આજે દેશના રાષ્ટ્રીય રાજકારણમાં સૌથી વધુ ચર્ચાતુ કોઈ નામ હોય તો તે છે ભાજપના પ્રચારનું સુકાન સંભાળનારા અને વડાપ્રધાન પદના ઉમેદવાર મનાતા નરેન્દ્ર મોદી. કટાક્ષમાં કહીએ તો આજકાલ મોદી છીંક ખાય તો પણ ન્યુઝ બને છે. તેમણે તાજેતરમાં જ એક વિધાન કરેલુ કે મારું મૌન પણ વેચાય છે. તેઓ જે મુદ્દે નથી બોલતા તે પણ રાષ્ટ્રીય લેવલે ચર્ચાનો વિષય બને છે. તો પછી તેઓ જેના પર બોલે તેની તો વાત જ શું કરવી? નરેન્દ્ર મોદીની શાણી વાણી જ તેમનું સૌથી મોટું હથિયાર છે. તેમની વકત્તૃત્વશક્તિના જાદુનો સ્વીકારતો તેમના દુશ્મનો પણ કરે છે, પછી ભલે તેને નામ કોઈ બીજૂં આપતા હોય. એક વાત તો નિશ્વીત છે કે આ દેશના રાજકીય તખ્તા પર અને મીડિયા પર મોદીના વિધાનો બહુ મોટા તરંગો સર્જે છે. એવા શક્તિશાળી તરંગો જેને અવગણી શકાતા નથી. સાથી પક્ષો ઉપરાંત પક્ષના મોવડીઓની નારાજગી છતાં ભાજપ અને સંઘને પ્રચારનું સુકાન સંભાળવા માટે મોદી જ સૌથી યોગ્ય ઉમેદવાર લાગ્યા અને તેમને વિરોધ વંટોળની વચ્ચે એ જવાબદારી સોંપવામાં પણ આવી. કોઈ સમર્થન કે વિરોધ વિના તટસ્થ રીતે તેમની વકતૃત્વ કળા ચર્ચા અને અભ્યાસનો વિષય તો છે જ. પ્રસ્તુત છે મોદીના વકતૃત્વની કેટલીક ઓબ્ઝર્વ કરેલી ઉડીને આંખે વળગતી ખૂબીઓ…..
જકડી લેતી શરૂઆત
મોદી પોતાની સ્પીચની શરૂઆતમાં જ જનમાનસને જકડી લ્યે છે. તેઓ ઉપસ્થિત લોકોની નામાવલિ બોલવાની ઔપરચારીકતા પતાવીને તરત જ એકાદો એવો મમરો મૂકી દે છે જેનાથી લોકોમાં રમૂજની લહેર ફરી વળે છે. તેઓ ક્યારેક કેમેરામેનો સામે જોઈને કોમેન્ટ કરે છે કે ‘પાડી લ્યો ભાઈ અહીં જ છું ક્યાંય નથી જવાનો!’ તો કોઈ ઉંચા મકાન પર ચડીને ભાષણ સાંભળનારાને સંબોધીને કહે છે કે જોજો પડતા નહીં વળી મારું નામ આવશે કે મોદીને સાંભળવા ગયા હતા અને પડ્યાં! તેમની આવી પરિસ્થિતિજન્ય શીઘ્ર કોમેન્ટથી લોકોમાં ઉત્સાહનો સંચાર થાય છે.
સુયોગ્ય સંદર્ભ
નરેન્દ્ર મોદી જનમાનસની નાડ પારખે છે. તે જ્યાં બોલવાના હોય તે શ્રોતા વર્ગની જ્ઞાતી, જાતિ, ઉંમર અને બુદ્ધિક્ષમતા અને વિચારધારા સહિતના પાસાઓની તૈયારી કરીને પોતાની સ્પીચ આપે છે. મોદીને હંમેશા ક્યાં કયા જનસમુદાયને ક્યાં અને કયા મુદ્દે દાણો ચાંપવો તેની સુઝ રહી છે. તે દિલ્હીની શ્રીરામ કોલેજમાં યુવા વર્ગને સંબોધતા હોય તો ‘ગ્લાસ પૂરો ભરેલો, અડધો હવાથી-અડધો પાણીથી’ જેવો પ્રેક્ટિકલ અને યુનિક સંદર્ભ ટાંકે છે. ‘ફિક્કિ’ની મહિલા પાંખને સંબોધતા હોય તો ગુજરાતના ખાખરા-પાપડ અને યશુમતિબેનના પીઝાના સંદર્ભો લઈ આવે છે. અને વાંકાનેરમાં કેસરીસિંહના ભાજપપ્રવેશ સમયે ગુજરાતભરના રાજપુતો એકત્રિત થયા હોય તેવા સમયે રાજપુતોનો ઈતિહાસ ઉખેડીને સામે મૂકી દે છે. આ રીતે મોદીની સ્પીચમાં શ્રોતાઓની સમજાનુસાર સુયોગ્ય સંદર્ભ જોવા મળે છે.
આક્રમકતા
સ્પીચમાં આક્રમકતા એ મોદીની વાકછટાની એક આગવી ઓળખ રહી છે. મોદીની ગણના શરૂઆતથી જ ભાજપના ફાયરબ્રાન્ડ નેતાઓમાં થાય છે. તેમની શૈલી તેજાબી છે. તેમણે પોતાની સ્પીચમાં હંમેશા પાકિસ્તાન જેવા જનમાનસ પર ચોટ કરનારા સંવેદનશીલ મુદ્દાઓ પર આક્રમકતા દાખવી છે. તેઓ ગુજરાતમાં અક્ષરધામ હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓ માટે પાકિસ્તાનના ‘ભાડાના ટટ્ટુઓ’ શબ્દપ્રયોગ કરે છે. ગુજરાતમાં બેઠા બેઠા તેઓ મિયાં મુશરર્ફના નામના હાકલા પડકારા કરી જાણે છે. તો તેમની ‘ગુજરાતને બદનામ કરનારા આલિયા, માલિયા, જમાલિયાઓ જાણીલે….ગુજરાત કોઈને છેડતુ નથી અને કોઈ છેડે તો છોડતુ નથી…’ જેવા ફિલ્મી લાગતા આક્રમક સંવાદોની ઓડિયોક્લિપ તો તેમના ફેન્સ પોતાના મોબાઈલમાં રાખીને ફરે છે. તેમની આ આક્રમકતાનો પણ એક મોટો ચાહક વર્ગ છે. આ આક્રમકતા થકી જ તેમણે હિન્દુહદય સમ્રાટનું બિરૂદ મેળવેલું.
ઉત્સુકતા
પ્રેરક’શોલે’ જેવી પ્રખ્યાત ફિલ્મ લખનાર લેખક બેલડી સલીમ-જાવેદે એક ઈન્ટરવ્યુમાં પોતાની સફળતાનું રહસ્ય જણાવતા કહ્યું હતું કે, દર્શકને દર પાંચ મિનિટે એ સવાલ થવો જોઈએ કે ‘હવે શું થશે?’ આ ‘હવે શું થશે?’વાળી ઉત્સુકતા હંમેશા મોદીની સ્પીચમાં જોવા મળી છે. એક મુખ્યમંત્રી તરીકે કે એક રાજકારણી તરીકેની સ્પીચમાં કેટલીક વિગતો હંમેશા એકની એક આવે કે કેટલીક વાતો સ્ટિરીયોટાઈપ લાગે તે તમામ મર્યાદાઓ છતાં મોદીની બાબતે સામાન્ય શ્રોતાઓ ઉપરાંત પત્રકારઆલમમાં પણ મોદી ‘આજે શું બોલશે?’, ‘આ મુદ્દે શું બોલશે?’, ‘આ મામલે શું પ્રતિક્રિયા આપશે?’ જેવી ઉત્સુકતા કાયમ જોવા મળી છે. લોકોને કાયમ એ ઉત્સુકતા રહી છે કે મોદી કંઈક નવું લઈ આવશે. કોથળામાંથી બિલાડું કાઢશે. મોદીની સ્પીચ બાદની લોકોની પ્રતિક્રિયા પણ જબરૂ લઈ આયા હો બાકી…ટાઈપની હોય છે.
જબરદસ્ત હોમવર્ક
નરેન્દ્ર મોદીની સ્પીચમાં જબરદસ્ત હોમવર્ક જોવા મળે છે. કન્યા કેળવણીથી લઇને ત્રાસવાદ, ડિઝાસ્ટર મેનેજમેન્ટથી લઇને ઇકોનોમિક્સ, સાયન્સપોલિટિક્સ કે ધર્મશિક્ષણ કોઇપણ વિષય પર મોદી ક્વોટેબલ કવોટ્સ આપી શકે છે. ગુજરાતમાં વિધાનસભાના કેટલા દિવસો વેડફાયાના રાહુલ ગાંધીના પ્રહાર બાદ રાત પડે તે પૂર્વે જ મોદી પોતાની સ્પીચમાં લોકસભામાં રાહુલ ગાંધીની ગેરહાજરીના આંકડા ટાંકીને વળતો પ્રહાર કરી નાખતા જોવા મળે છે.
ક્વિક રિસ્પોન્સ
મોદી પોતાના પર થયેલા પ્રહારોનો ક્વિક રિસ્પોન્સ અને તે પણ ઈંટનો જવાબ પથ્થરથી આપવાની શૈલી માટે જાણીતા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીપૂર્વેના પ્રચાર જંગમાં મોઢવાડીયાએ જ્યારે તેમને વાનરની ઉપમા આપી ત્યારે તેમણે હનુમાન અવતાર ધારણ કરીને કહેલું કે, મને વાનર કહેનારાઓને રામાયણની ખબર નથી. નહીં તો તેમને ખબર હોત કે વાનરસેનાની તાકાત શું હોય? મોદીના આ વળતા પ્રહારનો બચાવ કરવાના કોંગ્રેસી નેતાઓને રીતસરના ફાંફા પડી ગયેલા. સોનિયા ગાંધીના ભાષણના ‘મોતના સોદાગર’વાળો કિસ્સો જબરદસ્ત ચગેલો. તેમણે કીધું કે બેન ખોટું વાંચી ગયા લાગે છે લખ્યુ હશે ‘મતના સોદાગર’. હું મતનો સોદાગર તો છું જ. તેમની પ્રિયંકા ગાંધી સામેની બુઢીયા-ગુડીયાવાળી કવ્વાલી તો કેમ ભુલાય? તેમણે એક વાર કોંગ્રેસને સવાસો વર્ષની બુઢીયા ગણાવી દીધી. તેના જવાબમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ક્યા મેં બુઢીયા લગતી હું? તો મોદીએ ફરી વળતો પ્રહાર કર્યો કે ઠીક હે ‘બુઢીયા નહીં અબ ગુડીયા કોંગ્રેસ કહેંગે’. જો કે આ ક્વિક રિસ્પોન્સવાળો ગુણ તેઓ જ્યાં આપવા માંગતા હોય ત્યાં જ લાગુ પડે છે. ઉલ્લેખનિય છે કે વિધાનસભા ચૂંટણી વેળા તેમણે કેશુ બાપાના એક પણ પ્રહારનો જવાબ આપ્યો નહતો. તેઓ મૌનનનો પણ સૂપેરે ઉપયોગ કરી જાણે છે. તેમણે તાજેતરમાં જ કહેલું કે ‘મારું મૌન પણ વેચાય છે.’
શાર્પ સેન્સ ઓફ હ્યુમર
મોદીની સ્પીચમાં શાર્પ સેન્સ ઓફ હ્યુમર જોવા મળે છે. તેમની હ્યુમરની શાર્પનેસના અનેક લોકોને મીઠા કે કડવા અનુભવો થઈ ચૂક્યા છે. તેમણે કોંગ્રેસના ‘દશા બદલો દિશા બદલો’ અભિયાનની (કોંગ્રેસના આંતરિક બળવાના સંદર્ભમાં) કોંગ્રેસને ખુદને દિશા નથી મળતી એમ કહીને ઉડાળેલી ઠેકડી કોણ ભુલી શકે?