skip to Main Content

Tushar Dave - Journalist, Author

Uncategorized

મોત: જિંદગીનું એક ખુબસુરત કન્ક્લુઝન: જન્મદિવસનું ‘મૃત્યુચિંતન’!

May 23, 20155 second read

23 May 2015 at 11:50

આજે મારો જન્મદિવસ છે. દરેક વ્યક્તિ માટે જન્મદિવસ એક વ્યક્તિગત તહેવાર જેવો હોય છે. દર વર્ષે આવતો જન્મદિવસ કદાચ એ વાતની ખાતરી આપવા આવે છે કે એક વાર મરણદિવસ પણ અચૂક આવશે. પણ આપણે કદી મોત વિશે વિચારતા જ નથી.(આપણા મોત વિશે તો નહીં જ.) નહીં તો મહાભારતમાં યુધીષ્ઠીરે આપેલો યક્ષપ્રશ્નનો જવાબ જ ખોટો સાબિત થાય ને?

જિંદગીની સૌથી રહસ્યમય ઘટના કોઈ હોય તો એ મોત છે. મોત વિના જિંદગી પણ જિંદગી ન હોત. જો મોતનું અસ્તિત્વ જ ન હોત તો જિંદગીને લવ પણ કોણ કરતું હોત? મોત છે, મોત આવે છે એટલે જ જિંદગી સારી લાગે છે. મોત ન હોત તો આખી માનવજાત પાગલની જેમ ભટકતી હોત. ને કદાચ ભીષ્મની ઈર્ષામાં સળગતી હોત.

આઈ થિંક જન્મદિવસ જીવનના રોડ પર આવતો એ માઈલસ્ટોન છે જેના પર ચડી, એક ઉંડો નિરાંતનો શ્વાસ ભરી વિતેલા વર્ષો પર એક અછડતી નજર કરી લેવી જોઈએ. આગળ જોવું તો શક્ય જ નથી. કારણ? કારણ મોત. જન્મદિવસ તો ફિક્સ જ હોય છે કે એ આ તારીખે આવશે પણ મૃત્યુદિવસની તારીખ વિશ્વનું કોઈ કેલેન્ડર બતાવવાનું નથી. તમે ગમે તેટલુ આગળનું વિચારી રાખ્યુ હોય પણ મૃત્યુદિવસ કદાચ આવતીકાલે પણ આવી શકે અને શક્ય છે કે તમે આગળનું વિચારેલુ બધુ જ મનમાં રહી જાય. માટે એકવાર પાછળ નજર મારીને ચેક કરી લેવું જોઈએ કે આપણે આપણા મોત પહેલા શું શું કરવા ધારેલુ?

એ જરૂરી નથી કે મોત પહેલા કરવાની વાતો બધી મોટી ધાડ મારવાની જ હોય. એ મનપસંદ ફિલ્મો જોઈ નાખવા કે કેટલુક સાહિત્ય વાંચી નાખવાની પણ હોઈ શકે. કરિયરનો કોઈ ગોલ પણ હોઈ શકે. એક વાર જરા એ તપાસી લેવું જોઈએ કે દિશા તો યોગ્ય જ છે ને? જો દિશા ભટકાયેલી લાગે તો જરા ‘મૃત્યુચિંતન’ કરી લેવું. જાતને એ વાતનો વિશ્વાસ આપવો કે મોત ‘પીકુ’ના ભાસ્કોર બેનર્જીના મોશન જેવું છે. એ ગમે ત્યારે આવી શકે છે. એ આવે એ પહેલા તમે શું કરી લેવા ઈચ્છશો?

મૃત્યુ જ પૃથ્વીનું સંતુલન જાળવી રાખે છે. ફિલ્મ ‘સમ્રાટ એન્ડ કંપની’માં જેની ગંગોત્રી વિદેશી ફિલ્મ કે સાહિત્યમાં હોવાનો મારો અંદાજ છે તેવો એક અદભુત ડાયલોગ સાંભળેલો કે, ‘મોત જિંદગી કા એક ખુબસુરત કન્ક્લુઝન હૈ.’

કલા નિર્દેશક પિતા છેલ વાયડાના અવસાન બાદ સંજય છેલે લખેલા મોત પરના આર્ટિકલને હું મેં વાંચેલા મોત પરના શ્રેષ્ઠ આર્ટિકલ્સ પૈકીનો એક માનું છું. સંજય છેલે લખેલુ કે, ‘મોત, બુદ્ધના નિર્વાણ સમયે મિંચાતી આંખ છે. દેવદૂતોની વીંઝાતી પાંખ છે. બળી ગયેલા શરીરની મુઠ્ઠીભર રાખ છે. એ કબરની ગહન ખામોશીમાં છે. એ ગંગાજળની શીશીમાં છે. ઘૂંટણની વ્યાધિમાં કે આધાશીશીમાં છે. મોત, જિંદગીને ઇન્સ્ટોલમેન્ટમાં મળેલ ભેટ છે. મોત, કયારેક ઉતાવળું તો કયારેક ખૂબ લેઇટ છે.’

મોત આ વિશ્વની સૌથી બિનસાંપ્રદાયીક ઘટના છે. હિન્દુ હોય કે મુસ્લિમ, ગરીબ હોય કે તવંગર દરેક વ્યક્તિ અચુક મોતને ભેટે છે. મોતને ભેટેલા દરેક વ્યક્તિના શ્વાસ બંધ થઈ જાય છે. ગની દહીંવાલાનો એક અદભુત શેર છે-

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

જો શ્વાસ બંધ કરવાની સુવિધા આપતા મોતનું અસ્તિત્વ જ ન હોત તો હદયમાં લબકારા મારતી આગને ઠારવા કઈ ફાયરબ્રિગેડ આવતી?

*ફ્રી હિટ*

‘જિંદગી તો બેવફા હે એક દિન ઠુકરાયેગી,
મોત મહેબુબા હે અપને સાથ લેકર જાયેગી.’

-અંજાન

 

Share this Article
Further Reading
Trending Articles

No Comments

Back To Top