TUSHAR DAVE·MONDAY, 28 SEPTEMBER 2015
-ભડભડિંયા અરવડિયા પર કાનૂનનો ભરડો: દેર આયે દુરસ્ત આયે: સોશ્યલ મીડિયા કોઈના મનોમૈથુનના સ્ખલન માટે નથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વડાપ્રધાન મોદી અને અમીત શાહ સહિતના નેતાઓને અશ્લિલ શબ્દો બોલવા તેમજ સમાજમાં વર્ગવિગ્રહ સર્જે તેવી ઉશ્કેરણીજનક ભાષામાં ઓડિયો-વીડિયો ક્લિપ બનાવી ફરતી કરનારા મોરબીના નિલેશ અરવડિયાની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે અને તેમની સામે રાજદ્રોહ સહિતના ગુનાઓ નોંધવાની તજવીજ હાથ ધરી છે. એ માણસનો મેં 25 ઓગષ્ટ પહેલા ટેલિફોનિક ઈન્ટરવ્યૂ કરેલો. જેની ઓડિયો ક્લિપ અહીં મુકી રહ્યો છું. મેં તો એ ઈન્ટરવ્યૂમાં જ એને સોયઝાટકીને મોઢામોઢ ચોપડાવેલુ કે, જેને એકઝેટલી ઉશ્કેરણીજનક કહી શકાય એ કેટગરીમાં તમારી ક્લિપ આવે છે. તમારી ક્લિપ ગુજરાતમાં તોફાનો કરાવી શકે. જો આ પોલીસ પાસે પહોંચે તો પોલીસ તમારી સામે એકશન પણ લઈ શકે. મેં એને સ્પષ્ટ શબ્દોમાં પૂછેલુ કે, આનાથી ગુજરાતમાં તોફાનો થાય તો જવાબદારી કોની? શું હવે પછી ગુજરાતમાં તોફાનો થાય તો એની જવાબદારી નિલેશ અરવડિયાની? એવો સીધી અણીનો સવાલ પણ પૂછેલો. એના જવાબમાં તેઓશ્રી છોભીલા પડીને ખી…ખી…ખી… કરતા કહે કે, ના ના મારી જવાબદારી શેની? ક્લિપમાં ગુજરાતમાં બસો સળગાવવા, નેશનલ હાઈવેઝ ખોદી નાખવા અને રેલવેના પાટા ઉખાડી નાખવાની હાકલો કરનારા એ માણસને બે-ત્રણ આકરા પ્રશ્નોથી જ અકડામણ થઈ આવેલી. અને મેં જ્યારે કહ્યું કે, હું આ લખું છું. ત્યારે તો વન્સ અગેઈન ‘તમે મારો કહેવાનો મતલબ સમજજો’ એવા ખુલાસા કરવા મંડી પડેલા. એસીબીમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી મિત્ર-વડિલ Krishnkumar Gohil તેમજ કેટલાક પત્રકાર મિત્રોને તો ખબર જ છે કે, મેં પોતે જ એની ઉશ્કેરણીજનક ક્લિપ્સ અને મેં કરેલા એના ઈન્ટરવ્યૂની ક્લિપ કેટલાક પોલીસ મિત્રોને મોકલી આપેલી. ઈન્ટરવ્યૂ કર્યા બાદ એ વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ હેતુ સાથે એના શબ્દોની ગંભીરતાનો અંદાજ આપતા ન્યુઝ પણ લખેલા. ઈરાદો એક જ હતો કે એ માણસ શક્ય એટલી ઉતાવળે જેલભેગો થવો જોઈએ. આવા વ્યક્તિઓ સમાજ અને સમાજની શાંતિ માટે ભયંકર હદે જોખમી છે. જેણે જેણે નિલેશ અરવડિયાની ક્લિપ્સ સાંભળી હશે એ તમામ વ્યક્તિ મારી આ વાત સાથે સહમત થશે. પોલીસતંત્ર દ્વારા નિલેશ અરવડિયા સામે પૂરાવો મજબૂત બનાવવા વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી કરવામાં આવેલી. એ જ રીતે નિલેશ અરવડિયાના ઈન્ટરવ્યૂ પહેલા એ ક્લિપ એની જ છે એ પૂરાવો મેળવવા મેં પણ એક દાવ કરેલો. શંકા એ હતી કે જો મીડિયા તરીકે સીધો જ કોલ કરવાથી કદાચ ઓળખ છતી થવાના ડરે એ વ્યક્તિ એ ક્લિપ પોતાની હોવાનો ઈનકાર કરી દે તો? માટે એક વ્યક્તિને ડમી પાટીદાર આંદોલન સમર્થક બનાવી નિલેશ અરવડિયાને કોલ કરાવેલો. જેમાં એનું સમર્થન અને વાહવાહી કરી એ ક્લિપ એની જ હોવાનું તેમજ તેની ઓળખની તમામ વિગતો એના જ મોઢે બોલાવડાવી કોલ રેકોર્ડ કરી લીધેલો. પછી મેં એઝ એ મીડિયા પર્સન કોલ કરેલો. હા, એની સામે કાર્યવાહી થોડી મોડી થઈ છે. ખેર, દેર આયે દુરસ્ત આયે. કાર્યવાહી તો થઈ અને એક દાખલો તો બેઠો કે સોશ્યલ મીડિયા પર તમે ગમે તેમ ભરડી નાખો તો તમને કોઈ કંઈ કહેશે નહીં એવું બિલકુલ નથી. યસ, આ કાર્યવાહી થોડી મોડી પડી છે. થોડા સમય પહેલા ગુજરાતમાં આતંકવાદીઓ-લૂંટારાઓ ફરે છે એ અફવા સોશ્યલ મીડિયા પર ફેલાવનારાઓ સામે પણ પોલીસે સારી કાર્યવાહી કરેલી. એ પણ થોડી મોડી પડેલી. ત્યાં સુધી અફવાના કારણે ગામડાંઓમાં બે-એક લાશો ઢળી ગયેલી. એ સમયે પણ સોશ્યલ મીડિયા પર અફવાઓ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવી ખુબ જરૂરી બની ગયેલી. મેં પોલીસદમન અને #netbanના વિરોધમાં ઘણુ લખ્યું છે. જ્યારે પણ લખુ ત્યારે કેટલાક મિત્રો એવી પ્રતિક્રિયા જરૂર આપતા કે પોલીસદમન કરે છે પણ ટોળાંએ તોફાન કર્યા એનું શું? ઈન્ટરનેટના કારણે તોફાન ફેલાય છે એનું શું? કોઈ વળી એવા આક્ષેપો પણ કરતું કે તમે પોલીસદમન અને નેટબેનનો વિરોધ કરો છો પણ તોફાનીઓની વિરૂધ્ધ નથી સ્ટેન્ડ લેતા. એવા લોકો માટે જ ખાસ આ પોસ્ટ મુકી છે. તોફાનો, હિંસા કે અફવા ફેલાવનારાઓનું સમર્થન હોઈ જ ન શકે. એમની સામે કાર્યવાહી થવી જ જોઈએ. અને એ થાય એ માટે લખ્યું પણ છે અને એ દિશામાં કામ પણ કર્યુ જ છે. નઠારા તત્વો સામેની કાર્યવાહી માટે કાયમ પોલીસનું સમર્થન જ હોય. પોલીસદમન અને નેટબેનનો વિરોધ એ મુદ્દા જુદા છે. પોલીસ કાર્યવાહી અને પોલીસદમનમાં ફરક છે. વિરોધ પોલીસદમનનો હોય પોલીસ કાર્યવાહીનો નહીં. પોલીસદમનનો તો વિરોધ હતો અને છે જ. નેટબેનનો મુદ્દો પણ અલગ છે. સોશ્યલ મીડિયા પર ફેલાતી અફવાનો વિરોધ અને એ ફેલાવનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ. એવા તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ. એવા તત્વો પકડાઈ જાય અને તેમની સામે કડક કાર્યવાહી થાય એવી સિસ્ટમ ઉભી થવી જોઈએ. નેટબેન એ ઈલાજ નથી. નેટબેન અને પોલીસદમનના વિરોધમાં મારું સ્ટેન્ડ એ જ છે, જે હતું. હા, હિંસાને કદી સમર્થન ન હોય. વિસનગરની એક ઘટનાને બાદ કરતા ગુજરાતમાં મોટાપાયે હિંસા 25 ઓગષ્ટથી શરૂ થઈ. મેં તો એ પૂર્વે છેક 10 ઓગષ્ટે જ હિંસાના વિરોધમાં લખેલુ કે, પટેલ અનામતના આંદોલનકારીઓ આજે ‘ગુર્જરવાળી’ કરવાની ધમકીઓ આપે છે. કારણ કે, આપણા દેશના રાજકારણીઓ એ જ લાગના છે. એમણે રાજસ્થાનમાં ‘ગુર્જરવાળી’ થવા દીધી ત્યારે આજે એવું કરવાની ધમકીઓ મળી રહી છે ને? રાજસ્થાનમાં ભાજપની જ વસુંધરા સરકારે ગુર્જરો સામે ઢીલ મુકી ત્યારે મે મહિનામાં જ મેં લખેલું કે, આ ખોટો દાખલો બેસી રહ્યો છે. જેના પર રાજદ્રોહ અને અટેમ્પ્ટ ટુ મર્ડર સુધીના મામલા નોંધાયા છે તેવા ગુર્જર આતંકવાદના (સોરી, આંદોલન બહુ પવિત્ર શબ્દ છે.)ના મુખ્ય સુત્રધાર કર્નલ કિરોડીસિંહ બૈંસલાને જેલભેગો કરવાને બદલે રાજસ્થાનની વસુંધરા સરકાર ઘુંટણીયે પડી ગઈ છે. રાજસ્થાન સરકાર બ્રિટિશરાજે ખાનગી સૂચિમાં જેમને ગુનેગાર કોમ તરીકે મુક્યા હતા તે ગુર્જરોને 5 ટકા અનામત આપવા તૈયાર થઈ ગઈ છે ત્યારે નાગાની પાંચશેરી ભારે એ કહેવત વધુ એક વાર સાચી સાબિત થઈ રહી છે. મેં ભારપૂર્વક લખેલું કે, ગુર્જરો સામે નમી જવાથી વધુ અનામત ઈચ્છતી દેશની અન્ય જાતિઓમાં એક ખોટો મેસેજ જશે કે, જો તમે દિવસો સુધી હાઈવેઝ અને રેલવે ટ્રેક્સ જામ કરી સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન અને રેલવેને કરોડોનું નુકસાન પહોંચાડી શકો, કેટલાક વિસ્તારોમાં ખુલ્લેઆમ પિસ્તોલ સહિતના હથિયારો લહેરાવી શકો, ક્યાંક ક્યાંક તોડફોડ અને આગજની કરી સમગ્ર રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નાર્થ સર્જી શકો તો રિઝર્વેશન તમારું જ છે. તમે સરકાર પાસે ધારો એ મુજબ લટુડા પટુડા કરાવી શકો છો. આવો, હુલ્લડો કરો અને અનામત લઈ જાવ. તમારી વધુ આરક્ષણ મેળવવાની લાયકાત આર્થિક-સામાજિક પછાતપણુ નહીં બલ્કે તમારી હુડદંગ મચાવવાની ક્ષમતા છે. બોલો ભારત માતા કી જય… {ફેસબુક પર ‘My Notes’માં તમે આ આખો લેખ(‘આતંકવાદીઓ’ને અનામત: નાગાની પાંચશેરી ભારે: વિકાસશીલ દેશની પછાતપદુડી ‘પરજા’!) વાંચી શકશો.} નિલેશ અરવડિયાની ક્લિપમાં આ ફકરામાં લખી છે અદ્દલ એવી જ વાતો પડઘાતી હતી. એ પણ બહુ ઘાતકી શબ્દોમાં. બાય ધ વે, મોરબીમાં આંદોલનને વેગ આપનારા મનોજ પનારા નિલેશ અરવડિયા સામેની પોલીસ કાર્યવાહીના વિરોધમાં કહે છે કે, ‘સરકાર અંગ્રેજો કરતા પણ બદતર છે. કારણ કે, આઈએસના ઝંડા ફરકાવનારા, કરોડોના કૌભાંડ કરનારા તેમજ લાંચ લેનારા લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી થતી નથી. જ્યારે પોતાના હક માટેની લડાઈ લડનારા પાટીદારો સામે કાયદાની ખોટી પરિભાષાનો ઉપયોગ કરીને પાટીદાર આગેવાનોને દબાવવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગાંધી ચિંધ્યા માર્ગે, લોકશાહી ઢબે આંદોલન ચાલુ રહેશે અને અમારો હક મેળવીને રહીશું. સરકાર અને પોલીસને પાટીદાર યુવાનો સામે જે કલમો લગાવવી હોય તે લગાવે તેનાથી પાટીદાર યુવાનો અને અમે આગેવાનો ડરી જવાના નથી.’ મનોજ પનારાએ સમજવું જોઈએ કે, કાશ્મીર ફરકતા આઈએસના ઝંડા કે કરોડોના કૌભાંડોના ઉદાહરણો આપીને ગુજરાતના તોફાનો કે તોફાનો ભડકાવવાની પ્રવૃત્તિને જસ્ટિફાઈ ન કરી શકાય. આઈએસના ઝંડા કે કૌભાંડો સામે વિરોધ હોય તો તેની સામે કાર્યવાહી થાય એ માટે વિરોધ પ્રદર્શનો કરવા જોઈએ. નહીં કે એના ઉદાહરણો આપીને લોકોને ભડકાવવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. આંદોલન કરો. કોણ ના પાડે છે? પણ નિલેશ અરવડિયાની ભાષા આંદોલનની નહીં પણ અરાજકતાની હતી. તમે કહો છો કે, ગાંધી ચિંધ્યા માર્ગે, લોકશાહી ઢબે આંદોલન ચાલુ રહેશે તો જરા એ પણ જણાવી દો કે ગાંધીજીએ ક્યારે નિલેશ અરવડિયાની જેમ રેલવેના પાટા ઉખાડી નાખવાની હાકલો કરેલી? બસો સળગાવવી એ ક્યાંની લોકશાહી છે? મુખ્યમંત્રી અને વડાપ્રધાન સહિતના મોટા નેતાઓ અને અન્ય જ્ઞાતિઓને ગંદી ગાળો ભાંડવી એને હક માટેની લડાઈ ન ગણાવી શકાય. એ ગાંડપણ કહેવાય. લોકશાહી લોકોને તોફાનો કરવાની કે લોકોને તોફાનો માટે ઉશ્કેરવાની આઝાદી નથી આપતી. લોકોને ઉશ્કેરનારા દરેક વ્યક્તિ સામે કાર્યવાહી થવી જોઈએ. પછી ભલે એ નિલેશ અરવડિયા હોય, હાર્દિક પટેલ હોય કે અલ્પેશ ઠાકોર હોય.
ફ્રી હિટ: કેળવણી બે પ્રકારની છે. એક કેળવણી માણસને માણસાઈનું ભાન કરાવે છે. બીજી માણસની માણસાઈ લઈ લે છે. -સરદાર પટેલ