar Dave - Journalist, Author

Bollywood

મુન્ના માઈકલ : મુન્ના સિર્ફ પીટતા હૈ ઓર આપ અપના સર પીટ લોગે!

July 23, 20171 second read

મુન્નાની વાર્તા બેક ડાન્સર માઈકલ(રોનિત રોય)થી શરૂ થાય છે. તિન બત્તી વિસ્તારમાં રહેતા બેક ડાન્સર માઈકલને ઉંમર વધી જવાના કારણે કાઢી મુકવામાં આવે છે, એ સમયે જ તેને કચરાના ઢગલામાંથી અનાથ મુન્નો(ટાઈગર) મળે છે. માઈકલની નામરજી છતાં મુન્નાને ડાન્સનું ઘેલુ વળગે છે, તેનો આદર્શ હોય છે માઈકલ જેકસન. ડાન્સના પેશનના કારણે દિલ્હી પહોંચેલા મુન્નાની મુલાકાત ગેંગસ્ટર મહિન્દર ફોજી(નવાજુદ્દિન સિદ્દીકી) સાથે થાય છે. ડાન્સર ડોલી(નિધિ અગ્રવાલ)ને ઈમ્પ્રેસ કરવા મહિન્દર મુન્ના પાસે ડાન્સ શીખવાનુ શરૂ કરે છે. આ દરમિયાન તે બંન્ને ગાઢ મિત્રો બની જાય છે. મુન્ના પણ મહિન્દરની મુલાકાત ડોલી સાથે કરાવવા પોતાનાથી બનતુ બધુ જ કરી છૂટે છે. એક તબક્કે મુન્ના અને ડોલીને પ્રેમ થઈ જાય છે અને વાર્તામાં ટ્વિસ્ટ આવે છે.
શબ્બીર ખાનનું ડિરેક્શન રેઢિયાળ છે. ડિરેક્ટર સતત ટાઈગરના ડાન્સ મુવ્સ અને તેના એબ્સને એનકેશ કરવાનો પ્રયાસ કરતા હોય એવું લાગ્યા કરે. ફિલ્મનો એક પણ ડાયલોગ યાદ રહી જાય એવો નથી. ‘મુન્ના ઝઘડા નહીં કરતા, મુન્ના સિર્ફ પીટતા હૈ’ જેવા સંવાદો મગજ પર હથોડા ઝીંકે છે ને તમે તમારું કપાળ કૂટી લો છો.
કહે છે કે, ટાઈગર શ્રોફ પોતાના એક્શન દ્રશ્યો જાતે કરે છે, બોડી ડબલનો ઉપયોગ કરતો નથી. પણ લાગે છે કે તેણે બોડી ડબલનો ઉપયોગ કરવો જોઈએ, એક્શન દ્રશ્યો માટે નહીં પણ ઈમોશનલ દ્રશ્યો માટે. જોકે, ડાન્સ માટે ટાઈગરે કરેલી મહેનત વખાણવી પડે. ઈલાસ્ટિકની જેમ વળતા બોડી સાથે ડાન્સમાં તે પાવરપેક્ડ પર્ફોર્મન્સ આપે છે. પહેલી હિન્દી ફિલ્મ કરી રહેલી નિધિ અગ્રવાલની એક્ટિંગ ‘દૂધમાં કાકડી’ જેવી છે. રોનિત રોય વેડફાયો છે અને નવાજુદ્દિન વેડફાયો છે એમ કહેવા કરતા તેનો દુરુપયોગ થયો છે એમ કહેવું વધારે યોગ્ય રહેશે. દરેક રોલમાં કંઈક નવું કરવા અને પડકારોને સ્વીકારવા ટેવાયેલા આ કલાકારે ડાન્સસભર રોલ સ્વીકારીને પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે પણ આટલુ નબળુ પાત્રાલેખન નવાજની એક્ટિંગ સ્કિલને લાયક નથી. ફિલ્મના ગીતો હિટ છે અને એક ડાન્સ ફિલ્મને અનુરૂપ છે. પ્રોબ્લેમ એ છે કે એક સારી ડાન્સ ફિલ્મની માફક ‘મુન્ના માઈકલ’ના ગીતો સ્ટોરીમાં વણાવાને બદલે અલગ પડી જાય છે.
ઓવરઓલ, ટાઈગર શ્રોફના પાવરપેક ડાન્સ મુવ્સ અને નવાજની એક્ટિંગ માટે ટી.વી. પર આવે ત્યારે એકાદી વાર ટાઈમપાસ માટે જોઈ શકાય. સિનેમાઘરમાં જઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. ફ્રિ હિટ :
આપણુ ઓડિયન્સ અને મેકર્સ બંન્ને બેકાર છે, આપણે ત્યાં ફિલ્મોના નામે બેવકૂફી ચાલી રહી છે. -તિગ્માંશુ ધુલિયા

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top