>આવું પહેલીવાર નથી બન્યુ કે કોઈ પબ્લિક ફિગરને તેની જાણ બહાર મોદીના સમર્થક ચિતરવાનો પ્રયાસ થયો હોય
ન કરેલા કામોનો જશ લેવામાં અમુક સમય બાદ એવી સ્થિતિ પેદા થતી હોય છે કે કરેલા કામોનો જશ પણ દેવા લોકો તૈયાર ન થાય. મોદીને અનકરપ્ટેબલ ગણાવતુ જુલિયન અસાંજેનું પોસ્ટર અને ત્યારબાદ આવેલા વિકિલિક્સના ખુલાસા બાદ હવે તો મોદી સમર્થકોએ પણ સ્વીકારી લેવું જોઈએ કે પ્રચારમાં અતિશયોક્તિ થાય છે. થઈ છે. થઈ રહી છે.
ગોબેલ્સ પ્રચારના ચક્કરમાં મોદીની લોકપ્રિયતા સેચ્યુરેશન પોઈન્ટ ન વટી જાય. જુલિયન અસાંજેના નામનો જે રીતે ઉપયોગ થયો ને પછી વિકિલિક્સનો ખુલાશો આવ્યો એની ખુદ મોદી સમર્થકોએ વેલવિશર તરીકે, ડેવિલ્સ એડવોકેટ તરીકે ટીકા કરવી જોઈએ. કોઈ સ્ટેન્ડ લેવું જોઈએ. આવું પહેલીવાર નથી બન્યુ કે કોઈ પબ્લિક ફિગરને તેની જાણ બહાર મોદીના સમર્થક ચિતરવાનો પ્રયાસ થયો હોય. અથવા તેના નામે કોઈ પ્રચારપંક્તિ ચલાવી દેવામાં આવી હોય.
સારા તેન્ડુલકરે મોદીની પ્રસંશા કર્યાના સમાચાર ચગ્યા પછી ખુદ સચિને ખુલાશો કરવો પડ્યો કે જેના પરથી પ્રસંશા થઈ તે એકાઉન્ટ ડમી હતું. અમિતાભ બચ્ચન મોદીને વડાપ્રધાન પદે પ્રમોટ કરતા હોય તેવો વીડિયો ફરતો થયો. બચ્ચને બીજે ક્યાંક આપેલો અવાજ તેમા યુઝ કરાયેલો. બિગ બીએ નારાજગી વ્યક્ત કર્યા બાદ ખુદ મોદીએ એ મામલામાં કુદીને એ વીડિયો સર્જનારને માફી માંગવાની જાહેર અપીલ કરવી પડી હતી. અંતે રાજકોટના સંગીતકારે બિગ બીની માફી માંગવા લાંબા થવું પડેલું. ત્યારબાદ પણ લાંબા સમય સુધી બચ્ચન આ ‘છોકરમત’ સામે નારાજ રહ્યા હોવાના અહેવાલો આવતા રહ્યા હતા.
કુલ મળીને મોદી અને મોદી સમર્થકોએ અંધપ્રચારથી પરહેજ કરવો જોઈએ. ગમે તેવા પ્રચારતૂતને ફોર્વર્ડ અને શેર કરવામાં પણ સાવધાની રાખવી જોઈશે. નહીં તો એક સમયે ‘વાઘ આવ્યો વાઘ આવ્યો’ જેવી સ્થિતિ પેદા થવાની ભીતી છે. ને આમ જ ચાલ્યુ તો એક સમય એવો પણ આવી શકે કે સાચા પ્રચાર કે વખાણ પર પણ લોકો વિશ્વાસ નહીં કરે. જેમાં જશ આપવા જેવો હશે એ પણ લોકો નહીં આપે. મોદી અને તેમના સમર્થકો એ સમજે તો સારું. નહીં તો કેટલીક ઈમારતો પોતાના ભારથી જ તૂટી પડતી હોય છે!